Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-30

મહમૂદ બેગડાનાં યુદ્ધો - 10 (ચાંપાનેર - ઈ.સ. ૧૪૮૪)

  • પ્રકાશન તારીખ12 Aug 2018
  •  

મહમૂદ બેગડાએ જીવનકાળ દરમિયાન સતત યુદ્ધો કર્યાં અને તેમાં છેલ્લું અને મહત્ત્વનું યુદ્ધ ચાંપાનેર ગણી શકાય. ગુજરાતના તખ્ત પર 54 વર્ષ સુધી રાજ કરનાર બેગડાની સ્મૃતિ તેણે કરેલાં બાંધકામો, બાગ-બગીચાઓ અને નગરોની રચના માટે પણ થાય છે. નવું રાજ્ય જીતતાં જ તે પહેલું કામ તેનું નામ બદલવાનું કરતો. જુનાગઢનું ‘મુસ્તુફાબાદ’ કર્યું, તેમ ચાંપાનેર જીત્યા પછી આ શહેરનું નામ હઝરત મહમંદ પયગંબરના નામ પરથી ‘મોહમ્મદાબાદ’ રાખ્યું.

નવા નગરને ગુજરાતની કામચલાઉ રાજધાની પણ બનાવી. અહીં તેણે ટંકશાળની સ્થાપના કરી, તેના પર "શહર-એ-મુકરર્મ’ (આદરણીય નગર) નામ લખાવ્યું હતું. ચાંપાનેર લગભગ અડધા સૈકા સુધી ગુજરાતની રાજધાની રહ્યું હતું.

નવું રાજ્ય જીતતાં જ મહમૂદ બેગડો પહેલું કામ તેનું નામ બદલવાનું કરતો. જુનાગઢનું ‘મુસ્તુફાબાદ’ કર્યું, તેમ ચાંપાનેર જીત્યા પછી આ શહેરનું નામ હઝરત મહમંદ પયગંબરના નામ પરથી ‘મોહમ્મદાબાદ’ રાખ્યું.

ચાંપાનેરની પ્રાકૃતિક સુંદરતાથી મહમૂદ એટલો તો પ્રભાવિત થયો હતો કે તે અમદાવાદ છોડી મોહમ્મદાબાદમાં જ રહેવા લાગ્યો. તે એટલે સુધી કે ઉનાળામાં માત્ર તરબૂચ અને ટેટી ખાવા માટે જ અમદાવાદ આવતો.

મોહમ્મદાબાદ સુલતાનને એટલું તો માફક આવી ગયું કે વિશાળ માત્રામાં ભવ્ય બાંધકામો જેવાં કે મસ્જીદો, કિલ્લો ચાંપાનેરમાં શરૂ કરાવ્યાં. તેનું વધતું મહત્ત્વ જોઈ અમીર-ઉમરાવો પણ હવે અમદાવાદ છોડી ચાંપાનેરમાં વસવા લાગ્યા હતા. ઈ.સ. ૨૦૦૨ના વર્ષે ચાંપાનેરને વિશ્વ વારસાના નગરનું સ્ટેટસ મળ્યું તે બધાના પાયામાં મહમૂદ બેગડાના સમયમાં થયેલાં સ્થાપત્યો છે. મહમૂદને ઈમારતો બાંધવાનો, બાગ-બગીચાઓનું નિર્માણ વગેરેનો
પુષ્કળ શોખ હતો અને માટે જ તો આપણા એક કવિ-વિવેચક નવલરામે નોંધ્યું છે કે...

"શાહઆલમ સરખેજની શોભા શી વર્ણાય રે ,
અસલી ઈમારત હુન્નર આગળ ઈજનેરી લજવાય .
રમિયે ગુજરાત"

માત્ર અમદાવાદ નહીં, ચાંપાનેરને મહમૂદ બેગડાએ એટલું સુશોભિત કર્યું કે લોકો અમદાવાદને ભૂલી ગયા. ‘મિરાત-એ-સિકંદરી’ નામના ગ્રંથમાં તો "અહીંનાં નાળિયેર હલવા જેવાં અને દ્રાક્ષ વગેરે ફળો સ્વર્ગના બાગ જેવાં થતાં તથા અહીં સુખડનાં ઝાડનું એવું તો ગંજાવર વન હતું કે લોકો સુખડનાં લાકડાંનો ઉપયોગ મકાન બાંધવા માટે કરતા હતા. ચાંપાનેરને જોવા માત્રથી દિલની ઉદાસી ભાગી જતી..." જેવું કાવ્યાત્મક વર્ણન કરવામાં આવ્યું છે.

મોહમ્મદાબાદ એકલાને નહીં, મહમૂદે આજુબાજુના વિસ્તારને પણ ભવ્યતાથી શણગાર્યો હતો. એનો એક નમૂનો આજનું હાલોલ. હાલોલ મૂળ તો એક બાગનું નામ હતું. ચાંપાનેર જીત્યા
પછી તેણે રચેલા બગીચામાં કેટલાક ઉત્તમ બગીચાઓ ખુરાસની ઈજનેરો દ્વારા બન્યા હતા. એક વાર ચર્ચામાં સ્થાનિક હલું નામના લુહારે પોતે પણ આવો જ બાગ બનાવી શકે તેવી વાત બાદશાહની ખિદમતમાં રજુ કરી. બેગડાએ તે આ નવી કળા કેવી રીતે શીખ્યો એવું પૂછ્યું તો હલું એ કહ્યું કે હું ખુરાસની ઇજનેરના મજુર તરીકે કામ કરતો હતો. બાગ બનાવતી વખતે બાગકલાનો પોતાના દબદબાને યથાવત રાખવા બીજું કોઈ શીખી ન જાય તે માટે ખુરાસની બધા લોકોને બહાર કાઢતો, પણ હલું મજુર તરીકે કામ કરતો હોવાથી અને તેની શીખવાની તાકાત કેટલી? એ ભ્રમમાં તે હલુંને પોતાની પાસે રહેવા દેતો. તે રીતે હલું લુહાર
બાગકલા શીખી ગયો. તેણે આ બધી વાતો સુલતાન સમક્ષ રજુ કરી પોતાને એક બાગ બનાવવાની તક આપવા વિનંતી કરી. જે મહમૂદ બેગડાએ સ્વીકારી. પરિણામે જે બાગ બનાવાયો તે આજનું હાલોલ. મહમૂદ બેગડાએ હલું લુહારની કળાની કદર કરતાં તેણે
બનાવેલા બાગનું નામ "બાગ-એ-હાલુંલ" રાખ્યું હતું. કાળક્રમે તેનુંઅપભ્રંશ થઇ હાલોલ થયું હતું.

ગુજરાતની સુંદરતામાં વધારો કરતા આવાં તો અનેક બાંધકામો મહમૂદ બેગડાના સમયમાં બન્યાં હતાં. પણ કમનસીબી એ બાબતની રહી કે આજે તો મહેમદાવાદ સિવાય મહમૂદ દ્વારા નિર્મિત એકપણ નગર લોકોની જાણમાં નથી. તેનું કારણ મહમૂદ બેગડા પછી ગુજરાતમાં થયેલી સતત રાજકીય ઉથલપાથલો હતી. ગુજરાતના સુલતાન બહાદુરશાહના સમયમાં તો હુમાયુએ ચાંપાનેર પર ભયંકર આક્રમણ કરી પૃથ્વી પરના આ શ્રેષ્ઠ નગરને રીતસર સળગાવી દીધું હતું. તેની પડતીનું અત્યંત કરુણ ચિત્રણ ‘મિરાત-એ-સિકંદરી’માં થયું છે. તેને વાંચ્યા વગર ચાંપાનેરનો ઈતિહાસ અધૂરો છે.

‘મિરાત-એ-સિકંદરી’ લખે છેઃ "સુબ્હાન અલ્લાહ ભવ્ય ચાંપાનેરની
શું આ હાલત કે અત્યારે તે વાઘ અને વરુનું રહેઠાણ થઇ પડ્યું છે. ત્યાંની ઈમારતો ખંડેર થઇ પડી છે. ત્યાંના રહેવાસીઓ નાબુદ થઈ રહ્યા છે. તેનું પાણી ઝેર જેવું થયું છે અને ત્યાંની આબોહવા આદમીઓના બદનમાંથી શક્તિનો નાશ કરે છે. સુખડનાં વૃક્ષોનું તો નામોનિશાન નથી."


મોહમ્મદાબાદ એકલાને નહીં, મહમૂદે આજુબાજુના વિસ્તારને પણ ભવ્યતાથી શણગાર્યો હતો. એનો એક નમૂનો આજનું હાલોલ. હાલોલ મૂળ તો એક બાગનું નામ હતું.

આમ ભવ્ય ચાંપાનેર-મોહમ્મદાબાદની ભવ્ય ગાથા મહમૂદ બેગડા સાથે જ પૂરી થઇ. બેગડાને પણ તેના મૃત્યુનો અણસાર આવી ચૂક્યો હતો. તેથી મુસ્લિમોમાં મૃત્યુ પહેલાં પોતાની કબર બુક કરાવવાની પ્રથા મુજબ તેણે પણ પોતાનો રોજો સરખેજમાં બનાવવાનું નક્કી કર્યું. સને ૧૫૧૧ના વર્ષે લગભગ ત્રણ મહિના તે ઘણો માંદો રહ્યો અને ૬૭ વર્ષની ઉંમરે ગુજરાતની સલ્તનતના આ મહાનતમ સુલતાનનું અવસાન થયું હતું.

અહીં મહમૂદ બેગડાના લગભગ ૧૦ મહત્ત્વનાં યુદ્ધોનો ઈતિહાસ આપણે પૂરો કરીએ છીએ. કાલથી મુઘલિયા સલ્તનતનાતાબા દરમિયાન થયેલાં યુદ્ધો વિશે આપણી યુદ્ધયાત્રા ચાલશે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP