બોરિચાવારો હાથી ઘટુ ગયો

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Dec 12, 2018, 04:57 PM IST

કચ્છમાં કારમો દુકાળ પડ્યો.
એક નાનકડા કસ્બાના રાજાને એની સવારીના એકમાત્ર હાથીને ખવડાવવાની તકલીફ પડવા માંડી.

એથિક્સનો આધાર વ્યક્તિગત
મૂલ્યો ઉપર રહે છે

રાજાએ એમના રાજના બોરિચા ગામના ભરવાડોને બોલાવ્યા. એમને હાથી સોંપી દઈ હુકમ કર્યો, ‘દુકાળ પૂરો થાય ત્યાં સુધી હાથીને સાચવો અને દુકાળ પતેને અમને પરત કરો.’
બિચારા ભરવાડો! પોતાને ખાવાના સાંસા. ઢોરઢાંખર ભૂખે મરે તેમાં મસમોટો હાથી ગળે બંધાયો.
આવા અશક્ય કામમાંથી જાન છોડાવવા બોરિચાઓએ હાથીને મારી નાખી દાટી દીધો.
દુકાળ ચાલ્યો પાંચ વર્ષ. એ પત્યો ત્યારે રાજાનો હુકમ આવ્યો, ‘અમારો હાથી પરત કરો.’
ભરવાડોએ ખેતરના મોટો ઉંદર(Rat)ને પકડી લીધો અને દરબારમાં એ લઈને હાજર થયા.
‘મહારાજની જય હો, લો આપનો હાથી.’

રાજા અવાચક.


ભરવાડોએ કહ્યું, ‘અમે હાથીને ગામ વચ્ચે રાખ્યો હતો. ગામના લોકોને એના ઉપર એટલો બધો પ્રેમ કે જે બાજુમાંથી પસાર થાય ત્યારે એના ઉપર પ્રેમથી હાથ ફેરવતા જાય. પાંચ વર્ષમાં લાખો વખત લોકોનો હાથ ફરવાથી હાથી ઘસાઈ ગયો.’
(કચ્છમાં કહેવત છે, ‘બોરિચાવારો હાથી ઘટુ ગયો.’)
***


આજના ગળાકાપ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના માહોલમાં સંસ્થાઓ ટકી રહેવા, પ્રગતિ કરવા, નફો વધારવા, શેરહોલ્ડરોને સાચવવા, ગ્રાહકોને બાંધી રાખવા માટે કરવા જેવું બધું જ કરે છે.


નાનકડા બે શબ્દો ‘કરવા જેવું.’ વાસ્તવમાં પેલી કચ્છી લોકકથાના હાથી જેવા છે. જ્યાં સુધી એવું માનવામાં આવતું કે ‘અચ્છાં મૂલ્યો અને એથિક્સ(Ethics)ને આશરે ધંધો-ઉદ્યોગ કરવો શક્ય છે.’ ત્યાં સુધી એથિક્સનો હાથી અડીખમ ઊભો રહ્યો.


આજના માહોલમાં રિસોર્સીસનો દુકાળ છે. અસરકારક કર્મચારીઓ શોધવા અને સાચવવા ખૂબ મુશ્કેલ છે. ટેક્નોલોજી, આજના ‘લેટેસ્ટ’ મશીનને આવતી કાલે, ગઈ કાલનું કરી નાખે છે. શેરબજારના સેન્ટિમેન્ટ્સ, રોજ વધારે સેન્સિટિવ બનતા જાય છે. ગ્રાહકની અપેક્ષાઓ આકાશને આંબે છે. વેન્ડરો એડવાન્સમાં પેમેન્ટ માગે છે અને ડિસ્ટ્રિબ્યૂટરોની વફાદારીની કોઈ ગેરંટી હોતી નથી. પ્રતિસ્પર્ધીઓ સાત સમુંદર પારથી, એસોલ્ટ રાઇફલો અને કેશ(Cash)નાં કન્ટેનરો લઈને આવે છે.


પરિણામે એથિક્સના હાથી ઉપર મજબૂરીનો હાથ ફરવા માંડ્યો અને એ ઉંદર બની ગયો. એવી માન્યતા ઘર કરી ગઈ કે એથિક્સનું પૂંછડું પકડી શકવાની મૂર્ખાઈ કરવા જેવી નથી. કરવા જેવું અને ન કરવા જેવું કરવામાં કાચા પડશો તો ઉકલી જશો.
એથિક્સનો આધાર વ્યક્તિગત મૂલ્યો ઉપર રહે છે. આ મૂલ્યોને એટલો બધો ઘસારો લાગ્યો છે કે એથિકલ બિહેવિયરની તાલીમ આપતી સંસ્થાઓમાં પણ અનએથિકલ બિહેવિયર તરફ આંખ આડા કાન થાય છે.


નિષ્ણાતોએ એથિક્સના ત્રણ પહેલુઓની ચર્ચા કરી છે.


1. યુટેલિટેરિઅનિઝમ (Utalitarianism): આનો આધાર છે ‘સૌથી વધારે વ્યક્તિઓ માટે સૌથી વધારે સારું’નો સિદ્ધાંત, જે દેખાય છે એટલો નિર્દોષ નથી.


યેનકેન પ્રકારે કંપનીનો નફો વધારનાર આ સિદ્ધાંત અજમાવાય છે, પણ એ કરતાં સેંકડો કર્મચારીઓની છટણી થાય છે, ગુણવત્તામાં બાંધછોડ થાય છે, ટેક્સની ચોરી કરાય છે, ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ‘કવર’ પકડાવી ઓફિસમાંથી રવાના કરાય છે.
2. સૌના હકનું રક્ષણ: નિર્ણયો લેતી વખતે સૌ કોઈના પાયાના હકો(Fundamental rights)નું રક્ષણ થવું જોઈએ. ગાંધીનગરની એક કંપનીમાં થતી ચોરી અટકાવવા મેં ટેલિફોનો ટેપ કરેલા. આ વર્તન એથિકલ ગણાય? ‘રાઇટ ટુ પ્રાઇવસી’નું શું?
3. નિર્ણયો ન્યાયપૂર્ણ હોવા જોઈએ: ‘ન્યાય’માં અન્યાય ઇનબિલ્ટ (Inbuilt) નથી?


આજના આંતરરાષ્ટ્રીયકરણના માહોલમાં સંસ્થાઓ વિવિધ દેશોમાં ઘૂસ મારતી રહે છે અને એ કરતાં એથિકલ બિહેવિયરની ઐસીતૈસી કરતી રહે છે, કરવા મજબૂર બને છે. આપણા દેશમાં એન્ટ્રી મારવી હોય તો ‘કૂતરાંને રોટલા નાખવા’ની વ્યવસ્થા ન કરો તો કાંઈ ઉપજે નહીં. પૂછો વોલમાર્ટને, આઇકિયાને, કે.એફ.સી.ને, નેસ્લેને.


એથિકલ લીડરશિપ: લીડર એથિકલ હોય તો સંસ્થામાં એથિક્સની માત્રા ઊંચી હોય. આવો લીડર.


1. પોતાના કરિશ્માનો પાવર કંપનીના ભલા માટે વાપરે છે.


2. કંપનીનું વિઝન અને મિશન પીપલ-ઓરિએન્ટેડ રાખે છે.


3. સૌને વિચાર અને વાણીની સ્વતંત્રતા આપે છે.


4. સૌને તાલીમ અને ટેકો આપે છે.


5. કંપનીના સ્વાર્થ માટે પણ અનએથિકલ વર્તનને ચલાવી લેતો નથી.


વાસ્તવમાં, એથિકલ અને અનએથિકલ વચ્ચેની રેખા ખૂબ ધૂંધળી હોય છે. ઘણી વાર દેખાતી પણ નથી. એથિક્સનો હાથી ઉંદર બન્યો છે અને મને ડર છે કે એ ઉંદર પણ કોઈ દરમાં પેસી અદૃશ્ય થઈ જશે.
[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી