બ્લેક એન્ડ વ્હાઈટ / ભારતના કટ્ટર દુશ્મન મસૂદ અઝહરને યુનોથી બચાવતું ચીન ટેરરિસ્ટ્સ સાથે કઈ રીતે વર્તે છે?

article by ashu patel

આશુ પટેલ

Mar 28, 2019, 05:46 PM IST

2014માં 22 મેના દિવસે આતંકવાદીઓએ 50 વ્યક્તિઓને બોમ્બ ઝીંકીને મારી નાખી, એ પછી ચીનની કોર્ટે માત્ર ત્રણ અઠવાડિયાંમાં ચુકાદો આપ્યો અને 16 જૂનના દિવસે 13 આતંકવાદીઓને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા હજારો લોકોની હાજરીમાં ફૂંકી મરાયા!
થોડા દિવસો અગાઉ ચીને વધુ એક વખત ભારતના દુશ્મન એવા પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર ન થવા દીધો. યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝહરને સૌપ્રથમ વખત 2009માં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કોશિશ કરી હતી, પરંતુ એ વખતે ચીને વીટો વાપરીને એ દરખાસ્ત પડતી મુકાવી હતી અને મસૂદ અઝહરને બચાવ્યો હતો. એ પછી ચીન યુનોને અત્યાર સુધીમાં ચાર વાર મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરતા અટકાવી ચૂક્યું છે.

ચીન મસૂદ અઝહરને યુનોથી બચાવતું રહે છે, પરંતુ ચીન પોતે આતંકવાદ ફેલાવતાં મુસ્લિમ સંગઠનો સાથે કઈ રીતે પનારો પાડે છે એ જાણવા જેવું છે. છેલ્લા ત્રણ દાયકાથી ચીનમાં આતંકવાદ વકરી રહ્યો છે. તુર્કીના વતની એવા વિગર મુસ્લિમો (જેનો ઉલ્લેખ ગુજરાતીમાં અનેક જગ્યાએ ઉયઘર કમ્યુનિટી તરીકે થાય છે, પરંતુ તેનો સાચો ઉચ્ચાર વિગર છે) દ્વારા ચીનમાં 1992થી અત્યાર સુધીમાં 30 જેટલા આતંકવાદી હુમલાઓ થયા છે. 2014માં તો માત્ર ક્ષિંજિયાંગ પ્રાંતમાં ચાર વખત ભયાનક આતંકવાદી હુમલાઓ થયા હતા. 1 માર્ચ, 2014ના દિવસે ચીનના કુનમિંગ રેલવે સ્ટેશન પર ખતરનાક આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ છરાઓ ભોંકીને 31 નાગરિકોને મારી નાખ્યા હતા અને 140 નાગરિકોને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. એ હુમલામાં પોલીસના હાથે ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. કુનમિંગ રેલવે સ્ટેશન પર આતંકવાદી હુમલો કરનારાઓમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો.
એ પછી બીજા જ મહિને 30 એપ્રિલ, 2014ના દિવસે ચીનના ઉરુમ્કી શહેરમાં છરાઓથી અને બોમ્બથી અેટેક થયો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયાં હતાં અને અનેક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. એના ત્રણ જ સપ્તાહ બાદ 22 મે, 2014ના દિવસે ઉરુમ્કીમાં જ ભરચક મેઇન માર્કેટમાં બન્ને છેડેથી એક એક એસયુવીમાં આતંકવાદીઓ ધસી ગયા હતા. તેમણે તેમનાં વાહનોના કાચ ઉતારીને માર્કેટમાં ફરી રહેલા લોકો પર એક ડઝનથી વધુ બોમ્બ્સ ઝીંક્યા હતા. એ પછી સામસામેથી આવી રહેલાં બંને વાહનો અત્યંત વેગ સાથે ટકરાયાં હતાં અને ભયંકર વિસ્ફોટ સાથે એ બંને વાહનોના ફુરચા ઊડી ગયા હતા. જેને કારણે એ આત્મઘાતી હુમલો કરનારા આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. એ હુમલામાં 43 વ્યક્તિઓ કમોતે મરી હતી અને 90થી વધુ વ્યક્તિઓને ભયંકર ઈજા પહોંચી હતી.
આ રીતે સતત ત્રણ મહિના દરમિયાન ત્રણ ભયંકર આતંકવાદી હુમલા થયા પછી ચીને શું કર્યું?

ચીનના લીડર્સે જાહેર કર્યું કે અમે આતંકવાદ અને આતંકવાદીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ અને ચીને પોલીસને આતંકવાદીઓ પર તૂટી પડવાનો આદેશ આપ્યો. સેંકડો ટેરર સેલ્સ પર પોલીસ ત્રાટકી અને સહેજ પણ શંકાસ્પદ હોય એવી વ્યક્તિઓને ઊંચકીને જેલમાં નાખવા માંડી. માત્ર ક્ષિંજિયાંગ પ્રાંતમાં જ 200 ટેરર સેલ્સ પર ચીની પોલીસ ત્રાટકી હતી. ક્ષિંજિયાંગના જુદા-જુદા વિસ્તારોમાંથી પકડાયેલા આતંકવાદીઓને ક્ષિંજિયાંગ રિજિયોનલ હાયર પીપલ્સ કોર્ટમાં રજૂ કરાયા. એમાં જે આતંકવાદી સંગઠનોના વડાઓ હતા એવા તેર આતંકવાદીઓને એ કોર્ટે દેહાંતદંડની સજા ફટકારી.
કોર્ટના એ આદેશનો તત્કાળ અમલ થયો. 22 મે, 2014ના દિવસે થયેલા ખોફનાક આતંકવાદી હુમલાનાં ત્રણ જ અઠવાડિયાં પછી દુનિયાભરના વિરોધ વચ્ચે ચીને તેર આતંકવાદીઓને જાહેરમાં ફૂંકી માર્યા. (2012માં ચીનના 11 ડ્રગ માફિયા લીડર્સને પણ જાહેરમાં ફાયરિંગ સ્ક્વોડ દ્વારા ફૂંકી મરાયા હતા!) એ પછી ક્ષિંજિયાંગ રિજિયોનલ હાયર પીપલ્સ કોર્ટના પ્રવક્તા યુ હુઇતાંગે મીડિયાને કહ્યું હતું કે આ સજા ધર્માંધ આતંકવાદીઓ માટે વોર્નિંગ છે. જેઓ હિંસા ફેલાવી રહ્યા છે એવા ધાર્મિક અંતિમવાદીઓને છોડવામાં નહીં આવે.
ચીનમાં આવી ઘટનાઓ બને ત્યારે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલથી માંડીને અનેક દેશો અને યુનો પણ એને વખોડી નાખવા સિવાય કશું કરી શકતા નથી! (ચીન સરકારને જેની સાથે કોઈ પ્રોબ્લેમ હોય કે રાજકીય રીતે કોઈ વ્યક્તિ અવરોધરૂપ બનતી હોય તેને પણ આતંકવાદી ગણાવીને ચીન સરકાર જેલમાં નાખી દે કે મોતની સજા ફટકારે છે એવી ફરિયાદો ઊઠતી રહી છે. વિગર મુસ્લિમો આક્ષેપ કરે છે કે ચીન સરકાર અમને કચડી રહી છે. પણ ચીન કોઈની વાત કાને ધરતું નથી).

જૂન 2014માં ચીનમાં તેર આતંકવાદીઓને જાહેરમાં ફાયરિંગ સ્ક્વોડ દ્વારા ફૂંકી મરાયા એ પછી થોડા મહિનાઓ શાંતિ રહી હતી, પરંતુ ચાર મહિના બાદ 28 નવેમ્બર, 2014ના દિવસે આતંકવાદીઓએ ઝિનજિયાંગમાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં પંદર વ્યક્તિનાં મોત થયાં હતાં અને 14 લોકો ઘવાયા હતા. જોકે, એ વખતે પોલીસને આતંકવાદીઓ સાથે કડક હાથે કામ લેવાનો આદેશ અપાયો હતો અને પોલીસ પણ સજ્જ હતી એટલે જે 15 વ્યક્તિઓનાં મોત થયાં એમાંથી 14 આતંકવાદીઓ હતા! એ પછી 2015માં ફરી વાર ત્રણ આતંકવાદી હુમલાઓ થયા હતા. છ માર્ચ, 2015ના દિવસે ગુઆંગઝો રેલવે સ્ટેશનમાં આતંકવાદીઓએ લાંબા છરાઓ વડે કેટલાય લોકોને મારી નાખ્યા હતા અને ડઝનબંધ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી. તો 24 જૂન, 2015ના દિવસે આતંકવાદીઓએ એક ટ્રાફિક ચેક પોઇન્ટ પર હુમલો કરીને અનેક પોલીસ ઓફિસર્સને મારી નાખ્યા હતા. એ વખતે પોલીસે 15 આતંકવાદીઓને ગોળીએ દીધા હતા. 18 સપ્ટેમ્બર, 2015ના દિવસે ક્ષિંજિયાંગ પ્રાંતના અક્સુ વિસ્તારની એક કોલસાની ખાણના 45 મજૂરોને આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. એ વખતે આતંકવાદીઓનો સામનો કરનારા પાંચ પોલીસ ઓફિસર પણ માર્યા ગયા હતા. એ હુમલામાં કુલ પચાસ વ્યક્તિઓ કમોતે મરી એ પછી ફરી એક વાર ચીન સરકારે પોલીસને છૂટો દોર આપી દીધો હતો. (થોડા દિવસો અગાઉ ચીને જાહેર કર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ચીનમાંથી 13,000 આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે).

આમ, ભારતના કટ્ટર દુશ્મન એવા ખતરનાક પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતો અટકાવવા માટે વિટો પાવરનો દુરુપયોગ કરનારો દેશ ચીન પોતે આતંકવાદીઓને પબ્લિક પ્લેસમાં હજારો લોકોની હાજરીમાં ફાયરિંગ કોર્ટ દ્વારા દેહાંતદંડની સજા આપી દે છે! ચીનને ખબર છે કે મસૂદ અઝહરને કારણે અને તેના પાકિસ્તાની આતંકવાદી સાથીઓને કારણે ભારતને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે. એટલે ચીનની લુચ્ચી અને બદમાશ સરકાર ઇરાદાપૂર્વક મસૂદ અઝહરને બચાવી રહી છે. જોકે, ચીનને ભવિષ્યમાં મસૂદ અઝહર કે બીજા પાકિસ્તાની આતંકવાદીઓ ભારે પડવાના જ છે અને એવું થશે ત્યારે ચીનને સમજાશે કે સાપ પાળવાનો ધંધો અંતે તો ભારે જ પડે!

આ લેખ પ્રિન્ટિંગમાં જઈ રહ્યો છે ત્યારે જ ન્યૂઝ ફ્લેશ થયા છે કે ચીનના ઝાઓયાંગ શહેરના ધમધમતા વિસ્તાર હુબઈમાં કાર દ્વારા લોકો પર હુમલો થયો અને સાત વ્યક્તિઓને કાર નીચે કચડીને કમોતે મારી નખાઈ! 2013માં ચીનના હૃદય સમા તિનાનમેન સ્ક્વેરમાં પણ આતંકવાદીઓએ આ રીતે લોકોને કાર નીચે કચડી નાખ્યા હતા.

X
article by ashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી