Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

વાત નવરોજી વૈદના ચશ્માંની

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

નવસારીમાં હતા એક દરિયાવદિલ વડીલ, નવરોજી વૈદ. ઉંમર 85+. ખિસ્સાં ખાલી, પણ હૃદય હાતિમતાઈનું. એમના એક દોસ્ત, કાવસજી કડકાબાલૂસ. એમના ખિસ્સામાં પણ મસમોટું બાકોરું.

  • એક જ પદાર્થ, જોનારાઓના દૃષ્ટિભેદને લીધે જુદો જુદો લાગે છે

વાતમાં ને વાતમાં નવરોજીને ખબર પડી કે કાવસજીની દીકરી દીનાને ચશ્માંની જરૂર છે.
નવરોજીએ પૂછ્યું, ‘કાવસ, તારી નાલ્લી દીકરીને તું ચસ્મો કાંય પે’રાવતો નથી?’
કાવસ ઉવાચ, ‘નવરોજ, પૈસાની સગવર નથી.’


નવરોજીનું છટક્યું, ‘તારી દીકરી આંધરી થઈ જશે પછી તું ચસ્મો અપાવસે? બોલાવ દીનાને.’ દીના આવી.
નવરોજીએ પોતાનાં ચશ્માં ઉતારી દીનાને આપ્યા, ‘દીકરા, આંય ચસ્મો પે’રી લે. મારી પાસે બીજો ઘરમાં છે.’ દીનાએ ચશ્માં પહેર્યાં. ‘હવે તને મજેનું દેખાયચ?’


નવસારીના પારસીઓની લોકકથાઓમાં અમર થઈ ગયેલો જવાબ દીનાએ આપ્યો, ‘જી, મને બધું ચક્કરભમ્મર દેખાયચ.’
નવરોજી અવાચક, ‘પન મને તો એ જ ચશ્માંથી સરસ મજેનું દેખાયચ.’
***


સવાલ છે ‘પર્સેપ્શન(Perception)’નો. દરેકની દુનિયા ‘જોવાની,’ પર્સિવ કરવાની આગવી નજરનો. જે ચશ્માંથી નવરોજીને ‘મજેનું’ દેખાય છે, તે જ ચશ્માંથી દીનાને ચક્કર આવે. ઓફિસ બંધ થયા બાદ બે કલાક વધારે કામ કરતા કરસનભાઈ એના બોસને મહેનતું દેખાય. મને લાગે કે બોસની ચમચાગીરી કરે છે અને તમે કહો કે, ‘કમબખ્ત આખો દિવસ રમી ખાય છે તો સાંજે કામ ન કરે તો ક્યાં જાય?’
સાચું કોણ?


પર્સેપ્શન શબ્દ આધુનિક ગણાય છે, પણ ત્રણ હજાર વર્ષ પહેલાંનું સંસ્કૃતનું એક સુભાષિત કહે છે :
એક એવ પદાર્થસ્તુ ત્રિધા ભવતિ વીક્ષિત :
કુંણપ: કામિની માસં યોગામિ: કામિમિ: શ્વમિ :


એક જ પદાર્થ, જોનારાઓના દૃષ્ટિભેદને લીધે જુદો જુદો લાગે છે. સ્ત્રીનું શરીર કામીજનોને સુંદર લાગે છે, યોગીઓને મડદું લાગે છે અને કૂતરાં-વરુ વગેરેને માંસના પિંડ જેવું દેખાય છે.


આપણી આસપાસના અેન્વાયર્નમેન્ટનું આપણે અર્થઘટન કરતા રહીએ છીએ. આપણા સેન્સરી ઓર્ગન્સ, ઇન્દ્રિયો મારફતે આપણે એ વાતાવરણની અનુભૂતિ કરતા રહીએ છીએ. આવી અનુભૂતિને ઓર્ગેનાઇઝ કરી એનું જે અર્થઘટન કરીએ એનું નામ ‘પર્સેપ્શન.’ એક જ સમયે તમે પિતા, પુત્ર, જમાઈ, સસરા, ભત્રીજા, ભાણેજ છો. તમે તમારા જમાઈના સસરા અને તમારા સસરાના જમાઈ છો. તમારા પુત્રના પિતા હોવાને નાતે તમે સૌ કોઈના પિતા નથી.


અન્ય કંપની સાથે જોઇન્ટ વેન્ચર બનવાની શક્યતાઓ વધે ત્યારે એક મેનેજરને નોકરી ખોઈ બેસવાનો ડર લાગશે, બીજાને લાગશે કે નવી કંપની એની આવડતની કદર કરશે, ત્રીજા માનશે કે કંપનીમાં આવી ઊથલપાથલો થતી રહે છે, પડશે તેવા દેવાશે અને ચોથો કંપની છોડી બીજે ચાલી જશે.
પર્સેપ્શનનો આધાર
પર્સિવર (Perceiver)
ટાર્ગેટ (Target)
સંજોગો (Situation) ઉપર રહે છે.


પર્સિવર : પર્સેપ્શનનો આધાર પર્સિવરના મોટિવ ઉપર, પૂરી ન થતી જરૂરિયાતો ઉપર, એની પ્રાયોરિટીઝ ઉપર, એના ઇન્ટરેસ્ટ ઉપર, એની અપેક્ષાઓ ઉપર રહે છે. મોટિવ, જરૂરિયાત, પ્રાયોરિટી, ઇન્ટરેસ્ટ અને અપેક્ષાઓ બદલાય તેમ પર્સેપ્શન બદલાતું રહે છે.
ટાર્ગેટ : જે વસ્તુ, પ્રસંગ, વ્યક્તિને આપણે જોતા રહીએ છીએ તે ટાર્ગેટ આપણા પર્સેપ્શન ઉપર અસર કરે છે. પર્સેપ્શનની મોકાણમાં આપણે સ્ટીરિઓટાઇપિંગના ભોગ બનીએ છીએ. મદ્રાસી નરમ, મુસ્લિમ ગરમ, પારસી ઉત્તમ. મદ્રાસી આળસુ, મુસ્લિમ માયાળુ અને પારસી અડધો પાગલ હોઈ શકે છે.


સંજોગો : આસપાસનું વાતાવરણ આપણા પર્સેપ્શન ઉપર અસર કરતું રહે છે. એનો આધાર પૂર્વાપર સંબંધ (Context) ઉપર પણ રહે છે. પર્સેપ્શન ઉપર નિષ્ણાતોએ ખૂબ સંશોધનો કર્યાં છે. એટ્રિબ્યુશન જેવી થિયરીઓ બનાવી છે. સ્ટીફન રોબિન્સ, ફ્રેડ લ્યુથાન્સ, ગ્રેગરી મૂરહેડ જેવા સિદ્ધહસ્ત લેખકોની ‘ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર’ની કિતાબોમાં આની વિસ્તૃત ચર્ચા જોવા મળશે.


શરૂઆતની જેમ સમાપન કરીએ: પંચાતિયાં પરીનબાનુએ બે’રામજી બાવાને ખખડાવ્યા, ‘બે’રામ, તેં પીવાનું શરૂ કરી કીધુંચ?’
‘ઓફકોર્સ, નોટ.’


‘જુઠ્ઠું ના બોલ, કાલે મેં તારી કારને દારૂના બારની બહાર પાર્ક કરેલી જોયલી.’ બે’રામજી બાવાએ તે રાત્રે પોતાની કાર પરીનબાનુના બંગલાની બહાર પાર્ક કરી, સવાર સુધી.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP