Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-39

મુઘલાઈ યુદ્ધો, હુમાયુ અને બહાદુરશાહ (૧૫૩૫-૩૬)

  • પ્રકાશન તારીખ21 Aug 2018
  •  

બાબરના મૃત્યુ પછી ઉદભવેલી રાજકીય સ્થિતિનો લાભ ઉઠાવી આખા હિંદમાં લગભગ અરાજકતાની સ્થિતિ ઊભી થઇ હતી. તેમાંથી ગુજરાત પણ બાકાત ન હતું. ગુજરાત તે સમયે દિલ્હીના સામ્રાજ્યવાદી દાયરાની બહાર હતું. અહીં મુઝફ્ફરશાહનો પુત્ર બહાદુરશાહ સુલતાન હતો. ગુજરાતની સ્વત્રંત સલ્તનત દરમિયાન જે કેટલાક ગણનાપત્ર સુલતાનો થયા તેમાંનો એક બહાદુરશાહ હતો. શિકાર અને ઘોડેસવારીનો અનહદ શોખ ધરાવતો બહાદુરશાહ દુશ્મનોને માફ કરવામાં માનતો ન હતો.

બહાદુશાહ માત્ર સામ્રાજ્ય વિસ્તાર કરવામાં જ માનતો ન હતો. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ પ્રદેશ સમાન ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધે તે પણ સતત બહાદુરશાહની નજરમાં હતું.

સલ્તનત સામેના ગુનામાં પકડાયેલા એક ઉમરાવની તો બહાદુરશાહે ચામડી ઉતરાવ્યા પછી ફાંસી દીધી હતી. બહાદુરશાહ એટલી ઝડપથી મુસાફરી કરતો કે તેને ધ્યાનમાં લઇ તેના સમયમાં "બહાદુરશાહી ઝડપ" નામનો શબ્દપ્રયોગ થતો હતો. તેનો કુચક નામનો ઘોડો પણ તીવ્ર ગતિવાળો હતો. તેણે ઠેઠ દેવગિરી સુધી યુદ્ધો કરી પશ્ચિમ ભારતનાશાસકોને ગુજરાતની આણમાં લાવ્યો હતો. તો ઘણા રાજાઓ તેના મિત્રો પણ હતા. સામ્રાજ્યવાદ નિમિત્તે તેણે નાનાં-મોટાં અનેક યુદ્ધો કર્યાં હતાં.

બહાદુશાહ માત્ર સામ્રાજ્ય વિસ્તાર કરવામાં જ માનતો ન હતો. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ પ્રદેશ સમાન ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધે તે પણ સતત બહાદુરશાહની નજરમાં હતું. વિશાળ સમુદ્રકાંઠો ધરાવતા ગુજરાતનો દરિયાઈ વ્યાપાર વધે અને બંદરો સુરક્ષિત રહે તે પણ બહાદુશાહની પ્રાથમિકતા હતી.

બાબર પછીના હિન્દુસ્તાનનો સાનુકૂળ ફાયદો બહાદુરશાહ ઉઠાવતો હતો. ૧૫૩૨ના વર્ષે રાયસીન (સિલહિન્દ પાસે) અને ૧૫૩૩માં ચિતોડના રાજા વિક્રમાદિત્યને પરાસ્ત કર્યા. ચિત્તોડ વિજય પછી ત્યાંથી ૧૦ હાથી, ૧૦૦ ઘોડા અને એક કરોડ ટકા રોકડા આપવા જણાવ્યું. તે સમયે રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવી બહાદુરશાહથી બચાવવાની વિનંતી કરીહતી. હમણાં રક્ષાબંધન આવશે ત્યારે ભાઈ-બહેનના પ્રતીક તરીકે આ દંતકથા ચારે તરફ કહેવાશે, પણ તે દંતકથા કરતાં વિશેષ કશું જ નથી. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ગૌરીશંકર ઓઝાના કહેવા મુજબ હુમાયુની કોઈ મદદ મેવાડની રાણી કર્ણાવતીને મળી ન હતી અને તેણે ચિત્તોડના દુર્ગમાં જૌહર કરવું પડ્યું હતું.

ચિત્તોડ પર હુમલો વગેરે દ્વારા એ છેવટે તો બહાદુરશાહ મુઘલ સત્તાનેપડકારી રહ્યો હતો. તેનો દરબાર પણ મુઘલ બાદશાહ હુમાયુ વિરુદ્ધ ષડ્યંત્રોનો અખાડો જ હતો. મુઘલ સામ્રાજ્યના વિસ્તારોમાં સેંધ મારવાની સાથે તેણે મુઘલોના શત્રુઓને વીણી વીણી પોતાના રાજ્યમાં શરણ આપ્યું હતું. પરિણામે તેનાથી અકળાઈ હુમાયુએ બહાદુરશાહને પત્ર લખી મુઘલ શાસન વિરુદ્ધની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી મુઘલોના શત્રુઓને તરત જ પોતાને હવાલે કરીદેવા હુકમ કર્યો. પરંતુ બહાદુરશાહે તેની સરેઆમ અવગણના કરી, જે હુમાયુના ગુજરાત સાથેના યુદ્ધનું પાયાનું કારણ હતું.

રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવી બહાદુરશાહથી બચાવવાની વિનંતી કરી હોવાની વાત હમણાં રક્ષાબંધન આવશે ત્યારે ભાઈ-બહેનના પ્રતીક તરીકે ચારેકોર કહેવાશે. પરંતુ આ કથા તે દંતકથાથી વિશેષ કશું જ નથી.

બહાદુશાહને સીધો કરવા હુમાયુએ દિલ્હીથી કુચ કરી ચિતોડ નજીક સારંગપુરપાસે જાન્યુઆરી ૧૫૩૫માં પડાવ નાખ્યો. તે સમયે બહાદુરશાહ ચિત્તોડ સામે લડી રહ્યો હતો. તે સમયે એક સલાહકારની સલાહ અનુસરી એક દૂત હુમાયુ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે એક પોતે વિધર્મી (કાફર) રાજા સાથે લડી રહ્યો હોઈ ઇસ્લામી પરંપરા મુજબ બીજા મુસ્લિમ શાસકે અન્ય મુસ્લિમ શાસક પર આક્રમણ ન કરવું જોઈએ. બહાદુશાહના આવા ધાર્મિક પ્રસ્તાવનો હુમાયુએ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો અર્થાત્ બહાદુરશાહના ચિત્તોડ વિજય સુધી તેણે બહાદુરશાહ પર આક્રમણ નહીં કરવાનું નક્કી કર્યું. આગળ નોંધ્યું છે તેમ એ વખતે રાણી કર્ણાવતીના ધર્મના ભાઈ બનવાની ઑફરની પણ ચિંતા ન કરી, હુમાયુ રાણી કર્ણાવતીને મદદ ન કરી શક્યો. એ દ્વારા તેનો પુત્ર અકબર રાજપૂતોની મૈત્રી દ્વારા જે મેળવી શક્યો હતો તે મેળવવાની સોનેરી તક હુમાયુ ગુમાવી બેઠો હતો. હુમાયુના તટસ્થ વલણથી બહાદુરશાહ ચિત્તોડ પર રીતસર ચડી બેઠો અને ૮ માર્ચ, ૧૫૩૫ના રોજ ચિત્તોડનો કિલ્લો જીતી લીધો. આ સમયે ચિતોડ વિજયને મૂક સાક્ષીભાવે અને ઇસ્લામી પરંપરાના નામે હુમાયુએ બહાદુરશાહનો વિનાશ કરવાનો સોનેરી અવસર ગુમાવી દીધો હતો. હવે આ જ બહાદુરશાહને ઝબ્બે કરવા માટે હુમાયુએ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી રઝળપાટ કરવાની હતી.

ચિત્તોડના પતન પછી બે ઇસ્લામી દુશ્મનો ફરીથી મેદાનમાં આવ્યા. ચિત્તોડ વિજય પછી ભાગેલા બહાદુરશાહનો પીછો કરતો હુમાયુ મધ્યપ્રદેશના માળવા પહોંચ્યો. બહાદુરશાહને સૈન્ય સાથે ઘેરી લીધો. પચાસ દિવસના ઘેરના અંતે એપ્રિલ ૧૫૩૫માં હુમાયુ જીત્યો અને ૨૫ એપ્રિલ ૧૫૩૫ના રોજ બહાદુરશાહ મુઘલોથી બચવા પોતાના સેનાપતિઓ સાથે નાઠો અને માંડુના કિલ્લામાં ભરાયો. મુઘલ ફોજે માંડુને ઘેરી લેતાં બહાદુરશાહ આકરી રઝળપાટ પછી ગુજરાતમાં પેઠો. અહીં ચાંપાનેર ખાતે થયેલા આખરી યુદ્ધમાં બહાદુરશાહ પરાસ્ત થયો હતો. તેની વાત આવતી કાલે કરીશું.

arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP