મેનેજમેન્ટની abcd / સોશિયલ ન્યુરોસાયન્સ

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Jan 23, 2019, 06:11 PM IST

મેનેજમેન્ટ ‘ડાયનેમિક’ સાયન્સ છે. હર ઘડીએ બદલાતું રહે છે, કારણ કે બિઝનેસનું વાતાવરણ બદલાતું રહે છે. બિઝનેસના હદની બાવજૂદ, હજારો માઇલ દૂર બનતા બનાવોની અસર બિઝનેસ ઉપર પડતી રહે છે.
20મી સદીની શરૂઆતનાં વર્ષોમાં ‘મેનેજમેન્ટ’નો અર્થ હતો કંપનીના રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોસિજર્સ અને પોલિસીસનું રક્ષણ. મેનેજર હતો એક પોલીસમેન.


બીજા તબક્કામાં મેનેજમેન્ટનો અર્થ થયો માનવીઓનું મેનેજમેન્ટ.
એ બાદ ઇમોશનલ ઇન્ટેલિજન્સે એન્ટ્રી મારી.
આજે મેનેજમેન્ટ કર્મચારીઓનાં, સ્ટેકહોલ્ડરોનાં જ્ઞાનનું મેનેજમેન્ટ છે.
અને હવે ચર્ચામાં છે ‘સોશિયલ ઇન્ટેલિજન્સ.’

  • લીડરનું વર્તન એક ઊર્જાનાક્ષેત્રનું નિર્માણ કરે છે અને આવી હકારાત્મક એનર્જી આસપાસની વ્યક્તિઓને લીડરના વર્તનનું અનુકરણ કરવાની પ્રેરણા આપે છે

આપણી અને બીજાઓની લાગણીઓ સમજવાની, સાચવવાની, નિયંત્રણમાં રાખવાની આવડતનું નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને એનું સામાજિક સ્વરૂપ છે સોશિયલ ઇન્ટેલિજન્સ.
1920માં એડવર્ડ થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે, ઇન્ટેલિજન્સનાં ત્રણ રૂપોની ચર્ચા કરી.


એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ : વિચારો અને આઇડિયા સમજવાની અને મેનેજ કરવાની આવડત.
મિકેનિકલ ઇન્ટેલિજન્સ : કોંક્રીટ વસ્તુઓ(Concrete objects)ને સમજવાની અને મેનેજ કરવાની આવડત.
સોશિયલ ઇન્ટેલિજન્સ : લોકોને સમજવાની, મેનેજ કરવાની આવડત.
ઈ.સ.1927માં મોસ અને હન્ટ અને ઈ.સ.1933માં પી.એફ. વર્નન નામના નિષ્ણાતોએ સોશિયલ ઇન્ટેલિજન્સને વિસ્તારથી સમજાવ્યું.


- લોકો સાથે એકરૂપ થવાની આવડત.
- સામાજિક વાતાવરણમાં રિલેક્સ થવાની આવડત.
- સામાજિક બાબતોનું જ્ઞાન.
- લોકો તરફથી મળતાં સિગ્નલો સમજવાની આવડત.
- સામેની વ્યક્તિના મૂડને અને એની પર્સનાલિટીને સમજવાની આવડત.


સોશિયલ ન્યુરોસાયન્સ
આજે સોશિયલ ન્યુરોસાયન્સ ચર્ચામાં છે. આ અટપટા સાયન્સને સીધી-સાદી વાતમાં સમજવું હોય તો સોશિયલ ન્યુરોસાયન્સ સામાજિક આદાનપ્રદાન કરતી વખતે આપણા મગજ ઉપર થતી અસરોનો અભ્યાસ કરે છે.
આપણે બધાં ‘સામાજિક પ્રાણીઓ’ છીએ. આપણે કુટુંબ, ગ્રૂપ, કબીલા, શહેરો, દેશો, સંસ્કૃતિઓનું નિર્માણ કરતા રહીએ છીએ. હજારો વર્ષોમાં આપણે આપણાં શરીરને સમાજમાં રહેવા માટે તૈયાર કર્યું છે.


લીડરનું વર્તન એક ઊર્જાના ક્ષેત્રનું નિર્માણ કરે છે અને આવી હકારાત્મક એનર્જી આસપાસની વ્યક્તિઓને લીડરના વર્તનનું અનુકરણ કરવાની પ્રેરણા આપે છે. મગજની ઊંડી સ્ટડી કરનાર ‘ન્યુરોસાયન્ટિસ્ટો’એ આપણા મગજમાં રહેલા ‘મિરર ન્યુરોત્સ’ શોધી કાઢ્યા છે, જે આપણને લીડરના વર્તનનું અનુકરણ કરાવે છે.


મિરર ન્યુરોન્સ
એવું પુરવાર થયું છે કે આપણા દિમાગના દરેક હિસ્સામાં મિરર ન્યુરોન્સની હાજરી છે. એકબીજા સાથે ઇન્ટરએક્શન કરતી વ્યક્તિઓ વચ્ચે આ ન્યુરોન્સ એક સેતુ બાંધે છે અને સૌની વેવલેન્થ (Wavelength) એકસરખી કરવાનો પ્રયત્ન કરે છે.
મિરર ન્યુરોન્સ સાથે સંકળાયેલી ‘સિમ્યુલેશન થિયરી ઓફ માઇન્ડ’ એવું કહે છે કે આપણે જ્યારે આપણને ગમતી વ્યક્તિ સાથે ઇન્ટરએક્ટ કરીએ છીએ ત્યારે તેની સાથે સમાનુભૂતિ(Empathy)નો અનુભવ કરીએ છીએ અને એ વ્યક્તિનાં વાણી, વર્તન, મનસૂબાઓને સમજી શકીએ છીએ, એની નકલ કરીએ છીએ.


સ્પિન્ડલ સેલ્સ
વૈજ્ઞાનિકોએ આપણા મગજમાં સ્પિન્ડલ સેલ્સની હાજરી પણ શોધી કાઢી છે. આ કોષોનું કદ પ્રમાણમાં મોટું છે અને એની શાખાઓની લંબાઈ પણ વધારે હોય છે. આ કારણથી સ્પિન્ડલ સેલ્સ વિચારો અને લાગણીઓનો ફેલાવો ઝડપથી કરે છે. એવું માનવામાં આવે છે કે સ્પિન્ડલ સેલ્સ આપણી પ્રાથમિકતાઓ, અંતર્દષ્ટિ (Intuition) અને વિવેકબુદ્ધિ (Judgement) ઉપર નિયંત્રણ રાખે છે.


ઓસિલેટર્સ
દિમાગમાં આવેલા આ ન્યુરોન્સ બે વ્યક્તિઓ વચ્ચેની શારીરિક આત્મીયતા ઉપર નિયંત્રણ રાખે છે.
મિરર ન્યુરોન્સ, સ્પિન્ડલ સેલ્સ અને ઓસિલેટર્સ ઉપર આપણું સચેત (Conscious) નિયંત્રણ નથી. એ ત્રિપુટીનો મહત્તમ લાભ લેવા માટે જરૂર પડે છે આપણા વર્તનને બદલવાની આવડતો વધારવાની, જ્ઞાન મેળવવાની, અનુભવો લેવાની.
મેનેજમેન્ટમાં જરૂરી એવી આવડતો મેળવી લો અને પરિણામ છોડી દો. મિરર ન્યુરોન્સ, સ્પિન્ડલ સેલ્સ અને ઓસિલેટર્સ ઉપર.
સવાલોનું સ્વાગત છે.

[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી