મેનેજમેન્ટની / વાત એક ચોરની

article by b.n dastur

abcd બી.એન. દસ્તૂર

Mar 13, 2019, 03:13 PM IST

ચોરી કરવાના ઇરાદાથી એક ચોર હવેલીના પહેલા મજલાની બારી ખોલવા મથી રહ્યો હતો ત્યારે એકાએક બારસાખ તૂટી પડી. ચોર જમીન ઉપર પટકાયો. એક પગ તૂટી ગયો.
ચોર ગયો કાજીની કોર્ટમાં અને નોંધાવી મકાનમાલિક વિરુદ્ધ ફરિયાદ.
મકાનમાલિકે પોતાના બચાવમાં કહ્યું, ‘વાંક મારો નથી. જે સુથારે દીવાલમાં બારસાખ બેસાડી તેનો છે.’
સુથારે કહ્યું, ‘બારસાખ મારા વાંકે તૂટી પડી નથી. વાંક બારસાખનું ચણતર કરતા કડિયાનો છે.’
તો બોલાવો કડિયાને.

કડિયાએ કહ્યું, ‘હું બારસાખ બેસાડતો હતો ત્યારે રસ્તેથી એક ખૂબસૂરત સ્ત્રી પસાર થતી હતી. હું એને જોવા રહ્યો અને બારસાખ બરાબર બેઠી નહીં. વાંક પેલી હસીનાનો છે.’
હસીના હાજર હો.
પોતાના બચાવમાં સ્ત્રીએ કહ્યું, ‘હું સાવ સામાન્ય સ્ત્રી છું. મારી સામે પણ કોઈ કદી જોતું નથી, પણ બનાવના દિવસે મેં જે ચુન્ની ઓઢેલી તેના ઉપર અદ્્ભુત રંગ ચડાવેલો છે, જે લોકોને આકર્ષ છે. વાંક ચુન્ની રંગનાર રંગરેજનો છે.’
રંગરેજને બોલાવતા ખબર પડી કે એ પેલી સ્ત્રીનો પતિ હતો અને ચોર પણ એ જ હતો.

  • મોટાભાગની કંપનીઓનું સ્ટ્રક્ચર બ્યુરોક્રેટિક (Bureaucratic) હોય છે. એમાં સ્પેશિયલાઇઝેશનની એવી ભરમાર હોય છે કે બધા યુનિટો એકબીજા સાથે બાખડતા રહે છેે

સંસ્થામાં પણ આવું બનતું રહે છે. વટવાની સિમ્સ લેબોરેટરીઝમાં હું હતો ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ. કંપનીના માલિક મરહૂમ ડૉ. સુરુભાઈ શાહે પૂછ્યું, ‘તમારો જાન્યુઆરીનો ટાર્ગેટ 97% જ અચીવ થયો છે, કારણ?’
મેં કહ્યું, ‘પ્રોડક્શન મેનેજર મને હું જે માંગું છું તે પ્રોડક્ટ આપતા નથી.’ પ્રોડક્શન મેનેજરે પરચેઝ મેનેજરનો વાંક કાઢ્યો.’ મને હું જે માંગું છું તે રો મટીરિયલ મળતું નથી. પરચેઝ મેનેજરે ‘કંજૂસ’ ફાઇનાન્સ મેનેજરનો વાંક કાઢ્યો અને ફાઇનાન્સ મેનેજરે કહ્યું, ‘મારી પાસે વડની સાઇઝનો મની પ્લાન્ટ નથી. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઉઘરાણી કરવામાં કાચો પડે છે. વાંક મિ. દસ્તૂરનો છે!’

દરેક સંસ્થા માનવીઓનો બનેલો સમાજ છે જ્યાં દરેક વિભાગની પોતાની ‘આબરૂ’ હોય છે અને કર્મચારીઓનો અંગત ‘કારકિર્દી એજન્ડા.’
બનવા જેવું ન બને કે ન બનવા જેવું બને તો બકરા શોધવાની પ્રવૃત્તિ શરૂ થઈ જાય. આવું શા માટે બન્યું (WHY?) એ શોધવાને બદલે કોણે (WHO?) આ કર્યું તેની શોધ શરૂ થઈ જાય. પરિણામે તમને એક સૂફી કથા અને એક દસ્તૂર કથા વાંચવા અને વાગોળવા મળે.
મોટાભાગની કંપનીઓનું સ્ટ્રક્ચર બ્યુરોક્રેટિક (Bureaucratic) હોય છે. એમાં સ્પેશિયલાઇઝેશનની એવી ભરમાર હોય છે કે બધા યુનિટો એકબીજા સાથે બાખડતા રહે છે. એ યાદ રહેતું નથી કે સંસ્થા માનવીઓનો નહીં, સિસ્ટમોનો સમૂહ છે. એક સિસ્ટમની ખરાબી, બીજી બધી જ સિસ્ટમો ઉપર અસર કરે છે.
બ્યુરોક્રસીના મૂળમાં છે રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોસિજર્સ અને પોલિસીઝ. કોઈ સમસ્યા આવે અને એનો જવાબ આવા કાયદા-કાનૂનમાં ન હોય તો બારી તૂટે. ટાર્ગેટ ઘટે તો બકરાની શોધ શરૂ થઈ જાય. પાવરનાં સમીકરણો બદલાય અને પરિણામે આખી સંસ્થાને નુકસાન થાય.
મેટ્રિક્સ (Matrix) સ્ટ્રક્ચર ધરાવતી કંપનીઓમાં પણ ગૂંચવાડાઓ ઊભા થતા રહે છે. સ્ટ્રેસ વધે છે અને પાવર મેળવવાના પ્રયત્નોમાં તેજી આવે છે. કોણ કોને રિપોર્ટ કરે તે ઘણી વાર સૌને સમજાતું નથી. પેલી સૂફી વાર્તાનો ચોર મકાન માલિક સામે ફરિયાદ નોંધાવે છે અને સિમ્સ લેબની વાર્તાનો દસ્તૂર ફરિયાદી હોવા છતાં આરોપી સાબિત થાય છે.

નિષ્ણાતો રાજકારણની તીવ્રતા ઓછી કરવા માટે સંસ્થાઓને વધારે ફ્લેટ (Flat) બનાવવાની આઉટ સોર્સિંગની, બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચરની ભલામણે કરે છે, પણ સંસ્થામાં કામ કરતા દરેક માનવીનો અંગત એજન્ડા હોય છે અને ખેંચતાણો ઇધર-ઉધર ઓછી થાય, પણ નાબૂદ કદી થતી નથી.
સંસ્થા માનવશરીર જેવી છે. એક અંગને, એક સિસ્ટમને નુકસાન થાય તો પૂરા શરીરને સહન કરવાની નોબત આવે છે.
સાવધાન!
[email protected]

X
article by b.n dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી