બ્લેક એન્ડ વ્હાઈટ / દર દોઢ કલાકે રાત અને દર દોઢ કલાકે દિવસ!

article by aashu patel

આશુ પટેલ

Feb 20, 2019, 02:29 PM IST

ગયા સપ્તાહે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પાણી લીક થવાને કારણે ઇમરજન્સી સર્જાઈ ગઈ એ વિશે લેખ લખ્યો હતો. એમાં અછડતો ઉલ્લેખ કર્યો હતો કે સ્પેસ સ્ટેશનમાં મિશન પર જતા અવકાશયાત્રીઓએ કેટલી બધી કાળજી લેવી પડતી હોય છે અને નાની અમથી ભૂલથી પણ તેમના માટે કેવડું મોટું જોખમ ઊભું થઈ જતું હોય છે. એ લેખ વાંચીને કેટલાક વાચકમિત્રોએ કહ્યું કે સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ શું પ્રવૃત્તિ કરતા હોય છે અને તેમણે કેવી-કેવી સ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે એ વિશે વધુ માહિતી આપો.

  • સ્પેસ સ્ટેશનમાં મિશન પર જતા અવકાશયાત્રીઓએ સતત જેટલેગ જેવી સ્થિતિમાં રહેવું પડે છે! તેમણે સ્પેસ સ્ટેશનમાં કામ કરતી વખતે અનેક તકેદારી રાખવી પડે છે

આવી માહિતી મેળવવા માટે અમે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચેરમેન અને વિખ્યાત અવકાશવિજ્ઞાની ડોક્ટર જે. જે. રાવલને મળ્યા. ડોક્ટર રાવલે વાત કરતાં કહ્યું, ‘અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સતત કામ કરતા રહેતા હોય છે. તેઓ ત્યાં અમુક મહિનાઓના મિશન પર હોય ત્યારે જે રીતે ત્યાં રહે છે, કામ કરે છે એની કલ્પના પણ સામાન્ય વ્યક્તિઓ ન કરી શકે. તેમનો ઊંઘવાનો સમય બાદ કરતાં તેમણે સતત પ્રવૃત્તિમય રહેવું પડતું હોય છે. સ્પેસ સ્ટેશનમાં જીરો ગ્રેવિટીને કારણે તેમણે સતત તરતા રહેવું પડે છે. તેમણે નિશ્ચિત સમય દરમિયાન ઊંઘવાનું હોય છે. ઊંઘવા માટે તેમણે સ્લીપિંગ બેગમાં પુરાઈ જવું પડે. એ સ્લીપિંગ બેગ સ્પેસ સ્ટેશનની દીવાલ સાથે અટેચ કરેલી હોય છે, નહીં તો એ બેગ પણ ફરતી રહે. સ્પેસ સ્ટેશનમાં મિશન પર ગયેલા અવકાશયાત્રીઓએ પણ નિશ્ચિત સમય રાખવો પડે છે. તેમણે ઊંઘવાનો સમય નક્કી કર્યો હોય એ સમય તેમના માટે રાત બની જાય. બાકી આપણે પૃથ્વી પર જે રીતે દિવસ અને રાત હોય છે એ રીતે ત્યાં રાત નથી હોતી. ત્યાં દોઢ કલાકનો દિવસ હોય છે અને દોઢ કલાકની રાત હોય છે!’
આ વિશે થોડું વિગતવાર સમજાવવા અમે ડૉક્ટર જે.જે. રાવલને વિનંતી કરી તો તેમણે કહ્યું, ‘આપણે 24 કલાકે એક વાર સૂર્યાસ્ત જોઈએ છીએ જ્યારે સ્પેસ સ્ટેશનમાં કામ કરતા અવકાશયાત્રીઓએ દર 24 કલાકે 16 વખત સૂર્યાસ્ત અને 16 વખત સૂર્યોદય જોવો પડે છે. સ્પેસ સ્ટેશન એક કલાકના આશરે 500 કિલોમીટરની ગતિએ પૃથ્વી ફરતે ભ્રમણ કરતું હોય છે એટલે એ દર 90 મિનિટે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે સૂર્યપ્રકાશને લીધે સ્પેસ સ્ટેશનમાં દિવસ થાય અને દર 90 મિનિટે સ્પેસ સ્ટેશન પૃથ્વીની પાછળના ભાગમાં આવે એટલે કે એની અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય એ દરમિયાન સ્પેસ સ્ટેશનમાં રાત્રિ થાય. એનો અર્થ એ કે સ્પેસ સ્ટેશનમાં ફરજ બજાવતા અવકાશયાત્રીઓને દર દોઢ કલાકે સૂર્યોદય અને દર દોઢ કલાકે સૂર્યાસ્ત જોવા મળે. એ સંજોગોમાં તેઓ સ્લીપિંગ બેગના સહારા વિના ઊંઘ ન લઈ શકે અને તેઓ ઊંઘવાનો સમય નિશ્ચિત ન કરે તો તેમણે પાંચ-છ મહિનાના મિશન દરમિયાન સતત જેટલેગ જેવી સ્થિતિમાં રહેવું પડે.’
ડોક્ટર રાવલ કહે છે, ‘અવકાશયાત્રીઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કામ કરતી વખતે તકેદારી રાખવી પડે છે. કામ કરતી વખતે તેમના હાથમાંથી કશુંક છૂટી જાય તો એ વસ્તુ સ્પેસમાં સ્પેસ સ્ક્રેપ (અવકાશી ભંગાર) બનીને એક કલાકના 17,000 માઇલ એટલે કે 28,000 કિલોમીટરની ઝડપે ફરતી રહે. અને એ વસ્તુથી તેમને ગંભીર ઈજા પણ થઈ શકે. અવકાશયાત્રીઓએ કેટલીય વાર સ્પેસ સ્ટેશનની બહાર કામ કરવા જવું પડે છે. તેમણે કાર્ગો બૅ એરિયામાં જવું પડે છે અથવા સ્પેસ સ્ટેશનની બહાર ગોઠવાયેલા ટેલિસ્કોપમાં કોઈ ખામી સર્જાઈ હોય તો તેને રિપેર કરવા માટે પણ જવું પડે છે. તેઓ સ્ટેશનની બહાર કામ કરવા જાય ત્યારે જીરો ગ્રેવિટીમાં કરવાનું બહુ મુશ્કેલ હોય છે. સ્પેસ સ્ટેશનની બહાર કામ કરતી વખતે તેમના હાથમાંથી કશુંક છૂટી જાય તો એ વસ્તુ સ્પેસ સ્ક્રેપ (અવકાશી ભંગાર) બનીને એક કલાકના 28,000 કિલોમીટરની ઝડપે સ્પેસમાં ફરતી રહે. તેઓ સ્પેસ સ્ટેશનની બહાર જાય ત્યારે તેમના શરીર સાથે દોરડું બાંધેલું હોય છે. કોઈ અવકાશયાત્રીના શરીર સાથે બાંધેલું દોરડું ભૂલેચૂકેય છૂટી જાય તો પછી તેના માટે પાછું સ્પેસ સ્ટેશનમાં આવવાનું અશક્ય બની જાય. તેનું શરીર એક મિનિટની આશરે 500 કિલોમીટરની ઝડપે સ્પેસમાં જ ફરતું રહે!’
ડૉક્ટર રાવલ કહે છે, ‘અવકાશયાત્રીઓનો દરેક દિવસ વ્યસ્ત હોય છે. તેઓ સવારે (એટલે કે તેમણે નિશ્ચિત કરેલા સમયે) જાગે એ પછી પ્રાત:કાર્યો પતાવે છે. એ પણ તેમના માટે સહજ નથી હોતું. તેમણે પેટ સાફ કરવું હોય ત્યારે પોતાના શરીરને ટોઇલેટના કમોડ સાથે બાંધી દેવું પડે છે. તેમના માટે નહાવાનો તો કોઈ સવાલ જ નથી હોતો. તેઓ ભીના ટુવાલથી શરીરને લૂછી લે છે. તેઓ ડિસ્પોઝેબલ કપડાં પહેરે છે. અમુક દિવસે તેઓ કપડાં બદલતા હોય છે. કપડાં બદલવાનું કામ પણ તેમના માટે બહુ કઠિન હોય છે. આપણે પૃથ્વી પર જે કામો સહજતાથી કરતા હોઈએ એ કામો સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ માટે ખૂબ જ મુશ્કેલ બની જતાં હોય છે. પુરુષ અવકાશયાત્રીઓ ચહેરા પર પાણી લગાવીને દાઢી ન કરી શકે. તેમણે ક્રીમ કે ફોમ લગાવ્યા વિના જ ઇલેક્ટ્રિક રેઝરથી દાઢી કરવી પડે. વળી, તેઓ ગમે ત્યાં દાઢી ન કરી શકે. તેઓ એવું કરવા જાય તો તેમની દાઢીના વાળ સ્પેસ સ્ટેશનમાં તેમની આજુબાજુ ફરતા થઈ જાય. એવું ન થાય એ માટે તેમણે સક્શન ફેન પાસે જઈને પોતાના શરીરને સ્થિર કરવા માટે બૅલ્ટથી બાંધીને દાઢી કરવી પડે, જેથી સક્શન ફેન એ વાળ ખેંચી લે અને યોગ્ય જગ્યાએ સ્ટોર કરે.’
‘સ્પેસ સ્ટેશનમાં મહિનાઓ સુધી જીરો ગ્રેવિટીમાં રહેવાને કારણે અવકાશયાત્રીઓના મસલ્સ અને હાડકાંઓ પર ગંભીર અસર થતી હોય છે એ અસર ઓછી કરવા માટે અને શારીરિક ફિટનેસ જળવાઈ રહે એ માટે અવકાશયાત્રીઓ દરરોજ નિશ્ચિત સમય દરમિયાન એક્સરસાઇઝ કરતા હોય છે. વર્તમાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ટ્રેડમિલ અને એક્સરસાઇઝ સાઇકલ સહિતનાં એક્સરસાઇઝ માટેનાં સાધનો છે. એક્સરસાઇઝ કરતી વખતે તેમણે પોતાના શરીરને એક્સરસાઇઝ મશીન્સ સાથે બાંધી દેવાં પડે છે. અવકાશયાત્રીઓએ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લેતી વખતે પણ સાવચેત રહેવું પડે છે. ખોરાકનો સહેજ હિસ્સો પણ હાથમાંથી છૂટે નહીં એની તેમણે કાળજી લેવી પડે છે. આ બધા સમયને બાદ કરતા બાકીના સમયમાં તેમણે સ્પેસ સ્ટેશનનાં મશીન્સ ને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ્સના મેઇન્ટેનન્સ સહિત અનેક કામો કરવાનાં હોય છે. આ રીતે તેમનો આખો દિવસ ટાઇટ શિડ્યુલ્સ સાથે પસાર થતો હોય છે. રાતે સૂતા અગાઉ તેમને થોડો ફ્રી સમય મળે છે એ સમય દરમિયાન તેઓ કોઈ ફિલ્મ જુએ છે કે ઘરના સભ્યોને ઈ-મેઇલ્સ કરે છે.’
સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ કઈ રીતે રહે છે અને શું પ્રવૃત્તિઓ કરે છે એ વિશે એક લેખમાં બધી માહિતી આપવી એ ગાગરમાં સાગર સમાવવા જેવું છે. અત્યારે આ લેખ પૂરો કરીએ. અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશનમાં કેવી સ્થિતિમાં મહિનાઓ કાઢવા પડે છે એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી