Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-20

મહમૂદ બેગડાનાં યુદ્ધો (ઈ.સ. 1458-1511) - 1

  • પ્રકાશન તારીખ02 Aug 2018
  •  

પહેલાં મહમૂદ ગઝનવીનું ભારત પર ભયંકર આક્રમણ, લૂંટફાટ અને તેનું ગઝની પાછા ચાલ્યા જવું. તરત જ મહમૂદ ઘોરી વાયવ્ય-ઉત્તર ભારતનાં રાજ્યોમાં હુમલા-કત્લેઆમ અને પોતાના સુબાને નિયુક્ત કરી ઘોર પરત ફરવું અને આમ દિલ્હીમાં સલ્તનતની સ્થાપના થવી.

જ્યારે પણ કેન્દ્રીય સત્તા નબળી પડે ત્યારે સૂબાઓ પોતાનાં કારનામાંઓ કરતાં જ હોય છે. ગુજરાતની સલ્તનત દરમિયાન ૧૫ સુલતાનોએ શાસન કર્યું.

આગળના લેખોમાં આપણે અલાઉદ્દીન ખિલજીના ગુજરાત વિજયનો ઈતિહાસ જોયો. તેણે ગુજરાત અભિયાન પછી અહીં સ્થાયી શાસન સ્થાપવાના ભાગ રૂપે દિલ્હીથી પોતાના બનેવીની ગુજરાતના સૂબા તરીકે નિયુક્તિ કરી અને એ રીતે ગુજરાતનું શાસન ચાલતું. ઈ.સ. ૧૩૧૬માં અલાઉદ્દીન ખીલજીનું અવસાન થયું તે પછી સમયાંતરે બીજા વંશના સુલતાનો દિલ્હીના તખ્ત પર બેઠા. તેમાં તઘલખ વંશની સત્તા દરમિયાન રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલોનો લાભ ઉઠાવી ગુજરાતના સૂબા નામે તાતાર ખાને (સુલ્તાન મહમંદશાહ) દિલ્હીની હકુમત ફગાવી અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી.

આવી ઘટનાઓ રાજકીય ઇતિહાસમાં સહેજેય નવાઈભરી ન લાગવી જોઈએ કારણકે જ્યારે પણ કેન્દ્રીય સત્તા નબળી પડે ત્યારે સૂબાઓ પોતાનાં કારનામાંઓ કરતાં જ હોય છે. ગુજરાતની સલ્તનત દરમિયાન ૧૫ સુલતાનોએ શાસન કર્યું. તેમનો સમયકાળ પણ લગભગ ઈ.સ. ૧૪૦૩થી અકબરે ગુજરાત જીત્યું ત્યાં સુધી એટલે કે ૧૫૭૩ સુધી રહ્યો. ગુજરાતના ૧૫ સુલ્તાનોમાં અમદાવાદના સ્થાપક અહમદશાહ (૨૬ ડિસેમ્બર ૧૪૧૧), મહમૂદ બેગડા અને બહાદુરશાહ સિવાયના સુલતાનો લાંબી ઐતિહાસિક ચર્ચાના હક્કદાર નથી.

ગુજરાતની સ્વતંત્ર સલ્તનત દરમિયાન આજનું વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદ સત્તાના કેન્દ્રમાં આવ્યું. તેનો એક સુલ્તાન મહમૂદ બેગડો તેનાં વ્યક્તિગત જીવન, યુદ્ધો, શોખો અને બીજી અનેક બાબતો માટે ઈતિહાસ પ્રસિદ્ધ રહ્યો છે. હિંદુ રાજાઓની સરખામણીએ મુસલમાનોનો સિદ્ધરાજ અને મુસલમાન શાસકોની તુલનામાં તેને ગુજરાતના અકબર તરીકે પણ ઈતિહાસકારોએ તેને બિરદાવ્યો છે. સને ૧૪૫૮ના મે માસની ૨૫ તારીખે તે ફતેહખાન નાસિરુંદદુનિયા વ ઉદ્દીન અબુલ ફતેહ મહમુદશાહ નામ ધારણ કરી તખ્તનશીન થયો અને અંદાજે ૫૪ વર્ષ સુધી ગુજરાતના પાયતખ્ત પર એકહથ્થુ શાસન કરતો રહ્યો. ગુજરાતમાં લાંબો સમય શાસન કરનારા શાસકોમાં મહમૂદ બેગડો પણ સ્થાન પામે છે.

મહમૂદ ગુજરાતનો સુલ્તાન બન્યો ત્યારે તેની વાય માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૩ દિવસની હતી. આટલી નાની ઉંમરે શાસક બનેલા છોકરાને મારે તેની તલવારના જમાનામાં સુખેથી શાસન કરવા ન દે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. બેગડાએ પણ શાસનકાળના પ્રારંભે આવી મુશ્કેલીઓ સહન કરવી પડી. ઉમરાવોનું એક ટોળું મહમૂદને સુલતાનપદેથી ઊથલાવવા હથિયારો સાથે ધસી આવ્યું, પણ મહમૂદ નાનો પણ રાઈનો દાણો હતો. માત્ર ત્રણસો સૈનિકો સાથે ઉઘાડી તલવાર સાથે ભદ્રના કિલ્લામાંથી દુશ્મનો પર ચડી આવ્યો અને બધા અમીર- ઉમરાવોને નગરની બહાર ખદેડી મૂક્યા. મુખ્ય કાવતરાખોરોને પકડી લેવાયા. મુખ્ય બળવાખોર મલેક સાદાનને પકડી હાથીના પગ નીચે કચડી નંખાવ્યો. દગાબાજ અમીરોનાં ઘર સળગાવી દીધાં અને તેમની મિલકતો પણ જપ્ત કરી લીધી.

મહમૂદ બેગડો ગુજરાતનો સુલ્તાન બન્યો ત્યારે તેની વાય માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૩ દિવસની હતી. આટલી નાની ઉંમરે શાસક બનેલા છોકરાને મારે તેની તલવારના જમાનામાં સુખેથી શાસન કરવા ન દે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.

બીજી તરફ સંકટના સમયે પોતાને મદદ કરનાર વફાદારોને જમીન-જાગીર આપી પુરસ્કૃત કર્યા. આમ સુલતાન બનતાં જ મહમૂદ બેગડાએ તેના લડાયક મિજાજનું અને દગાખોરીનું પરિણામ સુલતાન શું આપી શકે છે તેનો પરિચય કરાવ્યો હતો.

ગુજરાતનું તખ્ત પાકું કર્યાં પછી તેના દિમાગમાં સતત યુદ્ધો અને ગુજરાતની વિશાળ સલ્તનતની વાત ભમ્યા કરતી હતી. તેના માટે પોતાની સુલતાન તરીકેની કારકિર્દી દરમિયાન નાનાં-મોટાં અનેક યુદ્ધો કર્યાં. નંદુરબારથી જુનાગઢ અને દ્વારકા અને અમદાવાદથી દાહોદ સુધીના પ્રદેશો પર બાહુબળથી વિજયો હાંસલ કર્યા, તે બધાની લાંબી વાતો તો આપણે અહિંયા જોઈશું જ, પણ મહમૂદ બેગડાની વાત એટલામાં પૂરી ન કરી શકાય. ગુજરાતનો આ સુલતાન ઈતિહાસકારો ઉપરાંત લોકસાહિત્યકારોના સર્જનનું રોમાંચક પાત્ર રહ્યો છે. વ્યક્તિગત જીવન હોય, શહેરો ઊભાં કરવાની બાબત હોય કે બાગ-બગીચાઓનું નિર્માણ હોય, તેનું જીવન અત્યંત રસપ્રદ રહ્યું છે. તેની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP