Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-24

મહમૂદ બેગડાનાં યુદ્ધો - 5 (જગતનું યુદ્ધ, ઈ.સ. ૧૪૭૩)

  • પ્રકાશન તારીખ06 Aug 2018
  •  

લેખનું શીર્ષક જગત વાંચી રખે કોઈ એમ સમજે કે સુલતાન મહમૂદ બેગડાએ આખા જગત સામે યુદ્ધ કર્યું હશે ? જગત એટલે આજનું દ્વારકા કે ઓખામંડળનો વિસ્તાર. તે મધ્યકાળમાં જગત બેટ તરીકે ઓળખાતું હતું. અહીં વાઘેર રાજા ભીમનું શાસન ચાલતું હતું. વાઘેર જાતિ ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં મહદઅંશે અવગણાયેલી છે. વાઘેરો દેખાવડા, બળવાન, શૂરવીર અને સાહસિક હતા. દરિયાખેડુ પ્રજા તરીકે સમગ્ર અરબ સાગરમાં તેઓનો દબદબો હતો. દરિયાઈ બાબતોનું એટલું તો અદભુત જ્ઞાન હતું કે ઠેઠ આફ્રિકા સુધી વહાણો હંકારી જતાં અને દરિયામાં પાણી બદલાતાં વાઘેરો કહી શકતા કે આ કયો દરિયો છે. વાઘેરો તેમની ચાંચિયાગીરી માટે પણ મશહુર હતા. સમુદ્રના રાજા તરીકે ઓળખતા વાઘેરો દ્વારકાના રખેવાળ તરીકે પણ જાણીતા હતા.

જગત એટલે આજનું દ્વારકા કે ઓખામંડળનો વિસ્તાર. તે મધ્યકાળમાં જગત બેટ તરીકે ઓળખાતું હતું.

આવી ઝુઝારું પ્રજા સાથે વર્ષ ૧૪૭૩માં ગુજરાતનો સુલતાન મહમૂદ બેગડો ટસલમાં આવ્યો હતો. તેનાં બે મહત્ત્વનાં પરિબળો હતાં. દ્વારકા પર મહમૂદના હુમલાનું પહેલું કારણ એ હતું કે જુનાગઢના એક મૌલાના મુહમ્મદ સમરકંદી પોતાના પરિવાર સાથે સમરકંદ માટે જઈ રહ્યા હતા. તે જ વખતે દરિયામાં તોફાન સર્જાયું અને વાઘેરોએ મૌલાનાના વહાણને આંતર્યું. તેમનો માલસામાન લઇ પરિવારને બંધક બનાવી મૌલાનાના બે છોકરાઓ સાથે રસ્તે રઝળતા મૂકી દીધા. બંને છોકરાઓને વારાફરતી ખભા પર ઊંચકી પરાણે તે જુનાગઢ પહોંચ્યો.

મહમૂદે તેમની વ્યથા સાંભળી. મહમૂદે તુરત દ્વારકા પર હુમલાની તૈયારી કરી. દ્વારકા પર હુમલો કરવાનું બીજું કારણ એ હતું કે બેગડો ઘણી વાર સિંધ જતો ત્યારે દરિયામાંથી દેખાતા દ્વારકાનાં મંદિરો તેને ખૂંચતાં હતાં. વળી દ્વારકા પર મહમૂદ બેગડા સુધી કોઈપણ મુસ્લિમ બાદશાહે ચડાઈ કરી ન હતી અને તેથી મહમૂદ બેગડો એ મ્હેણું પણ ભાંગવા માગતો હતો. સરવાળે એવું કહી શકાય કે મહમૂદની મહત્ત્વાકાંક્ષામાં ઇંધણ પૂરવાનું કાર્ય મૌલાના સાથે બનેલી ઘટનાએ કર્યું હતું અને મહમૂદે દ્વારકા જીતી લેવાનો સંકલ્પ કરી લીધો.

તારીખ ૧૪ મે ૧૪૭૩ના રોજ બેગડો પોતાના સૈન્ય સાથે દ્વારકાના અભિયાન માટે નીકળ્યો, પણ તેનો રસ્તો આસાન ન હતો. સાંકડા અને વિકટ રસ્તાઓને કારણે તે ઘણી વખત પોતાની દ્વારકા જીતવાની મહેચ્છા દબાવી રાખતો હતો, પણ મૌલાનાના રુદન પછી તે રોક્યો રોકાય તેમ ન હતો. જુનાગઢથી દ્વારકાનો રસ્તો વિકટ તો હતો જ, સાથે જંગલી પશુઓ અને ઝેરી સાપોથી ભરેલો હતો. ‘મિરાત-એ-સિકંદરી’ ગ્રંથમાં નોંધાયા મુજબ આ સ્થાને સાપના ભયથી સૈનિકો રાત્રે શાંતિથી સૂઈ શકતા ન હતા, એકપણ તંબુ એવો ન હતો કે જેમાં સાપ ન હોય. એવું કહેવાય છે કે એક રાત્રે ખુદ મહમૂદ બેગડાના તંબુમાંથી ૭૦૦ સાપ પકડી મારી નાખવામાં આવ્યા હતા. રસ્તામાં ગીરના સાવજોથી પણ સુલતાનની સેનાએ ઘણી પરેશાની ઉઠાવવી પડી હતી. તેમાં ઘણાં જંગલી પ્રાણીઓ પણ મરાયાં.

આમ મહામુસીબતે બેગડાની બ્રિગેડ દ્વારકા સુધી પહોંચી. મહમૂદ બેગડાના આગમન માત્રથી દ્વારકાનો રાજા ત્યાંથી ભાગી શંખોધ્ધારમાં ભરાણો. બેગડાએ બેટની સામે આવેલા આરંભડા ગામે છાવણી નાખી અને ત્યાં ચાર મહિના સુધી રહ્યો. નજીકના દીવના નૌકા સૈન્યમાંથી મોટી સંખ્યામાં વહાણો મંગાવી મહમૂદની સેનાએ બેટને ચોતરફથી ઘેરી લીધો. નાનાં નાનાં હોડકાંમાં બેસી મહમૂદના સૈનિકો એ બેટ પર તીર અને ગોફણોનો વરસાદ વરસાવ્યો. છેલ્લે બથોબથ આવ્યા અને સુલતાનની સેના મોટી હોવાથી વાઘેરો પરાસ્ત થયા. નાસી ગયેલા વાઘેરોને પકડવામાં આવ્યા. દ્વારકાનાં મંદિરો તોડી પાડવામાં આવ્યાં. આખરે બેટનો વિજય મેળવી ત્યાંથી આબદાર મોતી, માણેક અને કીમતી વસ્ત્રોની મોટાપાયા પર લૂંટ ચલાવવામાં આવી. પોતાના દ્વારકા મુકામ દરમિયાન મહમૂદે મસ્જિદ બાંધવાની શરૂઆત પણ કરી હતી. લૂંટેલા ધનની સૈનિકોમાં ખેરાતકરવામાં આવી. દ્વારકાના રાજા ભીમને પણ પકડવામાં આવ્યો તેને ગળામાં સાંકળ અને પગમાં બેડીઓ પહેરાવી જુનાગઢમાં મૌલાના સમરકંદી સામે પેશ કરવામાં આવ્યો. પરંતુ મૌલાનાએ સુલતાનનો આભાર માની ભીમને પાછો મોકલી આપ્યો.

દ્વારકા પર મહમૂદ બેગડા સુધી કોઈપણ મુસ્લિમ બાદશાહે ચડાઈ કરી ન હતી અને તેથી મહમૂદ બેગડો એ મ્હેણું પણ ભાંગવા માગતો હતો.

મૌલાનાએ ભીમ પર રહેમ દૃષ્ટિ દાખવી હતી, મહમૂદ બેગડાએ નહીં. મહમૂદે તે પછી ભીમને અમદાવાદ તેના સેનાપતિ મુહાફિઝખાન પાસે મોકલી આપ્યો, જ્યાં તેના અંગના ટુકડા કરી અમદાવાદના દરેક દરવાજે લટકાવવામાં આવ્યા. ભીમને મારતાં પહેલાં મુહાફિઝે ભીમને આખા અમદાવાદમાં ઢસડીને સુલતાનના હુકમનો અમલ કર્યો હતો.

દ્વારકાના વાઘેર રાજા ભીમના પરાજય અને તેની સાથે સુલતાન મહમૂદ બેગડાના આ પ્રકારના નિર્દય વ્યવહાર વિરુદ્ધ દ્વારકા પ્રદેશનો પણ આનાથી જુદો ઈતિહાસ છે. તેમાં ભીમ પરાજિત થયો અને તેને અમદાવાદ પકડી જવાયો, પણ ત્યાંથી તે છટકી ગયો અને પુન: દ્વારકા આવી સત્તા સંભાળી હતી, અને મારી નાખવામાં આવ્યો તે કોઈ ભળતો જ માણસ હતો. મહમૂદના દ્વારકા વિજયમાં બે પરસ્પર વિરોધી મંતવ્યો હોવા છતાં ૧૪૭૩માં ભલે તવારીખકારોએ વર્ણવ્યા મુજબ દ્વારકાપતિ ભીમ સાથે એ પ્રકારનો વ્યવહાર ન થયો હોય પણ દ્વારકા જીતનાર પહેલો મુસ્લિમ શાસક મહમૂદ બેગડો હતો તેનો ઇનકાર થઇ શકે તેમ નથી.

મહમુદનાં યુદ્ધોની વાતો ચાલુ રહેશે. ઇન્તઝાર કિજીયે કલ તક.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP