Back કથા સરિતા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 40)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.

મુઘલાઈ યુદ્ધોઃ ઔરંગઝેબનાં યુદ્ધો (મારવાડનું યુદ્ધ - ૧૬૮૧-૧૭૦૭)

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  

ત્રીજા મુઘલ બાદશાહ અકબરે રાજસ્થાનના રાજપૂત રાજાઓ સાથે સહિષ્ણુતાની નીતિ અપનાવી હતી, જેને તેના પછીના જહાંગીર અને શાહજહાંએ ખલેલ પહોંચાડ્યા વગર જાળવી રાખી હતી. પરંતુ ઔરંગઝેબ તેમાં અપવાદરૂપ મુઘલ હતો. તેણે અકબરના સમયથી ચાલી આવતી મૈત્રી અને સૌહાર્દપૂર્ણ રાજપૂત નીતિ ત્યાગી રાજપૂતો તરફ આક્રમક અભિગમ રાખ્યો હતો. તેનું પરિણામ એ મારવાડનું યુદ્ધ હતું. મારવાડ સાથે યુદ્ધ થવામાં બીજું કારણ વ્યાપારી હતું. કારણકે ગુજરાત સાથેના વ્યાપારી સંબંધોમાં મારવાડ રસ્તામાં પડતું હોવાથી આડખીલી સમું હતું. વળી, ઔરંગઝેબ તેના ભાઈઓ સાથે વારસાવિગ્રહ ખેલી રહ્યો હતો ત્યારે મારવાડનો રાજા જસવંતસિંહ શાહજાદા દારા શિકોહની પડખે રહ્યો હતો અને પરિણામ સ્વરૂપે ઔરંગઝેબે ઉત્તર ભારતના શક્તિશાળી રાજ્ય મારવાડને દાઢમાં રાખ્યું હતું. આમ, ઘણાં બધાં કારણો ભેગાં થયાં અને ઔરંગઝેબે મારવાડ સાથે યુદ્ધ કર્યું.

ઔરંગઝેબ તેના ભાઈઓ સાથે વારસાવિગ્રહ ખેલી રહ્યો હતો ત્યારે મારવાડનો રાજા જસવંતસિંહ શાહજાદા દારા શિકોહની પડખે રહ્યો હતો અને પરિણામ સ્વરૂપે ઔરંગઝેબે ઉત્તર ભારતના શક્તિશાળી રાજ્ય મારવાડને દાઢમાં રાખ્યું હતું.

યુદ્ધની ભૂમિકા ખુદ બાદશાહ ઔરંગઝેબે જ ઊભી કરી હતી. ૧૦ ડિસેમ્બર ૧૬૭૮ના રોજ મારવાડ -જોધપુરના રાજા જસવંતસિંહનું અવસાન થતાં તકનો લાભ ઉઠાવી ઔરંગઝેબે મારવાડને ખાલસા કરવા ઝડપી પગલાં ભર્યાં. મારવાડના હિંદુ મંદિરો તોડી પડાવી જસવંતસિંહની તિજોરી જપ્ત કરી અને લટકામાં મારવાડ પર જઝિયા વેરો દાખલ કર્યો. એટલું પૂરતું ન હોય તેમ ૨૬ મે ૧૬૭૯ના રોજ જસવંતસિંહના મોટાભાઈ અમરસિંહના પૌત્ર ઇન્દ્રસિંહ રાઠોડને ૩૬ લાખ રૂપિયા ફી આપવાની શરતે જોધપુરની ગાદીએ બેસાડ્યો. આમ મારવાડમાં ઔરંગઝેબ સફળ રહ્યો. પરંતુ તેની આ સફળતા ટૂંકજીવી નીવડી. મારવાડના નબળા શાસક ઇન્દ્રસિંહ સામે સ્થાનિક જાગીરદારો અને સેનાપતિઓ જસવંતસિંહના અજીતસિંહને મારવાડપતિ બનાવવા માગતા હતા, જે ઔરંગઝેબને મંજુર ન હતું. મુઘલ બાદશાહના આ પગલાથી રાઠોડ રાજપૂતોનું સ્વમાન ઘવાયું અને તેઓ મુઘલાઈ સામે મેદાને પડ્યા. તેમને નેતૃત્વ મળ્યું હતું બહાદુર અને વફાદાર સરદાર દુર્ગાદાસનું. ઔરંગઝેબે દુર્ગાદાસને લાલચ આપી ફોડવાનો પ્રયત્ન કર્યો, પણ તે લલચાયો નહીં. ઊલટું મારવાડના રાજા અજીતસિંહ અને તેની બે રાણીઓને પુરુષવેશે ઔરંગઝેબના દાયરામાંથી રવાના કરી દીધી. પછી રાઠોડો મુઘલો સામે મરણિયા થયા. દિલ્હીમાંથી અજીતસિંહના પલાયન થવાના સમાચારથી ઔરંગઝેબ વ્યાકુળ થયો. તેણે પોતાની આખી યોજના ધૂળમાં મળી જતી જોઈ નવો દાવ ખેલ્યો. એક ભરવાડના છોકરાને અજીતસિંહ તરીકે મારવાડ મોકલ્યો અને અસલ અજીતસિંહને નકલી શાસક ઘોષિત કર્યો. પરંતુ આ કપટથી પણ મુઘલોને કશો ફાયદો થયો નહીં.

આખરે ઔરંગઝેબે શાહજાદા અકબરને વિશાળ લશ્કર સાથે મારવાડ જીતવા મોકલ્યો અને પોતે નિયંત્રણ રાખવા અજમેરમાં રોકાયો. મેડતાના રાજા રાજસિંહની સરદારીમાં રાજપૂતોએ વીરતાથી મુઘલોનો સામનો કર્યો, પણ પુષ્કર પાસે તેઓ પરાસ્ત થયા. છતાં રાજપૂતોએ જંગલોમાં રહી ગેરિલા પદ્ધતિથી સંઘર્ષ ચાલુ રાખ્યો. હવે મારવાડ મુઘલ સામ્રાજ્યનો ભાગ બન્યું હતું. દરમિયાન મેવાડના રાજાઓ પણ મારવાડી રાજાઓની મદદે આવ્યા. બીજી તરફ ઔરંગઝેબનો ખોફ પણ જારી હતો. તેણે ચિતોડ આસપાસનાં ૧૭૨ મંદિરો તોડી પાડ્યાં અને શાહજાદા અકબરના નેજા નીચે ૧૨ હજારનું સૈન્ય મૂકી અજમેર પરત ફર્યો. મુઘલોએ મારવાડ પર બીજું આક્રમણ ૧૬૮૦ના વર્ષે કર્યું. આ ગાળામાં શાહજાદા અકબર પણ ઔરંગઝેબથી નારાજ ચાલતો હતો. તેનો લાભ લઈ દુર્ગાદાસે અને મારવાડના રાજાઓએ તેને મદદ કરી બાદશાહ બનાવવાનું સપનું પણ દેખાડ્યું. તારીખ ૨૩ ઓક્ટોબર ૧૬૮૦ના રોજ તે રાજપૂત સૈનિકોને લઈ બાદશાહ ઔરંગઝેબ સામે લડવા અજમેર ઊપડ્યો. પરંતુ ઔરંગઝેબ અહીં પણ ગંદી રમત રમ્યો. તેણે દૂત દ્વારા પત્ર મોકલી શાહજાદા અકબરની મારવાડમાંની પ્રવૃત્તિઓને બિરદાવી, પણ એ પત્ર રાજપૂતોના હાથમાં આવે તેવી ગોઠવણ કરી. બન્યું પણ તેની યોજના મુજબ જ. આ સાથે રાજપૂતો અકબર પ્રત્યે શંકાશીલ બન્યા અને અકબર મેવાડ ભણી નાઠો. આખરે ત્યાંથી દક્ષિણમાં અને છેલ્લે ૧૭૦૪માં ઈરાનમાં તેનું મૃત્યુ થયું.

ઔરંગઝેબે દુર્ગાદાસને લાલચ આપી ફોડવાનો પ્રયત્ન કર્યો, પણ તે લલચાયો નહીં. ઊલટું મારવાડના રાજા અજીતસિંહ અને તેની બે રાણીઓને પુરુષવેશે ઔરંગઝેબના દાયરામાંથી રવાના કરી દીધી. પછી રાઠોડો મુઘલો સામે મરણિયા થયા.

તે પછી પણ મારવાડનું મુઘલો સામેનું યુદ્ધ ચાલુ રહ્યું હતું. રાજા અજીતસિંહ વતી તેનો સેનાપતિ વીર દુર્ગાદાસ સેનાની કમાન સંભાળી રહ્યો હતો. તેણે ગેરીલા યુદ્ધ પદ્ધતિનો બખૂબી ઉપયોગ કરી મુઘલોને ખુબ હંફાવ્યા. તેણે ઠેઠ દિલ્હીના દરવાજા સુધી મુઘલ પ્રદેશ પર છાપા મારી સુબેદાર સફી ખાનને પણ હરાવ્યો હતો. પરંતુ ટૂંક સમયમાં જ મહારાજા અજીતસિંહે બાદશાહ સાથે સમાધાન કરતાં મારવાડના મુઘલો સાથેના આ લાંબા સંઘર્ષનો અંત આવ્યો હતો. જેમાં મારવાડ અને મુઘલ એમ બંને પક્ષે પારાવાર જાનહાનિ અને ધનહાનિ થઇ હતી. અલબત્ત, અનિર્ણાયક યુદ્ધની આ સ્થિતિમાં પણ દુર્ગાદાસ જેવા નરબંકાઓએ મારવાડની મુઘલો સામેની લડાઈને રાષ્ટ્રીય લડત બનાવી હતી. અહીં મારવાડના યુદ્ધની વાત પૂરી કરી. કાલે ઔરંગઝેબના શીખો સાથેના સંઘર્ષ પર વાત કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP