Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-19

ગુજરાતની અસ્મિતાને આઘાતઃ અલાઉદ્દીન ખિલજીનો ગુજરાત પર હુમલો

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

ગઈકાલે આપણે જોયું કે અલાઉદ્દીન ખિલજીનું સૈન્ય ગામડાંઓ લૂંટતું, બાળતું ગુજરાતના સીમાડે તરખાટ મચાવી પાટણના દરવાજે દસ્તક દેવા પહોંચી ચૂક્યું હતું. કર્ણદેવ પોતાની ભૂગોળ પર અલાઉદ્દીનનો મુકાબલો કરવા સક્ષમ હતો, પણ તેણે તેમ ન કર્યું. આમ નાગરિકો અને સૈનિકો ઉપર અત્યાચાર ગુજારવામાં જ પોતાની મર્દાનગી સમજતા કર્ણદેવે સુલતાનની સેનાનો લેશમાત્ર મુકાબલો ન કર્યો.

મહેલના ગઢને છીંડું પાડી કર્ણદેવ પાટણને ઈશ્વરના હવાલે કરી ઉઘાડા પગે પોતાના પરિવારને લઇ નાઠો. કર્ણદેવ જે જગ્યાએ ફાંકુ પડી નાસ્યો હતો ત્યાં મુસ્લિમ સુબાએ પાછળથી દરવાજો બનાવ્યો હતો, જે આજે પણ પાટણમાં "છીંડિયા દરવાજા" તરીકે ઓળખાય છે.

અલાઉદ્દીનની ફોજ મોડાસા આવી ત્યાં સુધી તો પાટણમાં તેની ખબર પડી ચૂકી હતી, પણ અલાઉદ્દીનના સેનાપતિઓ પાટણના દરવાજામાં પ્રવેશે તે પહેલાં તેણે સામનો ન કરવાનું નક્કી કરી લીધું હતું. કર્ણદેવે નગરના દરવાજા બંધ કરાવી પોતાની અને પરિવારની સલામતી ઈચ્છી. પણ આ બધું તો ક્ષણિક હતું.

તુર્ક સેનાના દેકારા-પડકારા વધી રહ્યા હતા. ગમે ત્યારે પાટણનો રાજમહેલ ધ્વંસ થાય તેમ હતો. તે સંજોગોમાં જે મંત્રી અલાઉદ્દીનના લશ્કરને પાટણ સુધી તેડી લાવ્યો હતો તેણે કર્ણદેવને નાસી જવા કહ્યું અને કર્ણ માધવને અનુસર્યો. મહેલના ગઢને છીંડું પાડી કર્ણદેવ પાટણને ઈશ્વરના હવાલે કરી ઉઘાડા પગે પોતાના પરિવારને લઇ નાઠો. કર્ણદેવ જે જગ્યાએ ફાંકુ પડી નાસ્યો હતો ત્યાં મુસ્લિમ સુબાએ પાછળથી દરવાજો બનાવ્યો હતો, જે આજે પણ પાટણમાં "છીંડિયા દરવાજા" તરીકે ઓળખાય છે.

રાજા વગરના સૈન્ય અને રૈયતની શી હાલત થાય તે તો રાજાશાહીના નાગરિકોને જ ખબર પડે ને? કર્ણદેવ વાઘેલાના ભાગી ગયા પછી દરવાજો તોડી તુર્ક લશ્કર મહેલમાં પ્રવેશ્યું તેમની સાથે જાણભેદુ માધવ મંત્રી હતો. રાજ્યનાં ધન ભંડારો અને ગ્રંથ ભંડારો વગેરેની રજેરજ માહિતી તેણે સાથે રહી આપી. પછી તો પૂછવું જ શું? અલાઉદ્દીનના લશ્કરે પાટણમાં બેફામ લૂંટ ચલાવી. સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રના જમાનામાં ઊભા થયેલા જ્ઞાનભંડારો લૂંટ્યા - બાળ્યા અને પાટણના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવો સન્નાટો સર્જી દીધો.

પાટણ ધ્વંસ અને લૂંટમાર પછી સંતોષ ન થતાં તુર્ક સેના આગળ વધી અને ખંભાત પહોંચી. ત્યાં પણ પાટણ જેવા જ અત્યાચારો વર્તાવી સૈન્ય હવે સોમનાથ તરફ આગળ વધ્યું. પણ સોમનાથમાં પાટણ જેવી સ્થિતિ ન હતી. અહીંના બ્રાહ્મણોએ ધાર્મિક ઝનુન સાથે દિલ્હીના લશ્કરનો સામનો કર્યો, પણ તેઓ લાંબો સમય ઝીંક ઝીલી ન શક્યા. સોમનાથ હુમલા વખતે તો માધવ મંત્રી પણ સુલતાનની સેના વતી લડતો હતો. પણ સ્થાનિક મુકાબલામાં માધવ અને અલાઉદ્દીનના કેટલાક સેનાપતિઓ માર્યા ગયા.

તુર્ક લશ્કરે તે પછી હિન્દુઓના ધાર્મિક સ્થાનકને લૂંટવામાં કોઈ મણા ના રાખી. બેફામ કત્લેઆમ અને લૂંટફાટ કરી સોમનાથનું મંદિર તોડી પડ્યું અને શિવલિંગ ઉઠાવી દિલ્હી લઇ જવાયું. ત્યાં જાહેર માર્ગ પર મુકાવ્યું, જેથી તેના પર ચાલી, અપમાનિત કરી શકાય.

સોમનાથ પરના હુમલા પછી ત્યાંના બ્રાહ્મણો વિધર્મી સૈન્યના ત્રાસથી બચવા ભાગ્યા અને ઠેઠ મદુરાઈમાં જઈ વસ્યા. જેઓ આજે પણ સૌરાષ્ટ્રી બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમ પાટણ, ખંભાત અને સોમનાથ પરના વિજય સાથે અલાઉદ્દીનના ગુજરાત અભિયાનનો અંત આવ્યો. ગુજરાત પર શાસન કરવા અલાઉદ્દીને પોતાના બનેવીની નાઝીમ તરીકે નિયુક્તિ કરી.

ગુજરાત પર વિજય પછી અલાઉદ્દીનની સામ્રાજ્યવાદી તાકાતમાં ઘણો વધારો થયો. તેણે ઘણાં બધાં સાંસ્કૃતિક સમીકરણો પણ રચ્યાં હતાં. પહેલું તો પાટણના પતન પહેલાં પારોઠનાં પગલાં ભરી દેવગીરી નાસેલો કર્ણદેવ આકરી રઝળપાટ પછી મરણને શરણ થયો. તેની ખુબસુરત રાણી કમલાદેવીને પકડી લેવાઈ.


અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘ ખાને ગુજરાત વિજય પછી અલાઉદ્દીનની ખિદમતમાં બે નઝરાના પેશ કર્યા. એક, કમલાદેવી - જેને તેના રાણીવાસમાં મોકલી દીધી. અલાઉદીનને તેનું ગજબનું આકર્ષણ હતું. તેની પુત્રીને પણ અલાઉદ્દીનના પુત્ર ખીજર ખાન સાથે પરણાવી દેવાઈ. સિદ્ધરાજ અને કુમારપાળે આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શનમાં ગુજરાતની અસ્મિતાનું ઘડતર કર્યું હતું તેનો આ રીતે કરુણ અંત આવ્યો. આ મુદ્દાને ગુજરાતના અનેક સાહિત્યકારોએ પોતાના સર્જનનો વિષય બનાવ્યો છે.

ગુજરાત વિજય પછી બીજી બાબત એ બની કે ખંભાતથી ઉલુઘ ખાને મલેક કાફૂર નામના ગુલામને પકડ્યો હતો. દંતકથાઓમાં તે બ્રાહ્મણ હોવાનું અને તેનું નામ ગંગારામ હોવાનું કહેવાય છે. મલેક એટલો તો રૂપાળો અને આકર્ષક હતો કે અલાઉદ્દીન પણ તેનાથી બચી શક્યો નહીં. લોકવાતોમાં તો અલાઉદ્દીન અને મલેક કાફૂર વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાનું પણ ચર્ચાય છે. સુલતાન મલેક કાફૂરની આંખે જ જોતો હતો. એ જે હોય તે, પણ મલેક કાફૂરનો દિલ્હી દરબારમાં દબદબો હતો એટલું તો પાક્કું છે.

મલેક કાફૂર એટલો તો રૂપાળો અને આકર્ષક હતો કે અલાઉદ્દીન પણ તેનાથી બચી શક્યો નહીં. લોકવાતોમાં તો અલાઉદ્દીન અને મલેક કાફૂર વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાનું પણ ચર્ચાય છે.


ગુજરાત વિજય પછી દિલ્હીપતિ અલાઉદ્દીનની મોટી મહત્વાકાંક્ષાનો જ અંત આવ્યો, તો ગુજરાતમાં ત્રણ સૈકાઓથી પશ્ચિમ ભારત પર રાજ કરનાર સોલંકી-વાઘેલા યુગનો પણ સૂર્યાસ્ત થયો. ૩૦૦ વર્ષ સુધી ગુજરાતની અસ્મિતા અને સંસ્કારનું ઘડતર થઇ રહ્યું હતું, તેને એક નાલાયક શાસકથી ગ્રહણ લાગી ગયું. હવે ગુજરાત ઇસ્લામી સલ્તનત હેઠળ મુકાયું. અલાઉદ્દીન પછી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત અને પછી મુઘલાઈ એમ સદીઓની ગુલામીમાં ગુજરાત સરી પડ્યું. ‘મારે તેની તલવાર’ અને ‘જેની લાઠી તેની ભેંસ’ જેવો યુગ શરૂ થઈ ચૂક્યો હતો. સ્થાનિક શાસકો વજૂદ વગરના બની રહેવાના હતા. આ ગાળામાં ગુજરાતમાં મહમૂદ બેગડો ગુજરાતનો શાસક બને છે અને માળવાથી લઇ દ્વારકા સુધી રોજની ઉથલપાથલો શરૂ થઈ. મહમુદ બેગડાની સામ્રાજ્યવાદી યાત્રાનાં નિમિત્તે થયેલા યુદ્ધોની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP