શેતાનને પણ શરમાવે એવા સિરિયલ કિલર્સ!

article by ashu patel

આશુ પટેલ

Sep 19, 2018, 03:32 PM IST

ભોપાલનાં એસ.પી. બિટ્ટુ શર્મા તાઇક્વોન્ડો ચેમ્પિયન તરીકે અને એશિયન ગેમ્સમાં જુડો કમ્પિટિશનમાં મેડલ જીતવા માટે મીડિયામાં ઘણી વાર ચમકી ચૂક્યાં છે, પણ ગયા સપ્તાહે આ લેડી પોલીસ ઓફિસર એક દરજીને ઝડપીને ન્યૂઝમાં ચમક્યાં. તેમણે ત્રણ દિવસ સુધી એક લૂંટ અને હત્યા કેસના આરોપી એવા આદેશ ખામરા નામના દરજીનો પીછો કરીને તેને ઉત્તર પ્રદેશના સુલતાનપુર નજીકના જંગલમાંથી પકડી પાડ્યો. આદેશ ખામરા નામનો એ દરજી સિરિયલ કિલર નીકળ્યો! તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે હું 2007થી અત્યાર સુધીમાં 33 ટ્રક ડ્રાઇવર્સની ઠંડે કલેજે હત્યા કરી ચૂક્યો છું. આદેશ ખામરા ભોપાલ નજીકના ઇન્ડસ્ટ્રિયલ ટાઉન મંડીદીપમાં દિવસે દરજી તરીકે કામ કરતો હતો અને રાતે હાઇવે પર ટ્રક ડ્રાઇવર્સ સાથે પરિચય કેળવીને તેમને નશીલી દવા ભેળવીને શરાબ પીવડાવતો હતો અને તેઓ હોશ ગુમાવી દે એ પછી તેમને મારી નાખતો હતો. એ પછી તેમની ટ્રક તે એક ગેંગને સસ્તી કિંમતે વેચી મારતો હતો. ખામરાના કુટુંબના સભ્યોને અને પાડોશીઓને એ જાણીને આઘાત લાગ્યો કે તે સિરિયલ કિલર છે. પોલીસના હાથમાં પકડાઈ ગયા પછી તેના ચહેરા પર અફસોસની કોઈ જ લાગણી નહોતી. તેણે કહ્યું કે ટ્રક ડ્રાઇવરો દુ:ખી જીવન જીવતા હોય છે. હું તો તેમની હત્યા કરીને તેમને તેમના દુ:ખી જીવનથી મુક્તિ અપાવતો હતો!


સમયાંતરે સિરિયલ કિલર્સ પકડાતા રહે છે. આજે આવા જ કેટલાક ખતરનાક સિરિયલ કિલર્સ વિશે વાત કરવી છે.

સિરિયલ કિલર્સની શોકિંગ હકીકત: દરજી, ડૉક્ટર, શિક્ષક અને બાળક ઠંડે કલેજે અનેક હત્યાઓ કરી નાખે ત્યારે...

આદેશ ખામરાને તેના કાકા અશોક ખામરા પરથી સિરિયલ કિલર બનવાની પ્રેરણા મળી હતી. અશોક ખામરાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે સો વ્યક્તિઓની હત્યા કરી હતી. એમાં મોટા ભાગના ટ્રક ડ્રાઇવર્સ હતા. જોકે, એક પોલીસ ટીમ તેને ટ્રેનમાં ભોપાલ લાવી રહી હતી ત્યારે તે ટ્રેનમાંથી નાસી છૂટ્યો હતો. પોલીસ ટીમના સભ્યોએ એવું કહ્યું હતું કે તેણે અમને નશીલા પદાર્થવાળું પીણું પીવડાવ્યું હતું એથી અમે બેહોશ થઈ ગયા હતા એનો લાભ ઉઠાવીને તે ભાગી ગયો હતો. એ પછી અશોક ખામરા આજ સુધી પોલીસના હાથમાં નથી આવ્યો.
2002થી 2004 વચ્ચે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક કાર ડ્રાઇવર્સની હત્યા થઈ અને તેમની કાર ચોરાઈ ગઈ. એ પછી પોલીસે આવા એક કેસમાં દેવેન્દ્ર શર્મા નામના એક સફળ ડૉક્ટરની ધરપકડ કરી ત્યારે તેણે કબૂલ કર્યું કે ખૂબ પૈસા કમાવા માટે તે કાર ડ્રાઇવર્સની હત્યા કરી નાખતો હતો અને તેમની કાર સસ્તી કિંમતે વેચી નાખતો હતો. પોલીસ અધિકારીઓએ પૂછ્યું કે તેં કેટલા માણસોની હત્યા કરી છે ત્યારે તેણે કહ્યું હતું કે ચોક્કસ આંકડો તો યાદ નથી, પણ 30થી 40 કાર ડ્રાઇવર્સને મેં માર્યા હશે!


2006માં બિહારના બેગુસરાઈમાં પથ્થરથી માથું છૂંદીને એક 6 મહિનાના બાળકીની હત્યા થઈ. એ પછી વળી થોડા મહિનાઓ બાદ તેની ફોઈની આઠ મહિનાની છોકરીની એ જ રીતે હત્યા થઈ. એ પછી વળી થોડા મહિનાઓ બાદ મે 2007માં 6 મહિનાની એક છોકરીની એ જ રીતે હત્યા થઈ. એ ત્રીજી હત્યા વખતે સિરિયલ કિલર ઝડપાઈ ગયો. એ આઠ વર્ષનો છોકરો હતો! અમનદીપ સદા નામના એ છોકરાએ જે હત્યાઓ કરી હતી એમાંથી એક તો તેની સગી બહેન હતી. એ સિવાય તેણે તેનાં મામાની દીકરીની હત્યા કરી નાખી હતી. છેલ્લે તેણે તેના એક પાડોશીની છ મહિનાની દીકરી ખુશબૂની હત્યા કરી એ પછી તે પકડાઈ ગયો હતો. પોલીસે તેના કુટુંબના સભ્યોની પૂછપરછ કરી ત્યારે બહાર આવ્યું હતું કે તેમને અમનદીપે અગાઉ કરેલી બે હત્યાઓ વિશે ખબર પડી ગઈ હતી, પણ તેમણે પોલીસથી તે વાત છુપાવી હતી. અમનદીપ દુનિયાનો સૌથી નાનો સિરિયલ કિલર છે.


1988માં ચેન્નાઈના થિરુવનમિયુર વિસ્તારમાંથી એક પછી એક છોકરીઓ ગુમ થવા લાગી. છ મહિનામાં આ રીતે નવ છોકરીઓ ગાયબ થઈ ગઈ. ચેન્નાઈ પોલીસને શંકા હતી કે તે છોકરીઓનાં માતા-પિતાએ તેમને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દીધી છે. જોકે, 1988ના ડિસેમ્બર મહિનામાં એક દિવસ એક સ્કૂલગર્લ શુભલક્ષ્મીના અપહરણની કોશિશ થઈ. એ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરીને શંકર નામના માણસની ધરપકડ કરી. પોલીસે આગવી રીતે પૂછપરછ કરી ત્યારે શંકરે કબૂલ્યું કે તે છોકરીઓના અપહરણ કરીને તેમને મારી નાખતો હતો. પછી તેમની અંતિમક્રિયા કરીને તે તેમના અસ્થિ બંગાળના અખાતમાં ફેંકી આવતો હતો! એ ધરપકડ પછી ઓટો શંકર તરીકે કુખ્યાત થયો હતો.


લેખની શરૂઆતમાં આપણે દરજી અને ડૉક્ટર સિરિયલ કિલરની વાત કરી. છેલ્લે એક સિરિયલ કિલર ટીચરની વાત કરીએ. 2003થી 2009 વચ્ચે કર્ણાટકના મેંગ્લોર અને એની આજુબાજુનાં શહેરોમાં 20 યુવતીઓનાં એક જ રીતે કમોત થયાં. એ બધી યુવતીઓ 20થી 35 વર્ષની હતી અને તેમના મૃતદેહ મેંગ્લોર અને આજુબાજુનાં શહેરોના બસ સ્ટેશનના બાથરૂમમાંથી મળી આવ્યા હતા. એ દરેક યુવતીઓનાં મોત સાયનાઇડને કારણે થયાં હતાં અને દરેક કિસ્સામાં બાથરૂમનો દરવાજો તોડીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા. જોકે, આટલી યુવતીઓનાં કમોત એક જ રીતે થયાં છતાં મેંગ્લોર અને આજુબાજુનાં શહેરોના પોલીસ અધિકારીઓનાં પેટનું પાણી હલ્યું નહોતું, પરંતુ 16 જૂન, 2009ના દિવસે બંટવાલ શહેરની અનિતા બારિમાર નામની એક યુવતી ગુમ થઈ ગઈ એ પછી એની કમ્યુનિટીના લોકો પોલીસ સ્ટેશને મોરચો લઈ ગયા. તેમણે કહ્યું કે કોઈ મુસ્લિમ યુવાન અનિતાને ભગાડી ગયો છે અને જો પોલીસ તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો અમે પોલીસ સ્ટેશન સળગાવી દઈશું. એ ધમકીને કારણે બંટવાલ પોલીસે સક્રિય થવું પડ્યું.

મોહનકુમારની ધરપકડ થઈ ત્યારે તેને ઓળખતા બધા લોકોને આઘાત લાગ્યો હતો.
મોહનકુમાર મેરેજ લાઇફમાં દુ:ખી હોય એવી યુવતીઓને ફસાવતો હતો. તે તેમને લગ્નનું પ્રોમિસ આપતો હતો, પણ સેક્સ પછી તેમને બસ સ્ટેશનમાં લઈ જતો હતો.

પોલીસે અનિતાના ફોન પરથી થયેલા કોલ્સનો રેકોર્ડ કઢાવ્યો તો ખબર પડી કે કોઈકને આ નંબર પર તેણે ઘણા કોલ્સ કર્યા હતા. પોલીસે વધુ તપાસ કરી તો ખબર પડી કે અનિતાએ જે નંબર પર અવારનવાર કોલ્સ કર્યા હતા તે નંબર મડીકેરીની વતની કાવેરી માંકુનો હતો. પોલીસ કાવેરીના ઘર સુધી પહોંચી ત્યારે ખબર પડી કે કાવેરી માંકુ પણ ગાયબ થઈ ગઈ હતી! કાવેરીના નંબર પરથી એક નંબર પર ઘણા કોલ્સ થયા હતા. એ નંબર કસારગોડની પુષ્પા વાસુકોડાનો નીકળ્યો. તેની તપાસ કરતાં ખબર પડી કે તે પણ ગાયબ હતી! તેના નંબર પરથી જે નંબર પર ઘણા કોલ્સ થયા હતા એ નંબર જેનો હતો તે યુવતી પુત્તુરની વિનિતા પિજિના હતી. તે પણ ઘણા સમયથી ગાયબ હતી. આ રીતે અનેક નંબરની ચકાસણી પછી પોલીસ મોહનકુમાર નામના એક શિક્ષક સુધી પહોંચી. છેવટે પોલીસને ખબર પડી કે મેંગ્લોર નજીકના શિરાડીની પ્રાઇમરી સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન શીખવતા મોહનકુમારે આ બધી હત્યાઓ કરી છે.

મોહનકુમારની ધરપકડ થઈ ત્યારે તેને ઓળખતા બધા લોકોને આઘાત લાગ્યો હતો.
મોહનકુમાર મેરેજ લાઇફમાં દુ:ખી હોય એવી યુવતીઓને ફસાવતો હતો. તે તેમને લગ્નનું પ્રોમિસ આપતો હતો, પણ સેક્સ પછી તેમને બસ સ્ટેશનમાં લઈ જતો હતો. તેનો શિકાર બનેલી યુવતીને તે સાયનાઇડની ગોળી આપતો હતો અને કહેતો હતો કે આ કોન્ટ્રાસેપ્ટિવ છે એ લઈ લે એટલે ગર્ભ ન રહી જાય. તે કહેતો કે આ ગોળી લીધા પછી થોડી વાર અશક્તિ જેવું લાગશે એટલે બાથરૂમમાં જઈને આ ગોળી લેજે. તે યુવતી બાથરૂમમાં જાય એ પહેલાં તે તેનાં ઘરેણાં લઈ લેતો હતો. આ રીતે તેણે 20 યુવતીઓની હત્યા કરી હતી!

X
article by ashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી