Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

અમદાવાદ જાપ એસોસિયેશન

  • પ્રકાશન તારીખ03 Apr 2019
  •  

હતો હું અમેરિકામાં.
અમદાવાદના એક ઉદ્યોગપતિ દોસ્તનો ઈ-મેઇલ આવ્યો, ‘તું ક્યાં છે? મને તારી મદદની તાકીદે જરૂર છે.’
મેં જવાબ આપ્યો, ‘અમેરિકા છું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના માર્ટિન લ્યુથર કિંગના પ્રોજેક્ટ ઉપર કામ કરું છું. આવી શકાય એમ નથી.’
છ મહિના બાદ હું અમદાવાદ આવ્યો. એ દોસ્તને ફોન કર્યો.
‘હું હરદ્વાર આવ્યો છું. મારા ગુરુજી છે, એમની મદદ લેવી છે. ધંધો સાવ ઠપ છે?’
અઠવાડિયા બાદ આવ્યો. ગુરુજીએ બે લાખ ‘જાપ’ કરાવવાની સલાહ આપી. સલાહ ઉપર અમલ કરવામાં આવ્યો. દસ લાખનો કુલ ખર્ચ થયો. હાશ થઈ.
પણ...

  • ગુરુજીએ બે લાખ ‘જાપ’ કરાવવાની સલાહ આપી. તેના અમલ પાછળ દસ લાખનો કુલ ખર્ચ થયો

પણ હાશ લાંબી ચાલી નહીં. ઠપ થયેલો ધંધો, શુદ્ધ ગુજરાતી ભાષામાં મરી ગયો.
આ સત્યકથાના હીરો જેવા ઘણાની તમને પણ ખબર હશે.
સાઇકોલોજીમાં આને કહેવાય ‘હેલો ઇફેક્ટ’ (Halo effect).
‘હેલો’ એટલે દેવ-દેવીઓનાં માથાં પાછળ દોરવામાં આવતું તેજ-વર્તુળ, આભા. એક વિષયની નિષ્ણાત વ્યક્તિને બીજા વિષયોમાં પણ નિષ્ણાત માની બેસવાની ભૂલનું આ નામ છે.
બસરામાં એક હકીમ હતો. આખા અરબસ્તાનમાં જાનવરોના ડૉક્ટર તરીકેની એની જબરજસ્ત પહેંચાન હતી.
શહેરમાં એક ઇન્સાનને આંખમાં દર્દ ઉપડ્યું. પેલા હકીમની આબરૂ ઉપર આંધળો ભરોસો રાખી એ ગયો હકીમ પાસે. એની ફરિયાદ સાંભળી હકીમે એની આદતના જોર ઉપર પેલા ઇન્સાનની આંખમાં મલમ આંજી દીધો. મલમ હતો ઊંટની આંખમાં નાખવાનો. દર્દી આંધળા વિશ્વાસથી આવ્યો હતો અને સાચેસાચ આંધળો થઈ ગયો.
પહોંચ્યો કાજીના દરબારમાં. ફરિયાદ કરી, ‘આ હકીમે મને આંધળો કરી નાખ્યો. એક લાખ દીરમનું વળતર અપાવો.’
કાજીએ ચુકાદો આપ્યો, ‘શહેનશાહના હુકમથી આ કોર્ટમાં ફક્ત ઇન્સાનોને ન્યાય આપવામાં આવે છે, જાનવરોને નહીં. જો ફરિયાદી જાનવર ન હોત તો એ જાનવરોના હકીમ પાસે જાત નહીં. ફરિયાદી જાનવર હોવાથી એને ન્યાય આપવાની સત્તા મારી પાસે નથી.’
અને એક બીજી સત્યકથા વાંચેલી, સાંભળેલી. મહાન સામાજિક કાર્યકર બાબા અામટે ‘બાબા’ બન્યા જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં. યુવાનીમાં એ ગરમ મિજાજના હતા, કોઈની સાડાબારી સાંખતા નહીં.
બાબા બન્યા પહેલાં યુવાન આમટેએ લગ્ન કર્યાં. બંને મિયાં-બીબી આચાર્ય વિનોબા ભાવેના આશીર્વાદ લેવા ગયાં.
આશીર્વાદ સાથે બોનસમાં વિનોબાજીએ સલાહ આપી, ‘તમે બંને બ્રહ્મચર્યનું પાલન કરજો. એના ફાયદા ઘણા છે.’
અને આમટે ઉવાચ્, ‘ગુરુજી, જે રમત તમે કદી રમ્યા નથી એનું અમ્પાયરિંગ કરવાની છે કોઈ જરૂર?’
આ ત્રણ ‘વાર્તા’ઓ તમારે માટે છે. પછી ભલે તમે કોઈ સંસ્થા, કોઈ કુટુંબ, કોઈ ક્લબ મેનેજ કરતા હો.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન આખા દેશનું સૌથી વ્યસ્ત એસોસિયેશન છે. બીજાં એસોસિયેશનો રવિવારે રજા રાખતાં હોય ત્યારે અમદાવાદમાં રવિવારે હજાર પંદરસોની હાજરી સાવ સામાન્ય ગણાય છે.
‘એ.એમ.એ’થી જગપ્રસિદ્ધ આ સંસ્થામાં મોટી હસ્તીઓ બાખુશી આવે છે. મેનેજરોને, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને, સંસ્થાઓનો એ.એમ.એ. વધારે અસરકારક બનાવે છે.
આપણી વાર્તા નં.1ના હીરોની નકલ કરીએ તો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનનું નામ બદલી ‘અમદાવાદ જાપ એસોસિએશન’ રાખવું પડે.
ધંધો ઠપ? જાપ નં. 72/2 (!) બે હજાર વખત.
બોસ જોડે ફાવતું નથી! જાપ નં. 125/17/(!!!) બસો વખત.
પ્રમોશન મળતું નથી જાપ નં...
મદદ લેવાય જે તે વિષયના સાચા એક્સપર્ટ પાસે - ન ગુરુજી પાસે, ન હકીમ પાસે, ન વિદ્વાન પાસે.
થોરામાં ઘનું.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP