મેનેજમેન્ટની / જોખમો ઉઠાવવાની આવડત

article by bn dastur

abcd બી.એન. દસ્તૂર

Mar 20, 2019, 03:04 PM IST

આજના અનિશ્ચિતતાથી છલકાતા, ઉછળતા અને કૂદતા ગ્લોબલાઇઝેશનના માહોલમાં દરેક સંસ્થાએ જોખમો ઉઠાવવાની તૈયારી રાખવી ફરજિયાત છે.
આવડત વિનાનાં આંધળૂકિયાં કરાય નહીં. જોખમો ઉઠાવવામાં પલ્લું સફળતા તરફ નમેલું રાખવું પડશે.
જોખમને તક સાથે ચોલી-દામનનો સંબંધ છે. સંસ્થાએ નક્કી કરવું પડશે કે દરેક સફળતામાં, દરેક નિષ્ફળતામાં છુપાયેલી તકને કેટલા પ્રમાણમાં જોખમ ઉઠાવીને ઝડપી લેવાની છે.

તક આવે ત્રણ પ્રકારની.
⬛ એડિટિવ (Additive)
⬛ કોમ્પ્લિમેન્ટરી (Complimentary)
⬛ બ્રેકથ્રૂ (Breakthrough)

  • જે જોખમ ઉઠાવવાનું નક્કી કરો તે માટેના જરૂરી રિસોર્સ અને રિઝર્વસ, એકઠા કરો

‘એડિટિવ’ એવી તક છે જે સંસ્થા પાસે જે સાધનો (Resources) છે તેનાે ઉપયોગ કરે છે. ધંધાનું કેરેક્ટર બદલાતું નથી. બીજું બધું પડતું મૂકી નવું પકડવાનો પ્રયત્ન કરાતો નથી અને પરિણામો સિમિત મળે છે. મસાલા બનાવતી કંપની, ‘આયુર્વેદિક’ હળદર બનાવે. એમના જે સેલ્સપર્સન છે તેને જ ચામડીનાં દર્દના દાક્તરો પાસે મોકલે તો એ આ પ્રકારની તક ઝડપે છે. જોખમની શક્યતા પ્રમાણમાં ઓછી હોય છે. દવા તરીકે ન સ્વીકારાય તો ખમણ બનાવવામાં ચાલી જાય.
‘કોમ્પ્લિમેન્ટરી’ તક સંસ્થાના બિઝનેસ સ્ટ્રક્ચરમાં ફેરફાર માગશે. જે છે તેમાં વધારો કરવો પડશે. નવું જ્ઞાન, નવા નોલેજ વર્કર, નવા નિયમો અને પ્રોસિજરોની જરૂર પડશે. જોખમનું પ્રમાણ ઊંચું રહેશે. કપડાં ધોવાનો ડિટર્જન્ટ બનાવતી કંપની સ્નાન માટેનો સાબુ બનાવે ત્યારે તે આ પ્રકારની તક ઝડપે છે.
‘બ્રેકથ્રૂ’ તકમાં જોખમની માત્રા ખૂબ વધારે હોય છે. નવા રિસોર્સ ભેગા કરવા પડશે. સમય, નાણાં, એનર્જી વધારે જોઈશે. સંસ્થાનું સ્ટ્રક્ચર બદલવું પડશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગમાંથી કેલેન્ડરો હટાવી સ્ટોપ-વોચ મૂકવી પડશે.
પ્રતિભાશાળી નોકેજ વર્કરને શોધવા અને સાચવવા પડશે. ભૂતકાળની ભૂલોમાંથી શીખવું પડશે. પ્રેસ-બ્રેક બનાવનારી કંપની વિન્ડ-મિલ બનાવવાનું નક્કી કરે તો એ આ પ્રકારની તક ઝડપે છે.

જોખમો પણ ચાર પ્રકારનાં હોય :
⬛ જોખમ જે ઉઠાવી શકાય.
⬛ જોખમ જેનો સ્વીકાર કરી શકાય.
⬛ જોખમ જે ઉઠાવવામાં
ખતરો છે.
⬛ જોખમ જે ન ઉઠાવવામાં ખતરો છે.

દવા બનાવનારી કંપની નવી દવા બનાવે તે બિનઅસરકારક અને ખતરનાક સાબિત થઈ શકે છે. બીજો કોઈ ઉદ્યોગ આવું જોખમ ઉઠાવી ન શકે.
જોખમો ઉઠાવતી સંસ્થાએ વિચારવું પડશે કે કંપની ઉપર એની શી અસર થશે? બારમું જમાડવાની નોબત તો ન આવે? બ્રેકથ્રૂ જોખમ ઉઠાવ્યા બાદ ખૂબ મોટી સફળતા મેળવી શકાશે?
ખૂબ ધ્યાનથી તકોનું પૃથક્કરણ કરી એનો સ્વીકાર કરવાનો નિર્ણય લેવો જોઈએ. જોખમ ઓછું કરવાને બદલે તકને સફળતામાં તબદીલ કરવા ઉપર વધારે ધ્યાન આપવું જરૂરી છે.
જે જોખમ ઉઠાવવાનું નક્કી કરો તે તમારા સમગ્ર બિઝનેસ ઉપર અસર કરશે. એને અલગ નજરે In isolation જોવામાં સમજદારી નથી.
નિષ્ણાતોનાં સૂચનો અને મારા અડધી સદીના અનુભવ ઉપર આધારિત, શું કરી શકાય, શું ન કરાય, શું કઈ રીતે કરાય એની વાત કરીએ.

⬛ જે જોખમ ઉઠાવવાનું નક્કી કરો તે માટેના જરૂરી રિસોર્સ અને રિઝર્વસ, એકઠા કરો.
⬛ દરેક રિસોર્સ વાપરવાની વિવિધ પ્રોસેસ શીખી લો.
⬛ ખૂબ પ્રતિભાશાળી નોલેજ વર્કરોને શોધો. તાલીમ આપો. સાધનો આપો અને છૂટા મૂકી દેવાની તૈયારી રાખો.
⬛ નોલેજ વર્કરોને નવું કામ કરવાનો આનંદ આવે એવું વાતાવરણ બનાવો. અદનામાં અદનો કર્મચારી પણ શેહ અને શરમ વિના પોતાના વિચારો તમને રજૂ કરે એવું અેન્વાયર્નમેન્ટ બનાવો. સૌને VIP હોવાનો અહેસાસ કરાવો. નક્કી કરેલું જોખમ, એમની કારકિર્દીની સફર ઝડપી બનાવશે એની ખાતરી આપો.
⬛ ખરાબ સમાચારોની તમને તરત જ ખબર પડે એવી વ્યવસ્થા કરો.
⬛ જોખમ ઉઠાવવાના નિર્ણય અને પરિણામ વચ્ચેનો સમયગાળો શરૂઆતથી જ નક્કી કરો. હમ હોંગે કામિયાબ કબ? ‘એક દિન’ ગાવા માટે જ ઠીક છે.
⬛ ‘સમસ્યા, પ્રોબ્લેમ’ બોલવાની મનાઈ ફરમાવો. જોખમ ઉઠાવવામાં સમાધાનો શોધાતાં નથી, ચેલેન્જ ઉઠાવાય છે. સૌથી પ્રતિભાશાળી અને સ્માર્ટ કર્મચારીઓને તકો ઉપર લગાડી દો, સમસ્યાઓ ઉપર નહીં.
⬛ ‘નસીબ’નું પૂછડું પકડનારને કહો, ‘ગધા પહલવાન તો નસીબ બલવાન.’ સાચા અર્થમાં થોરામાં ઘનું.

[email protected]

X
article by bn dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી