બ્લેક એન્ડ વ્હાઈટ / અવકાશી ભંગારના મુદ્દે અમેરિકાનો ભારત પર આક્ષેપ સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી!

article by aashu patel

આશુ પટેલ

Apr 10, 2019, 04:49 PM IST

27 માર્ચ, 2019ના દિવસે ભારતે મિસાઇલ છોડીને સ્પેસમાં ભ્રમણ કરી રહેલા આપણા જ એક સેટેલાઇટનો નાશ કરવામાં સફળતા મેળવી. એને કારણે દુનિયાના મોટા ભાગના દેશોને તકલીફ થઈ ગઈ છે. અમેરિકા જેવા ભારતની સાથે મિત્રતાનો ડોળ કરતા દેશે પણ એવી પ્રતિક્રિયા આપી કે ભારતના આ પરીક્ષણથી જાણે એનો ગરાસ લૂંટાઈ ગયો હોય! અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’ના વડા જિમ બ્રિડેન્સ્ટાઇને 1 એપ્રિલ, 2019ના દિવસે કહ્યું કે ભારતે એન્ટિ સેટેલાઇટ ટેસ્ટ કર્યો એ ભયંકર, ભયંકર છે (યસ, ‘નાસા’ના વડાએ તેમના સ્ટેટમેન્ટમાં ‘ભયંકર’ શબ્દ બે વાર વાપર્યો હતો!). તેમણે કહ્યું હતું કે ભારતના પરીક્ષણથી 400થી વધુ ટુકડાઓ અવકાશી ભંગાર તરીકે અવકાશમાં ફરતા થયા છે, જેમાંથી અત્યાર સુધી 60 જેટલા ટુકડાઓ ટ્રેક કરી શકાયા છે, એમાંના 24 ટુકડાઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે જોખમી છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા અવકાશયાત્રીઓ માટે પણ એ ટુકડાઓને કારણે ખતરો ઊભો થઈ શકે છે. તેમણે દાવો કર્યો છે કે ભારતે કરેલા પરીક્ષણને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે જોખમ ઊભું થવાની શક્યતા 44 ટકા વધી ગઈ છે. આ વિવાદ જાગ્યો છે ત્યારે એ જાણવા જેવું છે કે નાસાના વડાનું નિવેદન કેવું બેજવાબદારીભર્યું છે. જોકે, એ અગાઉ આપણે અવકાશી ભંગારની ગંભીરતા સમજી લઈએ.
પૃથ્વીની નજીકના અવકાશમાં ફરી રહેલા ભંગારના ટુકડાઓ ખતરારૂપ બની રહ્યા છે. એમાં સ્ક્રૂની સાઇઝના ટુકડાથી માંડીને નકામા બની ગયેલા સેટેલાઇટ્સનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી જન્મી એ વખતનો કેટલોક ભંગાર પૃથ્વીની આજુબાજુના અવકાશમાં ફરે છે. એ ઉપરાંત લઘુગ્રહોમાંથી છૂટા પડતા ટુકડાઓ એ ભંગારમાં ઉમેરાય છે. 1957થી અવકાશમાં મુકાયેલા કેટલાય સેટેલાઇટ્સ પૈકી નકામા થઈ ગયેલા સંખ્યાબંધ સેટેલાઇટ્સ અવકાશમાં ફરે છે. આ ભંગાર દિવસે દિવસે વધતો જાય છે. લઘુગ્રહોના ટૂકડાઓનો ભંગાર કુદરતી છે, પણ માનવસર્જિત અવકાશી ભંગાર વધી રહ્યો છે. ઘણાં દેશો સ્પેસ મિશન અવકાશમાં મોકલી રહ્યા છે. સેટેલાઈટ્સની સંખ્યા વધતી જાય છે. આવા સેટેલાઈટ્સ જ્યારે નકામા બની જાય ત્યારે ભંગાર તરીકે સ્પેસમાં ફરતા રહે છે. એમાં રોકેટનાં બુસ્ટર્સનો ભંગાર પણ ઉમેરાય છે. રોકેટનાં બુસ્ટર્સ જેમ જેમ ખાલી થતાં જાય એમ રોકેટ એ બુસ્ટર અંતરીક્ષમાં છોડતાં જતાં હોય છે. આવા બુસ્ટર્સ ટનબંધ વજનના હોય છે. તો ઘણાં સ્પેસક્રાફ્ટના સ્પેરપાર્ટ્સ તૂટીને અવકાશમાં ફરતા હોય છે.

  • સ્પેસમાં 128 મિલિયન ટુકડાઓ ફરી રહ્યા છે. અમેરિકા કહે છે કે ભારતનાં એન્ટિ સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણને કારણે સર્જાયેલા 400 અવકાશી ટુકડાઓને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સામેનું જોખમ 44 ટકા વધી ગયું છે!

આવા અવકાશી ભંગારના ટુકડાઓ સ્પેસમાં કલાકના 17,000 માઇલની એટલે કે 28,000 કિલોમીટરની ઝડપે અવકાશમાં ફરતા હોય છે. એવા ભંગારની ગતિને કારણે એનો ખતરો વધી જાય છે. કલાકના 17,000 માઇલની ઝડપે ફરતો એક ઇંચનો સ્ક્રૂ પણ સ્પેસ સ્ટેશન, સ્પેસ લેબ કે સેટેલાઇટ સાથે અથડાય તો હેન્ડ ગ્રેનેડ જેટલી એનર્જી પેદા કરી શકે. આ તો માત્ર સ્ક્રૂની વાત છે. વિચાર કરો કે કલાકના 28,000 કિલોમીટરની ઝડપે ફરતો એક કે બે ફૂટનો પદાર્થ સ્પેસ સ્ટેશન સાથે અથડાઈ પડે તો શું થાય! એવી સ્થિતિમાં સર્જાનારા ઘર્ષણની તીવ્રતાથી સ્પેસ સ્ટેશન કે સ્પેસ લેબ કે સેટેલાઇટ નાશ પામી શકે. આવી ઘટના બને તો અબજો ડોલરનું નુકસાન થાય. આર્થિક નુકસાન કરતાં પણ મોટું નુકસાન એ થાય કે કોઈ પણ સ્પેસ મિશન પાછળ વર્ષોનું, ક્યારેક દાયકાઓનું રિસર્ચ કરાયું હોય છે અને ખૂબ જ મહેનત કરાઈ હોય છે એ બધા પર પાણી ફરી વળે. એ ઉપરાંત સ્પેસ સ્ટેશનમાં તો એસ્ટ્રોનોટ્સ પણ હોય. તેઓ પણ મૃત્યુ પામે. આવી સ્થિતિ ટાળવા માટે નાસા અત્યારે અવકાશમાં ફરતા ભંગારના પાંચ લાખથી વધુ મોટા ટુકડાઓને ટ્રેક કરી ચૂક્યું છે. આ બધા ટુકડાઓને નામ અપાયું છે (તમને સ્પેસની વાતોમાં ઊંડો રસ પડતો હોય તો ઇન્ટરનેટ પર આ ટુકડાઓનું લોકેશન જોઈ શકો છો. તમે એ જુઓ તો આશ્ચર્યચકિત થઈ જાઓ કે માનવજગતે કેટલી પ્રગતિ કરી છે). અવકાશી ભંગારના આ લાખો ટુકડાઓ સેટેલાઇટ્સ, સ્પેસક્રાફ્ટ્સ અને સ્પેસ સ્ટેશન માટે ખતરારૂપ બની રહ્યા છે.
આ બધું જાણ્યા પછી દેખીતી રીતે અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના વડાની વાત સાચી લાગે કે ભારતે મિસાઇલ છોડીને સ્પેસમાં ભ્રમણ કરી રહેલા સેટેલાઇટનો નાશ કર્યો એના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે જોખમ ઊભું થવાની શક્યતા વધી ગઈ છે, પણ હવે એક માહિતી જાણશો તો તમને સમજાશે કે ભારતના પરીક્ષણને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સામે જોખમ ઊભું થવાની શક્યતા 44 ટકા વધી ગઈ છે એવો તેમનો દાવો કેટલો હાસ્યાસ્પદ છે. જાન્યુઆરી 2019ના અંત સમયના અંદાજ પ્રમાણે સ્પેસમાં અવકાશી ભંગારરૂપે 128 મિલિયન નાના-નાના ટુકડાઓ ફરી રહ્યા છે. એ ઉપરાંત 1 સેન્ટિમીટરથી દસ સેન્ટિમીટરની સાઇઝના નવ લાખ ટુકડાઓ અને દસ સેન્ટિમીટરથી વધુ મોટી સાઇઝના ટુકડાઓ અવકાશી ભંગારરૂપે ફરી રહ્યા છે, પણ અમેરિકા કહે છે કે ભારતના એન્ટિ સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણને કારણે સર્જાયેલા 400 અવકાશી ટુકડાઓના ભંગારને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સામેનું જોખમ વધી ગયું છે!
એટલે ભારતની ટીકા કરતા ‘નાસા’ના વડાના નિવેદન સામે ભારતીય વૈજ્ઞાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના (ડીઆરડીઓના) ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ વી કે સારસ્વતે ‘નાસા’ના વડાના નિવેદન પછી મીડિયાને કહ્યું હતું કે, ‘ભારતની પ્રગતિ સામે આ અમેરિકાનો ટિપિકલ રિસ્પોન્સ છે! વાસ્તવમાં આપણી એન્ટિ સેટેલાઇટ મિસાઇલે ભારતીય સેટેલાઇટનો નાશ કર્યો એના કારણે જે અવકાશી ભંગાર સર્જાયો છે એ સ્પેસમાં લાંબો સમય ટકી નહીં શકે. 300 કિલોમીટર જેટલી ઊંચાઈએ સર્જાયેલો એ અવકાશી ભંગાર થોડા મહિનાઓમાં નાશ પામશે. અવકાશી ભંગારરૂપે લાખો ટુકડાઓ કરી રહ્યા છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સામે જોખમ ઊભું કરી રહ્યા છે. દર વર્ષે જુદા-જુદા દેશોના 190 જેટલા, જુદી-જુદી સાઇઝના સેટેલાઇટ્સ લો અર્થ ઓર્બિટમાં ઉમેરાય છે. આ સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે. દરેક સેટેલાઇટ લોન્ચ થાય એ વખતે એ અવકાશી ભંગારમાં વધારો કરે જ છે. એમાં ભારતે કરેલા એન્ટિ સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણથી સર્જાયેલા અવકાશી ભંગારના 400 ટુકડાઓથી સ્પેસ સ્ટેશન સામે 44 ટકા જોખમ વધી જશે એવું કહેવું એ બેજવાબદારીભર્યું નિવેદન ગણાય.’ ડીઆરડીઓના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક રવિ ગુપ્તાએ પણ કહ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં અમેરિકા, ચાઇના અને રશિયાએ જે એન્ટિ સેટેલાઇટ ટેસ્ટ્સ કર્યા છે. એના કારણે અવકાશી ભંગાર રૂપે હજારોની સંખ્યામાં (માત્ર ચીને કરેલા એન્ટિ સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણ પછી સ્પેસમાં અવકાશી ભંગારરૂપે ફરતા થયેલા ત્રણ હજાર ટુકડાઓ ટ્રેક થયા હતા અને ટ્રેક ન થયા હોય એવા 32 હજાર ટુકડાઓ અવકાશી ભંગારરૂપે સ્પેસમાં ફરતા થયા હતા એવો અંદાજ મુકાયો હતો!) નાના-મોટા ટુકડાઓ ફરી રહ્યા છે એનાથી સ્પેસ સ્ટેશનને જેટલો ખતરો ઊભો થયો નથી એનાથી વધુ ખતરો ભારતનાં પરીક્ષણોને કારણે સર્જાયેલા 400 ટુકડાથી કઈ રીતે સર્જાઈ શકે?’ તો ભારતીય સ્પેસ એજન્સી ‘ઇસરો’ના ચેરમેનના સલાહકાર એવા વૈજ્ઞાનિક તપન મિશ્રાએ પણ ‘નાસા’ના વડાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. ટૂંકમાં, ભારતના સફળ એન્ટિ સેટેલાઇટ પરીક્ષણને કારણે નાસાના વડાને દુખ્યું છે પેટમાં અને તેઓ કૂટી રહ્યા છે માથું! અને અમેરિકા પોતે આવું પરીક્ષણ સૌ પ્રથમ 1959માં કરી ચૂક્યું હતું અને ફરી 1985માં એણે ફરી એક વાર મિસાઇલથી સેટેલાઇટ ફૂંકી માર્યો હતો. એ બંને પરીક્ષણને કારણે સ્પેસમાં અવકાશી ભંગારરૂપે હજારો ટુકડાઓ ફરતા થયા હતા. એટલે અત્યારે અમેરિકા ભારતના એન્ટિ-સેટેલાઇટ પરીક્ષણને ‘ભયંકર-ભયંકર’ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સામે મોટો ખતરો ઊભું કરાવી રહ્યું છે ત્યારે હિન્દી કહેવત યાદ આવે છે કે ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી!’

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી