Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-38

મુઘલાઈ યુદ્ધોઃ હુમાયુ અને બહાદુરશાહ વચ્ચેનું યુદ્ધ (ઈ.સ. 1535-36)

  • પ્રકાશન તારીખ20 Aug 2018
  •  

ગત હપ્તામાં આપણે ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના નિમિત્તે બાબરે કરેલાં ભયાનક યુદ્ધોનો ચિતાર જોયો. પોતાના ચાર પુત્રોમાં હુમાયુ પ્રત્યે બાબરને વિશેષ લગાવ હતો. તે એટલે
સુધી કે બાબરની યુદ્ધખોર નીતિ અને રાજકીય અફડાતફડીમાં એકવાર હુમાયુ સખત માંદો પડી ગયો. તેના બચવાની કોઈ આશા ન હતી. તે વખતે બાબરે પોતાનો પ્રાણ આપી હુમાયુનો પ્રાણ બચાવવા અલ્લાહને ઈબાદત કરી હતી, પણ હુમાયુ સાજો થતો ગયો અને બાબર ૨૬ ડિસેમ્બર, ૧૫૩૦ના રોજ મૃત્યુ પામ્યો. અહીં તે મુઘલ સલ્તનતની મજબૂત નીંવ નાખીને ગયો હતો. જે તેના પછી હુમાયુ સંભાળવાનો હતો. બાબરે અનેક પ્રકારની સાહિત્યિક રચનાઓ સાથે પોતાનું વસિયતનામું પણ લખ્યું હતું. તેમાં પુત્ર હુમાયુને સંબોધીને કેટલીક વાતો લખી હતીઃ "હે
સુપુત્ર, હિન્દુસ્તાન વિવિધ-ધર્મી લોકોનો દેશ છે. અલ્લાહની કૃપા છે કે તને હિન્દુસ્તાનની પાદશાહી મળી છે. તારા મનને પક્ષપાત અને પૂર્વગ્રહથી દૂર રાખજે. ધર્મ અને જાતિને ધ્યાનમાં રાખજે. ગાયોની કત્લ કરવાથી બચજે, જનતાનાં મનને જીતવામાં જ શાસકનું સાચું સુખ છે, ઇસ્લામની ઉન્નતિ દયાની તલવારથી શ્રેષ્ઠ છે. શિયા-સુન્નીઓને ક્ષમાદાન આપજે." અલબત્ત, બાબરનાપ્રસ્તુત વસિયતનામાને ઈતિહાસકારો શ્રદ્ધેય માનતા અચકાય છે.

એકવાર હુમાયુ સખત માંદો પડી ગયો. તેના બચવાની કોઈ આશા ન હતી. તે વખતે બાબરે પોતાનો પ્રાણ આપી હુમાયુનો પ્રાણ બચાવવા અલ્લાહને ઈબાદત કરી હતી, પણ હુમાયુ સાજો થતો ગયો અને બાબર ૨૬ ડિસેમ્બર, ૧૫૩૦ના રોજ મૃત્યુ પામ્યો.


ઈ.સ. ૧૫૦૮માં કાબુલમાં જન્મેલો હુમાયુ તારીખ ૨૯ ડિસેમ્બર ૧૫૩૦ના રોજ મુઘલ બાદશાહ બન્યો. હુમાયુનું આખું નામ નસિરુદીન મુહમ્મદ હુમાયુ હતું. ‘હુમાયુ’નો અર્થ ‘ભાગ્યશાળી’ થાય છે, પણ હુમાયુ તેના જીવનમાં આવેલી ઉથલપાથલો અને સંઘર્ષોને જોતાં કહેવાય કે તે ભાગ્યશાળી નહીં, પણ કમનસીબ હતો. જીવનમાં હુમાયુએ જેટલી ઠોકરો ખાધી તેનો મુઘલ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. તેના જીવનનો અંત પણ ઠોકર ખાવાથી આવ્યો હતો. ગ્રંથાલયની સીડી પાસે બેઠેલા હુમાયુને મુલ્લાની બાંગ સંભળાઈ અને ઝડપથી મસ્જિદ તરફ જવા જતાં તે જીવનનું પગથિયું પણ ચૂકી ગયો હતો.

ભાગ્યમાં તો જે હોય તે, પણ હુમાયુ વ્યક્તિગત ગુણોથી ભરેલો હતો. તેનું ચારિત્ર્ય ઘણું આકર્ષક હતું. સમકાલીન લેખકોએ નોંધ્યું છે કે તેનું દેવતાઈ ચારિત્ર્ય (Angelic Character) પુરુષોચિત
ગુણોથી વિભૂષિત હતું. સાહસ અને શૂરવીરતામાં તે પોતાના યુગના તમામ રાજકુમારોમાં ચડિયાતો હતો. દેખાવે સુંદર, ઋજુ, ઉદાર, નિર્ભય અને દાનવીર હતો. અનેક શત્રુઓને માફ કરી એણે પોતાની ઉદારતાનો પરિચય આપ્યો હતો. રક્તપાતથી દૂર રહેતો. પરિણામે ખુદ હુમાયુએ ઘણું સહન કરવું પડ્યું હતું. છતાં હુમાયુની છાપ પરાક્રમી અને મહાન યોદ્ધા તરીકે હતી, પણ મિજબાનીઓ કરવામાં એટલો જ મસ્ત રહેતો. એક વિજયના ઉત્સાહમાં એટલો તો તલ્લીન બની મિજબાનીઓમાં મશગુલ બની જતો પરિણામે ઘણી વાર હાથમાં આવેલી તકો સરકી જતી. શેરશાહ સુરિ અને ગુજરાતના બહાદુરશાહ સાથેનાં યુદ્ધો દરમિયાન હુમાયુએ આવી કીમતી તકો ગુમાવી હતી.

પિતા બાબરની જેમ જ હુમાયુ પણ વિદ્યાનુરાગી હતો. તે તુર્કી, ફારસી અને અરબી ભાષાઓ સારી રીતે જાણતો હતો. હુમાયુ ફારસીમાં તો કવિતાઓ પણ લખતો હતો. પિતા બાબરની આત્મકથા "તઝુક -એ- બાબરી"નો તેણે ફારસીમાં અનુવાદ પણ કરાવ્યો હતો.

હુમાયુ પરિવાર પ્રેમી એટલે કે સગા-સંબધીઓ અને મિત્રો પર વિશેષ સ્નેહ રાખતો હતો. તેનો સગો ભાઈ કામરાન ગાદી વારસા મુદ્દે હુમાયુનો કટ્ટર વિરોધી હતો. તેનો અંત આણવા મુઘલ દરબારીઓએ કામરાનની હત્યા કરવાની સલાહ આપી, તો હુમાયુએ કહ્યું કે, ‘મારી બુદ્ધિ તો તમારા વિચારને સમજે છે, પણ આત્મા તમારી સાથે સહમત થતો નથી.’ આ જ ભ્રાતૃભાવમાં કામરાન અને બીજા ભાઈઓએ હુમાયુના માર્ગમાં અનેક કંટકો બિછાવ્યા, છતાં હુમાયુએ હંમેશાં મોટાઈ દેખાડી ભાઈઓને માફ કર્યા હતા. માત્ર ભાઈઓ તરફ જ નહીં, બેગમો અને બાળકો પ્રત્યે પણ તે ઘણો સ્નેહાળ હતો. સુન્ની હોવા છતાં બાબર જેટલો ધર્માંધ પણ નહીં. હા, એટલું ખરું કે હુમાયુ વુઝૂ કર્યા વગર અલ્લાહ કે પયગંબરનું નામ સુદ્ધાં લેતો નહિ.

પિતા બાબરની જેમ જ હુમાયુ પણ વિદ્યાનુરાગી હતો. તે તુર્કી, ફારસી અને અરબી ભાષાઓ સારી રીતે જાણતો હતો. હુમાયુ ફારસીમાં તો કવિતાઓ પણ લખતો હતો. પિતા બાબરની આત્મકથા "તઝુક -એ- બાબરી"નો તેણે ફારસીમાં અનુવાદ પણ કરાવ્યો હતો. રાજધાની આગ્રામાં દીનપનાહમાં આવેલા શેરમંડળમાં તેનું શાહી પુસ્તકાલય પણ હતું. હુમાયુ પુસ્તકોને "આધ્યાત્મિક સાથી" માનતો. તેનો દરબાર હંમેશાં કવિઓ અને ઈતિહાસકારોથી ઉભરાતો રહેતો હતો. ટૂંકમાં હુમાયુમાં એક શાસકમાં જરૂરી ગુણો તો મોજુદ હતા, સાથે વિદ્વાન અને હમદર્દ ઇન્સાન તરીકેના સદગુણો હતા. આવા અનુગામી પાસે બાબરે સ્થાપેલા મુઘલ સામ્રાજ્યને ટકાવી રાખવાની અને તેનો વિસ્તાર કરવાની જવાબદારી આવી હતી. તે નિમિત્તે હુમાયુએ નાનાં મોટાં ઘણાં યુદ્ધો કરવાં પડ્યાં. તેમાંથી ગુજરાતના સુલ્તાન બહાદુરશાહ અને અફઘાન સરદાર શેરશાહ સાથે કરેલાં યુદ્ધોની વાત આવતીકાલથી શરૂ કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP