બ્લેક એન્ડ વ્હાઈટ / માફિયાઓએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે!

article by aashu patel

આશુ પટેલ

Apr 25, 2019, 03:23 PM IST

ગયા અઠવાડિયે એવા સમાચાર આવ્યા હતા કે કેરળની પથનામથિટ્ટા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કે. સુંદરને ચૂંટણીપંચના આદેશ પ્રમાણે તેની વિરુદ્ધ થયેલા ક્રિમિનલ કેસીસની યાદી એક અખબારમાં છપાવવી પડી, એમાં એને 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો, કારણ કે તેની સામે કેરળના તમામ જિલ્લાઓમાં કેસ નોંધાયેલા છે અને તેની વિરુદ્ધના કેસીસની સંખ્યા 240 છે! ચૂંટણીપંચના આદેશ પ્રમાણે કોઈપણ ઉમેદવારે તેની વિરુદ્ધ થયેલા ક્રિમિનલ કેસીસની ક્રિમિનલ વિગતો તેના વિસ્તારના કોઈ પણ ત્રણ અખબારમાં જાહેરાત રૂપે છપાવવી પડે. અથવા તો તેણે એક જ અગ્રણી અખબારમાં ત્રણ વાર જાહેરાત છપાવવી પડે. એટલે આવી રીતે કે. સુંદરને તેની વિરુદ્ધના 240 કેસીસની માહિતી ત્રણ વાર છપાવવા માટે 60 લાખ રૂપિયા ખર્ચવા પડશે. ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીના દરેક ઉમેદવારને 75 લાખ રૂપિયા સુધીનો કરવાની પરવાનગી આપે છે. એટલે કે. સુંદરને 60 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. એટલા ખર્ચ પછી તેની પાસે ઓફિશિયલી માત્ર 15 લાખ રૂપિયાનો ખર્ચ કરવાની જોગવાઈ રહેશે.

  • રિપોર્ટ હતો કે વધુમાં વધુ દસ હજાર લોકો ગવળીની જાહેર સભામાં હાજરી આપશે. જ્યારે ગવળીની એ સભા યોજાઈ ત્યારે એક લાખથી વધુ માણસો ઊમટી પડ્યા હતા!

એ સાથે જ મુમ્બૈયા અંડરવર્લ્ડના ક્રિમિનલ્સ કે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિઓ ચૂંટણી લડી હોય એ વિશેની રસપ્રદ માહિતી પીરસવાનું મન થયું. સૌથી પહેલા અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળીનું યાદ આવ્યું. અરુણ ગવળીને શિવસેનાના એક કોર્પોરેટરનું મર્ડર કરાવવાના કેસમાં આજીવન જેલની સજા થઈ છે. ગવળીએ બે દાયકા અગાઉ અખિલ ભારતીય સેના નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. અરુણ ગવળીએ અખિલ ભારતીય સેનાની સ્થાપના કરી એ પછી તેના પક્ષની પ્રથમ જાહેર સભા યોજી ત્યારે મહારાષ્ટ્રની તત્કાલીન સરકારને ટેન્શન થઈ ગયું હતું અને સરકારે આઇબી પાસે રિપોર્ટ માગ્યો હતો. સરકારે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી હતી કે ગવળીની જાહેરસભામાં કેટલાક લોકો હાજરી આપશે એનો અંદાજ મેળવો. ઇન્ટેલિજન્સ બ્યૂરોના ઉચ્ચ અધિકારીઓએ રિપોર્ટ આપ્યો હતો કે વધુમાં વધુ દસ હજાર લોકો ગવળીની જાહેર સભામાં હાજરી આપશે. જ્યારે ગવળીની એ સભા યોજાઈ ત્યારે એક લાખથી વધુ માણસો ઊમટી પડ્યા હતા! એ પછી ગવળી લોકસભા ચૂંટણી પણ લડ્યો હતો. એ ચૂંટણી તો તે હારી ગયો હતો, પણ તે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ મુંબઈની એક વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો હતો! તે વિધાનસભ્ય હતો એ વખતે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેના વિસ્તારમાં કોઈક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. વડાપ્રધાન કોઈ વિસ્તારમાં સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપવા જાય તો પ્રોટોકોલ પ્રમાણે એ કાર્યક્રમમાં નગરસેવક, વિધાનસભ્ય અને સંસદસભ્ય જેવા લોકપ્રતિનિધિઓને આમંત્રણ આપવું પડે. એટલે અરુણ ગવળીને પણ એ કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હતું. વિચાર કરો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં અંડરવર્લ્ડ ડોન હાજર હોય! એ વખતે પણ ગવળી સામે મહારાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ખંડણી, મર્ડર, અપહરણ સહિતના કેસીસ ચાલી રહ્યા હતા એ વખતે વાજપેયી નારાજ થયા હતા અને મુંબઈના મીડિયાએ પણ ગવળીની હાજરીને મુદ્દે ખાસ્સો વિવાદ જગાવ્યો હતો.
અરુણ ગવળીની દીકરી ગીતા પણ તેના વિસ્તારમાંથી અનેક ટર્મથી નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવી છે. તે અત્યારે પણ મુંબઈ મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે. ગીતા ગવળી 2012માં મુંબઈ મહાનગરપલિકાની પબ્લિક હેલ્થ કમિટીની ચેરપર્સન પણ બની હતી. જોકે, ગીતા ગવળી સામે કોઈ કેસ નથી થયા, પરંતુ મર્ડર, ખંડણી ઉઘરાણીના અને અપહરણના અનેક કેસીસ જેની સામે ઊભા હતા એવો એક ઉમેદવાર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડીને કોર્પોરેટર બન્યો હતો. એનું નામ હતું, સુનિલ ઘાટે. સુનિલ ઘાટે ગવળી ગેંગનો શાર્પશૂટર હતો, જે ઠંડે કલેજે કેટલાય માણસોને શૂટ કરી ચૂક્યો હતો!
અરુણ ગવળીની જેમ મુમ્બૈયા અંડરવર્લ્ડની બીજી અનેક કુખ્યાત વ્યક્તિઓ ચૂંટણી લડી છે અને વિજેતા પણ બની છે. ગવળીના કટ્ટર દુશ્મન એવા અંડરવર્લ્ડ ડોન અશ્વિન નાઇકની ગુજરાતી પત્ની નીતા નાઇક પણ શિવસેના વતી ચૂંટણી લડીને અનેક વખત નગરસેવિકા બની ચૂકી હતી. તે તેના બેકગ્રાઉન્ડને કારણે મુંબઈની મેયર બનતાં-બનતાં રહી ગઈ હતી. જોકે, તે મુંબઈ મહાનગરપાલિકાની એજ્યુકેશન કમિટીની ચેરપર્સન બની હતી!
આવી રીતે મુમ્બૈયા અંડરવર્લ્ડના પિતામહ એવા હાજી મસ્તાને પણ પોતાના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. જોકે, તેના પક્ષનો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નહોતો અને તેની પાર્ટી કાઠું કાઢી શકી નહોતી. મુમ્બૈયા અંડરવર્લ્ડ સાથે ખૂબ નજીકથી સંકળાયેલો અબ્દુલ લતીફ ગંભીર ગુનાઓ માટે જેલમાં હતો એ વખતે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં છ જગ્યાએથી ચૂંટણી લડ્યો હતો અને છએ છ જગ્યાએથી વિજયી બન્યો હતો!
મહારાષ્ટ્રના એક મુખ્યપ્રધાન પર આક્ષેપ મુકાતો હતો કે તેઓ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબાહિમ સાથે સીધા અને ઘનિષ્ટ સંબંધ ધરાવે છે તો બીજા એક મુખ્યપ્રધાન પર એવો આક્ષેપ મુકાતો હતો કે તેઓ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના જિગરી દોસ્ત છે! અમને હવે કોર્ટના ધક્કા ખાવાનો કે ધમકીઓ મેળવવાનો શોખ નથી રહ્યો એટલે એ મુખ્યપ્રધાનોનાં નામ લખવાનું ટાળીએ છીએ!
આવા તો અનેક કિસ્સાઓ છે, પણ એક રસપ્રદ કિસ્સા સાથે વાત પૂરી કરીએ. ત્રણ દાયકાઓ અગાઉ મુંબઈના ભાંડુપ ઉપનગરમાંથી ખીમ બહાદુર થાપા શિવસેનાના ઉમેદવાર તરીકે મુંબઈ મહાનગરપાલિકની ચૂંટણી લડ્યો હતો અને કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યો હતો. તેની સામે કેટલાય ક્રિમિનલ કેસીસ ચાલતા હતા, પરંતુ શિવસેનાએ તેને ટિકિટ આપી હતી. થાપા નગરસેવક બન્યો હતો એ પછી 23 એપ્રિલ, 1992ના દિવસે ધોળા દિવસે તેનું મર્ડર થઈ ગયું હતું. એને કારણે મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર ઉગ્ર બની ગઈ હતી અને થાપાના મર્ડરનો બદલો લેવા માટે દાઉદ ગેંગ દ્વારા હરીફ ગેંગના અનેક ગુંડાઓનાં ખૂન કરાયાં હતાં. થાપાનું મર્ડર એટલા માટે થયું હતું કે તે દાઉદ ગેંગનો બહુ જ મહત્ત્વનો ગુંડા સરદાર હતો!

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી