Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-27

મહમૂદ બેગડાનાં યુદ્ધો - 7 (ચાંપાનેરનું યુદ્ધ ચાલુ)

  • પ્રકાશન તારીખ09 Aug 2018
  •  

પોતાના પૂર્વજો પણ ચાંપાનેર-પાવાગઢ ને જીતી શક્યા ન હતા અને માળવા સાથે સંઘર્ષ ચાલુ હતો. એ બધી વાતો આપણે આગળ જોઈ ગયા. હવે દૃઢ નિર્ણય સાથે ૧૨ ડિસેમ્બર ૧૪૮૨ના રોજ સુલતાન મહમૂદ બેગડો ચાંપાનેર અભિયાન માટે નીકળી પડ્યો. સહુ પહેલાં વડોદરા તરફ મોટી ફોજ રવાના કરી. ચાંપાનેરનો જયસિંહ આ બધી ઘટનાઓથી અજ્ઞાત હોય તેમ માનવાને કોઈ કારણ નથી. મોટી સેનાના સમાચાર મળતાં જ તેણે હથિયાર હેઠાં મૂકી સુલેહ કરવાનું વલણ અપનાવ્યું. પોતાના વકીલોને સુલતાન સમક્ષ મોકલી સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો.

‘તબકાતે અકબરી’ ગ્રંથની નોંધ મુજબ જયસિંહે અગાઉ પકડેલા બે હાથી અને લૂંટેલો સામાન તથા બીજું સોનું આપવાની ઓફર કરી, પણ હવે મહમૂદ બેગડાની તલવાર મ્યાનમાંથી નીકળી ચૂકી હતી. તે લોહી ચાખ્યા વગર મ્યાન થાય તેમ ન હતી. તેણે પતાઈ રાવળના પ્રસ્તાવને ઠુકરાવી દીધો અને જવાબમાં કહ્યું કે આ સંદેશાનો જવાબ કાલે તલવારથી આપીશું.

‘તબકાતે અકબરી’ ગ્રંથની નોંધ મુજબ જયસિંહે અગાઉ પકડેલા બે હાથી અને લૂંટેલો સામાન તથા બીજું સોનું આપવાની ઓફર કરી, પણ હવે મહમૂદ બેગડાની તલવાર મ્યાનમાંથી નીકળી ચૂકી હતી. તે લોહી ચાખ્યા વગર મ્યાન થાય તેમ ન હતી.

સુલતાન દ્વારા સમાધાનનો સ્વીકાર ન થતાં હવે જયસિંહ પાસે લડ્યા વગર કોઈ ચારો ન હતો. વડોદરાથી રસાલો ઉપાડી મહમૂદે ચાંપાનેર વટાવી માળવાના માર્ગ પર કરનાઈ ગામે પડાવ નાંખ્યો. યુદ્ધની વ્યૂહરચનાના ભાગરૂપે પોતાના બહેરામ ખાન, અદલ્મુલ્ક, તાજ ખાન અને ઈખ્તિયાર ખાનને આગળ મોકલ્યા. સૈયદ બંદી અલંગદારને ખોરાક અને સરંજામ જે રસ્તે આવતો હતો તેની હિફાજત માટે રોક્યો. આ જ સમયે રાજપૂત સૈનિકોએ તેના પર હુમલો કરી ખોરાક અને બીજી સામગ્રી પડાવી લીધી. પ્રથમ ગ્રાક્ષે મક્ષિકા જેવી હાલત થતાં બેગડો ઘણો નિરાશ થયો અને ચાંપાનેર વિજય સરળ નથી તેમ લાગતાં આગળ વધવાના બદલે ઘેરો ઘાલી એક મહિના સુધી ત્યાં જ પડ્યો રહ્યો.

ચાંપાનેર જીતવા વધુ તૈયારીના ભાગ રૂપે અમદાવાદ દૂત મોકલી સેનાપતિ મુહાફીજ ખાનને તેડાવ્યો. તે લશ્કરી બંદોબસ્તનો નિષ્ણાત હતો. નવા સેનાપતિના આવ્યા પછી તે દરરોજ સવારથી બપોર સુધી બધી તોપો તપાસી તેનો અહેવાલ સુલતાન સમક્ષ રજુ કરતો. હવે મહમૂદ ચાંપાનેર વિજય માટે કોઈ કસર છોડવા માગતો ન હતો. તબકાતે અકબરીમાં નોંધ્યા પ્રમાણે કિલ્લા સુધી પહોંચવા સુરંગ ખોદવાનું પણ નક્કી થયું. તે માટે કુશળ ઈજનેરો પણ બેગડાની સેનામાં હતા. તેમને સુરંગ ખોદવાના કામે વળગાડ્યા. સુરંગ બનાવવા માટે લાકડાંનાં પાટિયાં જોઈએ. તે સરળતાથી ન મળતાં કહેવાય છે કે સુલતાને એક એક ઝૂડી લાકડાંના એક એક અશરફી ચૂકવ્યા હતા. અશરફી એટલે એટલે સોનાનો સિક્કો. સુરંગ ખોદાવવાનો ખર્ચ એક લાખ ટંકા બેઠો હતો, પણ ચાંપાનેર જીતવાના ઝનૂન સામે આ બધું ગૌણ બન્યું.

ચાંપાનેરના કિલ્લા સુધી પહોંચવા સુરંગ ખોદવાનું પણ નક્કી થયું. તે માટે કુશળ ઈજનેરો પણ બેગડાની સેનામાં હતા. તેમને સુરંગ ખોદવાના કામે વળગાડ્યા.

ચાંપાનેર તરફ મહમૂદનાં દરેક કદમ તરફ જયસિંહની બાજ નજર હતી, પરંતુ મહમૂદ બેગડાની પ્રચંડ તૈયારી સામે તે લાચાર હતો. ફરીથી તેણે મહમૂદ પાસે દૂતો મોકલી સમાધાન માટે પ્રસ્તાવ મૂક્યો અને ચાંપાનેર પરનો ઘેરો ઉઠાવી લેવાય તો નવ મણ સોનું અને બે વર્ષ ચાલે એટલું અનાજ આપવા કહ્યું. પરંતુ આગે કદમમાં જ માનતા મહમૂદને હવે કોઈ ઑફર રીઝવી શકે તેમ ન હતી. પાવાપતિ બાહોશ તો હતો જ સાથે મુત્સદ્દી પણ હતો. તેથી આખરી ઉપાય તરીકે મહમૂદના હુમલા વિરુદ્ધ તેના દુશ્મન અને માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી. તેણે પોતાના સુર નામના ખાસ દૂતને માળવા મોકલ્યો અને મહમૂદ બેગડા સામેના યુદ્ધમાં પોતાને મદદ કરશે તો પ્રત્યેક મજલે એક લાખ તનખા આપવાની લલચામણી ઓફર કરી. માળવાનો સુલતાન લલચાઈ પતાઈને મદદ કરવા તૈયાર થયો. આટલી વાતની ખબર બેગડાને ન પડે? તે પતાઈને પડતો મૂકી માળવાના સુલતાન સામે લડવા ઠેઠ દાહોદ સુધી પહોચી ગયો, પણ બંને મુસ્લિમ શાસકોની લડત પહેલાં માળવી સુલતાને ઇસ્લામી વિદ્વાનોનો મત લીધો. તેઓએ હિંદુ રાજા સાથે લડતા મુસલમાન રાજા સામે પોતે મુસલમાન હોવાથી લડી ન શકાય તેવો મત વ્યક્ત કર્યો અને વિદ્વાનોની વાત માથે ચડાવી માળવાનો સુલતાન પોતાના સમધર્મી શાસક સામે લડ્યા વગર માંડું પાછો ફર્યો. તેનાથી મહમૂદ ખૂબ ખુશ થયો અને તરત ચાંપાનેર આવી જુમ્મા મસ્જિદનો પાયો નાખ્યો.

હવે સુલ્તાનની ફોજ ચાંપાનેરના દરવાજે દસ્તક દઈ રહી હતી. પાવાપતિ જયસિંહદેવ પતાઈ ચાંપાનેરને બચાવવાના બધા નુસ્ખા અજમાવી ચૂક્યો હતો. તો હવે તે હથિયાર હેઠાં મેલી સીધો મહમૂદ બેગડાના પગમાં પડી ગયો હશે? જી નહીં, તે કેસરિયાં કરવાનો હતો. તેના કેસરિયાં સંઘર્ષની વાત માટે આવતી કાલે મળીએ.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP