Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-36

મુઘલાઈ યુદ્ધોઃ ખાનવાનું યુદ્ધ (ચાલુ)

  • પ્રકાશન તારીખ18 Aug 2018
  •  

મુઘલ બાદશાહ બાબર સામે રાણા સાંગાના રૂપમાં ખાનવામાં એક જબરદસ્ત મુકાબલો થવાનો હતો. વીર અને પરાક્રમી રાણા પાસે વૈયક્તિક કાબેલિયતની સાથે સાથી રાજ્યોની મોટી ફોજ હતી. રાજસ્થાનના નવ રાજાઓ, ૧૦૪ રાવળ તથા રાવત તેના ઈશારા માત્રથી બધું કરવા તૈયાર રહેતા હતા, તો સૈનિક અને શસ્ત્ર સંદર્ભમાં પણ રાણા સાંગા પાસે કોઈ કમી ન હતી. ૮૦ હજારનું અશ્વદળ, ૫૦૦ લડાયક હાથીઓ અને અંદાજે ૨ લાખની સેના તથા તેમને દોરવણી આપવા માટે ૧૦૪ જેટલા સેનાપતિઓ મેવાડપતિની લશ્કરી તાકાત હતી. આવા બાહુબલી શાસક સાથે છેક કાબુલથી આવેલા બાબરે બાથ ભીડવાની હતી.

ખાનવાના યુદ્ધ પહેલા બાબરે રાણા સાંગાની શક્તિઓનો ક્યાસ કાઢવા માટે મુઘલ સૈન્યની ૧૫૦૦ સૈનિકોની બનેલી એક ટુકડી મોકલી હતી. પરંતુ આ દોઢ હજાર સૈનિકો બહુ જ ખરાબ રીતે ઘાયલ થઇ માર ખાઈ પરત ફર્યા હતા.

જોકે બાબર ઈબ્રાહિમ લોદી સાથેની જીત પછી વધુ આત્મવિશ્વાસુ બન્યો હતો. તે સતત પોતાની વ્યૂહરચનાઓ બદલતો રહેતો. ઉદાહરણ તરીકે ખાનવાના યુદ્ધ પહેલા તેણે રાણા સાંગાની શક્તિઓનો ક્યાસ કાઢવા માટે મુઘલ સૈન્યની ૧૫૦૦ સૈનિકોની બનેલી એક ટુકડી મોકલી હતી. પરંતુ આ દોઢ હજાર સૈનિકો બહુ જ ખરાબ રીતે ઘાયલ થઇ માર ખાઈ પરત ફર્યા હતા. આગળ આપણે બાબરના ઉત્તેજક ભાષણની જે વાત કરી તે આ ઘટના પછી અપાયું હતું. રાણા સાંગા સામે ભૂંડી રીતે હારેલા સૈનિકોમાં બાબરે નાટકીય ઢંગથી નૈતિક સ્તર ઊંચું ઉઠાવ્યું હતું.

હવે મુઘલ સૈનિકો રાણા સાંગા સામેના પહેલા પરાજયને ભૂલી જેહાદ કરવા માટે સજ્જ થયા હતા. બાબર પાસે રાણાની તુલનામાં ખુબ ઓછી કહી શકાય તેવી માત્ર ૪૦ હજારની જ સેના હતી. બાબરે સેનાની સાથે રહેતા દારૂનાં બધાં પીપ ઢોળાવી નંખાવ્યાં અને હવે પછી કદી દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા લીધી અને સૈનિકોને મરણિયા બની તૂટી પડવા આહ્વાન કર્યું. બીજી તરફ રાણા સાંગા ખાનવા પહોંચી પહેલો ઘા રાણાનો કરવાને બદલે વ્યૂહરચનાઓ ગોઠવતો રહ્યો. તેણે સેનાને ચાર ભાગમાં વહેંચી અગ્રગામી રક્ષક, મધ્ય પક્ષ, જમણી પાંખ અને ડાબી પાંખ એમ ચતુર્વિધ મોરચો રચ્યો. તેની સામે બાબરે પાણીપતના યુદ્ધની વ્યૂહરચના જાળવી રાખી. ૧૬ માર્ચ ૧૫૨૭ને શનિવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ખાનવાનું યુદ્ધ શરૂ થયું. ખાનવા એટલે આગ્રાથી ૩૭ માઈલ દૂર ભરતપુર અને સિકરી વચ્ચે આવેલું એક ગામ હતું.

મુઘલ અને રાજપૂત સૈન્યો ખાનવામાં ગોઠવાઈ ચૂક્યાં હતાં. રાણા સાંગાના સૈન્યમાં રહેલી મારવાડી સેનાએ પહેલો ગોળો છોડ્યો, બપોર સુધી ઘમાસાણ યુદ્ધ ચાલતું રહ્યું. દરમિયાન બાબરની તુલુગમાંએ જમણી તરફથી ભયાનક પ્રહાર કર્યો. બાબરના સેનાપતિ મુસ્તુફાની ભયાનક ગોળીબારીએ રાજપૂત સૈનિકોના હોશ ઉડાડી દીધા. તેમાંથી રાજપૂત સૈનિકો સ્વસ્થ થાય તે પહેલાં તો તરત જ તુલુગમાંની બીજી ટુકડીએ રાજપૂત લશ્કરની જમણી પાંખ પર હલ્લો બોલાવ્યો. મુઘલ તોપખાનાની ભયંકર આગવર્ષા સામે પણ રાજસ્થાની વીરો ઝીંક ઝીલી રહ્યા હતા. બાબરના આક્રમણને હજુ ધારી સફળતા મળી ન હતી. એક તબક્કે તો તે નિરાશ થઇ ચૂક્યો હતો. તેવામાં જ રાણા સાંગા અને રાજસ્થાન જ નહીં, ભારતના ભાવિનો નિર્ણય કરતી ઘટના બની. યુદ્ધને રમતનું મેદાન સમજતા રાણા સાંગા દુશ્મન સેનાના તીરથી ગંભીર રીતે ઘાયલ થયો. આમેરના રાજા પૃથ્વીરાજ અને જોધપુરનારાજા માલદેવે ઘાયલ સાંગાને બેભાન અવસ્થામાં યુદ્ધ મેદાનમાંથી ખસેડી સુરક્ષિત સ્થાને પહોચાડ્યો. તે પછી પણ મુઘલો સામે લડવાના રાજપૂતોના જુસ્સામાં કમી આવી ન હતી.


પરંતુ ભારતનાં યુદ્ધોમાં જેટલા વિજયો વિરોધી સરદારોએ પ્રાપ્ત કર્યા છે તેમાં તેઓની કુશળતા અને વ્યૂહરચનાઓ તો ખરી, પણ સ્થાનિક ગદ્દારોની ભૂમિકા પણ ઓછી ન હતી. આપણે તેની વાત વલભી-આરબ યુદ્ધ, પૃથ્વીરાજ ચૌહાણ અને અલાઉદ્દીન -પાટણના સંગ્રામ વખતે જોઈ ચૂક્યા છીએ. અહીં પણ સિલહદ નામનો વિશ્વાસઘાતી મોજુદ હતો. તેણે રાજપૂત સરદારો સાથે ખરાખરીના સમયે વિશ્વાસઘાત કરી શત્રુ સેનામાં ભળી ગયો અને રાણા સાંગા ઘાયલ થયો છે અને મેવાડની સેનામાં તે ગેરહાજર છે તેવી અત્યંત ગુપ્ત વાતો બાબર સુધી પહોંચાડી દીધી. પરિણામે આખી બાજી પલટાઈ ગઈ, સાંજ સુધીમાં તો રાજપૂત સૈનિકો પરાસ્ત થઇ ગયા. માત્ર ૧૦ કલાક ચાલેલા ખાનવાના યુદ્ધમાં ડુંગરપુર, મારવાડ, મેડતા, ઝાલાવાડ અને ઈબ્રાહિમ લોદીનો ભાઈ તથા તેનો સેનાપતિ હસન મેવાતી માર્યા ગયા.

૧૬ માર્ચ ૧૫૨૭ને શનિવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ખાનવાનું યુદ્ધ શરૂ થયું. ખાનવા એટલે આગ્રાથી ૩૭ માઈલ દૂર ભરતપુર અને સિકરી વચ્ચે આવેલું એક ગામ હતું.

એક મત પ્રમાણે રાણા સાંગાનું પણ યુદ્ધ મેદાનમાં તે શત્રુઓના હાથે પકડાય તે પહેલા મંત્રીઓ દ્વારા વિષ દઈ દેવાથી મૃત્યુ થયું હતું, તો બીજા એક મત મુજબ રાણા સાંગાનું મૃત્યુ ખાનવાના યુદ્ધ પછી એક વર્ષે તારીખ ૩૦ જાન્યુઆરી, ૧૫૨૮ના રોજ માંડલગઢમાં થયું હતું. સૈનિકો તો અગણિત પ્રમાણમાં મર્યા હતા. યુદ્ધ પછી બાબરે માર્યા ગયેલા રાજપૂત સૈનિકોનાં માથાં ભેગાં કરી તેનો એક મિનારો બનાવી પોતાના વિજયનું વરવું પ્રદર્શન કર્યું હતું. સમકાલીન સ્રોતો જણાવે છે કે ખાનવાના યુદ્ધમાં એટલી તો નરહત્યાઓ થઇ હતી કે ખાનવાથી લઇ બયાના સુધીની ધરતી લાશોથી ઢંકાઈ ગઈ હતી. તે રીતે પાણીપત કરતાં પણ ખાનવામાં નરસંહાર વધુ થયો હતો.


ખાનવા યુદ્ધે વેરેલી ભયાનકતાની સાથે એની અસરો પણ દીર્ઘગામી રહી હતી. તેની વાત આવતીકાલે કરી ખાનવા અને બાબરના પ્રકરણને સમાપ્ત કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP