પ્રશ્ન વિશેષ / તુલસીદાસ=હુલસીની કૂખ+ ચુનિયાનો ખોળો+રત્નાવલિનું વેણ?

article by bhadrayu vachharajani

ભદ્રાયુ વછરાજાની

Apr 14, 2019, 06:17 PM IST

માતા હુલસી દેવીની કૂખે જન્મ થયો.
બાળકના જન્મને જ્યોતિષીઓએ ‘અશુભ’ ગણાવ્યો ત્યાં તો જાણે નિયતિએ તેના પર મ્હોર મારી. બાર મહિના સુધી માતા હુલસીનાં ગર્ભમાં રહીને બત્રીસે દાંત સાથે જન્મેલા તુલસી જન્મ સમયે રડ્યા નહીં, પણ એક શબ્દ જ ઉચાર્યો અને તે ‘રામ’. બધું વિચિત્ર હતું એટલે અમંગળની એંધાણી સાચી પડી ને જન્મ પછીના થોડા જ દિવસોમાં માતા હુલસીની કૂખ છિનવાઈ ગઈ અને પછી પિતાશ્રીએ પણ વિદાય લીધી. તુલસી હુલસીની કૂખમાંથી એક દાસી ચુનિયાના ખોળામાં ઊછર્યા અને તે પણ લગભગ સાડા પાંચ વર્ષ જ! દાસી ચુનિયા રામબોલાને ખોળાનો ખૂંદનાર કરે ત્યાં તો નિયતિએ તેને પણ બોલાવી લીધી. અનાથ બાળક દાસીના જવાથી દાસના શરણે પહોંચે છે. રામાનંદના મઠવાસી નરહરિદાસે હવે તેનું નામ તુલસીદાસ રાખ્યું. એ હુલસીનું તુલસીદલ હતું ને ચુનિયા દાસીએ પોષેલ દાસત્વ ભાવ હતો! પછી જીવને યુ-ટર્ન લીધો ને તુલસીદાસજીએ ચાર વેદ અને છ વેદાંગનું અધ્યયન કરી બચપણથી તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ પ્રાપ્ત કરી. પંદર-સોળ વર્ષ સુધી સઘન અભ્યાસ પછી પોતાની જન્મસ્થળી રાજાપુર આવ્યા ને કથા-દોહાઓથી સત્સંગ કરવા લાગ્યા.

  • કડવાં લાગતાં સાચાં વેણ અને એક દેવીનો ન-કાર તુલસીદાસના જીવનને ર-કાર (રામ) તરફ લઈ ગયો!

આપણે અહીંયાં અટકીએ, કારણ આપણે પ્રચલિત વાતો દોહરાવીને છૂટી જવું નથી. આપણે થોડું ખોદકામ કરવું છે ને એને સરખાવવું છે આજ સાથે. નાની-નાની વાતોના દુ:ખને મિત્રભાવથી પકડી રાખીને આજે આપણે નિરાશ થતાં, હતાશ થતાં, નાસીપાસ થતાં શીખી ગયા છીએ. દુ:ખનાં ગાણાં ગાવાની એક પણ તક આપણે છોડવા તૈયાર નથી. ‘હાય રે, હવે શું થશે?’નો ધ્રાસ્કો આપણા હૈયામાં ઘર બાંધીને બેસી જાય છે અને જાણે અજાણે આપણે દુ:ખી થવામાં આનંદ માણીએ છીએ. તેને મનોવિજ્ઞાન ‘સ્વપીડનવૃત્તિ’ કહે છે. એક તબક્કે આપણે સ્વપીડનને એન્જોય કરવા લાગીએ છીએ અને આપણી પ્રગતિને એક પછી એક સ્પીડબ્રેકર નડવા લાગે છે. એ અવરોધ આપણને માનવા મજબૂર કરે છે કે આપણે અભાગિયા છીએ. રામબોલાનું સ્વાગત જ ‘અશુભ’ કહીને થયું. માતાનો ખોળો ખૂંદવા જ ન મળ્યો. પિતાએ તેડવાની ઘડી આવી ત્યાં તો પિતાશ્રીનું તેડું આવ્યું. એ રામબોલા કંઈ સમજે ત્યાં તો ચુનિયાના આંગણે રમતો હતો. અશુભ અને અનાથ બાળકને અસ્તિત્વએ ઊંચકી લીધું. તે ન તો નિરાશ થયો કે ન તો દુ:ખી. પાલક માતા ચુનિયાએ પગ પર ચાલતો કર્યો ને પોતે પરમની વાટે ચાલતી પકડી. રામબોલા તો રામ-રામ કરતો નરસિંહદાસ તરફ દોડ્યો, જ્ઞાની બન્યો ને વિશ્વ સમસ્ત માટે રામચરિતમાનસનું સર્જન કરવા સમર્થ બન્યો. ‘સંઘર્ષમાં જે હારતો નથી તેની સામે સફળતાની સીડી ગોઠવાઈ જાય છે.’ આ Motivational મંત્ર ‘રામબોલા’માંથી ‘તુલસીદાસ’નો જીવનમંત્ર છે.
કથાગાનમાં લીન તુલસીદાસને અતિ સુંદર રત્નાવલિ સાથે વરાવવા ખુદ કન્યાના પિતા આવે છે. તુલસી એક સહજ માનવની જેમ સૌંદર્ય અને બુદ્ધિમતાથી પ્રભાવિત થઈ રત્નાવલિના પ્રેમમાં ડૂબે છે. પત્ની વગર રહી નથી શકતા ને પિયરે ગયેલી રત્નાવલિને પામવા બાવરા થઈ ઉછળતી નદી પાર કરી છૂપા માર્ગે રત્નાવલિના કક્ષમાં પ્રવેશી અડધી રાત્રે આલિંગન આપી બેસે છે. એક છલકતા યૌવનથી શોભતી રત્નાવલિ સંયમની સાધના કરી તુલસીની ઉપાસનાને અખંડ રાખવા ગુસ્સે થઈ બોલે છે:
અસ્થિ, ચર્મ મય દેહ યહ, તા સોં ઐસી પ્રીતિ,
નેકુ જો હોતી રામ સે, તો કાહે ભવ-ભીત?
આલિંગન હતું દેહને. વિયોગનો જવાબ હતો: હાડમાંસના શરીર પર આટલો પ્રેમ કરો છો, તેનાથી અડધો પ્રેમ ભગવાન રામને કરો તો ભવસાગર પાર થઈ જશે.
બસ, કડવાં લાગતાં સાચાં વેણ અને એક દેવીનો ન-કાર તુલસીદાસના જીવનને ર-કાર (રામ) તરફ લઈ ગયો! તુલસીનું જીવન ત્રણ દેવીઓના ન-કારથી જ બન્યું. હુલસી જન્મ દઈને, ચુનિયા ચાલતો કરીને તો રત્નાવલિ રામ તરફ દોડતો કરવા તુલસીને એકલો છોડે છે. જે ખુદ રામમાર્ગે એકલા નીકળી પડે છે તેને રઘુવીર તિલક કરે છે. પ્રેરણા તો નકારમાંથી ય મળે. ઉત્સાહ તો નિયમિત સંજોગો પણ વધારે. સાચા માર્ગે વાળવાનું કામ તો રત્નાવલિ જેવી દેવી પણ કરી શકે! સઘળું શક્ય છે, જે બને તેનો સહજ સ્વીકાર કરીએ તો. ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તું સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું માણી લેજે...’ તુલસી થવાનું, પણ દાસ રહેવાનું. ⬛
[email protected]

X
article by bhadrayu vachharajani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી