મેનેજમેન્ટની abcd / તમે શું જાણો છો, તે વિશે જાણો છો?

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Dec 26, 2018, 06:17 PM IST

મેનેજમેન્ટ ખૂબ અટપટું વિજ્ઞાન છે. જિંદગી ખૂટી જાય એવું આર્ટ છે.


અસંખ્ય સેમિનારો બાદ, હજાર પુસ્તકોની પર્સનલ લાઇબ્રેરીની બાવજૂદ, અડધી સદીના આંતરરાષ્ટ્રીય અનુભવ બાદ, 120 પુસ્તકો ચીતરી મારવા છતાં ‘મેનેજમેન્ટ’ પૂરું સમજાતું નથી. જે બે-પાંચ વર્ષની જિંદગી બાકી છે એમાં પૂરું સમજાવાની શક્યતાઓ નથી.

જે અજ્ઞાની પોતાને જ્ઞાની સમજે
છે એ પોતાની જાત માટે, સંસ્થા
અને સમાજ માટે ખતરનાક
સાબિત થઈ શકે છે

વાંક મેનેજમેન્ટના વિજ્ઞાનનો, એની કળાનો નથી. વાંક છે આજના માહોલનો, ડાયનેમિક સ્ટેબિલિટીનો. જો કાંઈ સ્ટેબલ, સ્થિર હોય તો એ છે ડાયનેમિઝમ, ચેઇન્જ, પરિવર્તન. માહોલમાં પરિવર્તન છે, તો એનો મહત્તમ લાભ લેવા માટે જોઈશે માહિતી, માહિતીનું જ્ઞાનમાં ભાષાંતર કરવાની આવડત. સંબંધો બાંધવાની, નિભાવવાની, નિખારવાની આવડત, રિસોર્સ ભેગા કરવાની આવડત. દરેક રિસોર્સ માટે યોગ્ય પ્રોસેસ શોધવાની, શીખવાની, વાપરવાની આવડત.


મેનેજમેન્ટની જાર્ગન (Jargan), પરિભાષામાં નિતનવા ઉમેરાઓ થતા રહે છે. સબ્જેક્ટિવ વેલ બીઇંગ (SWB), સિસ્ટમ્સ થિન્કિંગ, ડિફેન્સિવ રૂટિન, ઓલિગોપોલિસ્ટિક કમ્પિટિશન, સેલ્ફ લિફવિડેટિંગ પ્રીમિયમ, ઇન્ટિગ્રેડેટ લોગિસ્ટિક્સ, બ્રાન્ડ વાઇટેલિટી, સર્વિસ એનકાઉન્ટર, એફિનિટી માર્કેટિંગ.
શું જાણીએ છીએ? જાણવાની જરૂર છે? ઊંઘતાને જગાડવો, ચેલાને ભણાવવો, માંદાને બચાવવો, જ્ઞાનીને ગુરુ બનાવવો એવી ભલામણો સૂફીઓએ કરી છે, જે હજાર વર્ષ બાદ પણ આજના માહોલમાં અસરકારક સાબિત થઈ શકે છે.


1. જે જાણે છે, પણ જાણતો નથી કે એ જાણે છે, તે ઊંઘે છે એને જગાડો: ઈશ્વરે વગર અપવાદે દરેકને એની આગવી પ્રતિભા આપી છે. જ્ઞાન આવડત, તાલીમથી આપી શકાય છે. પ્રતિભા તો ઈશ્વરની દેન છે. તકલીફ એ છે કે પ્રતિભા શોધવી આસાન નથી. જેને એની પ્રતિભાની ખબર નથી એ ઊંઘે છે, એને જગાડનારની જરૂર છે. રમતગમતના મેદાનોમાં અનુભવી ટ્રેનરો, ખેલાડીઓની પ્રતિભા શોધે છે, નિખારે છે. જે કરવામાં આનંદ આવતો હોય, થાક ન લાગતો હોય, એ વિષયમાં તમારી પ્રતિભા હોઈ શકે છે. જેને પોતાની પ્રતિભા, ટેલેન્ટની ખબર નથી તેને જગાડો.


2. જે જાણતો નથી, પણ જાણવા માગે છે તેના પથદર્શક બનો : આજનો કર્મચારી નોકરી કરતો નથી. એ એની કારકિર્દીની સફર ઉપર નીકળી પડ્યો છે. તેના રાહબર બનો. કઈ દિશામાં, કેટલી ઝડપે, કઈ હાલતમાં, ક્યાં પહોંચવાનું છે એ બતાવો. રસ્તે ચાલતા એ જાણવા જેવું જાતે જ જાણી લેશે, કારણ કે તે ‘જાણવા માગે છે.’


3. જે જાણતો નથી અને જાણે છે કે એ જાણતો નથી તેને જ્ઞાન આપો : આજનો કર્મચારી નોલેજવર્કર બનવા માગે છે. આજની આંતરરાષ્ટ્રીય અને ગળાકાપ સ્પર્ધાના માહોલમાં, એ જાણે છે કે જીતવા માટે તેણે પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે ઝડપથી શીખવું પડશે. જ્ઞાન મેળવવા અને જ્ઞાનનું પરિણામમાં પરિવર્તન કરવા માટે જે તૈયાર, તત્પર અને સક્ષમ છે તેને જ્ઞાન આપો.


4. જે જાણતો નથી છતાં જાણે છે કે એ જાણે છે એને બચાવો: જે અજ્ઞાની પોતાને જ્ઞાની સમજે છે એ પોતાની જાત માટે, સંસ્થા અને સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કોઈ થર્ડક્લાસ બિઝનેસ સ્કૂલનો એમ.બી.એ. એવું માની બેસે છે કે મને બધું જ આવડે છે. બિઝનેસ સ્કૂલની ચાર દીવાલોની બહારના માહોલનું તેને જ્ઞાન નથી. હર ઘડીએ બદલાતા બિઝનેસના માહોલમાં જે ‘સ્ટ્રીટ સ્માર્ટનેસ’ જોઈશે તે એનામાં નથી અને તે આવી સ્માર્ટનેસ મેળવવા રાજી નથી. તેને બચાવો (કે પછી સંસ્થાને તેનાથી બચાવો.)
5. જે જાણે છે કે એ જ્ઞાની છે, તેના ચેલા બનો.


અનુભવની કોલેજમાં ભણેલો, બજારની આંટીઘૂંટીથી માર ખાધેલો, પડી જવા છતાં ઊભો થઈને દોડતા શીખેલો ગુરુ જે જ્ઞાન આપશે તે કોઈ પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ આપી ન શકે.
થોરામાં ઘનું નહીં સમજાય તો ઘનામાં થોરું સમજશો તો પણ ઘનું છે.
[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી