Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

વાત મરિયમના દીકરા ઈસાની

  • પ્રકાશન તારીખ25 Apr 2019
  •  

એક હજાર વર્ષ પુરાણી સૂફી કથા.
મરિયમના દીકરા ઈસા પાસે મરેલાને જીવતા કરવાનો મંત્ર હતો. જેરુસલમની નજીકના રણમાંથી એ પસાર થઈ રહ્યા હતા ત્યારે થોડા માણસોએ એમને એ મંત્ર શીખવવાની આજીજી કરી.
ઈસાએ કહ્યું, ‘તમે એ મંત્રનો દુરુપયોગ કરશો કે પછી બરબાદ થશો.’ પેલા માણસોએ કહ્યું, ‘અમે વિદ્વાન ઇન્સાનો છીએ. આવું જ્ઞાન પચાવવાની અમારામાં શક્તિ છે. અમારી શ્રદ્ધા પણ વધશે.’
કચવાતા મને ઈસાએ એ વિદ્વાનોને પેલો મંત્ર શીખવ્યો અને કહ્યું, ‘તમને ખબર નથી કે તમે શું માગી રહ્યા છો.’
પેલા માણસો રણમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમણે સુકાઈ ગયેલાં હાડકાંનો ઢગલો જોયો. એમને થયું, ‘મંત્ર અજમાવવાનો આ મોકો છોડવા જેવો નથી.’
મંત્ર બોલી નાખ્યો.
તરત જ પેલાં હાડકાં ભેગાં થઈ ગયાં. ઉપર ચામડી આવી ગઈ અને બન્યું એક ભયાનક જાનવર.
મેનેજરોને સફળતાના મંત્રો શીખવવાની એક જબરજસ્ત ઇન્ડસ્ટ્રી આખી દુનિયામાં ફેલાયેલી છે. આ ઉદ્યોગમાં મંદી કદી આવતી નથી. તમે જે હમણાં વાંચો છો તે કટાર પણ આ ઉદ્યોગની દેન છે.
મેનેજરો માનવીઓ છે અને મહદંશે માનવસ્વભાવ લગભગ સરખો હોય છે. સાઇકોલોજીની જે કિતાબ અમેરિકામાં વંચાય તે જ કિતાબ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અરબસ્તાનમાં વંચાય, પણ...
પણ સંસ્થાના કર્મચારીઓની, કસ્ટમરોની, કન્ઝ્યુમરોની, સ્ટેક હોલ્ડરોનું બિહેવિયર, એકસરખા માહોલમાં પણ અલગ અલગ હોઈ શકે છે, હોય છે.
સંસ્થામાં કામ કરતી અને સંસ્થા સાદી સીધી કે આડકતરી રીતે સંકળાયેલી વ્યક્તિનો પોતાનો અંગત એજન્ડા હોય છે અને તે એજન્ડા, કંપનીના મિશન અને વિઝન જોડે બાખડતો રહે છે. કંપની માટે પોતાના અંગત સ્વાર્થને દફનાવી દેનારા વીરલાઓ હશે, પણ છેલ્લાં 50 વર્ષમાં એવો કોઈ મેં જોયો નથી. પોતાના અંગત અને કારકિર્દીના એજન્ડાને ‘હોલ્ડ’ પર રાખનારા જડે છે, પણ પૂરેપૂરો દફનાવનારા જડતા નથી.
દરેક દેશની સંસ્કૃતિ અલગ હોય છે. જાપાન અને અમેરિકાની સંસ્કૃતિ અલગ છે.
દરેક દેશનું માર્કેટિંગ કલ્ચર પણ અલગ હોય છે. આપણા દેશમાં આ કલ્ચર દર 200 કિલોમીટરે બદલાય છે. કેરાલાના સફળ મેનેજરની બદલી કલકત્તામાં અને હિમાચલના મેનેજરની બદલી હૈદરાબાદમાં થાય તો એને છ મહિના સુધી ધંધાનો સાંધો પૂરેપૂરો જડતો નથી.
દરેક સંસ્થાનું સ્ટ્રક્ચર અને કલ્ચર, દરેકની ડિઝાઇન, દરેકનું વિઝન અને મિશન અલગ હોય.
કમ્યુનિકેશન દરેક કંપનીનો ઓક્સિજન છે, પણ પોલિટિક્સનો કાર્બન ડાયોક્સાઇડ એને પોલ્યુટ કરે છે.
દરેક સંસ્થામાં ઓછે વત્તે અંશે ‘ડિફેન્સિવ બિહેવિયર’ની બોલબાલા હોય છે. નજરની સામે કાંઈ ખોટું થતું હોય તો પણ ચુપકીદી રાખવામાં સમજદારી છે, એવી માન્યતા ઘર કરી જાય છે. ખરાબ સમાચારોને વાળી ઝૂડીને કાર્પેટની નીચે છુપાવી દેવામાં આવે છે.
ઉચ્ચ મેનેજમેન્ટની લીડરશિપ સ્ટાઇલની અસર પરિણામો ઉપર પડે છે. ફક્ત કર્મચારીઓને મેનેજ કરતી કંપની ખાડે જઈ શકે છે. કર્મચારીઓના જ્ઞાનનું મેનેજમેન્ટ કરતી કંપની પ્રગતિ કરતી રહે છે.
ગ્રાહકને ‘સંતોષ’ આપવા માટેના અસંખ્ય મંત્રો હાજર છે, પણ આજના ગ્રાહકને સંતોષ આપવાથી કાંઈ ઉપજતું નથી. એ ‘સંતોષ’ને પોતાનો જન્મસિદ્ધ હક માને છે. એને તો આનંદવિભોર (Delight) કરવો પડે છે.
આવા મેનેજમેન્ટના સિદ્ધાંતો, અભિગમો, મંત્રોના જંગલમાંથી સૌને કામ આવે એવો સર્વોત્તમ મંત્ર મળવો અશક્ય છે. એક સંસ્થાની સફળતા જે મંત્ર ઉપર નિર્ભર હોય તે જ મંત્ર બીજી સંસ્થાનું બારમું જમાડી શકે છે. ઈસાનો મંત્ર ઈસાને મુબારક.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP