Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-47

મુઘલાઈ યુદ્ધો - અકબરનાં યુદ્ધો (માળવા વિજય -૧૫૬૧)

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

ગત હપ્તામાં આપણે અકબરના પાણીપતનાં બીજા યુદ્ધમાં વિજય અને કિશોરમાંથી યુવાન બનતો જોયો. હવે તેનો સમય ભારતમાં મોટું સામ્રાજ્ય સ્થાપવાનો અને તેનું સુચારુ સંચાલન ઊભું કરવાનો હતો. ઉત્તર ભારતમાં તો પાણીપત પછી મુઘલો માટે લગભગ બિનહરીફ શાસન જેવી સ્થિતિ હતી. તેઓએ શેરશાહના વંશજોને પણ ત્યાંથી મારી ભગાડ્યા હતા. છતાં તેમાંના કેટલાક ત્રુટક-ત્રુટક મધ્ય ભારતમાં તેમની સત્તા જાળવી રહ્યા હતા. તેમાંનો એક ઈસ્માઈલ સુરના સુબેદાર તરીકે સુજાત ખાન માળવામાં શાસન કરતો હતો. કાલાંતરે તે સ્વતંત્ર થયો હતો. ૧૫૫૫ના વર્ષે તેનો પુત્ર બાજબહાદુર માળવાનો શાસક -સુલતાન બન્યો હતો. બાજબહાદુર ઘણો મહત્વાકાંક્ષી સુલતાન હતો. તેણે કારકિર્દીના પ્રારંભે ગૌડવા પર આક્રમણ કર્યું હતું, પણ ત્યાંની બહાદુર રાણી દુર્ગાવતીએ બાજબહાદુરને ભૂંડો પરાજય આપ્યો હતો. બાજબહાદુર સંગીત પ્રેમી શાસક હતો. તેના રાણીવાસ કે હરમમાં રૂપવતી નામની અત્યંત સુંદર અને લાવણ્યમયી સ્ત્રી હતી. સુંદર હોવાની સાથે તે કવયિત્રી અને ગાયિકા પણ હતી. તેની સુંદરતા અને કલા-કૌશલ્યની વાતો ઊડતી-ઊડતી ઠેઠ અકબર સુધી પહોંચી હતી. આપણે ત્યાં કહેવત છે કે "જર, જમીન અને જોરું, ત્રણે કજિયાનાં છોરું", એ ન્યાયે રૂપમતી માળવા અને અકબર વચ્ચેના યુદ્ધનું નિમિત્ત બની. અકબર ભોગવિલાસી તો હતો જ, અને રૂપમતીના સૌંદર્યની વાત સાંભળી તે આ લાવણ્યવયી મહિલાને પામવા માટે તલપાપડ બન્યો. તેણે સમગ્ર પ્રાંતમાંથી સુંદર સ્ત્રીઓને પોતાના હરમમાં લાવવા માટે ખાસ માણસો અને સ્ત્રીઓને નિયુક્ત કર્યાં હતાં. જે લગભગ ૧૫૬૪ સુધી ચાલ્યું હતું. ૨ જાન્યુ. ૧૫૬૪ના રોજ અકબર પર જીવલેણ હુમલા પછી આ બધું બંધ થયું હતું.

ઉત્તર ભારતમાં તો પાણીપત પછી મુઘલો માટે લગભગ બિનહરીફ શાસન જેવી સ્થિતિ હતી. તેઓએ શેરશાહના વંશજોને પણ ત્યાંથી મારી ભગાડ્યા હતા. છતાં તેમાંના કેટલાક ત્રુટક-ત્રુટક મધ્ય ભારતમાં તેમની સત્તા જાળવી રહ્યા હતા.

માળવા પ્રદેશની એક ખૂબસુરત સ્ત્રીને પોતાના હરમમાં દાખલ કરવા ૧૫૬૦માં એક સેના મોકલી હતી, પરંતુ આ અભિયાન અકબરના જીવનનું પ્રારંભિક અભિયાન હતું. વળી કુશળ સેનાપતિ અને વ્યૂહરચનાકાર બૈરમ ખાન પણ હવે મુઘલ સેનામાં ન હતો. પરિણામે તેને ધારી સફળતા ન મળી. તેના બીજા જ વર્ષે બેબાકળા અકબરે ફેબ્રુઆરી ૧૫૬૧માં આદમ ખાન (માહન અનગનો પુત્ર) અને પીર મુહમ્મદને માળવા વિજય માટે રવાના કર્યા. તેમણે ૨૬ માર્ચ ૧૫૬૧ની મધ્યરાત્રિએ બાજ બહાદુરની શિબિર પર હુમલો કર્યો. માળવાના હુમલામાં બાજબહાદુરના અનેક સૈનિકો માર્યા ગયા. ખુદ બાજ બહાદુર પણ જીવ બચાવવા ભાગ્યો. પરંતુ ભાગતાં પહેલાં તેણે પોતાના મહેલમાં રહેલી અનેક સ્ત્રીઓ શત્રુઓના હાથમાં પડે તે પહેલાં મારી નાખી. સૌંદર્યવાન રૂપમતી પણ ઘાયલ થઇ હતી.

માળવાનું યુદ્ધ જીત્યા પછી આદમ ખાને માળવામાં રીતસર ત્રાસ વર્તાવી દીધો હતો. ભયંકર અત્યાચારો અને લૂંટફાટ કરતો આદમ ખાન સમૃદ્ધ માળવાને રગદોળી રહ્યો હતો. તેના અત્યાચારથી હિંદુઓ ઉપરાંત મુસ્લિમો પણ ત્રાહિમામ પોકારી રહ્યા હતા. અનેક શેખ, સૈયદ અને મુસ્લિમ ફકીરો હાથમાં કુરાન રાખી મુઘલ સેનાપતિ સામે જીવતરની યાચના કરી રહ્યા હતા. પરંતુ તેમની આ યાચકવૃતિની કોઈ અસર મુઘલો પર ન થઈ. તેઓએ જીવની ભીખ માગતા સમધર્મીઓને કાપી નાખ્યા કે સળગાવી દીધા. આ બધું ચાલતું હતું ત્યારે મુઘલ સેનાપતિ પીરમુહમ્મદ ખલનાયકની પેઠે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. માળવા પ્રદેશમાં અત્યાચારોના સંદર્ભમાં આ ઘટના અભૂતપૂર્વ હતી.

માળવા પરના અત્યાચારો વચ્ચે આદમ ખાને ઘાયલ રૂપવતીને તેડવા માટે સૈનિકો મોકલ્યા, પણ રૂપમતી કૈંક જુદું જ વિચારતી હતી. તેણે પોતાને લેવા આવેલા સૈનિકોને કહ્યું કે ખાન ખુદ તેને લેવા આવશે તો જ પોતે આવશે એમ કહી સૈનિકોને પાછા કાઢ્યા. આ તરફ સૈનિકોએ પરત આવી રૂપમતીનો સંદેશો આદમ ખાનને સંભળાવ્યો. તે ઉત્સાહી બની રૂપમતીને મળવા તલપાપડ બન્યો. રૂપમતીને ગ્રહણ કરવા જગ્યા અને સમય નક્કી કર્યાં, પણ ખાન પોતાના સુધી આવે તે પહેલાં તો રૂપમતીએ ઝેર ઘોળી જીવતર ટૂંકાવી દીધું હતું. અકબર પણ માળવા અભિયાન પર તેની નજર ટેકવી રહ્યો હતો. તેના સુધી આદમ ખાનના માળવાના અત્યાચારોના સમાચાર આવી રહ્યા હતા. તરત જ તે શિકાર ખેલવાના બહાને ૨૯ એપ્રિલ ૧૫૬૧ના રોજ માળવા તરફ રવાના થયો, પણ તે પહેલાં તો માહમ અનગાએ માણસો મોકલી અકબર માળવા તરફ આવી રહ્યો છે તેવા સમાચાર પુત્ર આદમ ખાન સુધી પહોંચાડી દીધા. અકબર માળવા પહોંચ્યો કે તરત જ આદમ ખાને આજ્ઞાંકિત સેવકની જેમ લૂંટેલો માલસામાન અકબરનાં ચરણોમાં રજુ કરી દીધો.

અકબર ભોગવિલાસી તો હતો જ, અને રૂપમતીના સૌંદર્યની વાત સાંભળી તે આ લાવણ્યવયી મહિલાને પામવા માટે તલપાપડ બન્યો. તેણે સમગ્ર પ્રાંતમાંથી સુંદર સ્ત્રીઓને પોતાના હરમમાં લાવવા માટે ખાસ માણસો અને સ્ત્રીઓને નિયુક્ત કર્યાં હતાં. જે લગભગ ૧૫૬૪ સુધી ચાલ્યું હતું.

અકબર આદમ ખાનના માળવાપરના અત્યાચારોથી ખુબ દુઃખી હતો, પરંતુ માહમ અનગાના પ્રભાવને કારણે આદમ ખાનને માફ કરી દીધો, પણ માળવાના સુબા તરીકે આદમ ખાનને હટાવી પીરમુહમ્મદની નિયુક્તિ કરી. ૪ જુન ૧૫૬૧ના રોજ અકબર આ બધું નિપટાવી આગ્રા પરત ફર્યો, તો તરત જ માહન અનગા માળવા રવાના થયો. તેણે પોતાના પુત્ર આદમ ખાનના અત્યાચારોની ખબર અકબર સુધી પહોંચાડનાર બે સુંદર સ્ત્રીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાવી દીધી. આ બધા ઘટનાક્રમો વચાળે હારેલો બાજબહાદુર નવા સુબા પીર મુહમ્મદ સામે લડવા માટે સાબદો થયો. માળવાના અત્યાચારોથી વ્યથિત થયેલા સામાન્ય પ્રજાજનોએ પણ બાજબહાદુરને સાથ દીધો. પરિણામે પીર મુહમ્મદે બુરહાનપુર સુધી ભાગવું પડ્યું અને જીવ બચાવવા નર્મદામાં પડ્યો. કાલાંતરે બાજબહાદુરે માળવા પર કબજો કર્યો, પણ તે લાંબું ટકી ન શક્યો. ટૂંક સમયમાં જ અકબરનો બીજો સુબો અબ્દુલ્લા ખાન ઉઝબેગ આવી ચડતાં ફરીથી બાજબહાદુર નાઠો અને તેના નાસવા સાથે જ માળવા મુઘલ સામ્રાજ્યનો હિસ્સો બન્યું. આમ અનેક આરોહ-અવરોહો વચ્ચે અકબર અને માળવા વચ્ચેનો સંઘર્ષ ખતમ થયો. હવે પછીનું અકબરનું નિશાન મધ્ય ભારતનું ગૌડવા બનવાનું હતું. ગૌડવાનાં યુદ્ધ અને ત્યાંની બહાદુર રાણી દુર્ગાવતીની વાત કાલે કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP