Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-23

મહમૂદ બેગડાનાં યુદ્ધો - 4

  • પ્રકાશન તારીખ05 Aug 2018
  •  

બે ગઢ જીત્યા પછી બેગડા તરીકે જાણીતા થયેલો મહમૂદ બેગડો સને ૧૪૬૯ પહેલો ગઢ જીતવા જુનાગઢ અભિયાન માટે નીકળી પડ્યો. ‘મિરાત-એ-સિકંદરી’ નામના મધ્યકાલીન તવારીખ ગ્રંથમાં તેની પ્રચંડ લશ્કરી તૈયારી, શસ્ત્ર -સરંજામ સાથેનો વૃતાંત આપવામાં આવ્યો છે. જુનાગઢ અભિયાન પહેલાં પોતે જેના પર નિર્ભર હતો તે સૈનિકોને ખુશ કરવા રાજ્યનો ખજાનો ખોલી દીધો. તે એટલે સુધી કે કોષાધ્યક્ષને પાંચ કરોડી રોકડ સિવાય ખજાનામાં કશું જ ન રાખવા હુકમ કર્યો. સિકંદરી લખે છે :

જુનાગઢ અભિયાન પહેલાં પોતે જેના પર નિર્ભર હતો તે સૈનિકોને ખુશ કરવા મહમૂદ બેગડાએ રાજ્યનો ખજાનો ખોલી દીધો. તે એટલે સુધી કે કોષાધ્યક્ષને પાંચ કરોડી રોકડ સિવાય ખજાનામાં કશું જ ન રાખવા હુકમ કર્યો.

મહમૂદે શસ્ત્રધિકારીને ૬ શેર વજનની સોનાની મૂઠવાળી મગરૂબી ખુરાસની બનાવટની ૧૭૦૦ તલવારો ,૩૩૦૦ અમદાવાદ બનાવટની તલવારો અને અઢી શેરથી ત્રણ શેર વજનના સોનાની મૂઠવાળા ૧૭૦૦ જમૈયા (ખંજર) જેવાં શસ્ત્રો અને નામી તથા તુર્કી અશ્વો સેના સાથે રાખવા પણ આજ્ઞા કરી. સુલતાનની આજ્ઞાનું બિનચૂક પાલન થયું.


સુલતાન મહમૂદ બેગડો અમદાવાદથી લશ્કરી કૂચ કરી, રસ્તામાં આવતાં ગામડાંઓને ધમરોળતો, ખેદાન મેદાન કરતો ગિરનારથી લગભગ ૪૦ માઈલ દૂર આવી થોભ્યો. મહમૂદના હુમલાના ભયથી જૂનાગઢવાસી હિંદુઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું. સ્થાનિક નાગરિકો રાજ્ય પર આવી પડેલી ઓચિંતી આફતથી ગભરાઈ ગયા. આર્થિક રીતે ખમતીધર, ખાધે-પીધે સુખી ઘરના અને પોતાનું કૈંક બચાવવા જેવું લાગતું હતું તેવા લોકો પોતાની માલમિલકત અને કુટુંબ કબીલા સાથે અડવાણા પગે જૂનાગઢથી નાઠા.

સપાટ મેદની વિસ્તારમાં તો તેઓ શરણ લઇ શકે તેમ ન હતા. તેથી સુરક્ષિત સ્થાનની શોધમાં તેઓ ઘણું ભટક્યા. આખરે પ્રભાસ પાટણ પાસે મહાબિલા નામની પહાડીમાં જુનાગઢના આ માણસોએ આશ્રય લીધો. પરંતુ ઠેઠ અમદાવાદથી આક્રમણ કરવા અને જુનાગઢને જીતવા આવેલા મહમૂદ બેગડો અને તેનું ગુપ્તચર તંત્ર આવી ઘટનાઓથી બે ખબર ન હતું. મહમુદની ફોજે આવા શરણાર્થીઓને શોધી કાઢી તેમના પર હુમલો કર્યો અને સેંકડો લોકો માર્યા ગયા અને આમ મહમૂદના જુનાગઢ અભિયાનનો પ્રારંભ થયો.

મધ્યકાળમાં વાહન અને સંદેશાવ્યવહારનાં સાધનો ઘણાં ઓછાં હતાં, છતાં સામાજિક ઈજનેરી એટલી તો પાવરફુલ હતી કે જુનાગઢથી ચાલીસ માઈલ દૂર બનેલી આ ઘટના ગણતરીના કલાકોમાં જુનાગઢ પહોંચી ગઈ. મહાબિલાના હુમલાની ખબર પડતાં જુનાગઢ નરેશ રા માંડલિક યુદ્ધ માટે સાબદો થયો. તે કરણ ઘેલો ન હતો કે પારોઠનાં પગલાં ભરે! શિકારના બહાને તે મહમૂદ બેગડાની સેના સામે ગયો. બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. બેઉ તરફથી ફોજનો ધસારો થયો. અંતે જૂનાગઢનો રાજા ઘવાયો અને જુનાગઢ પોતાના સૈન્ય સાથે પરત ફર્યો અને ગિરનારના કિલ્લામાં જઈ બેઠો. પણ એકવાર હાથમાં આવેલો શિકાર છોડે તો તે મહમૂદ બેગડો શાનો? તેણે સૈન્ય સમેત જુનાગઢના કિલ્લાને ઘેરો ઘાલ્યો અને લશ્કરને આજુબાજુના વિસ્તારને તબાહ કરવા માટે છોડી દીધું.

સુલ્તાનની આજ્ઞાનું પાલન કરવામાં સેનાએ કોઈ જ કસર ન છોડી. કિલ્લામાં ભરાયેલા રાજા રા માંડલિકને બહાર કાઢવો કપરું હતું. તેથી ઉપાય તરીકે મોઢું ખોલાવવા નાક દબાવવું પડે તે રીતે જુનાગઢના કિલ્લાની કિલ્લેબાંધી એટલી તો જડબેસલાક કરી કે કિલ્લામાં બહારથી જતો પુરવઠો અટકાવી દીધો. પરિણામે કિલ્લામાં રહેલા સૈન્ય, નાગરિકો અને છેલ્લે રાજાનો પણ શ્વાસ રૂંધાવા લાગ્યો. રા માંડલિક પાસે હવે મહમૂદની શરણાગતિ સ્વીકાર્યા સિવાય છૂટકો ન હતો. આખરે હારી-થાકી માંડલિકે સમાધાન કરવા માટે પોતાના દૂતો કિલ્લાની બહાર મોકલ્યા અને સુલેહનો પ્રસ્તાવ મોકલ્યો.

જૂનાગઢનો રાજા ઘવાયો અને જુનાગઢ પોતાના સૈન્ય સાથે પરત ફર્યો અને ગિરનારના કિલ્લામાં જઈ બેઠો. પણ એકવાર હાથમાં આવેલો શિકાર છોડે તો તે મહમૂદ બેગડો શાનો? તેણે સૈન્ય સમેત જુનાગઢના કિલ્લાને ઘેરો ઘાલ્યો અને લશ્કરને આજુબાજુના વિસ્તારને તબાહ કરવા માટે છોડી દીધું.

મહમૂદ બેગડાએ તેનો સ્વીકાર કર્યો. રાજા રા માંડલિકે મહમૂદ બેગડાને વાર્ષિક ખંડણી ભરવાનું કબૂલ્યું અને ૪ ડિસેમ્બર ૧૪૭૦ન રોજ જૂનાગઢનો કિલ્લો બેગડાને સોંપ્યો અને અમદાવાદની તાબેદારી સ્વીકારી. આમ જૂનાગઢમાં ચુડાસમા રાજ્યવંશનો કરુણ અંત આવ્યો. જુનાગઢ વિજય પછી મહમૂદે ત્યાં મુસ્તુફાબાદ નામનું નવું શહેર વસાવ્યું. ત્યાં ભવનો - મસ્જિદો અને ટંકશાળ બાંધ્યાં. અહીંથી મુસ્તુફાબાદના નામના સિક્કા પડાવ્યા અને તેને પાયતખ્ત જાહેર કર્યું.

કેટલાક સ્રોતો જણાવે છે કે મહમૂદ બેગડાએ તેની પાસે બળજબરી ઇસ્લામનો સ્વીકાર કરાવ્યો હતો. તેને બંધક બનાવી અમદાવાદ લાવવામાં આવ્યો. તેને "ખાન - એ- જહાન" નો ખિતાબ આપવામાં આવ્યો, જે બહુ મોટા અમીર જેવું પદ હતું. પણ મૂળસોતાં ઉખડેલો રા માંડલિક અમદાવાદમાં ખુબ દુઃખી રહેતો હતો. શ્રી છોટુભાઈ નાયકે નોંધ્યું છે કે અમદાવાદમાં તે પોતાનાં મૂળ હાલ અને જુનાગઢને યાદ કરી ખૂબ રોતો રહેતો હતો. રા માંડલિકનું અવસાન અમદાવાદમાં જ થયું તેની કબર માણેકચોકમાં કંદોઈ પોળ પાસે આવેલી છે, જ્યાં તેનું મકાન પણ હતું. આમ મહમૂદ બેગડાનો જુનાગઢ વિજય વ્યક્તિગત રીતે તેના માટે સિદ્ધિનું છોગું બન્યું, તો જુનાગઢ નરેશ રા માંડલિકને મૂળસોતો ઊખેડી નાંખનારૂ બન્યું હતું. મહમૂદનાં બીજાં યુદ્ધો હવે પછી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP