બ્લેક એન્ડ વ્હાઈટ / હનીટ્રેપ: આ જા ફસા જા!

article by aashu patel

આશુ પટેલ

Mar 20, 2019, 03:11 PM IST

થોડા દિવસો અગાઉ રાજકોટના એક પ્રોફેસરને હનીટ્રેપમાં ફસાવીને લૂંટવાનું કાવતરું પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ ગયું. ઝિનત નામની એક યુવતી ઘણા દિવસથી તે પ્રોફેસર સાથે ફોન પર વાત કરતી હતી. એ પછી થોડા દિવસ અગાઉ એક રાતે તેણે પ્રોફેસરના ઘરે રોકાવાની વિનંતી કરતો કોલ તે પ્રોફેસરને કર્યો હતો. જોકે, તે યુવતી અને તેના સાગરિતો તે પ્રોફેસરને લૂંટવાના હતા એના થોડા સમય અગાઉ જ લોધિકાના પોલીસ અધિકારીઓને માહિતી મળી હતી કે આજે આ ગેંગ રાજકોટના એક પ્રોફેસરને નિશાન બનાવવાની છે. તે ગેંગ પ્રોફેસરને લૂંટે એ પહેલાં જ લોધિકા પોલીસે એને ઝડપી લીધી હતી. રાજકોટના પ્રોફેસર તો પોલીસની સતર્કતાને કારણે લૂંટાતા બચી ગયા, પરંતુ હનીટ્રેપના આવા મોટા ભાગના કિસ્સાઓમાં પુરુષો લૂંટાઈ જતા અથવા બ્લેકમેલ થતા હોય છે. આવી ઘણી ઘટનાઓ તો બહાર પણ નથી આવતી હોતી. દેશના જુદા-જુદા વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. રાજકોટમાં હનીટ્રેપની ઘટના બહાર આવી છે ત્યારે આવા કેટલાક કિસ્સાઓ વિશે જાણવા જેવું છે.

  • હનીટ્રેપિંગના અનેક કિસ્સાઓ અવારનવાર અખબારોમાં પ્રકાશિત થતાં હોવા છતાં પુરુષો રૂપાળી યુવતીઓ સાથે સેક્સ માણવાની લાલચમાં આવીને હનીટ્રેપમાં ફસાઈ જતા હોય છે!

લોધિકા પોલીસે હનીટ્રેપ દ્વારા પુરુષોને નિશાન બનાવતી જે આઠ સભ્યોની ગેંગ પકડી પાડી એ ગેંગ અગાઉ ગોંડલ, પાલિતાણા અને સુરત સહિતનાં અન્ય શહેરોમાં હનીટ્રેપ થકી અનેક પુરુષોને લૂંટી ચૂકી છે. આ ગેંગ એકલા રહેતા આધેડ કે વૃદ્ધ પુરુષો વિશે માહિતી મેળવીને ઘણા દિવસ સુધી રેકી કર્યા પછી એક યુવતી તેની સાથે સંપર્કમાં આવીને નિકટતા કેળવતી હતી. થોડા દિવસ પછી તે યુવતી રાતે તેના ઘરે જતી હતી અને તેને કેમિકલથી બેભાન કરી દેતી હતી, ત્યાર બાદ તેના સાગરિતો તે પુરુષના ઘરમાં લૂંટ ચલાવતા હતા.

મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. રાજકોટમાં તો પોલીસે પ્રોફેસરને લૂંટાતા બચાવી લીધા, પણ ક્યારેક એવા કિસ્સાઓ ય બને છે જેમાં પોલીસ કર્મચારી જ હનીટ્રેપ રેકેટ ચલાવતા હોય અથવા તો હનીટ્રેપ રેકેટનો હિસ્સો હોય! ઓગસ્ટ 2018માં દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવાયો હતો. તે એક યુવતી સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. એ પછી તે બિઝનેસમેન તે યુવતીને અનેક વાર મળ્યો હતો અને તેના તે યુવતી સાથે સેક્સ્યુઅલ રિલેશન્સ બંધાયા હતા. એ પછી તે યુવતી અને તેના સાથીદારોએ તે બિઝનેસમેનને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ટુકડે-ટુકડે તે બિઝનેસમેન પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. એ પછી પણ તેઓ અવારનવાર તેને ફોન પર ધમકી આપતા હતા. તે યુવતીએ તેને કહ્યું હતું કે તું જો સાત લાખ રૂપિયા નહીં આપે તો હું તારી સામે રેપનો કેસ કરીશ. એ પછી ચંદ્રહાસ નામના એક પોલીસ કોન્સ્ટેબલે તે બિઝનેસમેનને ધમકી આપી હતી કે તું પૈસા નહીં આપે તો તને રેપ કેસમાં ફિટ કરી દઈશ. આ રીતે ઘણા રૂપિયા ગુમાવ્યા પછી તે બિઝનેસમેને છેવટે દિલ્હી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદના આધારે હનીટ્રેપનું રેકેટ ચલાવતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ થઈ હતી. તે કોન્સ્ટેબલે કબૂલી લીધું હતું કે તે કેટલીક વ્યક્તિઓ સાથે મળીને હનીટ્રેપનું રેકેટ ચલાવતો હતો. ઓગસ્ટ 2018માં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ ચંદ્રહાસને નોકરીમાંથી બરતરફ કરી દેવાયો હતો.

આવા ઘણા કિસ્સાઓ બનતા રહેતા હોય છે, પણ મોટા ભાગના પુરુષો હનીટ્રેપમાં ફસાઈ જાય ત્યારે આબરૂ જવાના ડરથી પોલીસને ફરિયાદ કરવાની હિંમત દાખવતા નથી. મુંબઈના બોરીવલી ઉપનગરના એક ગુજરાતી બિઝનેસમેને હનીટ્રેપમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવ્યા હતા, પણ તેણે પોલીસ સમક્ષ જવાની હિંમત નહોતી કરી, કારણ કે તે ફરિયાદ કરે તો તેની પત્ની સહિત તેનાં બધાં સગાંવહાલાંઓને ખબર પડી જાય કે તે અન્ય યુવતીઓ સાથે સેક્સ્યુઅલ રિલેશન્સ ધરાવતો હતો!
હનીટ્રેપિંગના અનેક કિસ્સાઓ અવારનવાર અખબારોમાં પ્રકાશિત થતા હોવા છતાં પુરુષો રૂપાળી યુવતીઓ સાથે સેક્સ માણવાની લાલચમાં આવીને હનીટ્રેપમાં ફસાઈ જતા હોય છે. રંગીન મિજાજ ધરાવતા પુરુષો હનીટ્રેપમાં સહેલાઈથી ફસાઈ જતા હોય છે. પોલીસ પાસે આવા કેસ આવે ત્યારે પોલીસ અધિકારીઓને પણ આશ્ચર્ય થતું હોય છે કે દેખીતી રીતે સ્માર્ટ અને બુદ્ધિશાળી લાગતા પુરુષો આટલી સહેલાઈથી કઈ રીતે હનીટ્રેપમાં ફસાઈ જતા હશે!

હનીટ્રેપના કેટલાક કિસ્સાઓમાં તો શ્રીમંત પુરુષોએ જીવ પણ ગુમાવવો પડતો હોય છે. થોડા સમય અગાઉ મુંબઈના ઘાટકોપર ઉપનગરના રહેવાસી એવા ડાયમંડ મર્ચન્ટ રાજેશ્વર ઉદાણીનું અપહરણ અને પછી ખૂન થયું હતું. એ કેસમાં નિખત ઉર્ફે ઝારા મહમ્મદ ખાન નામની એક વીસ વર્ષીય યુવતી અને તેની 41 વર્ષીય આન્ટી શાઇસ્તા ખાન ઉર્ફે ડોલી, દિનેશ પવાર, સચીન પવાર અને મહેશ ભોઈર એમ પાંચ વ્યક્તિની ધરપકડ થઈ હતી. જોકે, નિખતનો રાજેશ્વર ઉદાણીને હનીટ્રેપમાં ફસાવવા માટે પ્યાદા તરીકે ઉપયોગ કરાયો હતો. વાસ્તવમાં ભાજપના એક વગદાર કાર્યકર સચીન પવારે તેના મિત્રો દિનેશ પવાર અને મહેશ ભોઈર સાથે મળીને ઉદાણીને હનીટ્રેપમાં ફસાવવાની યોજના બનાવી હતી. ઉદાણી 28 નવેમ્બર, 2018ના દિવસે ઘરેથી નીકળ્યા હતા. તેમણે તેમની કાર મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલી વિસ્તાર નજીક છોડી દીધી હતી. એ પછી તેમનો કોઈ પત્તો નહોતો. ત્યારબાદ 4 ડિસેમ્બર, 2018ના દિવસે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સચીન પવાર અને તેના મિત્રોએ ઉદાણીને હનીટ્રેપમાં ફસાવીને તેના નિખત સાથેના સેક્સ્યુઅલ રિલેશનનો વિડિયો શૂટ કરીને કરોડો રૂપિયા પડાવવાનું ષડ્યંત્ર ઘડ્યું હતું. એ માટે તેમને એક રૂપાળી યુવતીની જરૂર હતી. તેમણે શાઇસ્તા ખાનને કહ્યું હતું કે ઉદાણીને હનીટ્રેપમાં ફસાવવા માટે એક બ્યુટીફુલ છોકરી શોધી આપ તો અમે તને ‘ઓપરેશન’ પત્યા પછી 15 લાખ રૂપિયા આપીશું. શાઇસ્તાએ એ માટે તેની ભત્રીજી નિખતને તૈયાર કરી હતી. 27 નવેમ્બર, 2018ના દિવસે આરોપીઓએ ઉદાણીને કહ્યું હતું કે નિખતની એક ફ્રેન્ડની પનવેલમાં બર્થડે પાર્ટી છે એના માટે આપણને બધાને આમંત્રણ છે.

તેમણે ઉદાણીને તેની કાર હાઇવે પર મૂકીને એક કારમાં જવા માટે તૈયાર કર્યો હતો. જોકે, તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે દિનેશ અને ઉદાણીનો ઝઘડો થઈ ગયો. પોલીસને એવી માહિતી મળી હતી કે સચીન અને ઉદાણી વચ્ચે ત્રણ કરોડ રૂપિયાની કોઈ ડીલ માટે વિખવાદ થયો હતો. એ ઉપરાંત પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે ઉદાણીએ સચીનની ટીવી એક્ટ્રેસ ગર્લફ્રેન્ડ દેવલીના ભટ્ટાચારજી સાથે નિકટતા બનાવવાની કોશિશ કરી હતી. પોલીસે ઉદાણી મર્ડર કેસમાં દેવલીનાની પૂછપરછ પણ કરી હતી. જોકે, પોલીસે દેવલીનાની આ મર્ડર કેસમાં પૂછપરછ કરીને તેને જવા દીધી હતી. તેની ઉદાણીના મર્ડરમાં કોઈ ભૂમિકા હોવાના પુરાવાઓ પોલીસને મળ્યા નહોતા. પોલીસે 12 ડિસેમ્બર, 2018ના દિવસે પાંચે આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે દિનેશ પવારને શોધવો નહોતો પડ્યો. ઉદાણી મર્ડર કેસમાં તેની ધરપકડ કરાઈ એના પાંચ દિવસ અગાઉ 7 ડિસેમ્બર, 2018ના દિવસે જ તે એક રેપ કેસમાં અરેસ્ટ થયો હતો!
હનીટ્રેપના આવા તો કેટલાય કિસ્સાઓ બનતા રહે છે. આવા વધુ કિસ્સાઓ વિશે પછી વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી