દિવસની શરૂઆત બાંય ચડાવવાથી કરો, ભજનથી નહીં

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Oct 18, 2018, 02:55 PM IST

આજના ભયંકર અનિશ્ચિતતા, ગ્લોબલાઇઝેશન અને અફડાતફડીના માહોલમાં ટકી રહેવા અને પ્રગતિ કરતા રહેવા શું કરવું, શું ન કરવું એના ઉપર લાખો શબ્દો લખાય છે, બોલાય છે, સંભળાય છે. શબ્દો, વિચારો, સલાહ, સૂચનોના આ જંગલમાંથી એક શબ્દ ઊભરી આવે છે.
એ છે ‘પેશન.’


મરહૂમ બેગમ સાહેબા બેગમ અખ્તરની એક પ્રસિદ્ધ ગઝલના શબ્દો છે:
તલબ ન હો તો કિસી દર સે કુછ નહીં મિલતા,
અગર તલબ હો તો દોનોં જહાં સે મિલતા હૈ.


તલબ એટલે પેશન, ઝનૂન. જે છે તે બધું જ દાવ પર લગાવી જીતવાનું દિમાગી ભૂત. આજના બિઝનેસની દુનિયામાં યોગ્ય વાતાવરણ, ઉત્તમ નોલેજ વર્કરો, પૂરતાં સાધનો, સાધનો વાપરવાની પ્રોસેસનું જ્ઞાન ધરાવતી કંપનીઓ પણ ક્યાંક કાચી પડે છે. કારણ સમજાતું નથી. ટાંચાં સાધનો ધરાવતી અને નાના કદની કંપનીઓ ઝડપથી પ્રગતિ કરે છે એનાં કારણ પણ સમજાતાં નથી.

પેશનેટ કર્મચારીઓને શોધો, સાચવો, યોગ્ય તાલીમ આપી નિખારો. શનિવારે ઘરે જતો કર્મચારી સોમવારે ઉત્સાહથી થનગનતો કામ ઉપર આવે એવું કલ્ચર તૈયાર કરો

સફળતા અને નિષ્ફળતા માટેનાં અનેક કારણો હોઈ શકે છે, પણ અનુભવ કહે છે કે, સફળતા માટેનો એક શબ્દનો મંત્ર છે પેશન. એની ગેરહાજરીમાં, આજના આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના માહોલમાં સફળતા મેળવવી શક્ય નથી.
સંસ્થાને પેશનેટ બનાવવી હોય તો તમારા ઝનૂનને, તમારી પેશનને મેનેજ કરવી પડશે.


(1) તમે કોણ છો, કેટલા પાણીમાં છો, તમને શું જોઈએ છે, તમારે કેટલા સમયમાં કઈ રીતે, કઈ હાલતમાં ક્યાં પહોંચવાનું છે તેનો સાચુકલો ખ્યાલ મેળવો.


(2) વાસ્તવિકતાનો સ્વીકાર કરો અને જે મેળવવું છે તે મેળવવા માટે તૈયારી કરો. એકલી પેશન ખાડે લઈ જશે. તમારા જ્ઞાનને પરિણામમાં તબદિલ કરવાનું પ્લાનિંગ કરો. પેશનનો અર્થ આંધળૂકિયાં નથી.


(3) જે આજની હાલત (Status quo) છે તેમાં યોગ્ય અને ઝડપી ફેરફાર કરવાની તીવ્ર ઇચ્છા અને તૈયારી રાખો. પેશનેટ કર્મચારીઓને શોધો અને સાચવો. એમની ભીતરમાંથી ઊઠતી આગ સ્ટેટસ કોની રાખ કરી નાખશે.


(4) સંસ્થામાં જે નકામું છે એને ઉઠાવીને બહાર ફેંકી દો. જે નકામું છે તેને સુધારવામાં શક્તિ અને સમયની બરબાદી થશે. છેલ્લા પાંચ દાયકાના અનુભવમાં જોયું છે કે પેશનેટ સંસ્થાઓ ‘ડબલ લૂપ લર્નિંગ’ અપનાવે છે જે છે તે સુધારવામાં સમય, શક્તિ, સાધનો વાપરવાને બદલે, જૂનું ફેંકી દઈ નવું અજમાવે છે.


(5) કર્મચારીઓને સિગ્નલો આપતા રહો કે એમણે જે કરવાનું છે તે પૂરા ઝનૂનથી, બાંય ચડાવીને કરવાનું છે. કર્મચારીઓ લાંબી બાંયના શર્ટ-ટોપ પહેરીને આવે અને કામની શરૂઆત કરવા પહેલાં બાંય ચડાવે એવો શિરસ્તો ગોઠવો. દિવસની શરૂઆત ‘બાંય ચડાવવાથી કરો, ભજનથી નહીં.’


(6) હૃદયમાં પેશન અને દિમાગમાં ઇનોવેશન (Innovation) રાખો. નવું શીખવાની, અજમાવવાની તૈયારી રાખો.


(7) ભૂલોથી ડરશો નહીં. ભૂલ અજોડ શિક્ષક છે અને દરેક નિષ્ફળતામાં તક છુપાયેલી હોય છે. એક વાર કરેલી ભૂલ ફરી ન થાય એનું ધ્યાન રાખો તો ભયોભયો.


(8) આવડત, જ્ઞાન, અનુભવ આપી શકાય છે. પેશન ઈશ્વરે આપેલી એક પ્રતિભા છે. પેશનેટ કર્મચારીઓને શોધો, સાચવો, યોગ્ય તાલીમ આપી નિખારો. શનિવારે ઘરે જતો કર્મચારી સોમવારે ઉત્સાહથી થનગનતો કામ ઉપર આવે એવું કલ્ચર તૈયાર કરો. દરેક કર્મચારી પોતાની જાતને VIP માને અને શેહશરમ વિના, દિમાગમાં આવતા પહેલી નજરે ચક્કરબત્તી જેવા જણાતા વિચારો ઉચ્ચ મેનેજમેન્ટને પહોંચાડે એવું કલ્ચર અને સ્ટ્રક્ચર ન બનાવી શકો તો તમારી સંસ્થા પેશનેટ નહીં બને.
અને ફરી એક વાર, ‘દિવસની શરૂઆત બાંય ચડાવવાથી કરો, ભજનથી નહીં.’
થોરામાં ઘનું
[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી