વાંક પાડાનો કે પખાલીનો?

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Dec 05, 2018, 12:05 AM IST

મારા મેનેજમેન્ટના સેમિનારોમાં મને એક સવાલ પૂછવાની આદત છે:
‘તમે મને કોઈ અગત્યનું કામ સોંપો અને એ કરવામાં હું સાવ નિષ્ફળ જાઉં. બાકી મારું નુકસાન કરી બેસું, તો તમારી પ્રતિક્રિયા (Response) કેવી હશે?’
જવાબ મળે છે:

તમારી કંપનીનું ENVIRONMENT કેવું છે? એવું અેન્વાયર્નમેન્ટ છે જ્યાં સાથ, સહકાર, મદદનો માહોલ છે? કે સૌ એકબીજાને પછાડતા રહે છે?

- તમારા ઉપર ગુસ્સે થઈ જાઉં.
- તમારી નિષ્ફળતાનાં કારણોની તમારી સાથે ચર્ચા કરું.
- સજા કરું.
- જરૂરી તાલીમ આપી, ફરી આવી ભૂલ ન થાય એવું વાતાવરણ પેદા કરું.
આવા જવાબો સાંભળવાની મજા આવે છે.
- ગુસ્સો? મારા ઉપર.
- નિષ્ફળતાનાં કારણોની ચર્ચા, મારી સાથે.
- સજા? મને.
- તાલીમ? મને.


ન બનવાનું બન્યું, બનવા જેવું ન બન્યું તો વાંક કોનો? ફક્ત મારો. તમારો સહેજ પણ નહીં?
હવે આપો આ છ સવાલોના જવાબ:


1. તમે મને જે કામ આપ્યું હતું એ સફળતાપૂર્વક પાર પાડવાની મારામાં આવડત (ABILITY) હતી?
આજના ઉછળતા-કૂદતા અને અનિશ્ચિતતાથીછલકતા માહોલમાં સુથાર પાસે લુહારનું કામ કરાવવામાં મસ મોટો ખતરો છે. સુથાર પાસે હથોડી છે. લુહાર પાસે પણ. આ જ કારણથી એકનું
કામ બીજાને સોંપવાની મૂર્ખાઈ કરનારનો કોઈ જ વાંક નથી? સરકારનાં કામો ખાડે જતાં રહે છે. કારણો અનેક છે, પણ સૌથી મોટું એ છે કે જેનામાં જે કામની આવડત નથી એને એ કામ સોંપવામાં આવે છે. એવું માની બેસવામાં આવે છે કે IAS ઓફિસર કાંઈ પણ કામ કરી શકે છે. જેને એનેટમી અને ફિઝિઓલોજી વચ્ચેનો તફાવત ખબર નથી, જેની ચાંચ સિટીસ્કેનમાં ડૂબતી નથી, જેને એક્સ-રે, સોનોગ્રાફી અને એમ.આર.આઇ વચ્ચેના તફાવતની ખબર નથી એવા ફાઇનાન્સના એક્સપર્ટ IAS ઓફિસરને રાજ્યના ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ બનાવવાના દાખલા મોજૂદ છે.


2. મને કામ સોંપતી વખતે તમે મને શું કરવાનું છે તે ચોખ્ખા શબ્દોમાં સમજાવ્યું હતું કે પછી ‘ડુ યોર બેસ્ટ’ કહી હાથ ધોઈ નાખ્યા હતા? તમારા હુકમમાં CLARITY હતી અને જો ન હતી તો, મારા કામથી તમને સંતોષ ન થાય તો વાંક મારો કે તમારો?


3. તમે મને આપેલા કામમાં મુશ્કેલીઓ આવે ત્યારે તમે મને જરૂરી મદદ (HELP) આપી હતી કે પછી તમારી રક્ષા કરવાની ઠાન લેનારી વાઘણ જેવી તમારી સેક્રેટરીએ મને તમારી પાસે આવતા રોક્યો હતો?


4. મને કામ સોંપતી વખતે તમે મને જરૂરી પ્રોત્સાહન (MOTIVATION) આપ્યું હતું? મોટિવેશન ઇન્સાનની અંદર ખૂલતો દરવાજો છે. એ સ્વાભાવિક (INTRINSIC) હોવું જોઈએ.


5. જે કામ તમે સોંપ્યું એ કાયદેસર હતું? VALID હતું?


ગેરકાયદેસર કામ કરાવવું હોય તો એ આવા કામના માહેર પાસે, એક્સપર્ટ પાસે કરાવવું જોઈએ. બેંકને ઉલ્લુ બનાવવા માટેની બેલેન્સ શીટ બનાવવાનું કામ તમારા એકાઉન્ટ્સ મેનેજરનું નથી. આવું
કામ સિફતથી કરનાર કોઈ ઉસ્તાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું છે.


6. તમારી કંપનીનું ENVIRONMENT કેવું છે? એવું અેન્વાયર્નમેન્ટ છે જ્યાં સાથ, સહકાર, મદદનો માહોલ છે? કે પછી સૌ કોઈ પોતાની અંગત કારકિર્દી બનાવવા માટે એકબીજાને પછાડતા રહે છે?
***


મેનેજમેન્ટ નિષ્ણાત પોલ હર્સિસાહેબે બનાવેલા ACHIEVE મોડલ ઉપર આ છ સવાલો બન્યા છે.
- મારામાં ABILITY હતી?
- તમારી સૂચનામાં CLARITY હતી?
- તમે મને જરૂરી HELP આપી હતી?
- મારામાં INTRINSIC મોટિવેશન હતું?
- કામ કાયદેસરનું, VALID હતું?
- સંસ્થાનું ENVIRONMENT ઉત્તમ હતું?


આ છ સવાલોનાં પહેલા અક્ષરોથી ACHIEVE શબ્દ બન્યો છે. એક પણ સવાલનો જવાબ ‘ના’ હોય તો વાંક મારો નથી તમારો છે. પ્રતિભાવો, સવાલોનું સ્વાગત છે.

[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી