Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-1

સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬)

  • પ્રકાશન તારીખ14 Jul 2018
  •  

આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરૂ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે. ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬). એલેક્ઝાંડર ફિલિપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો. ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા. બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દૂર પૂર્વના ભાગ સુધી પહોંચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો. આ ભૂગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચક્કરમાં નાંખતી હતી. એ હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોંચ્યો. વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશિગુપ્ત, આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યા, પણ ત્યાંની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા. જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક્યો. વાંદરાઓને જોઇને તો સિકંદરના સૈનિકો રીતસર ડરી જ ગયા હતા. સ્થાનિક નદીઓ પણ ચોમાસામાં ઉફાન પર આવી સિકંદરનો રસ્તો રોકાતી હતી. સિકંદરે અહીં પહેલી વાર મોર પણ જોયા. તે મોરના સૌંદર્યથી એટલો તો પ્રભાવિત થયો કે પોતાના સૈનિકોને મોરને ન મારવાની આજ્ઞા કરી હતી.

સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું, પણ સાડા છ ફૂટ ઊંચા, સોહામણા અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું.

વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિ અને તેમના તરફથી મળેલી ભેટસોગાદોથી ઉત્સાહિત થયેલા સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું, પણ સાડા છ ફૂટ ઊંચા, સોહામણા અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું. પરિણામે સિકંદર અને પોરસનું મહાયુદ્ધ. સિકંદરે પોરસ પર આક્રમણ કરતાં પહેલાં પાંચ નદીઓ પાર કરી લશ્કર સાથે ઝેલમના કાંઠે ખડો થયો. પોરસના ૫૦ હજાર સૈનિકો સામે સિકંદર પાસે માત્ર ચુનંદા ૫ હજાર સૈનિકો જ હતા. પણ સિકંદર પાસે પોરસની તુલનામાં આધુનિક શસ્ત્રો હતાં. ગ્રીકો આ સમયે તલવારોનો ઉપયોગ શરૂ કરી ચૂક્યા હતા અને તેમની વ્યૂહરચનાઓ તો કાબિલેદાદ હતી જ. પોરસ અને તેના સૈન્યનો બુલંદ હોંસલો અને પૂરબહાર વહેતી ઝેલમને જોઈ સિકંદરે તેની વ્યૂહરચના બદલી. ઝેલમ પાર કરવી અઘરી હતી ત્યારે પોતાના સૈન્યને ૨૦ માઈલ દૂર આવેલા એક નાના દ્વીપ પર લઈ જઈ વરસાદી વાતાવરણમાં ઝેલમ પાર કરી પોરસની લગોલગ આવી પહોંચ્યો. પ્રથમ દિવસે પોરસપુત્રે સિકંદર સામે યુદ્ધ છેડ્યું. તેમાં ૪૦૦ સૈનિકો સાથે પોરસનો પુત્ર માર્યો ગયો. પોરસનું લશ્કર હાથી, રથ અને પદાતિ લશ્કર હતું. કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી. રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા. અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી, તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા. પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી. ખુદ પોરસની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો. પોરસની સેનામાં નાસભાગ મચી ગઈ. છેલ્લું યુદ્ધ ૮ કલાક ચાલ્યું તેમાં ૧૮ હજાર ભારતીય સૈનિકો અને સિકંદરના અંદાજે ૪૦૦ સૈનિકો વીરગતિને પામ્યા. અંતે સિકંદરની વલ્લભધારી અને અશ્વસેનાએ પોરસ પર હલ્લો બોલાવ્યો, પણ એકલવીર પોરસ મહાકાય હાથી પરથી હજુ પણ ઝઝૂમી રહ્યો હતો. શરીર પર નવ જગ્યાએ ઝખ્મી થવા છતાં તેનો જુસ્સો બરકરાર હતો. આખરે તેને બંદી બનાવી સિકંદર સામે પેશ કરવામાં આવ્યો. સિકંદરે વિશ્વ વિજેતાની અદાથી પોરસને પૂછયું, ‘બોલ, તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે?’ - ‘એક જીતેલો રાજા હારેલા રાજા સાથે કરે છે તેવો’ પોરસ ઉવાચ. પોરસનાં સાહસ, સ્વાભિમાન અને બહાદુરીથી પ્રભાવિત થયો. કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું, પણ તેની પાછળ આટલું કારણ પર્યાપ્ત નથી. વાસ્તવમાં તો સિકંદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવા માગતો હતો, પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું કારણકે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને આગળના ભારતના રાજાઓ અને તેના લશ્કરની કલ્પના કંપાવી રહી હતી. તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન પેદા થાય તે હેતુથી સિકંદરે સ્વદેશ પાછા ફરવાનું મુનાસિફ માન્યું.

ઈ.સ. પૂર્વે ૩૨૭માં સિકંદરના ભારત અભિયાનનો અંત આવ્યો આ ઘટના ભારતના ઈતિહાસકારો ઉપરાંત સાહિત્યસર્જકો માટે પણ મનભાવન વિષય રહ્યો છે. સેંકડોની સંખ્યામાં ઈતિહાસકારો અને સર્જકોએ સિકંદરના ભારત અભિયાનને પોતપોતાની રીતે મૂલવ્યું છે. સામ્રાજ્યવાદી ઇતિહાસકાર વી. એ. સ્મિથે તો તેના ‘પ્રાચીન ભારતનો ઈતિહાસ’ ગ્રંથમાં ૭૨ પાનાં ભરી માત્ર સિકંદર અને યુરોપના વકીલ હોય તેમ વાત કરી છે. વાસ્તવમાં સિકંદર અને ગ્રીકો જે ઝડપે ભારતમાં આવ્યા હતા તે જ ઝડપે પાછા ગયા હતા.

કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી. રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા. અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી, તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા. પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી.

૧૯ મહિનાના ભારત નિવાસે ભારતના સમાજજીવનને ખાસ્સું પ્રભાવિત કર્યું હતું. ભારતની સરહદ પર બુફફેલા (સિકંદરનો ઘોડો જ્યાં મર્યો હતો તે સ્થળ) અને નીકાયા (વિજય સ્થળ) નામના બે નવાં નગરોનું નિર્માણ, ભારતમાં ગ્રીક છાવણીઓની રચના, ભારતીયોના ખગોળવિદ્યાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબધોનું સ્થાપન, સિકંદર પહેલા અણઘડ અને બેડોળ બનતા ભારતીય સિક્કાઓનો સુડોળ અને ચોક્કસ આકારના બનવા વગેરે સિકંદરના આ યુદ્ધની અસરો હતી. માત્ર બે વર્ષના આ ટૂંકા ગાળાએ ભારત અને ગ્રીસ બંને દેશોના ઈતિહાસ પર અમીટ છાપ છોડી હતી. હવે ભારત-ગ્રીસ વચ્ચે યુદ્ધોની સાથે મૈત્રીની બુનિયાદ પણ રચાવાની હતી. એવું તો શું થવાનું હતું મહાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કે પોરસના સમયમાં બચાવની મુદ્રામાં રહેલું ભારત તેનો આક્રમક મિજાજ દેખાડે છે તેની વાત હવે પછી મહાન ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચેના યુદ્ધમાં (ઈ.સ. પૂર્વે ૩૦૫) કરીશું.

arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP