Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-46

મુઘલાઈ યુદ્ધો - અકબરનાં યુદ્ધોઃ પાણીપતનું બીજું યુદ્ધ  (૫-૬નવેમ્બર, ૧૫૫૬)  

  • પ્રકાશન તારીખ28 Aug 2018
  •  

સેનાપતિ હેમુ ૧ લાખની સેના અને જીતના બુલંદ જુસ્સા સાથે મુઘલ બાદશાહ અકબર સામે ઝનુનપૂર્વક લડી રહ્યો હતો. તેની શરૂઆતની સફળતાની કહાની આપણે ગયા હપ્તામાં જોઈ હતી. પરંતુ તેની આ સફળતા અલ્પજીવી નીવડી. આગળ આપણે વાત કરી હતી કે મુઘલ સેનાને શરૂથી જ કાબુમાં કરવા હેમુએ તેનું તોપખાનું આગોતરું રવાના કર્યું હતું, પણ તેનો આ દાવ ખોટો પડ્યો. વિશેષમાં હેમુની સેના જ્યાં ખડી હતી ત્યાં જ સામે મોટો ખાર હતો. આ પ્રાકૃતિક અડચણનો લાભ લઇ મુઘલ સૈનિકોએ પાછળથી હુમલો કરી દીધો. છતાં હેમુ અને તેની સેના લડતી રહી. પરંતુ તેઓ મુહમ્મદ કાસિમ, નીશાપુરી, હસન કુલીખાન જેવા બાહોશ મુઘલ સેનાપતિઓ સામે ઝાઝી ટક્કર ન લઇ શક્યા. હવે મુઘલોએ હેમુના હાથીઓ પર હુમલો કર્યો અને તેમના નિશાના પર સેનાપતિ હેમુ હતો. સેનાપતિ હેમુ તેના હવાઈ નામના હાથી પર બેસી એકલવીર બની ઝઝૂમી રહ્યો હતો. પોતાના સૈનિકોને પોરસાવતો હતો. અચાનક એક તીર શત્રુ સેના તરફથી આવ્યું અને સીધું હેમુની આંખમાં વાગ્યું. આ ઘટનાએ હેમુ અને અકબર બંનેના ભાગ્ય પર અસર કરી. ઘાયલ હેમુ બેહોશ થઈ હાથી પરથી પડી ગયો. તેના પડવાથી સેનાનો હોંસલો પણ તિતર-બિતર થઇ ગયો.

બીજી તરફ મુઘલોને હેમુના ઘાયલ થવાની ખબર મળતાં જ તેમણે હેમુના મૃત્યુની ખબર સાથે ફેલાવી દીધી અને મોટી સંખ્યા હોવા છતાં હેમુના સૈનિકો રણમેદાન છોડી ભાગવા માંડ્યા. આવો હાથમાં આવેલો મોકો છોડે તો મુઘલો શાના? મુઘલ સેનાએ હેમુના સૈનિકોને વીણી વીણીને મોતને ઘાટ ઉતાર્યા. ઘાયલ હેમુના હાથી પર મુઘલ સેનાપતિ શાહ કુલીખાન ચડી બેઠો અને હાથીને કાબુમાં કરી લીધો. હવાઈ હાથી પર ખુદ હેમુ છે તેવી જાણકારી હાથીના મહાવત થકી મળતાં તેની તો ખુશીનો પાર ન રહ્યો. હેમુને બંદી બનાવી હાથી સમેત બાદશાહ અને બૈરામ ખાન સામે પ્રસ્તુત કરવામાં આવ્યો.

હેમુ ઘાયલ હતો અને તેને પૂરો કરવા બૈરામ ખાને અકબરને સૂચના આપી, પણ અકબરે કહ્યું કે આ અધમૂઓ તો છે જ. આવા મરેલાને શું મારવો? પણ હજુ અકબરને તેના અભિપ્રાયો વ્યક્ત કરવાની સત્તા ન હતી.


મધ્યકાળમાં વિધર્મી શત્રુને માફી આપવાને કોઈ અવકાશ ન હતો. હેમુ ઘાયલ હતો અને તેને પૂરો કરવા બૈરામ ખાને અકબરને સૂચના આપી, પણ અકબરે કહ્યું કે આ અધમૂઓ તો છે જ. આવા મરેલાને શું મારવો? પણ હજુ અકબરને તેના અભિપ્રાયો વ્યક્ત કરવાની સત્તા ન હતી. આખરે બૈરામ ખાનના હુકમ મુજબ અકબરે હેમુની ગરદન પર તલવાર ચલાવી અને તેનાં ધડ અને મસ્તકને જુદાં કર્યાં. તેની સાથે મધ્યકાળના આ પ્રતાપી અને તેજસ્વી સેનાપતિની કારકિર્દીનો કરુણ અંત આવ્યો. હેમુના મૃત્યુ પછી અકબરે "ગાઝી"ની ઉપાધિ ધારણ કરી હતી.


હેમુને પરાસ્ત કર્યા પછી પણ મુઘલો કોઈ કસર છોડવા માગતા ન હતા. હેમુના પરાજય પછી તેની પત્ની અને બાળકો અલવર તરફ ભાગી ગયાં હતાં. તેમની પાસે પુષ્કળ માત્રામાં ધન હતું. તેમનો કેટલોક હિસ્સો મુઘલોએ પડાવી લીધો. આટલો હિસ્સો પણ મુઘલો માટે ગણવો મુશ્કેલ હતો. વર્ષો સુધી આ વિસ્તારમાં હેમુના પરિવાર પાસેથી મુઘલોએ પડાવી લીધેલા આ ધનની ચર્ચા થતી રહેતી હતી. હેમુના પિતાને બંદી બનાવી ઇસ્લામ સ્વીકારવાનું કહેવાયું, પણ તેણે મક્કમતાથી ના પાડી. પરિણામે પીર મોહમ્મદ નામના સેનાપતિએ તેમને જાનથી મારી નાખ્યા. પાણીપતના બીજા યુદ્ધમાં યશસ્વી વિજયપછી મુઘલોના જુસ્સામાં ખાસ્સો વધારો થયો હતો. તેઓએ દિલ્હી અને આગ્રા પણ ગણતરીના દિવસોમાં જીતી લીધાં હતાં. જીતેલું મુઘલ સૈન્ય તેના બાદશાહ અકબર સાથે દિલ્હીમાં પ્રવેશ્યું. ત્યારે તારીખ હતી ૬ નવેમ્બર અને વર્ષ ૧૫૫૬. પાણીપત પછી તરત જ મુઘલ લશ્કરે વિશ્રામ લેવાને બદલે સુર વંશના સેનાપતિઓ અને બીજા સહાયકોને સાફ કરવાનું શરૂ કર્યું. ઈ.સ. ૧૫૫૮ સુધીમાં તો ભારતમાંથી અફઘાનોને નેસ્તનાબુદ કરી દીધા.

પાણીપતનાં યુદ્ધ વખતે અકબર કિશોર અવસ્થામાં હતો. તેના વતી મોટાભાગના નિર્ણયો વાલી તરીકે બૈરામ ખાન અને હરમની મહિલાઓ લેતી હતી, પણ તે સહુમાં અકબર જેને ખાનબાબા કહી સંબોધતો હતો તે બૈરામ ખાનનો પ્રભાવ અકબર અને મુઘલ વહીવટીતંત્ર પર પુષ્કળ હતો.

પાણીપતનાં યુદ્ધ વખતે અકબર કિશોર અવસ્થામાં હતો. તેના વતી મોટાભાગના નિર્ણયો વાલી તરીકે બૈરામ ખાન અને હરમની મહિલાઓ લેતી હતી, પણ તે સહુમાં અકબર જેને ખાનબાબા કહી સંબોધતો હતો તે બૈરામ ખાનનો પ્રભાવ અકબર અને મુઘલ વહીવટીતંત્ર પર પુષ્કળ હતો. બૈરામ ખાન શિયા મુસ્લિમ હતો. તેનો મજબુત શકંજો કિશોર અકબર પર હતો, પણ અકબર હવે યુવાન થતો જતો હતો. પોતે મુઘલ બાદશાહ છે તેવી અનુભૂતિ થવાની શરૂઆત થઈ. ખાન એટલી હદે અકબર અને શાહી પરિવાર પર નજર રાખતો હતો કે અકબર અને શાહી કુટુંબના ખર્ચની ગોઠવણ પણ બૈરામ જ કરતો હતો. વિશેષમાં તે શાહી પરિવારના સભ્યો વચ્ચે રાગદ્વેષ પણ ભરતો રહેતો હતો. આ બધું હવે યુવા અકબરની નજર બહાર ન હતું. તેણે ધીરેથી પોતાના ખાનબાબાને મક્કાની યાત્રા કરવા જણાવ્યું. તે જમાનામાં મક્કાની યાત્રા એટલે રાજકીય સંન્યાસ કે નિર્વાસન જેવી સ્થિતિ હતી. ૧૫૬૦માં બૈરામ ખાને અકબર સામે બગાવત કરી હોવાનું પણ કહેવાય છે. આખરે બાદશાહ સલામતની છુપી આજ્ઞાને અનુસરી બૈરામ મક્કા જવા નીકળી પડ્યા. તે સમયે મક્કા જવા માટે ગુજરાતથી એક રસ્તો હતો. રાજસ્થાન થઈ તે ગુજરાતમાં પ્રવેશ્યો. અકબરના વાલી તરીકે બૈરામ ખાને અનેક શત્રુઓ પેદા કર્યા હતા. આ બાબતમાં તે સ્વાશ્રયી હતો. તેમાંના એક અફઘાન સેનાપતિ મુબારક ખાને બૈરામને ગુજરાતના પાટણ કે ધોરાજી પાસે આંતર્યો અને ૩૧ જાન્યુઆરી ૧૫૬૧ના રોજ બૈરામ ખાનની હત્યા કરી નાખી. બૈરામના અવસાન પછી અકબર ખૂબ દુઃખી થયો. પોતાની કિશોરાવસ્થામાં બૈરામ ખાનની મદદને તે ભૂલ્યો ન હતો. તેનો બદલો ચૂકવવા બૈરામની વિધવા સલીમા બેગમ સાથે પોતે લગ્ન કર્યાં અને તેના પુત્ર અબ્દુલ રહીમને વહીવટી તંત્રમાં ઘણો ઊંચો હોદ્દો આપ્યો. જે પાછળથી અબ્દુલ રહીમ ખાનખાના તરીકે અકબરનાં નવ રત્નોમાં પણ બિરાજ્યો હતો.બૈરામ ખાનના મૃત્યુ પછી હવે અકબર લગભગ એક આઝાદ શાસક જેવો બન્યો હતો. તેની વય પણ લગભગ ૨૦ હતી. એટલે કે યુવાનીમાં પ્રવેશી ગયો હતો. હવે જ તેની સ્વતંત્ર ભારત વિજય યાત્રા શરૂ થવાની હતી. તેનો પ્રારંભ અકબરે ૧૫૬૧ના વર્ષે માળવા વિજય દ્વારા કરી. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP