બ્લેક એન્ડ વ્હાઈટ / ભેજું ભમી જાય એવા વર્લ્ડ રેકોર્ડ્સ!

article by aashu patel

આશુ પટેલ

Mar 13, 2019, 03:16 PM IST

2 માર્ચ, 2019ના દિવસે ઉત્તરપ્રદેશના 10,000 સફાઈ કામદારોએ એકસાથે કુંભમેળામાં સ્વચ્છતા ઝુંબેશનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યો હતો. કુંભમેળા એડમિનિસ્ટ્રેશન અને ઉત્તરપ્રદેશ સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કરાયો હતો. એ રેકોર્ડમાં ઉત્તરપ્રદેશના હેલ્થ મિનિસ્ટર અને પ્રયાગરાજના વિધાનસભ્ય સિદ્ધાર્થ નાથ સિંઘે પણ ઝાડુ પકડીને સફાઈ કામદારો સાથે સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો. કુંભમેળામાં થયેલા એ વર્લ્ડ રેકોર્ડ વિશે વાંચીને દુનિયાભરમાં નોંધાતા રહેતા વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ્સ વિશે લખવાનો વિચાર આવ્યો. દુનિયાના કેટલાક વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ વિશે જાણીને તો એ કહેવત યાદ આવી જાય કે ગાંડાઓનાં ગામ ન હોય!’

  • ગિનીસ બુકમાં નામ નોંધાવવા પતાયાનો એક યુવાન કાચની કેબિનમાં 28 દિવસ સુધી એક હજાર વીંછીઓ અને કાનખજૂરાઓ વચ્ચે રહ્યો હતો!

એપ્રિલ 2017માં 1491 રશિયન મહિલાઓએ સાઇબીરિયામાં માઇનસ ડિગ્રીમાં સ્વિમ સ્યૂટમાં સ્કીઇંગ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. બિકિનીમાં બરફ પર સરકવાના એ રેકોર્ડ અગાઉ ઓસ્ટ્રેલિયન બીચ પર 1010 મહિલાઓએ બિકિની પહેરીને એક હરોળમાં ઊભા રહીને લાર્જેસ્ટ સ્વિમ સ્યૂટનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો હતો. તો 9 જૂન, 2018ના દિવસે આયર્લેન્ડના વિકલોની નજીકના મેગરમોર બીચ પર 2500 મહિલાઓએ નગ્નાવસ્થામાં એક હરોળમાં ઊભા રહીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. શાંઘાઈની યુ જિઆન્ક્ષિયાએ વિશ્વની સૌથી લાંબી પાંપણોનો રેકોર્ડ 2018માં નોંધાવ્યો હતો. આ બહેને તેની આંખોની પાંપણોની લંબાઈ 12.40 સેન્ટિમીટરની થવા દીધી છે! ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ રેકોર્ડ અગાઉ કેનેડિયન જિલિયન ક્રિમિન્સીના નામે (8.7 સેન્ટિમીટર લંબાઈ)નો હતો. માત્ર મહિલાઓ જ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટે આતુર હોય છે એવું નથી. ઘણા પુરુષો પણ ચિત્રવિચિત્ર રેકોર્ડ્સ કરીને પોતાનું નામ ગિનીસ બુકમાં લખાવવા આતુર હોય છે.

2011માં ચીનના જિઆન સોંઘાઓએ કાચની પારદર્શક પેટીમાં માત્ર ચડ્ડી પહેરીને માત્ર મોઢું બહાર દેખાય એ રીતે બરફ વચ્ચે 120 મિનિટ (બે કલાક) ઊભા રહેવાનો રેકોર્ડ કર્યો હતો. એ અગાઉ ચીનના જ એક યુવાન ચેનના નામે 118 મિનિટ કાચની પેટીમાં બરફ વચ્ચે ઊભા રહેવાનો રેકોર્ડ બોલતો હતો. જિઆન સોંઘાઓએ અગાઉ આખું શરીર બરફની વચ્ચે રાખીને 46 મિનિટ અને સાત સેકન્ડ સુધી બિયર પીવાનો રેકોર્ડ પણ સર્જ્યો હતો!

જોહ્્્ન કૂક અને બોબ ટિમ નામના બે અમેરિકન પાઇલટે 1958માં એક પણ વખત પ્લેન લેન્ડ કર્યા વિના સતત બે મહિના ઉડાવ્યું હતું! તેમણે 4 ડિસેમ્બર, 1958ના દિવસે લાસવેગાસના મેકકેરન એરપોર્ટ પરથી સેસના- 172 પ્લેન ટેક ઓફ કર્યું હતું અને પછી બે મહિના બાદ તેઓ ધરતી પર પાછા ફર્યા હતા! તેમણે તેમના પ્લેનમાં ઈંધણ ભરવા માટે ધરતી પર દોડી રહેલી ટ્રકની સ્પીડ સાથે પ્લેનની સ્પીડ મેચ કરીને એમાંથી ઈંધણ મેળવ્યું હતું. તેમની સતત બે મહિનાની ફ્લાઇટ દરમિયાન તેમને દોડતી કાર દ્વારા પાણી અને ખોરાકનો પુરવઠો પૂરો પડાયો હતો. એ માટે તેઓ કારની સ્પીડ સાથે પ્લેનની સ્પીડ મેચ કરતા હતા. તેમને પાણી, ખોરાક અને ઈંધણનો પુરવઠો દોરડા અને બકેટ તથા પેટ્રોલના કેનની મદદથી મળતો હતો. આ રીતે તેમણે 128 વાર ટ્રક અને કાર સાથે પ્લેનની સ્પીડ મેચ કરીને ઈંધણ, પાણી અને ખોરાકનો પુરવઠો મેળવ્યો હતો! આજની તારીખે એ રેકોર્ડ કોઈ પણ માઈનો લાલ તોડી શક્યો નથી.

ન્યૂઝીલેન્ડના મોટરસાઇકલ રેસર બર્ટ મનરોએ 1920માં ઇન્ડિયન સ્કાઉટ મોટરસાઇકલ ખરીદી હતી, જેની મહત્તમ ઝડપ કલાકના 89 કિલોમીટરની હતી. મોટરસાઇકલ રેસર મનરોને એ સ્પીડથી સંતોષ નહોતો, તેણે તેના ઘરની બહારના ગાર્ડનના શેડમાં તે મોટરસાઇકલને મોડિફાઇ કરવાનું મિશન હાથ ધર્યું. તે મોટરસાઇકલની સ્પીડ વધારવામાં સફળ રહ્યો, પણ તેને સંતોષ થતો નહોતો. તેણે 46 વર્ષ સુધી એ મોટરસાઇકલ મોડિફાઈ કરવા માટે મહેનત કરી અને અંતે 26 ઓગસ્ટ, 1967ના દિવસે 68 વર્ષની ઉંમરે તેણે પોતાની એ 47 વર્ષ જૂની ઇન્ડિયન મોટરસાઇકલ 183. 59 માઇલની ઝડપે એટલે કે 295.400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવી હતી! જોકે, 2014માં તેના દીકરા જ્હોન મનરોએ 1967ની સ્પીડની ગણતરીમાં ભૂલ દર્શાવીને વર્લ્ડ રેકોર્ડમાં કરેક્શન કરાવ્યું હતું અને ગિનીસ બુકની નવી આવૃત્તિમાં એ રેકોર્ડમાં સુધારો કરીને કલાકના 296.4 593 કિલોમીટરની સ્પીડ નોંધાઈ હતી. આજે દુનિયામાં કેટલી બધી આધુનિક મોટરસાઇકલ્સ આવી ચૂકી છે, પરંતુ ન્યૂઝીલેન્ડના બર્ટ મનરોનો પાંચ દાયકા જૂનો રેકોર્ડ હજી અકબંધ છે!

વર્લ્ડ રેકોર્ડ ઘણા લોકો કોલ કરવા માટે જીવનું જોખમ પણ ઉઠાવતા હોય છે. થાઇલેન્ડના પતાયામાં 26 વર્ષીય બુન્ટાવી સિએન્ગવોન્ગે ગિનીસ બુકમાં નામ નોંધાવવા માટે 12 સ્કેવર મીટરની કાચની રૂમમાં 1000 વીંછીઓ અને કાનખજૂરાઓ સાથે 28 દિવસ વિતાવ્યા હતા! તેના શરીર પર એ દિવસો દરમિયાન સતત વીંછીઓ અને કાનખજૂરાઓ ફરતા રહ્યા હતા. તે રાતે પણ એ 1000 વીંછીઓ અને કાનખજૂરાઓ સાથે સૂઈ રહેતો હતો અને ભોજન પણ તેમની વચ્ચે એ જ લેતો હતો. તેના ચહેરા પર ફરતા વીંછીઓ અને કાનખજૂરાઓને જોઈને લોકો ધ્રૂજી ઊઠતા હતા, પણ તે લગભગ ઓલમોસ્ટ એક મહિનો એમની વચ્ચે રહ્યો હતો! ઘણા લોકો અનાયાસે વર્લ્ડ રેકોર્ડ સર્જી જતા હોય છે. આવા જ એક કિસ્સા સાથે લેખ પૂરો કરીએ. દુનિયામાં સૌથી વધુ વખત પરણવાનો રેકોર્ડ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગ્લીન વોલ્ફના નામે બોલે છે. તેણે 29 વખત લગ્ન કર્યાં હતાં. તેણે તેની અઠ્ઠાવીસમી પત્ની સાથે 11 વર્ષ સુધીનું લાંબામાં લાંબું લગ્નજીવન ગાળ્યું હતું, તો તેનું ટૂંકામાં ટૂંકુ લગ્નજીવન માત્ર 19 દિવસનું હતું. તેણે કુલ 29 વખત લગ્ન કર્યાં એમાં 3 લગ્ન એવાં હતાં કે જેમાં તેણે અગાઉ જે પત્નીઓને છૂટાછેડા આપ્યા હતા તેમની જ સાથે ફરી લગ્ન કર્યાં હતાં! 1936માં શાર્લોટ ડેવેનને છૂટાછેડા આપ્યા હતા અને પછી એ જ વર્ષે ફરી વાર તેની સાથે લગ્ન કર્યાં હતાં, તો 1948માં તેણે તેની પત્ની કેથરીન આર્ચરને છૂટાછેડા આપ્યા હતા અને બીજા જ વર્ષે ફરી વાર તેની સાથે લગ્ન કર્યાં હતાં. એવું જ તેણે તેની એક પત્ની શેરોન ગુડવિન સાથે પણ કર્યું હતું. તેણે તેને 1959માં છૂટાછેડા આપ્યા હતા અને 1960માં ફરી વાર તેની સાથે લગ્ન કર્યાં હતાં. ગ્લીન વોલ્ફ તેના 89મા જન્મદિવસના થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યો ત્યારે તે 19 સંતાનો, 40 પૌત્ર-પૌત્રીઓ અને 19 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છોડી ગયો હતો. મજાની વાત એ છે કે ગ્લીન વોલ્ફની એક પત્ની લિંડા વોલ્ફ સૌથી વધુ વખત પરણનારી મહિલાનો રેકોર્ડ ધરાવે છે! તેણે 23 વખત લગ્ન કર્યાં હતાં!

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી