Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-21

મહમૂદ બેગડાનાં યુદ્ધો -૨

  • પ્રકાશન તારીખ03 Aug 2018
  •  

આધુનિક વિવેચન સાહિત્યમાં એમ કહેવાય છે કે ચોપડી વાંચતાં પહેલાં ચોપડીના લેખક વિષે જાણો ! એવું જ શાસકો વિશે પણ કહી શકાય. કારણકે વ્યક્તિગત જીવન શાસકોની વહીવટી બાબતો પર ઘણી અસરો પાડતું હોય છે. તે જ સંદર્ભમાં આપણે સુલ્તાન મહમૂદ બેગડાની અંતરંગ જિંદગી જોવી જોઈએ.

મિરાત-ઈ-સિકંદરી (મિરાત એટલે આરસી કે દર્પણ) ગ્રંથમાં નોંધાયું છે કે તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે ‘બેગઢો’ કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ ‘બેગડો’ નામ પ્રચલિત બન્યું હતું.

મહમૂદ બેગડો તેની લશ્કરી સિદ્ધિઓ જેટલો જ બલકે તેથી વિશેષ તેના જીવન સાથે સંકળાયેલી અંગત બાબતો માટે મશહુર થયો છે. સહુ પહેલાં તેના નામ પાછળ લાગતા બેગડા શબ્દ વિશે. ઈ.સ.૧૬૧૧માં લખાયેલી મિરાત-ઈ-સિકંદરી (મિરાત એટલે આરસી કે દર્પણ) ગ્રંથમાં નોંધાયું છે કે તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે ‘બેગઢો’ કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ ‘બેગડો’ નામ પ્રચલિત બન્યું હતું. જોકે આવી વાત શબ્દરમતથી વિશેષ કશું લાગતી નથી. સિકંદરીમાં જ નોંધાયેલા બીજા મત મુજબ ગુજરાતી ભાષામાં બે હાથ પહોળા અને ઊંચા કરીને જે દેખાવ થાય છે એવા મોટા પહોળા બળદને વેગડો કહે છે. સુલ્તાનની મોટી મૂછો અને ભરાવદાર શરીર એવાં પ્રકારનાં હતાં. તેથી તેને બેગડો કહેતા હશે !

ગુજરાતમાં શારીરિક વિચિત્રતા પરથી નામ પાડવાની ટેવને એક શક્યતા ગણી શકાય, પણ ગુજરાતના સુલ્તાન માટે આવું વિશેષણ વાપરવાની હિંમત તો જેને મોત વહાલું હોય એ જ કરે ને ?

તેના ઉપનામ બેગડા વિશે માન્યતા અને દંતકથાઓ ભલે સેંકડોની સંખ્યામાં થઇ હોય, પણ તેની શારીરિક સમૃદ્ધિ અને ખોરાક અને રહેણી-કરણી તો સંશોધકો માટે આકર્ષણનો વિષય રહ્યો જ છે અને તે માત્ર ભારતીયો માટે જ નહીં, તેના સમયમાં ગુજરાત આવેલા યુરોપીય મુસાફર લ્યુંડોવીકો ડી વર્થેમાં એ નોંધ્યું છે કે "સુલ્તાન મહમૂદ બેગડાની મૂછો એટલી તો લાંબી હતી કે સ્ત્રીઓ અંબોડો બાંધે એમ એ બે છેડાને પાછળ લઇ જઈ ગાંઠ વાળી શકતો! એની દાઢી કમર સુધી આવતી. એ રોજ વિષ ખાતો. એનો અર્થ એવો નથી કે એ માત્ર ઝેરથી પેટ ભરતો, પણ અમુક માત્રામાં વિષ લેતો. કોઈને મારી નાંખવાની ઈચ્છા થાય ત્યારે તે પાન સાથે જાયફળ ચાવી સામેવાળાના કપડાં કઢાવી તેના પર થૂંકતો. એના થૂંકના ઝેરથી પેલો માણસ અડધા કલાકમાં મૃત્યુ પામતો. મહમૂદ બેગડો જ્યારે તેનું પહેરણ કાઢતો ત્યારે એને કોઈ અડી શકતું નહીં. મારા એક સાથીએ પૂછ્યું કે સુલ્તાન આ રીતે ઝેર ખાઈ શકતો? ત્યારે સુલતાનથી મોટો વયના એક વેપારીએ કહ્યું કે મહમૂદના બાપે એને બચપણથી ઝેર ખવડાવી ઉછેર્યો છે."

આવો જ અભિપ્રાય પોર્ટુગીઝ યાત્રી બાર્બોસાએ પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે કે એ શાહજાદો હતો ત્યારે તેને ઝેર આપી ઉછેરવામાં આવતો. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં ઝેર અપાતું. પછી ધીરે-ધીરે વધારતાં જઈ મોટા પ્રમાણમાં અપાતું. આ કારણથી એનું શરીર એટલું તો ઝેરી થઇ ગયું હતું કે તેના શરીર પર માંખ બેસતી તો ફૂલીને મરી જતી. ઉંમરલાયક થતાં વિષ ખાવાનું તેનાથી છોડી શકાતું નહિ કારણકે જો આ બંધાણ છોડી દે પોતે મરી જશે તેવી તેને સતત ભીતિ રહેતી."

આટલું જ નહીં, ૧૭મા સૈકાના વ્યંગ્યકાર સેમ્યુઅલ બટલરે તો તેની "હુડીબ્રાસ"માં લખ્યું કે "the prince of Cambays daily food is asp, basilisk and toad" અર્થાત્ ખંભાતના રાજાનો રોજીંદો ખોરાક ઝેરી સાપ, ઘો અને મોટા ઝેરી દેડકાં છે. જોકે અહીં તેણે બેગડાને ખંભાતનો રાજા કહ્યો તે થોડી ચૂક છે, પણ તે સમયે ખંભાત આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પ્રસિદ્ધ હતું. તેથી પરદેશમાં લોકો ગુજરાત કરતાં ખંભાતને વધુ ઓળખતા હતા. મહમૂદ બેગડાના વ્યક્તિત્વની વધુ મઝા તો એ છે કે તે વિદેશીઓ માટે blue beard of Indian history (હિન્દના ઇતિહાસનો ભૂરી દાઢીવાળો) બન્યો હતો.

વિષની રોજિંદી ટેવની જેમ જ તેનો ખોરાક પણ ચર્ચાનો મુદ્દો રહ્યો છે . મિરાત- ઈ-સિક્ન્દરીએ જ નોંધ્યું છે કે મહમૂદનો રોજનો ખોરાક ગુજરાતી મણ જેટલો હતો. જમી રહ્યા પછી એ પાંચ શેર મમરા ખાઈ જતો. એ રાત્રે સૂતો ત્યારે પલંગની બંને તરફ સમોસા ભરેલી રકાબીઓ મુકાવતો જેથી જે પડખે ઊઠે તે બાજુ હાથ લંબાવી ખાઈ શકે અને ફરીથી ઊંઘી જાય. સવારની નમાઝ પછી નાસ્તામાં તે એક પ્યાલો મક્કાનું શુદ્ધ મધ ગ્રહણ કરતો અને ૧૫૦ સોનેરી કેળાં ખાઈ જતો. સુલતાન એમ પણ બોલતો કે ખુદાએ મને બાદશાહ ન બનાવ્યો હોત તો મારું પેટ કોણ ભરત?

પરદેશી યાત્રીઓ અને સમકાલીન તવારીખકારોએ એ મહમૂદ બેગડા વિશે લખેલી ઉપરોક્ત વાતોથી ગુજરાતના બે મોટા ગજાના ઈતિહાસકારો અનુક્રમે એમ. એસ. કોમીસેરીયેટ અને રત્નમણિરાવ જોટે નવાઈ પામતા નથી. શ્રી જોટે વાજીકરણ નિમિત્તે અથવા ઝેરના પાચન માટે આ પ્રકારના ખોરાકની વાતને વાજબી ગણાવે છે.

કોઈને મારી નાંખવાની ઈચ્છા થાય ત્યારે મહમૂદ બેગડો પાન સાથે જાયફળ ચાવી સામેવાળાના કપડાં કઢાવી તેના પર થૂંકતો. એના થૂંકના ઝેરથી પેલો માણસ અડધા કલાકમાં મૃત્યુ પામતો.

આવી જ ચમત્કારી અને તર્ક-બુદ્ધિપૂર્વક ન સ્વીકારી શકાય તેવી અનેક વાતો સિદ્ધરાજ જયસિંહ, વીર વિક્રમ, ચામુંડરાય અને કર્ણદેવ તથા અકબર વિષે કાન્હડદેપ્રબંધ, પૃથ્વીરાજ રાસો અને અકબરનામામાં થયેલી છે. રજવાડી લેખકો અને પ્રત્યક્ષ જોયા વગર લખનારા વિદેશી મુસાફરોના આવાં વર્ણનોમાં નવાઈ ન જ થવી જોઈએ. પ્રાચીનકાલના એક પરદેશી મુસાફરે તો એવું લખ્યું છે કે ભારતમાં એક વ્યક્તિના કાન એટલા મોટા છે કે તે એક કાન પાથરી અને બીજો કાન ઓઢીને સૂઈ શકે છે! બીજાએ એવું નોંધ્યું છે કે ભારતના લોકો એવા કોઈ અસાધ્ય રોગથી પીડાય છે કે તેઓના મુખમાંથી રક્ત નીકળે છે. હવે આ રક્ત નહોતું ભારતના લોકોની પાન ખાવાની અને જ્યાં-ત્યાં થૂંકવાની આદત પેલા મુસાફરને રોગ લાગી હતી ! ઈતિહાસકારોએ કેટલા વસ્તુલક્ષી એટલે કે માહિતીસ્રોતોને વફાદાર રહેવાનું ?

આવી વાતો તો અત્યાધિક સિદ્ધિપ્રાપ્ત લોકો વિશે ચાલતી રહેવાની. મહમૂદ બેગડા પણ તેમાં અપવાદ નથી. પણ તેણે પોતાની સામ્રાજ્યવાદી મનોવૃત્તિથી ગુજરાતભરમાં યુદ્ધો કરી ગુજરાતને એક છત્ર નીચે લાવવાના ઈતિહાસ બાબતે દેશી-વિદેશી ઈતિહાસકારો-લેખકોમાં કોઈ બે રાય નથી. મહમૂદનાં અનેક યુદ્ધોમાંથી કેટલાક ચૂંટેલાં યુદ્ધો વિશે કાલથી વાત કરીશું.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP