‘ત્યાગીને ભોગવો’ તે આનું નામ!

article by divyesh vyas

​દિવ્યેશ વ્યાસ

Sep 07, 2018, 03:22 PM IST

‘ભારતીય સંસ્કૃતિ નવાં નવાં ગૌરવ શિખરો સર કરતી રહી છે, એ જોઈને મારી આંખ ચાર થાય છે અને છાતી ફૂલીને 56નો આંકડો વટાવી જાય છે!’ ફાંકેરામે ચતુરસેનના ઘરમાં ઘૂસતાં વેંત જ આદત મુજબ કકળાટ શરૂ કરવાને બદલે રાજીપો વ્યક્ત કર્યો.


‘સંસ્કૃતિ તો સતત વિકસતી બાબત છે. તેનો વિકાસ તો અવિતરત ચાલું જ રહ્યો છે. ખેર, તું આ સંસ્કૃતિનો શ્રેય કોને આપવા માગે છે?’


‘શ્રેય તો લેનારા અનેક છે, પણ હું તો આનો સમગ્ર શ્રેય દેશની જનતાને આપવા માગું છું.’
‘દેશની જનતાના નામે તું તો એવી મોટી મોટી વાતો કરી રહ્યો છે કે મને લાગે છે કે આગામી 2019ની ચૂંટણીમાં તારે પણ ઝુકાવવું લાગે છે.’
‘દરેક ચૂંટણીમાં આપણે તો ઝુકાવીએ જ છીએ ને....’


‘ચૂંટણી સભાઓમાં જઈને નારા પોકારીને નાણાં કમાતા રોજમદાર તરીકે ઝુકાવવાની વાત નથી, પણ ખરેખર ચૂંટણી લડવાની વાત છે.’


‘ચતુરસેન, તમે જાણો છો કે હું અણ્ણા હજારેનો ભક્ત છું. અણ્ણાજીની જેમ આપણે પણ ક્યારેય ચૂંટણીમાં ઊભા નહીં રહીએ.’


‘તું ભક્ત તો બીજાઓનો પણ છે. ઠીક છે, એ વાત મૂક. મને ભારતીય સંસ્કૃતિમાં રસ પડ્યો.’
‘ઓહોહોહો... તમારા જેવા બૌદ્ધિકને ભારતીય સંસ્કૃતિમાં રસ પડ્યો, એટલે વધુ એક શિખર સર થઈ ગયું!’


‘શિખર શબ્દનાં શીંગડાં મારવાનું બંધ કર, મૂળ મુદ્દાની વાત કર.’
‘એક તરફ રાહુલ ગાંધીની માનસરોવરની યાત્રા ચાલી રહી છે તો બીજી તરફ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં વિષ્ણુ ભગવાનનું ભવ્ય મંદિર બાંધવાની વાત કરી રહ્યા છે. ડાબેરીઓ પણ હવે મંદિર મંદિર કરવા લાગ્યા છે અને ધાર્મિક ગ્રંથો માથે ઉપાડીને સરઘસો કાઢી રહ્યા છે.

તેલંગાણામાં ‘દક્ષિણના યોગી આદિત્યનાથ’ સ્વરૂપે સ્વામી પરિપૂર્ણાનંદ પ્રગટ થયા છે. તેલંગાણાના કે.સી. ચંદ્રશેખર રાવે સત્તાને ઠુકરાવીને જનતાની અદાલતના દરવાજા ખડખડાવે છે. આ બધું જોઈને પણ તમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો કે ભારતીય સંસ્કૃતિ ખીલી રહી છે?’


‘ચંદ્રશેખર રાવને તો ફરી સત્તા જોઈએ છે, એટલે લાગ જોઈને વહેલી ચૂંટણી યોજી છે.’
‘હા, ચંદ્રશેખર રાવને ફરી સત્તા ભોગવવી છે, એની હું પણ ના નથી પાડતો, પરંતુ તમે સમજો, તેઓ ત્યાગીને ભોગવવાનું ભારતીય સૂત્ર તો ચરિતાર્થ કરી જ રહ્યા છે ને?’
‘ત્યાગીને ભોગવવાના સિદ્ધાંતનું તારા જેવા ભક્તો જ શીર્ષાસન કરાવી શકે!’

[email protected]

X
article by divyesh vyas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી