Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-26

મહમૂદ બેગડાનાં યુદ્ધો - 7 (ચાંપાનેરનું યુદ્ધ ઈ.સ. ૧૪૮૪)

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

સૌરાષ્ટ્રમાં ફતેહ મેળવ્યા પછી મહમૂદ બેગડાનું હવેનું નિશાન ચાંપાનેર હતું. ચાંપાનેરમાં એ સમયે ગંગદાસનો પુત્ર જયસિંહદેવ પતાઈ રાજ્ય કરતો હતો. ગંગદાસ પર પણ એ સમયમાં ચાંપાનેરમાં "ગંગદાસપ્રતાપવિલાસ" નામનું નાટક લખાયું હતું અને તે મહાકાલી મંદિરના ચોગાનમાં ભજવાયું પણ હતું. શ્રી ભોગીલાલ સાંડેસરાએ લંડનની ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરીમાંથી આ નાટક શોધી કાઢ્યું હતું. ગંગદાસનો પુત્ર ગુજરાતના ઇતિહાસમાં "પતાઈ રાવળ" તરીકે પણ પ્રસિદ્ધ છે. પતાઈ એ પાવાપતિનું ટૂંકું ગુજરાતી રૂપ મનાય છે. અન્ય એક મત મુજબ ચાંપાનેરના પતાઈ રાજાઓ પૃથ્વીરાજ ચૌહાણના વંશજો હોવાથી પણ ‘પથાઈ’ અને ‘પતાઈ’ કહેવાયા હોવાની સંભાવના છે.

ઇતિહાસકાર રત્નમણીરાવ જોટેએ નોંધ્યું છે કે "સૃષ્ટિ સૌંદર્ય અને ઈતિહાસ એ બંને રીતે જોતાં ચાંપાનેર-પાવાગઢ જેવું મહત્ત્વનું સ્થળ મહાગુજરાતમાં બીજું એકે
નથી. એક મહાકાવ્યમાં જોવા મળતા બધા રસ અહીં એકસાથે રહેલા છે."

ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું નાનું શહેર છે. પાવાગઢ નાનો પણ અત્યંત સુંદર પર્વત છે ઇતિહાસકાર રત્નમણીરાવ જોટેએ નોંધ્યું છે કે "સૃષ્ટિ સૌંદર્ય અને ઈતિહાસ એ બંને રીતે જોતાં ચાંપાનેર-પાવાગઢ જેવું મહત્ત્વનું સ્થળ મહાગુજરાતમાં બીજું એકે નથી. એક મહાકાવ્યમાં જોવા મળતા બધા રસ અહીં એકસાથે રહેલા છે." એનો ઈતિહાસ, પાવાગઢ-ચાંપાનેર નામ પાડવા પાછળનાં કારણો અને તેની વન્યસૃષ્ટિ સહુ કોઈનો રસ અને રુચિ સંતોષે તેવાં છે. મહમૂદ બેગડાએ ચાંપાનેર જીત્યું તે પહેલાં પણ શિલ્પ-સ્થાપત્યની રીતે તેનો ગૌરવશાળી વારસો હતો.

ભૌગોલિક ચર્ચાને સીમિત કરી ચાંપાનેરના યુદ્ધના ઈતિહાસ તરફ આગળ વધીએ. જયસિંહદેવ પતાઈના પૂર્વજો પૃથ્વીરાજ ચૌહાણની પડતી પછી ચાંપાનેરમાં આવ્યા અને સ્થાનિક ભીલ રાજાને હરાવી સત્તા સ્થાપી હતી. ગુજરાતમાં સલ્તનતની સ્થાપના થઇ ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભીલોના નાનાં નાનાં ઘણાં રાજ્યો હતાં તે ભૂલવા જેવું નથી.

પાવાગઢ-ચાંપાનેરમાં રાજ્ય સ્થાપનાર મૂળ પુરુષનું નામ ખીચી હતું. તેથી ચાંપાનેરના ચૌહાનો ખીચી ચૌહાણો તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં ઘણી આસમાની-સુલતાની થઇ છતાં મહમૂદના સમય સુધી ચાંપાનેરે પોતાની સ્વતંત્રતા જાળવી રાખી હતી. ચાંપાનેર રાજ્યના દસ્તાવેજોમાં તો ગગદાસ રાવળ નામના ચાંપાનેરના રાજાએ અહમદશાહના પુત્ર સુલતાન મહમૂદને પણ હરાવ્યો હતો. તેના વંશજ જયસિંહ સાથે સને ૧૪૮૪માં બેગડાએ ખેલેલું યુદ્ધ ગુજરાતના ઈતિહાસનો રસિક અને મહત્ત્વપૂર્ણ અધ્યાય છે.

ચાંપાનેર સાથે યુદ્ધ કરવાનાં મહમૂદ પાસે એકાધિક કારણો હતાં. સૌથી પહેલાં તો સૌરાષ્ટ્રની લાંબી લડાઈઓ પછી ખુદાવંદખાન નામના અમીરના પોતાના વિરુદ્ધના કાવતરાની તપાસ કરવા મહમૂદ અમદાવાદ આવ્યો. તેણે અમીરોના મનનું પારખું કરવા એવી વાત ચલાવી કે પોતે મક્કા શરીફની હજ કરવા ધારે છે અને રાજવહીવટ અમીરોને સોંપી દેવા માંગે છે. સુલતાને આ વિચાર માટે અમીરોની સલાહ માગી અને કોઈએ પણ ડરના માર્યા પોતાનો મત જણાવ્યો નહીં, ત્યારે મહમૂદ બેગડાએ અનશન વ્રત લીધું. એમ કહેવાય છે કે અમીરોએ છેવટે ગભરાઈને સુલતાનને ખુશ કરવા એમ કહ્યું કે પહેલાં ચાંપાનેરના હિંદુ રાજ્ય પર વિજય મેળવો અને પછી સુખેથી હજયાત્રા માટે જાઓ. આ સાંભળી સુલતાન ખુશ થયો અને તેણે અનશન વ્રત તોડી પારણાં કર્યાં. ‘તબકાતે અકબરી’ ગ્રંથમાં વર્ણવેલું આ પહેલું કારણ. તેની સમાંતર એક કારણ એવું આપવામાં આવે છે કે એક સવારે સુલતાન મહમૂદ બેગડાએ ઊઠતાંવેંત પૂર્વ દિશા તરફ જોયું અને સેનાપતિઓ સમજી ગયા કે સુલતાન ચાંપાનેર જીતવાનું વિચારી રહ્યો છે. (હવે આવી વાતોને શીદ સાચી માનવી? પૂર્વ દિશામાં તો બીજા ઘણા નાનાં મોટાં રાજ્યો હતાં, પણ તવારીખો લખનારાઓની આ શૈલી હતી.)

પાવાગઢ-ચાંપાનેરમાં રાજ્ય સ્થાપનાર મૂળ પુરુષનું નામ ખીચી હતું. તેથી ચાંપાનેરના ચૌહાનો ખીચી ચૌહાણો તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં ઘણી આસમાની-સુલતાની થઇ છતાં મહમૂદના સમય સુધી ચાંપાનેરે પોતાની સ્વતંત્રતા જાળવી રાખી હતી.

બીજું કારણ મહમૂદ બેગડાની મહત્વાકાંક્ષા માળવા જીતવાની હતી, પણ માળવા જીતવા માટે ગુજરાત અને માળવાની સરહદ વચ્ચે મજબૂત લશ્કરી કિલ્લો બંધાવો જરૂરી હતો અને તેના માટે ચાંપાનેર-પાવાગઢ સૌથી અનુકૂળ સ્થળ હતું. પરંતુ આ બાબત જયસિંહ પતાઈને પરાસ્ત કર્યા વગર સાર્થક થાય તેમ ન હતી. આવાં મુખ્ય પરિબળો સાથે બીજાં નાનાં મોટાં કારણો પણ સંકળાતાં ગયાં. તેમાંનું એક નાનું પણ મહત્ત્વનું કારણ એ બન્યું કે ઈ.સ.૧૪૮૨માં ગુજરાતમાં બહુ જ ઓછો વરસાદ પડ્યો અને ચાંપાનેર સુધી દુષ્કાળ જેવી સ્થિતિ હતી.

આ દુષ્કાળના માહોલમાં સુલતાન બેગડાનો એક સરદાર નામે મલિક સધા સુલ્તાની ચાંપાનેર તાબાનાં કેટલાંક ગામડાંઓ લૂંટી આવ્યો. આ બનાવ પછી ચાંપાનેરના રાજાએ વળતો હુમલો કરી મલિકને ભૂંડો પરાજય આપ્યો. તેના લશ્કરની પણ મોટી ખુવારી થઈ અને પોતે પણ યુદ્ધમાં માર્યો ગયો. ચાંપાનેર નરેશે આ અથડામણ પછી મલિકનો લશ્કરી સરંજામ અને બે હાથીઓ પડાવી લીધા હતા. સુલતાન મહમૂદ બેગડાને આવી સીધી ટક્કર આપનાર ગુજરાતમાં તો એ સમયે જયસિંહ સિવાય કોઈ પાક્યો ન હતો. વળી તે સલ્તનત વિસ્તારનાં ગામડાંઓમાં લૂંટફાટ કરનારાઓને મદદ પણ કરતો હતો. આમ ઘણી બધી બાબતો ભેગી થઈ અને પરિણામ મહમૂદ બેગડાનું ચાંપાનેર પર આક્રમણ. તેની વિગતો આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP