Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-29

મહમૂદના બેગડાનાં યુદ્ધો - 9 (ચાંપાનેરનું યુદ્ધ ચાલુ)

  • પ્રકાશન તારીખ11 Aug 2018
  •  

મહમૂદ બેગડાના ભયંકર અને વ્યુહાત્મક આક્રમણથી પાવાગઢ-ચાંપાનેરના પતનનો ઈતિહાસ આપણે ગત હપ્તામાં જોયો. યુદ્ધ પછી સુલતાન મહમૂદ બેગડાની ફોજે આસપાસના વિસ્તારને લૂંટવામાં કોઈ કસર છોડી ન હતી. ગુજરાતના તે સમયના આ સમૃદ્ધ વિસ્તારનું એકપણ ઘર એવું ન હતું કે જેમાં અનાજ, પૈસા, ઢોર અને કપડાં રહ્યાં હોય. લીલી હરિયાળી જેવો ચાંપાનેરનો મુલક ઉજ્જડ બની ગયો. નગરમાં તો સ્મશાનવત શાંતિ છવાઈ હતી. પાવાગઢને બચાવવાના પ્રયાસોમાં વેરસી, સારંગ જાડેજા, કરણ, જેઠમલ, સરવૈયો અને ચંદ્રભાણ આટલા હિંદુ રાજાઓએ પોતાનાં બલિદાનો આપ્યાં હતાં. ૨૦ મહિના સુધી ચાલેલા ચાંપાનેર પરના ઘેરા વખતે ૬૦ હજારનું મોટું લશ્કર હોવા છતાં જયસિંહ પરાસ્ત થયો. ચારણોની વહીઓ કહે છે કે જયસિંહના બે પુત્રો યુદ્ધ પછી બચી ગયા હતા. તેમાં પૃથ્વીરાજ અને ડુંગરજીએ અનુક્રમે મોહન (છોટાઉદેપુર) અને દેવગઢ બારિયામાં રાજ્યો સ્થાપ્યાં હતાં. આ રાજ્યો આજે પણ જયસિંહ પાવાપતિનું નામ રાખી રહ્યાં છે.

યુદ્ધ પછી સુલતાન મહમૂદ બેગડાની ફોજે આસપાસના વિસ્તારને લૂંટવામાં કોઈ કસર છોડી ન હતી. ગુજરાતના તે સમયના આ સમૃદ્ધ વિસ્તારનું એકપણ ઘર એવું ન હતું કે જેમાં અનાજ, પૈસા, ઢોર અને કપડાં રહ્યાં હોય.

ચાંપાનેર ધ્વંસ થયું તેનાં ઐતિહાસિક કારણો આપણે તપાસ્યાં, પણ ધાર્મિક રીતે અગત્યનાં કેન્દ્રોનાં પતન સાથે ગુજરાત અને ભારતમાં રસપ્રદ -વાંચવો ગમે તેવો ઈતિહાસ પણ ઊભો થતો હોય છે. ચાંપાનેર-પાવાગઢના ઇતિહાસમાં પણ એવું થયું છે. ગુજરાતી સમાજની એક ખાસિયત એ છે કે કોઈની મોટી ચડતી-પડતીના કારણમાં ન્યાય અને નીતિથી ભ્રષ્ટ થવાનું કારણ મુખ્ય માનવું અને તેમાં દૈવી સત્તાનો હાથ માનવો. ચાંપાનેરના પતનમાં પણ ઈતિહાસની સાથે રસિક દંતકથાઓ અને લોકગીતો જોડતાં ગયાં, જે આજે પણ ગુજરાતી પ્રજા વીસરી નથી. ગુજરાતનો સમાજ પતાઈ રાવળ અને પાવાગઢના પતનમાં એવું માને છે કે પતાઈ રાવળ નવરાત્રિ મહોત્સવ ઊજવતો હતો ત્યારે માતા કાલિકા મનુષ્ય રૂપ ધારણ કરી ગરબે રમવા પધાર્યાં. તેમના રૂપથી આકર્ષિત થઇ જયસિંહ પતાઈએ તેમનો હાથ ઝાલ્યો. માતાએ કહ્યું કે તું માગે તે આપું. આ ગરબાની કેટલીક પંક્તિઓઃ
‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાલી રે
મા વસાવ્યું ચાંપાનેર પાવાવાળી રે...’
***
ચાંપા તે નેરના ચાર ચૌટા મહાકાલી રે
***
માગ માગ ગુજરાત કેરી ગાદી કે ભદર બેસણા રે લોલ
***
માગું એટલું એ જ કે મહેલે પધારજો રે લોલ
***
ફટ ફટ પાવાના રાજન કે એ શું માગ્યું રે લોલ
આજથી છઠે ને છ માસે કે...
આવો જ એક હિન્દી અને ગુજરાતીના મિશ્રણવાળો ગરબો પણ ગુજરાતીઓમાં ગવાય છે અને નવરાત્રીના દિવસોમાં તો જૂના સમયમાં અને આજે પણ ઘણો લોકપ્રિય છે. પણ તેમાં ઉપરના ગરબા કરતાં પણ વિશેષ ચમત્કારિક તત્ત્વો રહેલાં છે.
એ બધામાં મૂળ વાત એટલી છે કે જયસિંહને માતાજીનો શાપ લાગ્યો અને કિલ્લામાં જતી પોઠોમાંથી મુસ્લિમ લડવૈયા નીકળ્યા વગેરે વર્ણન પ્રસ્તુત ગરબામાં આવે છે. સરવાળે એટલું કે મહમૂદ બેગડાની મહત્વાકાંક્ષા વગેરે કશું જ નહિ, માત્ર માતાજીનો શ્રાપ પાવાગઢના પતન માટે મૂળ કારણ હતું, પણ આ ગરબો પાવાગઢના પતનનો સમકાલીન નથી. તેની રચના ઘણી મોડી થઇ છે. શ્રી વલ્લભ ધોળા રચિત આ ગરબો ગુજરાતીઓમાં એટલો તો લોકપ્રિય છે કે લોકો મૂળ ઈતિહાસને ભૂલી આ ગરબામાં દર્શાવેલી વિગતોને જ ચાંપાનેર - પાવાગઢના પતન માટે કારણભૂત ગણે છે. મૂળ વસ્તુ આમાં એ ભૂલી જવાય છે કે પાવાપતિ પોતે શક્તિભક્ત હતો. તેના સમયના શિલાલેખોમાં તેને શક્તિના ઉપાસક તરીકે બિરદાવવામાં આવ્યો છે અને આવા દેવી ઉપાસક સાથે જોડાયેલી વાતો લોકરંજનથી વધું કંઈ નથી. આવી બાબતોની સામે નક્કર ઈતિહાસને પ્રસ્થાપિત કરવા માટે સાંપ્રત સમયમાં ઈતિહાસકારોનો શ્રમ વધી રહ્યો છે. મહમૂદ બેગડાના ચાંપાનેર વિજય પછી મહમૂદ બેગડાએ ચાંપાનેરની જે કાયાપલટ કરી તેની વાત કરી આવતી કાલે બેગડાનું ચેપ્ટર પૂરું કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP