Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

ટોઇલેટ ટી નામે ચાની અનોખી બ્રાન્ડ

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  

ઇન્ડોનેશિયાથી આવે છે એક અનોખી કોફી.
લંડનની રેસ્ટોરાંમાં એક કપના 50 પાઉન્ડ આપવા પડે છે, આશરે રૂ. 4700!
આ કોફી અનોખી અને આટલી એક્સપેન્સિવ એટલા માટે છે કે એનું ઓરિજિન જ અનોખું છે.
કોફીનાં ગ્રીન બીન્સ એક ખાસ પ્રકારની બિલાડી CIVETને ખવડાવવામાં આવે. બિલાડીના પેટમાં કોફીના બીન્સનો ઉપરનો હિસ્સો જરી જાય અને અંદરનાં બીન્સ ‘બહાર’ આવે. એ બીન્સમાંથી કોફી બને. એવી વાયકા છે કે દુનિયામાં દર વર્ષે આવી કોફીનું ઉત્પાદન ફક્ત પાંચ કિલો ઊતરે (વધુ જાણકારી ગૂગલકાકા આપશે.) આ Cat-poop-coffeને મળતું જ ટોઇલેટ ટીનું ઉત્પાદન કેવી રીતે થાય એની મને ખબર છે. એ બજારમાં મળતી નથી અને પીનારને એની ખબર પણ પડતી નથી. તમને એ પીવાની નોબત નહીં આવે એવી આશા સાથે વાંચી નાખો. એક સત્યકથા ટોઇલેટ ટીના ઉત્પાદનનો ખ્યાલ આવશે અને એક ખૂબ અગત્યનો સંદેશો પણ મળશે.
એક મોટા ઉદ્યોગપતિ કંપનીના ચેરમેન.

  • દર પંદર દિવસે હું ટોઇલેટના પાણીની ચા બનાવી એમને પાતો’તો

એમનો લાડલો દીકરો ‘ધોળકા’ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. ખરીદી લાવ્યો અને બની બેઠો કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર.
શારીરિક ઉંમર 25, માનસિક 12, હૃદય નાનું, દિમાગમાં સોજો.
20 વર્ષે મનુ નામથી દાખલ થયેલા 55 વર્ષના મનુકાકા એ મેનેજિંગ (ડેમેજિંગ?) ડાયરેક્ટરના ‘પર્સનલ પીઉન.’
મનુકાકા ભણવાનું ભૂલી ગયેલા, પણ પરણવાનું યાદ રાખેલું. બે છોકરા કોલેજમાં ભણે. એમને ખાતર મનુકાકા પેલા કાલ સવારના છોકરાનું અપમાન ખમે, ચીસો સાંભળે, અંગ્રેજી ગાળો શીખે. પાંચ વર્ષ વીતી ગયાં. મનુકાકા થયા 60ના. રિટાયર થયા.
કંપનીના ચેરમેનના અઝીઝ દોસ્ત તરીકે હું કંપનીમાં જતો-આવતો રહું.
એકાદ બે વાર મેં પેલા મેનેજિંગ ડાયરેક્ટરને સમજાવવાનો પ્રયત્ન કરેલો કે મનુકાકા સાથે એમની સિનિયોરિટી, એમની નિષ્ઠા પ્રમાણેનું વર્તન કરે.
જવાબ મળેલો, ‘પગનું ખાસડું માથે ન મુકાય.’
મનુકાકાને બે-ચાર વાર કહ્યું, ‘નોકરી બદલો.’ કાકાનો જવાબ, ‘હવે પોંચ વરહ બાકી સે. ઉપરવાલો હમજાવે તેમ ચાલું સું.’
ઉપરવાળાએ શું હમજાવ્યું તેની ખબર મનુકાકાને અમે આપેલા વિદાય સમારંભમાં પડી.
માંડ માંડ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સમારંભમાં હાજર રહેવા માની ગયા. કૂતરાને રોટલો નાખે એવી અદાથી મનુકાકાને એક ઘડિયાળ ભેટ કરી.
હું હતો સમારંભનો એન્કર. મનુકાકાની પ્રશસ્તિ કરવા બે-પાંચને આમંત્રણ આપ્યું. બધાએ મનુકાકાના મોંફાટ વખાણ કર્યાં.
એકાએક મનુકાકાએ મારા હાથમાંથી માઇક્રોફોન છીનવી લીધો.
‘તમે બધાએ મને ઘડિયાર આલ્યું તેનું મારે થેંક્યૂ કહેવું સે.’
અમે તાળીઓ પાડી એમના નિર્ણયને વધાવ્યો.
મનુકાકા ઉવાચ, ‘તમે મને ઘડિયાળ આપી તે માટે બધાને થેંક્યૂ કહું સું.’
તાળીઓ.
મનુકાકાએ પેલા મેનેજિંગ ડાયરેક્ટર સામે આંગળી કરી કહ્યું, ‘આ સાહેબે મને પાંચ વરહ સુધી કૂતરાની માફક રાખ્યો. પાળેલું કૂતરું નહીં, શેરીનું કૂતરું. હું એમને હું કરતો’તો તે બોલું?’
સભામાં સન્નાટો.
મનુકાકા કન્ટિન્યૂડ ‘દર પંદર દિવસે હું ટોઇલેટના પાણીની ચા બનાવી એમને પ્રેમથી પાતો’તો.’
સભામાં પરમ શાંતિ, જબરજસ્ત સન્નાટો.
મનુકાકા પરમ શાંતિથી મારા હાથમાં માઇક પકડાવી અદૃશ્ય થઈ ગયા.
સભા પૂરી ન થઈ, તૂટી પડી. બધા એક પછી એક સરકી ગયા. રહ્યા નંગ બે, મેનેજિંગ ડાયરેક્ટર અને હું.
તરડાયેલા અવાજે એ ડેમેજિંગ માફ કરજો, મેનેજિંગ ડાયરેક્ટરે મને પૂછ્યું, ‘ડુ યુ બી લીવ હી વોઝ સ્પીકિંગ ધ ટ્રુથ?’ એ સાચું બોલતો હતો એવું તમે માનો છો?
જવાબ, ‘જે પીવે તે અને જે પીવાડે તે જાણે.’
વાત વીસ વર્ષ પુરાણી છે. કંપનીની હસ્તી નથી. ચેરમેન દેવ થયા અને ડેમેજિંગ ડાયરેક્ટર ચેરમેન થયા. કંપની પણ દેવ થઈ ગઈ. થોરામાં ઘનું સમજો તો સારું.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP