બ્લેક એન્ડ વ્હાઈટ / હવે ઈન્ડિયા સ્પેસમાં સુપરપાવર!

article by aashu patel

આશુ પટેલ

Apr 03, 2019, 06:25 PM IST

ગયા સપ્તાહે 27 માર્ચ, 2019ના દિવસે સવારના અગિયાર વાગ્યે બાલાસોર રેન્જ(ઓડિશા)થી 18 ટનનું એક ઇન્ટરસેપ્ટર મિસાઇલ છોડ્યું, જેણે ત્રણ મિનિટ પછી પૃથ્વીથી સેંકડો કિલોમીટર દૂર સ્પેસમાં ભ્રમણ કરી રહેલા માઇક્રોસેટ-આર નામના આપણા જ એક લાઇવ સેટેલાઇટનો નાશ કરી નાખ્યો. એ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે અમેરિકા રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બન્યો છે, જેણે આ સ્પેસપાવર હાંસલ કર્યો હોય. એ સાથે જ મોદીના ભક્તો ગેલમાં આવી ગયા તો તેમના દુશ્મનોએ અને વિપક્ષોએ કહ્યું કે એમાં શું મોટી ધાડ મારી છે? આ સિદ્ધિ તો આપણો દેશ મનમોહન સિંહની સરકારના સમયમાં જ હાંસલ કરી ચૂક્યો હતો! બીજી બાજુ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી કે ભારતે આ રીતે સ્પેસમાં સેટેલાઇટ ફૂંકી માર્યો એના કારણે અવકાશી ભંગારની સમસ્યા વકરશે! પણ આ બધાને કોરાણે મૂકીને એક ભારતીય નાગરિક તરીકે આપણે જાણવું જોઈએ કે આ સિદ્ધિથી શું ફાયદો થાય અને આ સિદ્ધિ મેળવવી કેટલી અઘરી છે.

  • સ્પેસમાં એક સેકન્ડની 7.8 કિલોમીટરની ઝડપે ફરી રહેલા સેટેલાઈટને મિસાઈલથી ઉડાવવાનું કામ વીજળીના ચમકારે મોતીડા પરોવવાથી પણ અઘરું છે

આપણા દેશે મિસાઇલ છોડીને સ્પેસમાં ભ્રમણ કરી રહેલા સેટેલાઇટનો નાશ કર્યો એ વાતની ગંભીરતા ન સમજતા હોય એવા લોકોને એમ લાગે કે આપણે અગ્નિ અને પૃથ્વી મિસાઇલ્સની જેમ વધુ એક મિસાઇલ બનાવવામાં સફળ થયા છીએ, પણ મિસાઇલથી સેટેલાઇટ ફૂંકી મારવાની વાત સાંભળવામાં જેટલી સહેલી લાગે એટલી વાસ્તવમાં સહેલી નથી. આપણા દેશે જે સેટેલાઇટ ફૂંકી માર્યો એ 24 જાન્યુઆરી, 2019ના દિવસે જ સ્પેસમાં મોકલાયો હતો. 740 કિલોગ્રામ વજનનો એ સેટેલાઇટ પૃથ્વીથી 274 કિલોમીટરના અંતરે ભ્રમણ કરી રહ્યો હતો. એન્ટિ સેટેલાઇટ મિસાઇલથી પૃથ્વીથી સેંકડો કિલોમીટર દૂર સ્પેસમાં ભ્રમણ કરી રહેલા સેટેલાઇટને ફૂંકી મારવાનું કામ ભગીરથ ગણાય. આવી રીતે સેટેલાઇટને ફૂંકી મારવા માટે અકલ્પ્ય ચોક્સાઈ રાખવી પડે. સ્પેસ અને સાયન્સની વાતો સમજવાનું સામાન્ય વાચકો માટે અઘરું પડે એટલે આ વાત શક્ય એટલી સરળ રીતે સમજાવવાની કોશિશ કરું છું.
એક પિસ્તોલમાંથી ગોળી છૂટી હોય એ ગોળીને બીજી પિસ્તોલમાંથી ગોળી છોડીને શૂટ કરવાની હોય તો? કલ્પનાથી પણ દિમાગ ચકરાઈ ગયું ને? દુનિયાના ગમે એવા નિશાનબાજ માટે પણ આવી કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. મિસાઇલ છોડીને સ્પેસમાં ફરી રહેલા લાઇવ સેટેલાઇટને ફૂંકી મારવાનું કામ એનાથી પણ કઠિન છે. આપણે જે સેટેલાઇટનો નાશ કર્યો એ એક સેકન્ડની 7.8 કિલોમીટરની ઝડપે (રિપીટ કરું છું, એક સેકન્ડની 7.8 કિલોમીટરની ઝડપે!) સ્પેસમાં ફરી રહ્યો હતો. આ સ્પીડ અવાજની ગતિ કરતાં 20 ગણી થાય! અને એ સેટેલાઇટ માત્ર આઠથી દસ મિનિટ દરમિયાન આપણા દેશની ઉપરના અંતરીક્ષમાંથી પસાર થતો હતો. એને પૃથ્વી પરથી મિસાઇલ છોડીને અને એ જ્યારે ભારતની ઉપરના અંતરીક્ષમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે જ એને ફૂંકી મારવાનો હોય. વળી, એક-એક સેકન્ડના હજારોમાં, કદાચ લાખમાં ભાગનો હિસાબ કરવામાં સહેજ પણ ગરબડ થઈ જાય અને ભૂલથી ચીન જેવા દુશ્મન દેશનો કે બીજા કોઈ દેશનો સેટેલાઇટ ફૂંકાઈ જાય તો એ દેશ સાથે યુદ્ધની નોબત આવી પડે! અબજો રૂપિયાનો ધુમાડો કરીને આ સિદ્ધિ હાંસલ કરવાનું આપણા દેશ માટે કેમ જરૂરી હતું એ દરેક ભારતીય નાગરિકે જાણવું જોઈએ. એ વાત કરતા પહેલાં આપણે એન્ટિ સેટેલાઇટ વેપન્સના ઇતિહાસ વિશે થોડું જાણી લઈએ.
મિસાઇલથી ઓર્બિટમાં ફરી રહેલા લાઇવ સેટેલાઇટને ફૂંકી મારવાનું 1959 સુધી તો અશક્ય જણાતું હતું. રશિયાએ એન્ટિ સેટેલાઇટ વેપન્સની શોધ માટે 1950ના દાયકાથી શરૂઆત કરી દીધી હતી. જોકે, રશિયા પહેલાં અમેરિકાએ આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. ઓક્ટોબર 1959માં અમેરિકાએ ‘બોલ્ડ ઓરિયન’ નામથી એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં યુ.એસ. એરફોર્સના બી-ફોર્ટીસેવન બોમ્બરમાંથી પ્રથમ એન્ટિ સેટેલાઇટ વેપન એટલે કે બેલિસ્ટિક મિસાઇલ છોડીને અમેરિકાનો જ એક્સપ્લોરર વીઆઇ સેટેલાઇટ ફૂંકી માર્યો હતો. ત્યારબાદ રશિયાએ ચાર વર્ષ પછી 1963માં આવી રીતે સ્પેસમાં ભ્રમણ કરી રહેલા સેટેલાઇટનો નાશ કરવાની સિદ્ધિ મેળવી હતી. એ પછી વળી 1985માં અમેરિકાએ મીનીએચર એ-સેટ વેપન વેપન (મિસાઇલ) એફ-ફિફ્ટીન ફાઇટર પ્લેન દ્વારા છોડીને એક સોલાર ઓબ્ઝર્વેશન સેટેલાઇટનો નાશ કર્યો હતો. ત્યારબાદ બે દાયકા સુધી ચીન એ દિશામાં સંશોધન કરતું રહ્યું હતું. 7 જુલાઈ, 2015ના દિવસે ચીને સ્પેસમાં સેટેલાઇટ ફૂંકી મારવાની કોશિશ કરી હતી, પરંતુ એમાં એને નિષ્ફળતા મળી હતી. એ પછી થોડા મહિનાઓ બાદ વળી 14 ફેબ્રુઆરી, 2006ના દિવસે ચીને વધુ એક પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થયો હતો. ત્યારબાદ લગભગ એક વર્ષ પછી 11 જાન્યુઆરી, 2007ના દિવસે ચીને પોતાના એક સેટેલાઇટનો મિસાઇલથી નાશ કરવામાં સફળતા મેળવી હતી.ચીને સેટેલાઇટ ફૂંકી મારવાની સિદ્ધિ મેળવી એના બીજા જ વર્ષથી ભારતે આ દિશામાં સંશોધન શરૂ કરી દીધું હતું. ચીને એ સિદ્ધિ હાંસલ કરી એટલે ભારત માટે બહુ જ જરૂરી બની ગયું હતું કે તે પણ આવી ક્ષમતા હાંસલ કરે. આ વાતની ગંભીરતા સરળ શબ્દોમાં સમજીએ. ચીન ભારતનું કટ્ટર દુશ્મન છે અને એણે સેટેલાઇટનો નાશ કરવામાં સફળતા મેળવી એનો અર્થ એ કે ભવિષ્યમાં ચીન જેવો દુશ્મન દેશ આપણા સેટેલાઇટ્સનો નાશ કરે તો આપણને અકલ્પ્ય નુકસાન પહોંચે. વિખ્યાત અંતરીક્ષ વિજ્ઞાની અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચેરમેન ડૉક્ટર જે.જે. રાવલ કહે છે કે ‘ચીન આપણા સેટેલાઇટ્સનો નાશ કરી દે તો આપણે બીજા દેશોના હવાઈ હુમલાઓ કે મિસાઇલ હુમલાઓથી બચવા જે રડાર્સ ગોઠવ્યા હોય એ નકામા બની જાય. એ રડાર્સની મદદથી આપણે ચીન કે પાકિસ્તાન કે બીજા કોઈ પણ દુશ્મન દેશ તરફથી આપણા દેશને લક્ષ્ય કરીને મિસાઇલ છોડાઈ હોય એને આપણી વચ્ચે જ આંતરીને ફૂંકી મારી શકીએ, પરંતુ ચીને જો આપણા સેટેલાઇટનો નાશ કરી દીધો હોય તો આપણને ખબર જ ન પડે કે ચીન કે પાકિસ્તાન તરફથી મિસાઇલ્સ કે ફાઇટર પ્લેન્સ આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં આપણે અકલ્પ્ય ખુવારી ભોગવવી પડે. દુશ્મન દેશ ન્યુક્લિયર બોમ્બ્સથી સજ્જ મિસાઇલ દ્વારા હુમલો કરે તો આપણાં આખાં મહાનગરોને ફૂંકી મારી શકે! પણ હવે જ્યારે આપણે સેટેલાઇટ્સ ફૂંકી મારવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે ત્યારે ચીને સ્પેસમાં આપણા સેટેલાઇટ્સને ટાર્ગેટ બનાવતા પહેલાં સો વાર વિચારવું પડે.’
આમ તો જોકે 2012માં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ડીઆરડીઓએ કહ્યું હતું કે આપણે સેટેલાઇટ ફૂંકી મારવાની ટેક્નોલોજી હાંસલ કરી લીધી છે. જોકે, ટેક્નિકલી જે શક્ય બની ગયું હતું એને પ્રેક્ટિકલી સાબિત કરવાની હિંમત એ વખતની સરકારે કરી નહોતી. નરેન્દ્ર મોદી સરકારે પણ સત્તામાં આવ્યા પછી અઢી વર્ષથી વધુ સમય બાદ આ ‘મિશન શક્તિ’ માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું.
સેટેલાઇટને ફૂંકી મારવાની ક્ષમતા જગતના ચાર દેશો હાંસલ કરી ચૂક્યા છે. એના કારણે ભવિષ્યમાં દુનિયામાં કેવી આફતો સર્જાઈ શકે એ વિશે ક્યારેક વધુ વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી