Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-31

મુઘલાઈ યુદ્ધો -૧

  • પ્રકાશન તારીખ13 Aug 2018
  •  

ભારતના ઈતિહાસમાં દેખીતી રીતે સન ૧૫૨૬થી ૧૭૦૭ સુધીનો ગાળો મુઘલ યુગ (મોગલ નહીં!) તરીકે પ્રસિદ્ધ છે. ભારતનો સીમા વિસ્તાર, સ્થાયી સત્તા, આર્થિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક સિદ્ધિઓ વગેરે સંદર્ભે મુઘલ કાળ બેમિસાલ છે. તેનો સ્થાપક બાબર અને વર્ષ ૧૫૨૬ તથા ભારત વિજયની ઘટના પાણીપતનું પહેલું યુદ્ધ હતું.

પાણીપતનું પહેલું યુદ્ધ ભારતના ઇતિહાસમાં યુગપરિવર્તનકારી હતું. દિલ્હી સલ્તનતના છેલ્લા સુલ્તાન ઈબ્રાહીમ લોદી વચ્ચે ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયેલા આ યુદ્ધનો નાયક બાબર હતો. તેથી પાણીપતના યુદ્ધ પર જતા પહેલાં બાબરના વ્યક્તિત્વને ઉઘાડતી થોડીક વાત કરવી જ જોઈએ.

પાણીપતનું પહેલું યુદ્ધ ભારતના ઇતિહાસમાં યુગપરિવર્તનકારી હતું. દિલ્હી સલ્તનતના છેલ્લા સુલ્તાન ઈબ્રાહીમ લોદી વચ્ચે ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયેલા આ યુદ્ધનો નાયક બાબર હતો.


બાબરનું આખું નામ ઝહિરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર તેની ઉપાધિ હતી. ૧૪ ફેબ્રુઆરી ૧૪૮૩ના રોજ ભારતમાં મુઘલિયા સલ્તનતની સ્થાપના કરનાર બાબરનો જન્મ સમરકંદના ફરગનામાં થયો હતો. બાબર માતૃપક્ષે ચંગેઝ ખાન અને પિતૃપક્ષે મોંગોલ હતો. આમ તેનામાં તુર્ક અને મોંગોલ રક્તનું મિશ્રણ હતું. પિતાના અવસાન પછી ૧૧ જુન સન ૧૪૯૪માં તે ફરઘાનાનો શાસક બન્યો. ત્યારે તેની વય માત્ર ૧૧ વર્ષ, ૪ મહિના અને ૮ દિવસ હતી.

ચાર વર્ષ પછી સમરકંદનો મુખિયા બન્યો અને તેની શાસનયાત્રા શરૂ થઈ. બચપણમાં તેની બાલ્યાવસ્થાનો લાભ લઈ સ્થાનિક સરદારો તેનું રાજ્ય હડપવા માટે તત્પર રહેતા, પણ બાબરમાં નેતૃત્વના ગુણો ભારોભાર હતા. વળી પિતા અને તેના નજીકના સંબંધીઓ તેને ભાવિ શાસક તરીકે તેની મહત્ત્વાકાંક્ષાને ઉકસાવતા રહેતા. ઉદા. તરીકે દીખહાર ગામનાં મુખિયાની વૃદ્ધ માતા તૈમુર લંગના ભારત વિજયની માર્મિક અને રોચક વાતો કહેતી રહેતી અને તેનું વર્ણન સાંભળતાં જ બાબરમાં હિન્દુસ્તાન વિજયનો જુસ્સો પેદા થતો.

નિજી જીવનમાં બાબર ચુસ્ત સુન્ની મુસ્લિમ હતો. સૂફી સંતોથી ખૂબ પ્રભાવિત રહેતો. પોતાના દરેક વિજય માટે અલ્લાહને કારણભૂત ગણતો. અલ્લાહની બંદગીમાં ખૂબ આસ્થા ધરાવતો, પણ શરૂમાં એટલો ઘર્માંધ ન હતો.

પોતાના રાજકીય હેતુઓ પાર પાડવા ઈરાન વિજય દરમિયાન બાબરે કામચલાઉપણે શિયા પંથ પણ સ્વીકાર્યો હતો. આ દરમિયાન તે શિયાપંથી પાઘડી પણ પહેરતો. પરંતુ ઈરાનના શાહના સકંજામાંથી મુક્ત થતાં જ બાબરે શિયા પંથ ત્યજી દીધો હતો. બાબર વીર, ઉદાર, દીર્ઘદૃષ્ટા અને સ્પષ્ટવક્તા હતો. તે દેખાવે સુંદર, માર્મિક હાસ્ય કરનારો અને સ્વભાવે ખુશમિજાજી હતો. બાબરની વાણી મીઠી અને આડંબર વિનાની હતી. રમતો, શિકાર અને તરવાનો બાબર ઘણો શોખ ધરાવતો હતો. તરવાનો તો તેને એટલો ગાંડો શોખ હતો કે ગંગા નદી તો ખરી જ, પોતાના લશ્કરી અભિયાન દરમિયાન માર્ગમાં આવતી બધી નદીઓ તરીને પાર કરી હતી. શારીરિક શક્તિ તો એવી કે દરેક બગલમાં એક-એક માણસને દબાવી બાબર આગ્રાનો કિલ્લો ચડી જતો. પોતે શરાબનો શોખીન ખરો, પણ લતખોર નહીં.

છતાં મદ્યપાન વગર ચાલતું ય નહીં. શરાબ નહીં પીવાની પ્રતિજ્ઞાઓ પણ લેતો, પણ બાબરનો દારૂ નહીં પીવાનો સંકલ્પ બે દા’ડાથી વધુ ચાલતો નહીં. ૧૫૨૭માં ખાનવાના યુદ્ધ પછી તેણે લીધેલી મદ્યપાન ન કરવાની પ્રતિજ્ઞા ૨૪ જુન ૧૫૩૦ના રોજ એનું મૃત્યુ થયું ત્યાં સુધી પાળી હતી.

રમતો, શિકાર અને તરવાનો બાબર ઘણો શોખ ધરાવતો હતો. તરવાનો તો તેને એટલો ગાંડો શોખ હતો કે ગંગા નદી તો ખરી જ, પોતાના લશ્કરી અભિયાન દરમિયાન માર્ગમાં આવતી બધી નદીઓ તરીને પાર કરી હતી.


બાબરનું સ્મરણ બાબરી મસ્જીદના સર્જક તરીકે પણ થાય છે. તેના સેનાપતિ મીરબાંકીએ અયોધ્યામાં બાબરના નામ પરથી બાબરી મસ્જીદ બાંધી હતી. બાબરની એક ખૂબ જ મહત્ત્વની ઓળખાણ "તઝુક -એ- બાબરી" કે ‘બાબરનામા’ નામની આત્મકથાના લેખક તરીકેની છે. ચગતાઈ તુર્કી ભાષામાં લખાયેલી આ આત્મકથાની સત્ય અને વાસ્તવિકતાનું નિરૂપણ કે જે કોઈપણ આત્મકથાનું અભિન્ન અંગ છે તે મુદ્દે માત્ર ભારતના સાહિત્યિક ઈતિહાસમાં જ નહીં, એશિયાના ઇતિહાસમાં ખુબ ઊંચા સ્થાને બિરાજે છે. ઈતિહાસકારોએ તો બાબરનામાને ભારતની સમકાલીન હકીકતોનું દર્પણ કહી છે. આત્મકથાની સાથે બાબર કવિતા પણ લખતો. "મુબ્બૈયા" નામની કાવ્યશૈલીના જન્મદાતા તરીકે પણ બાબરને યાદ કરાય છે. તેણે "ફિક્ર હ-ઈ-મુબીઘાત "નામથી ધર્મગ્રંથની રચના કરી હતી .

આવા બહુઆયામી વ્યક્તિત્વના ઘની બાબરના પાનીપતના પહેલા યુદ્ધ વિષેની વાત હવે પછી કરીશું .
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP