Back કથા સરિતા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 40)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.

મુઘલાઈ યુદ્ધો - ઔરંગઝેબનાં યુદ્ધો

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

મધ્યકાલીન ભારતીય ઇતિહાસમાં અકબર અને ઔરંગઝેબ બે અંતિમો કે સામસામેના છેડાનાં વ્યક્તિત્વો છે. અકબરને તેના ઉદારમત અને સાંપ્રદાયિક સૌહાર્દ માટે યાદ કરાય છે, તો ઔરંગઝેબને તેની ધાર્મિક કટ્ટરતા અને આક્રમક વલણ માટે. ઔરંગઝેબનાં યુદ્ધો નિમિત્તે તેના પ્રારંભિક જીવન વિશે થોડી વાત થવી જોઈએ. મુઘલ યુગના આમ તો છેલ્લા ગણાય તેવા આ બાદશાહ ઔરંગઝેબ વિશે ૧૧ વર્ષની મહેનત બાદ સૌથી પ્રમાણભૂત પુસ્તક - "ઔરંગઝેબનો ઈતિહાસ" (ચાર ભાગમાં) નામથી સર જદુનાથ સરકારે લખ્યું છે. ઔરંગઝેબનું આખુંનામ મુહિયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ અને શાહજહાં અને મુમતાઝ મહલનાં ૧૪ સંતાનોમાં છઠ્ઠા તરીકે ગુજરાતના દાહોદમાં થયો હતો. ઔરંગઝેબના દાદા જહાંગીર મુઘલ રસાલા સાથે ગુજરાતથી આગ્રા પરત ફરી રહ્યા હતા ત્યારે ૨૪ ઓક્ટોબર ૧૬૧૮ના રોજ દાહોદમાં જનમ્યો, પણ શાહજાદા તરીકે તેના જન્મની ભપકાદાર ઉજવણી ઉજજૈનમાં થઇ હતી. ઔરંગઝેબના જન્મસ્થાન દાહોદમાં તેના જન્મની સ્મૃતિ જાળવી રાખવા માટે મુસાફરોના વિશ્રામ માટે સરાઈ બાંધવામાં આવી હતી.

ઔરંગઝેબે અમદાવાદમાં ધાર્મિક કટ્ટરતાથી પ્રેરાઈને એક હિંદુ મંદિર તોડી પડાવ્યું હતું. તેની ફરિયાદ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ઠેઠ દિલ્હીમાં બાદશાહ શાહજહાં સુધી કરી હતી. શાહજહાં, શાંતિદાસ ઝવેરીને "મામા" કહી સંબોધતો હતો. આ ફરિયાદના અંતે ઔરંગઝેબને ગુજરાતના સુબા તરીકેથી દિલ્હી પાછો બોલાવી લેવામાં આવ્યો હતો.

અલબત્ત પિતા શાહજહાના દાદા જહાંગીર સાથેના સંઘર્ષને કારણે કિશોર ઔરંગઝેબે ઘણું સહન પણ કરવું પડ્યું હતું.


ઔરંગઝેબનાં લગ્ન ઈરાનના રાજવી કુટુંબના શાહનવાઝની પુત્રી દિલરાસબાનુ સાથે થયાં હતાં. યુવાનીમાં શાહઝાદા હોવાના નાતે તેની નિમણૂક દક્ષિણ અને ગુજરાતના સુબા તરીકે થઇ હતી. ગુજરાતમાં ઔરંગઝેબે પોતાનું સુન્ની ઇસ્લામી ચરિત્ર દેખાડ્યું હતું. અમદાવાદમાં ધાર્મિક કટ્ટરતાથી પ્રેરાઈ તેણે એક હિંદુ મંદિર તોડી પડાવ્યું હતું. તેની ફરિયાદ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ઠેઠ દિલ્હીમાં બાદશાહ શાહજહાં સુધી કરી હતી. શાહજહાં, શાંતિદાસ ઝવેરીને "મામા" કહી સંબોધતો હતો. આ ફરિયાદના અંતે ઔરંગઝેબને ગુજરાતના સુબા તરીકેથી દિલ્હી પાછો બોલાવી લેવામાં આવ્યો હતો.

મુઘલોમાં ચાલ્યા આવતા વારસાવિગ્રહને ઔરંગઝેબે ભયાનક સ્વરૂપ આપ્યું હતું. ૧૬૫૭ના વર્ષે શાહજહાં બીમાર પડ્યો અને તેણે સલ્તનતના વારસ તરીકે દારા શિકોહને ઘોષિત કર્યો.

શાહજહાંને તો ઔરંગઝેબ દીઠો પણ ગમતો ન હતો. તે ઔરંગઝેબને "પાખંડી" કહેતો હતો. તેનો બદલો લેવા તેણે સગી માનાં ત્રણ સંતાનો અનુક્રમે દારા, સુઝા અને મુરાદ સાથે વેર બાંધ્યું. પિતા શાહજહાંને જીવનનાં અંતિમ આઠ વર્ષ સુધી આગ્રાના કિલ્લામાં કેદ કર્યો. ૩૧ જાન્યુઆરી ૧૬૬૬ના રોજ શાહજહાંનું અવસાન થયું ત્યારે ઔરંગઝેબે તેની અંતિમયાત્રા શાહી ઢબે કાઢવાના બદલે નોકરો અને હિજડાઓ દ્વારા કઢાવી તેને મુમતાઝ મહલની કબર તાજમહલ પાસે દફનાવી દીધો. તે પછી સત્તાપ્રાપ્તિ માટે સૂફી સંત જેવા દારા શિકોહ અને બાકીના ભાઈઓ પર અત્યાચાર ગુજારવામાં કોઈ કસર છોડી નહીં. સત્તાની લ્હાયમાં સગા ભાઈ મુરાદનું ખૂન પણ કરાવ્યું હતું.

આમ લોહિયાળ જંગના અંતે ઔરંગઝેબ ૩૧ જુલાઈ ૧૬૫૮ના રોજ મુઘલ બાદશાહ બન્યો. તેનો રાજ્યાભિષેક ઘણો ઉતાવળે થયો હતો. આમ તો સમકાલીન સ્રોતો મુજબ ઉપરની તારીખે મુહૂર્ત પ્રમાણે સૂર્યોદય પછી ૩ કલાક ૧૫ મિનિટે અબ્દુલ મુઝફ્ફર મોહિયુદીન મુહમ્મદ ઔરંગઝેબ નામ ધારણ કરી મયુરાસન પર સ્થાન ગ્રહણ કર્યું હતું. જીવનમાં સાદાઈના આગ્રહી ઔરંગઝેબે પોતાના રાજ્યાભિષેક પછી ઉત્સવ જેવું વાતાવરણ ઊભું કર્યું હતું. તે ચાહતો હતો કે તેનો રાજ્યાભિષેક બીજા કોઈપણ મુઘલ બાદશાહ કરતાં ભપકાદાર અને શાનદાર હોય! તે માટે શાહી ખજાનામાંથી દિલ ખોલી ખર્ચ પણ કરવામાં આવ્યો હતો.

દેખીતી રીતે ભારતમાં ભલે ૧૮૫૭ અને બહાદુરશાહ ઝફર સુધી મુઘલાઈ ચાલી હોય, પણ ઓરંગઝેબને જ છેલ્લો મુઘલ બાદશાહ ગણી શકાય. લોહિયાળ સંઘર્ષ, પિતા અને ભાઈઓને દુભવી અને અનેક હત્યાઓ કરી ઔરંગઝેબ દિલ્હીના પાયતખ્ત પર પહોંચ્યો હતો. આવા ચુસ્ત, કટ્ટર ઇસ્લામી શાસકના નિજી જીવનનો પરિચય પણ કરવો જરૂરી છે. તેના અંગત જીવન વિશે દેશી-વિદેશી ઈતિહાસકારોએ અઢળક લખ્યું છે. તેના આધારે ઔરંગઝેબનું ચરિત્ર જોઈએ તો અંગત જીવનમાં મિત્તભાષી, ચાલાક, કપટકલામાં નિપુણ, મહેનતુ તો એટલો કે ૨૪ કલાકમાંથી માત્ર ત્રણ જ કલાક સૂતો હતો. ૧૬૯૫ના વર્ષે ૭૭ વર્ષે પણ તે જાતે અરજીઓ તપાસતો હતો. નિયમિત જીવન અને શિસ્તનો અત્યંત આગ્રહી હતો. અખૂટ ધીરજ અને દૃઢ સંકલ્પશક્તિ તેના સદગુણો હતા. શંકાશીલ સ્વભાવને કારણે તેને કોઈ જ ચાહતું ન હતું. છતાં વ્યક્તિગત ગુણોમાં તે મુઘલ બાદશાહોમાં મોખરે હતો. ચુસ્ત સુન્ની મુસ્લિમ હોવાના નાતે તે સાંસારિક બાબતોને તુચ્છ સમજતો હતો. તેણે કુરાનના નિયમો મુજબ પોતાના જીવનનું ઘડતર કર્યું અને તે પ્રમાણે જીવ્યો હતો. ઇસ્લામનાં પાંચ અરકનો-નમાઝ, રોજા, જકાત, હજ અને તવહીદ અવશ્ય અદા કરતો. આમાં તે માત્ર હજ કરી શક્યો ન હતો. છતાં અસંખ્ય મુસ્લિમોને હજયાત્રા માટે સહાય કરી હજ કર્યાનો સંતોષ માનતો હતો. તેના સાથી મુસલમાનો ઔરંગઝેબને "ઝીંદાપીર" (જીવંત સંત) કહેતા. સિક્કાઓ પરકલમાં કોતરવાની પ્રથા પણ રદ કરી હતી. ધર્મ પરિવર્તનને ગજા બહારનું પ્રોત્સાહન આપ્યું. હિંદુ અને બીજા ધર્મના તહેવારોની રાજ્યના આશ્રયે ઉજવણી બંધ કરાવી અને હિંદુઓ પર નાંખેલા જજિયા વેરાનો ઈતિહાસ તો સુવિદિત છે જ!

ઔરંગઝેબે કદી માંસાહાર અને મદ્યપાન ન કર્યું હોવાનું પણ કહેવાય છે. સુરા અને સુંદરીઓથી દૂર રહેનાર ઔરંગઝેબનું પીણું માત્ર એક જ હતું અને તે હતું "પાણી". તેનું વ્યક્તિગત જીવન ઘણું સાદું હતું. તેણે ભાંગની ખેતી બંધ કરાવી. જુગાર રમવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ધાર્મિક રીતે એટલો તો ચુસ્ત હતો કે એકવાર ખૂનખાર જંગ વચાળે પણ ખુદાની બંદગીમાં ધ્યાનસ્થ થઇ ગયેલો. ઔરંગઝેબ નવરાશના વખતમાં ટોપીઓ સીવતો અને કુરાનની નકલો કરતો. તેના વેચાણમાંથી જે આવક થતી તેમાંથી તેનું ગુજરાન ચાલતું. તેની રસોઈ પણ બેગમ બનાવતી અને અત્યંત સાદું ભોજન ગ્રહણ કરતો હતો.

ધાર્મિક રીતે ઔરંગઝેબ એટલો તો ચુસ્ત હતો કે એકવાર ખૂનખાર જંગ વચાળે પણ ખુદાની બંદગીમાં ધ્યાનસ્થ થઇ ગયેલો. ઔરંગઝેબ નવરાશના વખતમાં ટોપીઓ સીવતો અને કુરાનની નકલો કરતો.

ઔરંગઝેબનું જીવન અને રાજનીતિ એટલે ઇસ્લામનો જ અજેન્ડા. ઇસ્લામી નિયમો અનુસાર ઝરૂખાદર્શન (બાદશાહ સવારના વખતમાં મહેલના ઝરૂખામાં ઊભો રહી પ્રજાને દર્શન આપે તે રજવાડી પ્રથા), "સજદા" (દંડવત્ પ્રણામ) બંધ કરાવ્યું, કારણ કે દંડવત્ માત્ર અલ્લાહને જ હોય, મનુષ્યને નહીં. માટે, હિંદુ જ્યોતિષીઓને નોકરીમાંથી છૂટા કર્યા. તુલાવિધિ (શાસકનું વજન કરી પછી સોના-ચાંદી, અનાજ જેમાં વજન થયું હોય તે દાન કરવું. તેનો આશય શાસકના દીર્ઘાયુનો રહેતો) બંધ કરાવી. રૂપજીવિનીઓ અને નર્તકીઓને નગરમાંથી બહાર કાઢી કે લગ્ન કરી સંસાર માંડવા ફરમાન કર્યું હતું તથા સંગીત પર પણ પ્રતિબંધ પણ મૂક્યો હતો. અકબર અને તેના પછીના બાદશાહોના વખતમાં ધાર્મિક સૌહાર્દ પછી આટલી આક્રમકતા વિશે જાણી કોઈને પ્રશ્ન થાય પણ ખરો કે શું ઔરંગઝેબનાં આવાં આકરાં પગલાંઓનો કોઈએ વિરોધ નહિ કર્યો હોય? હા! કર્યો હતો! રાજ્યના સંગીતકારોએ સંગીત પરના પ્રતિબંધ પછી તેનો વિરોધ કરવા જુલુસ કાઢ્યું. તેઓ રોતા-કકળતા બાદશાહના મહેલ પાસેથી પસાર થયા. તે સમયે ઔરંગઝેબ મહેલની અટારીમાં ઊભો હતો. તેણે માણસ મોકલી કારણ પુછાવ્યું, તો સંગીતકારોએ કહ્યું કે બાદશાહના શાસનમાં સંગીતનું ખૂન થયું છે. તેથી સંગીતને દફનાવવા જઈ રહ્યા છીએ. તો ઔરંગઝેબે સામું કહેવડાવ્યું કે ભલે સંગીતનું ખૂન થયું હોય અને તમે સંગીતને દફનાવવા જાવ છો, પણ તેને એટલું ઊંડું દફનાવજો કે ફરીથી બહાર ન આવે! આ હતી ઔરંગઝેબની નીતિરીતિ.

ઓરંગઝેબનું વ્યક્તિગત જીવન ભલે સીધું-સાદું અને ઇસ્લામ પરસ્ત હતું, પણ તેના સમયમાં થયેલાં યુદ્ધોની સંખ્યા નાનીસૂની નહતી. દક્ષિણ ભારત, મરાઠાઓ, સતનામીઓ અને શીખોની સમસ્યાઓએ તો વિકરાળ સ્વરૂપ તેના સમયમાં જ ધારણ કર્યું હતું. આ બાબતે થયેલાં યુદ્ધોની વાત કાલથી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP