માનવી હીરામાં તડ પાડી આગળ ધપતો રહ્યો છેa

article by b. n dastur

બી.એન. દસ્તૂર

Sep 12, 2018, 12:05 AM IST

મોટી સલ્તનતનો એક મહાન સુલતાન.
હીરા અને ઝવેરાતનો શોખીન.


એની પાસે એક અમૂલ્ય હીરો હતો. સુલતાન આ હીરા પાછળ દીવાનો હતો.
એકાએક કોઈ ન સમજાતા કારણથી આ અનોખા હીરામાં એક તડ પડી. ખૂબ નાની શી આ તડ પડતાં જ હીરાનાં મૂલ્યની, એના રૂપરંગની, શહેનશાહના આનંદની બાદબાકી થઈ ગઈ. આ તડનો ઉપાય શોધવામાં, એને દૂર કરવામાં અચ્છા અચ્છા ઝવેરીઓ માર ખાઈ ગયા.
સુલતાન દુ:ખી, દુ:ખી થઈ ગયો.


એક દિવસ એક ડોસો દરબારમાં આવ્યો. કહ્યું, ‘આપ મને 12 અઠવાડિયાં માટે આ હીરો આપી દો. હું એને પહેલા કરતાં પણ વધારે ખૂબસૂરત બનાવી આપીશ.’


12 અઠવાડિયાં શહેનશાહને બારસો જેટલાં લાગ્યાં. 12 અઠવાડિયાં બાદ પેલો ડોસો હીરો લઈ પાછો આવ્યો. શહેનશાહે ધ્રૂજતે હાથે મખમલનો ડબ્બો ખોલ્યો.


હવે હીરો એક ગુલાબ બની ગયો હતો. ડોસાએ એને કોતરી ગુલાબનો આકાર આપ્યો. પેલી તડ તો હતી જ, પણ હવે એ ગુલાબની ડાળખી બની ગઈ હતી. હીરો પહેલાં કરતાં અનેકગણો ખૂબસૂરત અને મૂલ્યવાન બની ગયો હતો.


800 વર્ષ પુરાણી આ સૂફી વાર્તા, સાચા અર્થમાં ‘થોરામાં ઘનું’ કહી જાય છે.
તડ ન પડી હોત તો હીરાની સુંદરતામાં, એના મૂલ્યમાં વધારો થાત નહીં. સાચું પૂછો તો આવું થઈ શકે એનો અહેસાસ પણ થાત નહીં.

તમારી જિંદગીમાં પણ સમસ્યાઓ આવી હશે અને તમે લડી લીધું હશે. વધારે તાકાત મેળવી હશે

સફળ ઇન્સાનોની જિંદગી ઉપર નજર કરો અને સુલતાનના હીરાની વાત સાથે એમની જિંદગીની રૂખને સરખાવો.


દક્ષિણ આફ્રિકાના એક બેરિસ્ટરને ગોરા ટિકિટચેકરોએ ટ્રેનના ફર્સ્ટક્લાસના ડબ્બામાંથી બોરિયા-બિસ્તરાં સહિત બહાર ફેંકી દીધા.


હીરામાં તડ પડી અને મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ ધરાવતા આ ગુજ્જુ વકીલે, અંગ્રેજોને બોરિયા બિસ્તરાં સહિત હિન્દુસ્તાનની બહાર ફેંકી ઇંગ્લેન્ડભેગા કરી દીધા.


પંડિત જસરાજ તબલાવાદક હતા. સંગીતની એક ચર્ચા ચાલતી હતી, જેમાં જસરાજે કાંઈક કહ્યું. એક વડીલ બોલ્યા, ‘જસરાજ, ચૂપ કરો. તુમ તો ચમડા પીટતે હો.’ હીરામાં તડ પડી અને જસરાજ બની ગયા પંડિત જસરાજ.


46 વર્ષની ઉંમરે, ખૂબ સફળ મેનેજરની નોકરી છોડી હું મેનેજમેન્ટનો ટ્રેનર બની ગયો. સાલ હતું 1979. બધું બરાબર ચાલી રહ્યું હતું. આખા દિવસની ટ્રેનિંગના રૂ.600/- આપનાર કંપનીઓ પાસે મેં રૂ.25,000/- લેવા માંડ્યા. અને એક દિવસ, 1988માં દિલ્હીમાં થયો એવો અકસ્માત જેમાં મારા ડાબા પગમાં ફ્રેક્ચર થયાં. નંગ નવ. હવે આખો દિવસ ખડે પગે મેનેજમેન્ટના આટાપાટા ભણાવવાનો વિચાર પણ થઈ શકે એમ નો’તું.


મારી જિંદગીમાં બહાર લાવનારી બે સ્ત્રીઓ મારી મમ્મી અને મારી ઘરવાળીએ કહ્યું, ‘તું ઊભો રહીને જે બકબક કરે છે, તે હવે બેસીને લખ.’ અને હું લેખક બની ગયો. બે વર્ષ બાદ ચાલવાની અને ઊભા રહેવાની ત્રેવડ ભલે આવી, લેખક તરીકે નાણાં અને સોહરત મળી. પગમાં તડ પડી ન હોત તો તમે આજે આ વાંચતા ન હોત.


તમારી જિંદગીમાં પણ આવી સમસ્યાઓ આવી હશે અને તમે લડી લીધું હશે. વધારે તાકાત મેળવી હશે.


આપણી આજની દુનિયામાં પાર વિનાના પ્રોબ્લેમો છે. સમસ્યાઓની વણથંભી વણઝાર ટ્રાફિક જામ બની આપણી પ્રગતિને રોકતી રહે છે, પણ સાચું પૂછો તો આ પ્રોબ્લેમો જ આપણી દુનિયાને સોહામણી બનાવે છે.


મુસાફરી બળદગાડામાં કરવાની સમસ્યાનાં સમાધાનો શોધાયાં, ઘોડાગાડી, સાઇકલ, મોબાઇલ, કાર, વિમાન. કાળઝાળ ગરમી પડતી ન હોત તો એરકન્ડિશનર ન શોધાયાં હોત. દુષ્કાળ ન પડ્યા હોત તો નાના ચેકડેમથી તોતિંગ ડેમની વ્યવસ્થા ન થઈ હોત.


માનવી સાચા અર્થમાં ઘણી બધી વાર પેટ ચોળીને શૂળ ઊભું કરી સમસ્યાઓને જન્મ આપતો રહ્યો છે અને હીરામાં તડ પાડી આગળ ધપતો રહ્યો છે.


એ પણ સમજો કે સમસ્યા ન હોત તો તમને કોઈએ નોકરી પણ ન આપી હોત. દરેક ધંધો કોઈ ને કોઈ સમસ્યાનું સમાધાન છે. વટ મારવાની, નાણાંના દેખાડા કરવાની સમસ્યાનું સમાધાન મર્સિડિઝ કાર કરે છે.


આજે ‘નોકરી’ ફક્ત ગધેડાંઓ જ કરે છે. માનવી તો કારકિર્દી બનાવે છે. પોતાની બાજુમાં જ બેસતો, તમારે માટે પ્રેમથી એના લંચબોક્સમાં તમારા માનીતાં ખમણ ઢોકળાં લાવતો તમારો સહકાર્યકર, કારકિર્દીની સડક ઉપર તમારો કટ્ટર પ્રતિસ્પર્ધી છે. આ અટપટી સમસ્યાનું સમાધાન શોધવા તમે ડિગ્રી અને ડિપ્લોમા મેળવો છો, દુનિયાના કોઈ પણ ખૂણામાં ટ્રાન્સફર થવા તૈયાર અને તત્પર રહો છો. હીરામાં તડ પાડી, એનું ગુલાબ બનાવી પ્રગતિ કરતા રહો છો. સાચેસાચ આવું કરો છો?
[email protected]

X
article by b. n dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી