કમ્યુનિકેશન એટલે મેનેજરોનો ઓક્સિજન

article by b.n. dastur

બી.એન. દસ્તૂર

Sep 19, 2018, 04:36 PM IST

પાવરનાં અનેક રૂપો છે. હોદ્દાનો પાવર, સજા કરવાનો, પુરસ્કાર આપવાનો પાવર, આવડતનો પાવર, વ્યક્તિત્વનો અને અંગત કરિશ્માનો પાવર.


ક્યારે કયા પાવરનો ઉપયોગ કરવો એ શીખવું-સમજવું જરૂરી છે, પણ પાવરનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા માટે મેનેજરમાં જોઈશે અસરકારક કમ્યુનિકેશન કરવાની અક્કલ અને આવડત.
પાવર વાપરવા માટે મેનેજરે ચર્ચા કરવી પડશે, દલીલો કરવી પડશે, સમસ્યાઓ સમજાવવી પડશે, નિરાકરણો કરવાં પડશે, દોસ્તીનું, માહિતીની આપ-લેનું નેટવર્ક બનાવવું પડશે. સંબંધો વિકસાવવા પડશે. કામ લેવું, કરાવવું, કઢાવવું પડશે.


આ અને આવું બીજું કરવા માટે કમ્યુનિકેશન કરવામાં કાચો પડતો મેનેજર ઝાઝું ઉકાળી શકશે નહીં. સફળ મેનેજરો અસરકારક બનવા જે રસ્તાઓ અજમાવે છે તેની નાની ચર્ચા કરીએ.
1. સફળ મેનેજરો ‘એમ્પથેટિક લિસનિંગ’ના નિષ્ણાતો હોય છે. દરેકની વાત, પહેલી નજરે નકામી લાગતી વાત પણ સમાનુભૂતિપૂર્વક સાંભળે છે.

ક્યારે આંખ બતાવવી, ક્યારે નમી જવું, ક્યારે માખણ મારવું, ક્યારે કાંઈક મેળવવા કાંઈક છોડી દેવું, ક્યારે ના પાડવી એ બધું સફળ મેનેજરોને આવડતું હોય છે

2. સફળ મેનેજરો ‘મેનેજમેન્ટ બાય વોન્ડરિંગ એરાઉન્ડ’માં માહેર હોય છે. દસમા માળની એમની એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી મેનેજ કરતા નથી, રખડતા રહે છે. એમને મળવા નાનામાં નાના કર્મચારીને પણ કાંઈ મહેનત લેવી પડતી નથી.


3. સફળ મેનેજરો દરેક સ્ટેકહોલ્ડરની વાત ધ્યાનથી સાંભળે છે. ખુલ્લા દિલે ચર્ચા કરે છે, સૂચનાેનું મૂલ્યાંકન કરે છે અને કોઈ સૂચનનો સ્વીકાર ન કરાય તો એનાં કારણો આપે છે.


4. સફળ મેનેજરો સંસ્થાની અંદર અને બહાર દોસ્તીના અને માહિતીની આપ-લે કરવાનાં નેટવર્ક બનાવે છે. માહિતીનું જ્ઞાનમાં અને જ્ઞાનનું પરિણામમાં રૂપાંતર કરે છે. બખૂબી એવું કમ્યુનિકેટ કરે છે કે એમને પરિણામમાં જ દિલચશ્પી છે.


5. સંસ્થાના અને અંગત લક્ષ્યાંકો સર કરવા, સફળ મેનેજરો હકારાત્મક પોલિટિક્સ ખેલવાથી ડરતા નથી. ક્યારે આંખ બતાવવી, ક્યારે નમી જવું, ક્યારે માખણ મારવું, ક્યારે કાંઈક મેળવવા કાંઈક છોડી દેવું, ક્યારે ના પાડવી એ બધું એમને આવડતું હોય છે. જરૂરી લાયકાતો, ક્ષમતાઓ, આવડતો મેળવવામાં સમય, શક્તિ અને નાણાંની કચાશ રાખતા નથી.


6. ઘણા મેનેજરો, કર્મચારીઓને નેગેટિવ ફીડબેક આપતા ડરતા હોય છે. સફળ મેનેજરોને નેગેટિવ ફીડબેક આપતા અાવડતું હોય છે. એ કદી અંગત હુમલો કરતાં નથી. જે થયું તેની જ ચર્ચા કરે છે. ભૂલ ખૂબ જ અફલાતૂન શિક્ષક છે એવું એ કમ્યુનિકેટ કરે છે અને ભૂલમાંથી શીખવા જેવું શીખી લઈ એને કદી રિપીટ કરતા નથી, કરવા દેતા નથી.

7. સફળ મેનેજરો યોગ્ય વર્તનનાં યોગ્ય શબ્દોમાં વખાણ કરે છે. વખાણના બે શબ્દો કમ્યુનિકેટ કરવા માટે એ સોંપવામાં આવેલું કામ પૂરું થાય એની રાહ જોતા નથી. કામના દરેક તબક્કા ઉપર સરાહના કરે છે. કુશળ કુંભારની જેમ આવા મેનેજરો, સ્ટેકહોલ્ડરોની વર્તણૂકને આકાર આપે છે.


8. સફળ મેનેજરો સૌને પોઝિટિવ સ્ટ્રોક્સ - સ્મિત, પ્રશંસા આપતા રહે છે. સૌને એમના નામથી બોલાવે છે. કુટુંબકબીલાની ખેરિયત પૂછતા રહે છે. વર્કલાઇફ બેલેન્સના આશિકો હોય છે.
9. સફળ મેનેજરો એમની વિશ્વનીયતામાં, ક્રેડિબિલિટીમાં સહેજ માત્ર પણ બાંધછોડ કદી પણ કરતા નથી. એમની વાણી અને વર્તનમાં કોઈ તફાવત હોતો નથી.


10. સફળ મેનેજરો સમયનું મહત્ત્વ સમજે છે અને પોતાના વર્તનથી સૌને સમજાવે છે.


11. દરેક સંસ્થામાં ગ્રેપવાઇન અને અફવાઓનો (Rumour) માહોલ હોય છે. આ બંનેની સારી અસરો વધારવાના અને આડઅસરો ઓછી કરવાના એ પ્રયત્નો કરતા રહે છે. સારા સમાચારો ગ્રેપવાઇનમાં ઘુસાડવામાં એ માહેર હોય છે.


12. મિટિંગો અને કોન્ફરન્સોમાં એ સૌને બોલવાની તક આપે છે. નિર્ણયની વિરુદ્ધ બોલવા ઉત્તેજન આપે છે.


13. અગત્યના અને તાકીદના સંદેશાઓ આપવા મલ્ટિપલ ચેનલોનો ઉપયોગ કરે છે.


14. ખરાબ સમાચાર લાવનારની કદર કરે છે. ખરાબ સમાચાર તરત જ મળે એવું નેટવર્ક ગોઠવે છે.


વીસમી સદીના છેલ્લા દાયકામાં કરાયેલા એક સર્વેક્ષણ મુજબ :
* 64% કર્મચારીઓ મેનેજમેન્ટની વાતો ઉપર ભરોસો રાખતા નથી.
* 61% કર્મચારીઓને કંપનીના પ્લાન વિશે માહિતી હોતી નથી.
* 54% કર્મચારીઓને મેનેજમેન્ટના નિર્ણયોમાં કશી ગતાગમ પડતી હોતી નથી. સાવધાન.

[email protected]

X
article by b.n. dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી