Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-35

મુઘલાઈ યુદ્ધોઃ ખાનવાનું યુદ્ધ (૧૬ માર્ચ ૧૫૨૭)    

  • પ્રકાશન તારીખ17 Aug 2018
  •  

ઈ.સ. ૧૫૨૬માં બાબરે પાણીપતના પહેલા યુદ્ધમાં ઈબ્રાહિમ લોદીને હરાવી ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના કરી, પણ દેખીતી રીતે નવ્યશાસનની શરૂઆત હોવા છતાં બાબર માટે આખું ભારત હજુ ઘણું આઘું હતું. કારણ કે પાણીપતના યુદ્ધમાં ઈબ્રાહિમ લોદીના મૃત્યુ પછી સ્વત્રંત બનેલા અફઘાન સરદારો અને ઉત્તર ભારતના રાજપૂત રાજાઓ બાબરના તીવ્ર વિરોધી બન્યા. અગાઉ આપણે જોયું હતું કે બાબરના સૈનિકો સતત યુદ્ધોથી થાકી ગયા હતા. વળી તેઓને માતૃભૂમિનો વિરહ પણ સતાવતો હતો. કાબુલમાં તો જ્યોતિષીઓ ખાનવાના યુદ્ધમાં બાબરનો પરાજય થશે એવી ભવિષ્યવાણીઓ પણ કરતા હતા. આવા તદ્દન વિપરિત માહોલમાં કુશળ સેનાનાયક પેઠે બાબરે બધા સૈનિકો અને સેનાપતિઓને ભેગા કરી જે ભાષણ આપ્યું તેની ગણતરી સંસારના સારાં વક્તવ્યોમાં થાય છે. તો આપણે તેનાથી અજ્ઞાત કેમ રહીએ? જુઓ બાબરની સંવેદનાપૂર્ણ વાણીનો નમૂનો:

"મારા સાથીઓ, શું તમે જાણો છો કે આપણા અને માતૃભૂમિ વચ્ચે માત્ર થોડાક મહિનાઓનું જ અંતર છે. જો આપણે હારી જઈશું તો આપણી શી દશા થશે? યાદ રાખો, જે કોઈ આ સંસારમાં આવે છે તેનો નાશ નક્કી જ છે. કલંક સાથે જીવવા કરતાં મર્દાનગી સાથે મરવું વધુ સારું છે. આપણે રણમેદાનમાં મરીશું તો શહીદ ગણાઈશું અને જીતીશું તો તે અલ્લાહના પવિત્ર હેતુઓનો વિજય હશે! માટે આખરી દમ સુધી, શરીરમાં આત્મા છે ત્યાં સુધી લડતા રહો." બાબરના જોશીલા ભાષણે નિષ્પ્રાણ મુઘલ સૈનિકોમાં પ્રાણનો સંચાર કર્યો. દરેક સૈનિકે હાથમાં કુરાન લઇ પ્રાણના અંત સુધી બાબરનો સાથ દેવાની કસમ ખાધી અને હવેના યુદ્ધને બાબર જેહાદ બનાવવાનો હતો.

બાબરના સૈનિકો સતત યુદ્ધોથી થાકી ગયા હતા. વળી તેઓને માતૃભૂમિનો વિરહ પણ સતાવતો હતો. આવા તદ્દન વિપરિત માહોલમાં કુશળ સેનાનાયક પેઠે બાબરે બધા સૈનિકો અને સેનાપતિઓને ભેગા કરી જે ભાષણ આપ્યું તેની ગણતરી સંસારના સારાં વક્તવ્યોમાં થાય છે.

બાબરની હિન્દુસ્તાનમાં જ રહેવાની જાણ થતાં પરિસ્થિતિએ નવો વળાંક લીધો. બાબરે વિરોધી અફઘાનો સરદારોને હરાવી દુરખદેડી મૂક્યા હતા. બાબરે હિન્દમાં જ રહેનું નક્કી કર્યું હોવાથી તેની સીધી અસર રાજસ્થાનના રાજપૂત શાસકો પર પણ પડી હતી. અહીંના રાજપૂતો ઊંઘતા ઝડપાઈ ગયા , કારણ - મેવાડનો રાણો સાંગા એમ માનતો હતો કે ઈબ્રાહિમ લોદીને હરાવી બાબર કાબુલ પાછો ફરશે પણ બાબર તૈમુર લંગની જેમ ભારતમાંથી પરત ફરવા માગતો ન હતો. બાબરના સ્થાયી શાસન સ્થાપવાના ઈરાદાની જાણ થતા જ રાજપૂતરાજાઓ સફાળા જાગ્યા મેવાડના રાણા સાંગાના નેતૃત્વમાં રાજસ્થાનના રાજપૂત રાજાઓનો સંઘ રચાયો. તેમાં મારવાડ, અંબર, ગ્વાલિયર, અજમેર, ચંદેરી, કોટાબુંદી, રામપુર, આબુ અને ઝાલોરના શાસકો જોડાયા.

બીજી તરફ પાણીપતના યુદ્ધ પછી ઈબ્રાહીમ લોદીના ભાઈ મહમંદ લોદી સમેત ઘણા અફઘાન અને પઠાણ સરદારો રાણા સાંગાને મળ્યા હતા. રાણાએ મહમંદ લોદીને દિલ્હીના સુલતાન તરીકે માન્યો હતો, બાબરને નહીં. આમ પાણીપત પછી તરત જ ઉત્તર ભારતમાં રજપૂતોની અફઘાન-પઠાણ સરદારો સાથે યુતિ રચાઈ હતી અને તે બાબર અને મુઘલોને પરસેવો પાડવાની હતી. આ બધાનો નેતા રાણા સાંગા હતો. તેથી તેના વ્યક્તિત્વને ઉપસાવવા તેના વિશે થોડીક વાત કરવી જોઈએ.

મેવાડના રાજા રાયમલનો ત્રીજા નંબરનો પુત્ર પિતાના મૃત્યુ પછી ભાઈઓ વચ્ચેના વારસા વિગ્રહમાં શ્રેષ્ઠ પુત્ર તરીકે ઊભરી આવ્યો હતો. દરમિયાન થયેલી મુઠભેડમાં તે ઘવાયો પણ હતો. આખરે સને ૧૫૦૯માં સાંગાનો ચિતોડના દુર્ગમાં રાજ્યાભિષેક થયો. રાણા સાંગા એક કુશળ સેનાપતિ અને વ્યવસ્થાપક હતો. યુદ્ધને તો તે રમતનું મેદાન જ સમજતો હતો. ઈબ્રાહિમ લોદી સામેના એક ખંતોલી નામના નાના યુદ્ધમાં (ઈ.સ. ૧૫૧૭)માં પણ તે વિજેતા થયો હતો, પણ યુદ્ધમાં તેનો જમણો હાથ કપાઈ ગયો. તીર વાગવાથી પગ લંગડો થઈ ગયેલો. કહેવાય છે કે એની એક આંખ પણ યુદ્ધ મેદાનમાં જ ફૂટી ગઈ હતી. આટઆટલી શારીરિક મર્યાદાઓ હોવા છતાં રાણા સાંગાનો યુદ્ધ લડવાનો જુસ્સો કાબિલે તારીફ હતો. શારીરિક મર્યાદાને કારણે તે સિંહાસન પર ન બેસતા. સામાન્ય દરબારીઓ સાથે જ દરબારમાં બેસતા હતા. ટૂંકમાં બાબર મહાન યોદ્ધો હતો તો રાણા સાંગા કાચી માટીનો ન હતો. તેની વીરતાની દુહાઈ તો છેક રાણા પ્રતાપના સમય સુધી દેવાતી હતી. તેની સાથે બાબરના ખાનવાના યુદ્ધની વાત આવતી કાલે કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP