Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-45

મુઘલાઈ યુદ્ધો - અકબરનાં યુદ્ધો (પાણીપતનું બીજું યુદ્ધ -૧૫૫૬)

  • પ્રકાશન તારીખ27 Aug 2018
  •  

હુમાયુના અવસાન સમયે અકબર કિશોર અવસ્થામાં હતો. તેથી તેનું શાસન હરમની સ્ત્રીઓ અને ખાસ તો બૈરામ ખાન કે જે વકીલ -અસ-સલ્તનત કહેવાતો હતો. તેના દ્વારા ચાલતું હતું કારણ કે અકબરની ઉંમર તે સમયે માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૨૦ દિવસની હતી. પાણીપતનું પહેલું યુદ્ધ પણ સીધી રીતે જોવા જઈએ તો અકબરે નહીં, પણ બૈરામ ખાન લડ્યો હતો. છતાં બાદશાહ અકબર હોવાથી આ યુદ્ધનો વિજય પણ તેના ખાતે ઇતિહાસમાં દેખાડવામાં આવે છે.

પાનીપતનું બીજું યુદ્ધ અકબરે પોતાના સામ્રાજ્ય વિસ્તાર માટે નહીં, પણ તેના પર આવી પડેલું યુદ્ધ હતું. આ યુદ્ધના બે પક્ષો મુઘલો અને અફઘાનો તથા હેમુ હતા. અગાઉ આપણે વાત કરી જ છે કે હુમાયુના સમયમાં અફઘાન સરદાર શેરશાહ સાથે ભયંકર યુદ્ધ થયું હતું, પણ શેરશાહના અવસાન પછી અને હુમાયુના દિલ્હીના તખ્તને ફરીથી જીતી લીધા પછી અફઘાનો ખૂણામાં ધકેલાઈ ગયા હતા. પરંતુ છતાં તેમનો લડાયક જુસ્સો ખતમ થયો ન હતો. શેરશાહનો પુત્ર આદિલ શાહ અને તેનો હિંદુ સેનાપતિ હેમરાજ ઉર્ફે હેમુ પોતાનું ખોયેલું રાજ્ય પાછું મેળવવા કટિબદ્ધ હતા. સેનાપતિ ભારતના સૈનિક ઇતિહાસનું એક લડાયક પાત્ર છે. તેનું મુળનામ હેમરાજ વૈશ્ય હતું. સ્વબળે સુરવંશી સલ્તનતમાં તે આદિલ શાહના મુખ્ય સેનાપતિ પદ સુધી પહોંચ્યો હતો. આદીલ શાહીમાં તે દીવાન અને યુદ્ધ સંચાલક પણ હતો. ઇસ્લામી સલ્તનતમાં આટલા ઉચ્ચ હોદ્દે પહોંચનાર હેમુ ગણ્યાગાંઠયા હિંદુઓ પૈકીનો એક હતો. આમ પણ અફઘાનો અને રજપૂતો વચ્ચે ઘણા સુમેળભર્યા સંબંધો રહ્યા હતા. મહારાણા પ્રતાપના સમયમાં તો અફઘાન સૈનિકોએ મેવાડને ગંજાવર મદદ કરી હતી.

હેમુ આજે જેઓને ભાર્ગવ કહેવાય છે તે ધૂસર જાતિનો હતો. સમકાલીન લેખકો તેને વણિક તરીકે પણ ઓળખાવે છે. તે પ્રતિભા સંપન્ન અને ઘણો મહત્વાકાંક્ષી હતો. હુમાયુના અવસાનના સમાચારથી હેમુ ઉત્સાહી બન્યો અને વિશાળ સેના સાથે આગ્રા તરફ પ્રયાણ કર્યું. તેણે ઉત્તર પ્રદેશમાં ગ્વાલિયર સુધીના વિસ્તારો કબજે કર્યા. હેમુને વિશાળ લશ્કર સાથે આવતો જોઈ કાલપી અને આગ્રાના મુઘલ અધિકારીઓ રીતસર ભાગી છૂટ્યા હતા. ૭ ઓક્ટોબર ૧૫૫૬ના રોજ તુગલકાબાદ ખાતે થયેલા યુદ્ધમાં હેમુએ મુઘલ સેનાપતિ તરદીબેગને ભૂંડો પરાજય આપ્યો. હેમુ મુઘલોના વિસ્તારમાં લૂંટફાટ કરતો દિલ્હી તરફ આગળ વધ્યો, દિલ્હી પહોંચી પોતાને દિલ્હીનો સમ્રાટ ઘોષિત કર્યો અને વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું. દિલ્હીમાં આવા પ્રકારની ઘટનાઓ ઘટી રહી હતી ત્યારે હેમુના હાથે હારેલો તારદીબેગ પંજાબના સરહિન્દમાં અકબર પાસે પહોંચી ગયો અને હેમુના ખોફને ભાળી ચૂકેલા તેણે અકબરને મળી કાબુલ જતા રહેવા કહ્યું. પરંતુ અકબરના વાલી અને સંરક્ષક બૈરામ ખાનને એ મંજૂર ન હતું. તેણે તરત જ આવી નિરાશાવાદી વાતો કરનાર તાર્દીબેગનું ખૂન કરી નાખ્યું. આવા તો અનેક સરદારો અને સેનાપતિઓને બૈરામ ખાને મોતના ઘાટ ઉતારી દીધા હતા. તેમાં સામેવાળાના નિરાશાવાદી વલણની સાથે બૈરામની વ્યક્તિગત શત્રુતા પણ કારણભૂત હતી.

તાર્દીબેગને ખતમ કર્યા પછી બૈરામ ખાને વાવાઝોડાની માફક પંજાબ તરફ આગળ વધતા હેમુને રોકવા સેના તૈયાર કરી. તેને સરહિન્દથી પાણીપત તરફ આગળ વધવા આદેશ કર્યો. બૈરામ ખાન કુશળ વ્યૂહરચનાકાર અને ઘાતકી સ્વભાવનો હતો. તેણે આખી સેનાને હેમુ સુધી પહોંચતા પહેલાં અજમાયશી ધોરણે અલી કુર્દીખાન અને કેટલાક સૈનિકોને હેમુના લશ્કર અને તેની વ્યૂહરચનાનો ક્યાસ કાઢવા અગ્રીમ મોરચે મોકલી. વિશાળ સેના સાથે આગળ વધી રહેલા હેમુએ પણ બૈરામ જેવો જ વ્યૂહ અપનાવ્યો. તેણે પોતાના મુબારક ખાન અને બહાદુરશાહ નામના સેનાપતિઓને તોપખાના સાથે આગોતરા મોકલ્યા, પણ આ એની ગંભીર ભૂલ હતી. વિશેષ સુરક્ષા વિના તોપખાના જેવા અત્યંત મહત્વના લશ્કરી વિભાગને આગળ રાખવાની ભૂલ હેમુને ભારે પડી.

પરંતુ હેમુ ગાંજ્યો જાય તેમ ન હતો. તેની પાસે મુઘલોની ૨૦ હજારની સેના સામે ૧ લાખ સૈનિકો અને જીરહ બખતર પહેરેલા ૧૫૦૦ હાથીઓ અને તે હાથીઓ પરથી બંદુકો તાકવામાં નિષ્ણાત એવા શૂરવીર અફઘાન સૈનિકો હતા. યુદ્ધ મેદાનમાં પહોંચી હેમુએ પોતાના લશ્કરનું વિભાજન ત્રણ ભાગમાં કર્યું. આ ત્રિપાંખીયા મોરચામાં હેમુએ જમણી તરફના મોરચાનું સુકાન સેનાપતિ શાહી ખાનને સોંપ્યું. ડાબી તરફનું નેતૃત્વ પોતાના ભાણેજ રમૈયાને દીધું અને યુદ્ધમાં એક કુશળ સેનાપતિ કરે તેમ મધ્ય ભાગની કમાન ખુદ સંભાળી. તેના ભીમકાય હાથીઓએ હુમલો કરી દીધો. આ હાથીઓએ મુઘલ સેનાના મધ્ય ભાગને રીતસર રોંદી નાખ્યો હતો. શરૂઆતની આ સફળતામાં હેમુએ મુઘલોના ૧૬૦ હાથી અને ૧ હજાર અરબી ઘોડા પડાવી લીધા હતા. હેમુની સેના વિજયના ઉન્માદ તરફ આગળ વધી રહી હતી, પરંતુ તેમનો આ ઉત્સાહ ગણતરીના કલાકોમાં જ ઠંડો પડી ગયો.

એવું તો શું થયું પાણીપતના મેદાનમાં? તેની વાત આવતી કાલે કરીશું.

arun.tribalhistory@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP