વિયેતનામવાળી કરવી જોઈએ

article by ashu patel

આશુ પટેલ

Dec 12, 2018, 05:01 PM IST

માર્ચ 2014માં વિયેતનામના એક 57 વર્ષીય આરોપીને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા ગોળીઓથી વીંધીને મારી નાખવાની સજા અપાઈ હતી. એ આરોપી વિયેતનામ ડેવલપમેન્ટ બેન્કનો રિજિયોનલ મેનેજર હતો.

વિયેતનામમાં સરકારી બેન્કોને ચૂનો લગાવવામાં મદદ કરનારા અધિકારીઓને ફાયરિંગ સ્ક્વોડ
સામે ખડા કરી દેવાય છે

તેની સામે કૌભાંડ દ્વારા વિયેતનામ ડેવલપમેન્ટ બેન્કને 93 મિલિયન ડોલરનું નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. એ ઘટનાના થોડા સપ્તાહ પછી વિયેતનામની બીજી એક સરકારી બેન્ક વિયેતનામ એગ્રીબેન્કમાં 25 મિલિયન ડોલરનું કૌભાંડ કરવાના આરોપ હેઠળ અન્ય બે બેન્ક અધિકારીઓને ફાયરિંગ સ્ક્વોડ દ્વારા ફૂંકી મારવાની સજા ફટકારાઈ. ઉપરાંત એ સમય દરમિયાન અન્ય કેટલાય ભ્રષ્ટ બેન્ક અધિકારીઓને અને સરકારી બેન્કોના મિલિયન્સ ઓફ ડોલર્સ હજમ કરી જનારા કેટલાય બિઝનેસમેનને અમુક વર્ષોથી માંડીને આજીવન જેલની સજા ફટકારાઈ હતી.


***
આપણા દેશની સરકારી બેન્કોની નોન પરફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સ (સાદી ભાષામાં કહીએ તો માલ્યાઓ, નીરવ મોદીઓ, મેહુલ ચોકસીઓ સરકારી બેન્કોને અબજો રૂપિયાનો ચૂનો લગાવી ગયા એ રકમ) વધતી જ જાય છે. આપણા દેશમાં મુઠ્ઠી જારના ચોર દંડાય અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય એવું બનતું આવ્યું છે. માર્ચ 2018માં પૂરા થયેલા નાણાકીય વર્ષના અંતે સરકારી બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સ નવ લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.

એટલે કે આપણા દેશના વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ બેન્ક અધિકારીઓની મદદથી એટલી રકમ હજમ કરી ગયા છે અને હવે તેમણે હાથ ઊંચા કરી દીધા છે કે અમારી પાસે પૈસા નથી. આ આંકડાઓથી કોઈના પેટનું પાણી હલતું નથી. કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે બેડ લોનને કારણે મુશ્કેલીમાં આવી ગયેલી સરકારી બેન્કોને અઢી લાખ કરોડ રૂપિયાની સહાય કરાશે, પરંતુ કોઈ પણ પક્ષની સરકારે ભ્રષ્ટ બેન્ક અધિકારીઓ સામે અત્યંત આકરા કાયદા ઘડવાનું પગલું નથી લીધું.


વિયેતનામ સરકાર છેલ્લા કેટલાંક વર્ષથી ભ્રષ્ટ બેન્ક અધિકારીઓ અને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ સામે કડક હાથે કામ કરી રહી છે. 2017માં વિયેતનામની ઓસન બેન્કના ભૂતપૂર્વ જનરલ ડિરેક્ટર ગુયેન ઝુઆન સોનને દેહાંતદંડની સજા ફટકારાઈ હતી. તેઓ ઓસન બેન્કના જનરલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવ્યા પછી વિયેતનામની સરકારી ઓઇલ ફર્મ પેટ્રોવિયેતનામના ચેરમેન બન્યા હતા.

તેમની સામે આરોપ મુકાયો હતો કે તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો, સરકારી કંપનીના પૈસાનો દુરુપયોગ કર્યો હતો અને આર્થિક મિસમેનેજમેન્ટ થકી સરકારને નુકસાન પહોંચાડ્યું હતું. તેની સામે અને અન્ય 51 બેન્કર્સ-બિઝનેસમેન સામે એક મહિનો ટ્રાયલ ચાલી અને એ ટ્રાયલના અંતે કોર્ટે ગુયેન ઝુઆન સોનને દેહાંતદંડની સજા ફટકારી દીધી. ઓસન બેન્કના ભૂતપૂર્વ ચેરમેન હા વાન થામને પણ આ કેસમાં આજીવન જેલની સજા અપાઈ હતી.

એક સમયે વિયેતનામના સૌથી ધનાઢ્ય ગણાતા હા વાન થામ સામે પણ નિયમોની પરવા કર્યા વિના ગેરકાનૂની રીતે ઓસન બેન્કમાંથી 23 મિલિયન ડોલરની લોન આપવાનો આરોપ હતો. આવા બેન્કરોને કારણે ઓસન બેન્કનું ઉઠમણું થઈ ગયું. ઓસન બૅન્કના ભૂતપૂર્વ જનરલ ડિરેક્ટર રહી ચૂકેલા ગુએન ઝુઆન સોને ઓસન બેન્કમાં ફરજ બજાવતી વખતે એ બેન્કને નુકસાન પહોંચાડ્યું હતું જ, પણ સરકારી કંપની પેટ્રોવિયેતનામના ચેરમેન બન્યા પછી ઓસન બેન્કમાં પેટ્રોવિયેતનામમાંથી ફંડ કાઢીને એ ઓઇલ કંપની માટે 35 મિલિયન ડોલરનો સ્ટેક લીધો હતો.

પછી ઓસન બૅન્કનો ધબડકો થઈ ગયો અને ઓસન બેન્ક પણ વિયેતનામની સેન્ટ્રલ બેન્કને જીરો ડોલરમાં વેચાઈ ગઈ. એ વખતે ગુએન ઝુઆન સોને પેટ્રોવિયેતનામ ઓઇલ કંપનીના ઓસન બેન્કમાં રોકાવેલા 35 મિલિયન ડોલરના નામનું પેટ્રોવિયેતનામ કંપનીએ ટાઢા પાણીએ નહાઈ નાખવું પડ્યું. આ બેન્ક કૌભાંડમાં સામેલ અન્ય 51 બેન્કર્સ અને બિઝનેસમેનમાંથી કોઈને અમુક વર્ષોની સજા થઈ છે તો કોઈને આજીવન સજા થઈ છે.


વિયેતનામ કન્સ્ટ્રક્શન્સ બેન્કના વડા ફામ કોન્ગ દાન્હ સામે 2016માં બેન્કિંગ સિસ્ટમમાં કરપ્શન માટે 10 વર્ષની જેલ થઈ. એ પછી જૂન 2018 સુધીમાં કૌભાંડોને કારણે વિયેતનામ કન્સ્ટ્રક્શન્સ બેન્ક ઊઠી જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. એ બેન્કે જે કંપનીઓને લોન આપી હતી એ લોનના નામનું ટાઢા પાણીએ સ્નાન કરી નાખવું પડે એવી નોબત આવી.

ફામ કોન્ગ દાન્હે જે કંપનીઝને લોન અપાવી હતી એ કંપનીઓમાંથી કેટલીક કંપનીઝમાં તો તેની ભાગીદારી પણ હતી! ફામ કોન્ગ દાન્હે આડેધડ અને ગેરકાનૂની રીતે લોન અપાવી અને કેટલાક કિસ્સાઓમાં આંખ આડા કાન કર્યા એટલે એ બેન્કને 257 મિલિયન ડોલરનો ફટકો પડ્યો. એ બેન્કની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એ બેન્ક વિયેતનામની સેન્ટ્રલ બેન્ક (ત્યાંની સરકારી સેન્ટ્રલાઇઝ્ડ બેન્ક)ને ઝીરો ડોલરમાં વેચાઈ ગઈ. ફોમ કોન્ગ દાન્હને 2016માં બેન્કિંગ સિસ્ટમમાં કરપ્શન માટે 10 વર્ષની જેલ થઈ જ હતી.

કન્સ્ટ્રક્શન્સ બેન્ક ઊઠી ગઈ એટલે ફામને જવાબદાર ગણાવીને તેની સામે બીજો કેસ ચાલ્યો. તેને ઇરાદાપૂર્વક ખોટું કરવાનો અને એના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ તથા ભ્રષ્ટાચાર સહિતના આરોપો મુકાયા અને 7 ઓગસ્ટ, 2018ના દિવસે તેને 20 વર્ષની જેલસજા ફટકારાઈ. અગાઉની 10 વર્ષની સજા અને આ નવી 20 વર્ષની સજા તેણે અલગ-અલગ ભોગવવી પડશે.


બેન્કના વડા ફામ કોન્ગ દાન્હના ક્રાઇમમાં સામેલ એવા કેટલાય બેન્ક અધિકારીઓને પણ 10 કે વધુ વર્ષની જેલસજા ફટકારાઈ. વિયેતનામની બેન્કોમાં કૌભાંડ કરનારાઓને થતી સજા યાદ અાવવાનું એક કારણ વિજય માલ્યા છે. લંડન ભાગી ગયેલા વિવાદાસ્પદ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ થોડા સપ્તાહ અગાઉ કહ્યું કે હું બેન્કો પાસેથી લીધેલી પાઈએ પાઈ પાછી ચૂકવી દેવા માગું છું. જોકે, એમ માલ્યા બેન્કોના 9000 કરોડ રૂપિયા પાછા ચૂકવી દે તો પણ બેન્કોને તો નુકસાન જ છે.

આટલી મોટી રકમનું વર્ષોનું વ્યાજ પણ અમુક હજાર કરોડ રૂપિયા થાય. શક્ય છે કે બેન્કો મૂળ રકમમાં સેટલમેન્ટ કરવા તૈયાર થાય તો નવી પ્રપોઝલ આવે કે લોનની મૂળ રકમમાંથી પણ કંઈક ઓછું કરી આપો અને એ રકમ ચૂકવવા માટે અમુક વર્ષનો સમય આપો. આપણી સરકારી બેન્કો એવું કરવા તૈયાર થાય પણ ખરી.


કેન્દ્રિય ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે ગયા વર્ષે પાર્લામેન્ટમાં માહિતી આપી હતી કે 2012થી 2016 દરમિયાન સરકારી બેન્કોએ કૌભાંડોને કારણે 22, 743 કરોડ રૂપિયાના નામનું નહાઈ નાખવું પડ્યું છે. આવા એક કૌભાંડમાં સીબીઆઇએ શોધી કાઢ્યું હતું કે બેન્ક ઓફ મહારાષ્ટ્ર, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને આઇડીબીઆઇ બેન્કના એક્ઝિક્યુટિવ્સે 10 હજાર જેટલાં નકલી અેકાઉન્ટ ખોલ્યાં હતાં અને એમાં દોઢ હજાર કરોડ રૂપિયાની લોન ટ્રાન્સફર કરી હતી. વિચાર કરો કે આ અધિકારીઓ વિયેતનામની બેન્કમાં નોકરી કરતા હોત તો તેમની સાથે શું થયું હોત?

X
article by ashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી