Back કથા સરિતા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 40)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.

મુઘલાઈ યુદ્ધોઃ  ગોલકોંડાનું યુદ્ધ (૧૬૮૭) - 2

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

ગત હપ્તામાં આપણે ઔરંગઝેબના બીજાપુરના આદિલશાહ સાથેના યુદ્ધનો વૃત્તાંત જોયો. એક રીતે બીજાપુર તો મુઘલો માટે ગોલકોંડા જીતવાનો એક મુકામ માત્ર હતો. પોતાના શાસનના શરૂના સમયે ઔરંગઝબે દક્ષિણ ભારતમાં રાજ્યપાલો નિયુક્ત કરી તેમના દ્વારા જ શાસન ચલાવ્યું હતું. દરમિયાન બીજાપુર, ગોલકોંડા અને મરાઠાઓ માથું ઊંચકી રહ્યા હતા. મરાઠા સરદાર શિવાજી પણ કોંકણ પ્રદેશમાં તરખાટ મચાવી રહ્યા હતા. ઔરંગઝેબના તખ્તનશીન થયા પછી લગભગ ૩૯ વર્ષ સુધી ગોલકોંડાનું શિયાપંથી રાજ્ય મુઘલાઈના ખુલ્લેઆમ વિરોધમાં ન હતું. તેથી જ તે મુઘલોની સામ્રાજ્યવાદી નીતિનો ભોગ બન્યું ન હતું.

પરંતુ ઈ.સ. ૧૬૭૨માં અહીંના અબ્દુલ્લા કુતુબશાહના અવસાન પછી સુલતાન બનેલા તેના જમાઈ અને કુતુબશાહી વંશના છેલ્લા સુલતાન અબુલ હસનની વિઘાતક પ્રવૃત્તિઓથી તે મુઘલો અને ઔરંગઝેબના રડારમાં આવ્યું હતું. તેના કેટલાંક ખાસ કારણો હતાં. એક તો, સુલતાન ખુદ ભોગવિલાસમાં રચ્યોપચ્યો રહેતો અને તેના વતી મદન્ના અને અક્કન્ના નામના બે બ્રાહ્મણ ભાઈઓ રાજ કારભાર ચલાવતા હતા. જેઓ ઇસ્લામના કટ્ટર વિરોધી હતા અને કટ્ટર સુન્ની મુસલમાન ઔરંગઝેબ આ વાત ક્યાંથી સાંખી શકે? બીજું કે ઈ.સ. ૧૬૭૬માં આગ્રાના કિલ્લામાંથી કુનેહપૂર્વક નીકળી આવેલા શિવાજીનું કુતુબશાહી ભવ્ય સ્વાગત કર્યું. એટલું જ નહીં, તેમના મુઘલોએ જીતેલા કિલ્લાઓ પાછા મેળવવામાં તેણે ઘણી મદદ કરી હતી. વળી, તે મુઘલ સરકારને નક્કી કરેલી વાર્ષિક ખંડણી પણ ભરતો ન હતો. આમ ઘણાં બધાં પરિબળો ભેગાં થયાં અને પરિણામે મુઘલોનું ગોલકોંડા સાથેનું યુદ્ધ.

ઔરંગઝેબના તખ્તનશીન થયા પછી લગભગ ૩૯ વર્ષ સુધી ગોલકોંડાનું શિયાપંથી રાજ્ય મુઘલાઈના ખુલ્લેઆમ વિરોધમાં ન હતું. તેથી જ તે મુઘલોની સામ્રાજ્યવાદી નીતિનો ભોગ બન્યું ન હતું.

ગોલકોંડાને સીધું કરવા માટે ઔરંગઝેબે શાહજાદા શાહઆલમને રવાના કર્યો. તેણે યુદ્ધથી દૂર રહેવા ગોલકોંડાના સુલ્તાનને સંદેશો મોકલી સુલેહ અપનાવવા કહેણ મોકલ્યું. તેની સાથે કેટલીક આકરી શરતો પણ હતી. જેને ગોલકોંડાના સુલતાને નકારી કાઢી. તેથી ઔરંગઝેબે શાહઆલમને જુલાઈ ૧૬૮૫માં હૈદરાબાદ પર આક્રમણ કરવા હુકમ કર્યો. બાદશાહ સલામતના હુકમનાપાલન માટે શાહઆલમ નીકળી પડ્યો. સૈન્ય લઈ ગોલકોંડા પહોચતાં પહેલાં કુતુબશાહી લશ્કરે મુઘલ ફોજને રોકી રાખી. પણ મુઘલોએ તેમની અગાઉની નીતિ અહીં પણ અપનાવી. કુતુબશાહી સૈન્યના સરસેનાપતિ મીર મુહમદ ઈબ્રાહીમને લાંચ આપી ફોડી નાખ્યો. તેની સાથે જ સુલતાન રાજધાની હૈદરાબાદ છોડી ગોલકોંડાના કિલ્લામાં ભરાયો.


શાહઆલમે કેટલાક પ્રદેશો જૂની ખંડણી અને યુદ્ધ દંડ તથા કુતુબશાહી વહીવટમાંથી હિંદુ વહીવટદારોની બાદબાકી જેવી આકરી શરતો મૂકી. સુલતાન અબુલ હસન બીજું બધું સ્વીકારવા તૈયાર હતો, પણ રાજ્ય વહીવટમાંથી બે મુખ્ય હિંદુ વહીવટદારોને હટાવવા તૈયાર ન હતો.


આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિક સરદાર શેખ મિન્હાજ અને કેટલાક અસંતોષી મુસ્લિમો સાથે મળી મર્હુમ સુલતાનની બે વિધવા પત્નીઓએ કાવતરું કરી હિંદુ વહીવટદાર ભાઈઓની હત્યા કરી નાખી અને તેમનાં માથાં શાહઆલમને મોકલી આપ્યાં. તે પછી મોજમાં આવેલા મુઘલ સૈન્યે ગોલકોંડામાં ભયંકર લૂંટફાટ અને હિંદુઓમાં કત્લેઆમ ચલાવી. પરંતુ આટલા માત્રથી ઔરંગઝેબ ખુશ ન થયો. તે ગોલકોંડાની શરણાગતિ સ્વીકારવા નહીં, તેની સ્વતંત્રતા જ ખત્મ કરવા ચાહતો હતો. આવા ઈરાદા સાથે ખુદ ઔરંગઝેબ નવી સેના સાથે ૨૮ જાન્યુઆરીના રોજ ગોલકોંડા પાસે પહોંચ્યો અને સુલતાને શરણ લીધું હતું તે ગોલકોંડાના કિલ્લાને ઘેરો ઘાલ્યો.

પરંતુ શાહજાદા શાહઆલમે ખાનગીમાં ભેટસોગાદો સ્વીકારી ઔરંગઝેબ પર સુલતાનને માફી આપવા માટે દબાણ કર્યું. જેનો ખ્યાલ ઔરંગઝેબને આવી જતાં તેણે શાહઆલમ અને તેના પરિવારને કેદ કર્યો, તેની મિલકતો જપ્ત કરી. દરમિયાન કેટલાક ચુસ્ત શિયા અને સુન્ની મુસ્લિમ બિરાદરોએ મુઘલો અને ગોલકોંડાના યુદ્ધને મુસ્લિમો વચ્ચેનું યુદ્ધ હોવાથી તેનો વિરોધ કર્યો. પણ ઔરંગઝેબ તેમનું માન્યો નહીં અને ગોલકોંડાનો ઘેરો વધુ મજબૂત બનાવ્યો. પરંતુ કિલ્લાની અંદરથી થતો સતત તોપમારો, સતત વરસાદ, યુદ્ધ સામગ્રીની ખેંચ અને રોગચાળાને લઈ મુઘલ સેના ઘણી મુસીબતમાં હતી. તેનો લાભ ઉઠાવી કુતુબશાહી સેનાએ ૧૫ જૂન ૧૬૮૭ના રોજ રાત્રે મુઘલ તોપખાના પર અચાનક હુમલો કરી શાહી તોપચી ગેરત ખાન અને બીજા ૧૩ ઉચ્ચ મુઘલ અધિકારીઓને ગિરફતાર કર્યા. આ ઘટના પછી ઔરંગઝેબે ત્રણ સુરંગો ખોદાવી તેને દારૂગોળાથી સજ્જ કરી, પણ ત્રણેય સુરંગોની યોજના નિષ્ફળ ગઈ, પણ ઘેરો ચાલુ રાખ્યો અને ગોલકોંડા હવે મુઘલ સામ્રાજ્યનો ભાગ છે તેવી જાહેરાત કરી દીધી.


આટલું થવા છતાં અને કિલ્લાનો મજબૂત ઘેરો હોવા છતાં સફળતા ન મળતાં ઔરંગઝેબે અબ્દુલ પાની નામના અફઘાન સરદારને ફોડી નાખ્યો. તેણે ૨૧ સપ્ટેમ્બર ૧૬૮૭ના રોજ રાત્રે ગોલકોડાના કિલ્લાનો દરવાજો મુઘલ ફોજ માટે ખોલી નાખ્યો અને પ્રાચીન કાલથી જ થતું આવ્યું છે તેમ "ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને"ની કહેવત મુજબ ગોલકોંડા પડ્યું. અબ્દુલ રઝાક લારી જેવા કેટલાક કુતુબશાહી સેનાપતિઓ આખરી દમ સુધી મુઘલો સામે ઝઝૂમ્યા. તેના શરીર પર ૭૦ જેટલા ઘા પડવા છતાં તે હાર્યો નહીં. તેના સાહસ અને શૂરવીરતાની કદર તો શત્રુ ઔરંગઝેબે પણ કરી હતી. અબ્દુલ રઝાકની સાથે ગોલકોંડા મુઘલોના હાથમાં આવી ગયું. અહીંના સુલતાનને રાજકેદી બનાવી ગોલકોંડાને સપ્ટેમ્બર ૧૬૮૭માં મુઘલ સામ્રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું.

ગોલકોંડા કિલ્લાનો મજબૂત ઘેરો હોવા છતાં સફળતા ન મળતાં ઔરંગઝેબે અબ્દુલ પાની નામના અફઘાન સરદારને ફોડી નાખ્યો. તેણે ૨૧ સપ્ટેમ્બર ૧૬૮૭ના રોજ રાત્રે ગોલકોડાના કિલ્લાનો દરવાજો મુઘલ ફોજ માટે ખોલી નાખ્યો.

મુઘલોના ગોલકોંડા સાથેનો સંઘર્ષ પૂરા આઠ મહિના અને દસ દિવસ ચાલ્યો હતો અને ગોલકોંડા વિજય સમશેર અને ભાલના બળે નહીં, પણ લાંચ-રુશ્વત અને દગાખોરીના આધારે મેળવેલો વિજય હતો. "પ્રેમ ઔર યુદ્ધ મેં સબ કુછ જાયઝ હૈ" તેનું ઉમદા દૃષ્ટાંત ક્યાંય પ્રત્યક્ષ થતું હોય તો તે ઔરંગઝેબનાં યુદ્ધોમાં થાય છે. પ્રેમ તો તેના જીવનમાં હતો નહીં. યુદ્ધોમાં બધા પ્રકારની યુક્તિઓ અપનાવવા છતાં ઔરંગઝેબની દક્ષિણ નીતિ મુઘલ સામ્રાજ્ય અને ખુદ ઔરંગઝેબની કબર બની હતી. તેથી જ તો ઔરંગઝેબના ઇતિહાસના અધિકારી વિદ્વાન સર જદુનાથ સરકારે વ્યક્તિગત રીતે ઔરંગઝેબને એશિયાના મહાન શાસકોમાંનો એક ગણાવ્યો છે, પણ સાથે જ તેનો ૫૦ વર્ષનો રાજ્યકાળ ભારતના ઇતિહાસમાં નિરાશાનો સમય ગણાવ્યો છે.


અહીં મુઘલાઈ અને ઔરંગઝેબનાં યુદ્ધોની વાત પૂરી કરી. આવતીકાલથી શિવાજીનાં કેટલાક મહત્ત્વનાં યુદ્ધોનો ચિતાર મેળવીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP