બ્લેક એન્ડ વ્હાઈટ / બોલિવૂડ અને પાકિસ્તાન: લવ-હેટ રિલેશનશિપ!

article by aashu patel

આશુ પટેલ

Mar 06, 2019, 03:11 PM IST

બોલિવૂડનો એક મોટો વર્ગ પાકિસ્તાની કલાકારો પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે, પણ બોલિવૂડની કેટલીક પર્સનાલિટીઝ પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ અચકાયા વિના બોલતી રહે છે. ઉરીના આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલા વખતે બોલિવૂડની કેટલીય પાવરફુલ વ્યક્તિઓ પાકિસ્તાનની તરફેણમાં ઊતરી હતી ત્યારે બોલિવૂડની કેટલીક સફળ વ્યક્તિઓએ પાકિસ્તાની કલાકારો સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી હતી. તો રાજકીય પક્ષો પણ પાકિસ્તાની કલાકારોના મુદ્દે બે અંતિમ પર વિચારે અને વર્તે એવું બન્યું છે. આજે આ વિશે થોડી વાતો કરીએ.
અભિનેતા અનુપમ ખેરે 2016માં ઉરીના આતંકવાદી હુમલા પછી એવું કહ્યું હતું કે પાકિસ્તાની કલાકારો ભારતમાં રહીને નામ અને દામ કમાતા હોય તો તેમણે ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવી જ જોઈએ. તેમણે પાકિસ્તાની કલાકારોને આહ્્વાન કર્યું. કહ્યું હતું કે હું પાકિસ્તાની કલાકારોને એમ નથી કહેતો કે તમે તમારા દેશની ટીકા કે નિંદા કરો, પરંતુ આતંકવાદીઓએ ભારતીય જવાનોને બેરહેમીથી મારી નાખ્યા એ હુમલાની તો તમારે ટીકા કરવી જ જોઈએ. હું સમજુ છું કે તમે તમારા દેશની ટીકા ન કરી શકો, પરંતુ તમે આવા હુમલાની ટીકા તો કરી જ શકો.

  • બોલિવૂડનો એક મોટો વર્ગ પાકિસ્તાની કલાકારો પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે, પણ બોલિવૂડની કેટલીક પર્સનાલિટીઝ પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ અચકાયા વિના અવાજ ઉઠાવે છે

પાકિસ્તાન અને પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જાણીતા ગાયક અભિજિતે ઉરીના હુમલા પછી કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને ધમકી આપવાને બદલે એવા લોકોને ધમકી આપવી જોઈએ કે જે આવા કલાકારોને કામ કરવા માટે ભારત બોલાવે છે, પાકિસ્તાની કલાકારોને વધાવવા માટે હંમેશાં તત્પર હોય છે. પાકિસ્તાની કલાકારો બોલિવૂડની ફિલ્મોમાં કામ મળવાને કારણે પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ટકી રહે છે.
બોલિવૂડમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો વિશે 2016માં વિવાદ જાગ્યો ત્યારે આખાબોલા અભિનેતા નાના પાટેકરે કહ્યું હતું કે, ‘મારા માટે મારો દેશ પહેલાં છે, પાકિસ્તાન, કલાકારો પછી છે. હું મારા દેશ સિવાય બીજું કશું જાણતો નથી અને બીજું કશું જાણવા માગતો પણ નથી. દેશની સરખામણીએ કલાકારો નાનકડા જંતુ સમાન છે એટલે દેશની સાથે આપણી-કલાકારોની સરખામણી ન થઈ શકે. મારે એ જાણવું નથી કે બોલિવૂડ આ મુદ્દે શું કહે છે. આપણા જવાનો રિયલ હીરોઝ છે. આપણે સામાન્ય લોકો છીએ, નકામા માણસો છીએ! બોલિવૂડ શું કહે છે એના તરફ ધ્યાન ન આપો. તમે સમજો છો હું શું કહી રહ્યો છું? હમ લોગ પટર પટર કરતે હૈં ઉન પે ધ્યાન મત દો. ઉનકી ઔકાત નહીં ઉતની!’ અભિનેતા રણદીપ હૂડાએ પણ ઉરીમાં આર્મીના કેમ્પ પર આતંકવાદી હુમલા પછી શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે આપણે પાકિસ્તાનને ડિપ્લોમેટિકલી અને ઇકોનોમિકલી આઇસોલેટ કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ એટલે સાંસ્કૃતિકસ્તરે પણ એ થવું જ જોઈએ. ભારત પહેલાં આવે છે. આઇસોલેશન થકી જ પાકિસ્તાની લોકોને અસર થશે અને તેઓ તેમની સરકાર અને આર્મી પર તેમના આતંકવાદી સંગઠનો સામે એક્શન લેવા માટે દબાણ આવશે.
2018માં કંગના રનૌતે પણ પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેણે નેશનલિસ્ટ વ્યક્તિઓને તુચ્છકારથી જોવાની ફેશન વિશે બળાપો ઠાલવ્યો હતો. તેણે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે એક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું હતું કે હું નેશનલિસ્ટ છું તો પછી મને કેટલીય વ્યક્તિઓ કહેવા લાગી હતી કે અચ્છા તું ‘એ પ્રકારની’ વ્યક્તિ છે!
શિવસેના પણ અનેક વાર પાકિસ્તાની કલાકારોનો વિરોધ કરી ચૂકી છે. શિવસેનાએ 2015માં વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક ગુલામ અલીના મુંબઈ અને દિલ્હીમાં યોજાનારા મ્યુઝિક કોન્સર્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો. શિવસેનાની ધમકીને કારણે ગુલામ અલીના મુંબઈ અને દિલ્હીના કોન્સર્ટ્સ રદ થયા હતા. જોકે, પછી 2016ના જાન્યુઆરીમાં કોલકાતાના નેતાજી ઇનડોર સ્ટેડિયમમાં ગુલામ અલીનો કોન્સર્ટ યોજાયો હતો એ વખતે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેમને અને તેમના કોન્સર્ટને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી હતી. એ કોન્સર્ટના અંતે ગુલામ અલીએ કહ્યું હતું કે માતા સરસ્વતીએ મમતા બેનર્જીના રૂપમાં આવીને મને મદદ કરી છે! મમતા બેનર્જીએ ગુલામ અલીનું શાલ ઓઢીને સન્માન કરતા કહ્યું હતું કે તમને ઇચ્છા થાય ત્યારે ફરી કલકત્તામાં કોન્સર્ટ કરજો. અમે તમારું સ્વાગત કરીશું. 2015માં કરણ જોહરે ‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મ માટે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને સાઇન કર્યો હતો અને ફિલ્મ ‘રઇસ’ માટે પાકિસ્તાની હિરોઇન માહિરા ખાનને સાઇન કરાઈ એ વખતે શિવસેનાએ ફવાદ અને માહિરા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

2006માં બોલિવૂડનું એક ડેલિગેશન પાકિસ્તાન ગયું હતું એ વખતે એક ફંક્શનમાં પાકિસ્તાની કોમ્પેઅર ફખ્ર–એ-આલમે મનીષા કોઇરાલાને કરેલા કેટલાક અણછાજતા સવાલો કર્યા એથી ઊકળી ઊઠેલા સ્ટાઇલિશ અને બોલ્ડ બોલિવૂડ એક્ટર ફિરોઝ ખાને તેની સાથે તડ અને ફડની ભાષામાં વાત કરી હતી. એ પછી તેમણે પાકિસ્તાની ઓડિયન્સને સંબોધન કરતાં કહી દીધું હતું કે,‘ભારત એક સેક્યુલર દેશ છે, જ્યાં મુસ્લિમો ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. અમારા રાષ્ટ્રપતિ મુસ્લિમ છે અને વડાપ્રધાન શીખ છે. પાકિસ્તાન ઇસ્લામના નામ પર બન્યું છે, પણ જુઓ પાકિસ્તાનમાં મુસ્લિમો કેવી રીતે એકબીજાને મારી રહ્યા છે! હું અહીં કંઈ આપમેળે નથી આવ્યો, મને અહીં આવવા માટે આમંત્રણ મળ્યું છે. અમારી ફિલ્મો એટલી પાવરફુલ છે કે તમારી સરકાર એને લાંબો સમય રોકી શકે એમ નથી.’ ફિરોઝ ખાને જે કાર્યક્રમમાં સ્પીચ આપી હતી એનો સંચાલક ફખ્ર–એ–આલમ પાકિસ્તાનના એ વખતના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફની નજીક હતો અને ફિરોઝ ખાનની મુલાકાત પછી મુશર્રફે તત્કાળ અસરથી તેના પાકિસ્તાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સ્પીચ પછી ભારતીય ડેલિગેશન મુશર્રફને 29 એપ્રિલે મળવાનું હતું એમાંથી અને અન્ય એક જાહેર કાર્યક્રમમાંથી ફિરોઝ ખાનને બાકાત કરી દેવાયા હતા. એ પછી આપણે ત્યાં શું બન્યું હતું?
ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ ફિરોઝ ખાનની સ્પીચની બહુ પ્રશંસા કરી હતી અને કહ્યું કે ફિરોઝ ખાન એક સાચા દેશભક્ત ભારતીય નાગરિક છે. નકવીએ ફિરોઝ ખાનની પ્રશંસા કરી એ પછી ફિરોઝના એક્ટર ભાઈ અકબર ખાને મીડિયા સામે ખુલાસો કર્યો કે,‘ફિરોઝ ખાને પાકિસ્તાનમાં જે કહ્યું એવું કહેવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. એ કિસ્સો ‘સ્લિપ ઓફ ટંગ’નો હતો (એટલે કે ફિરોઝ ખાનની જીભ લપસી ગઈ હતી). મુખ્તાર અબ્બાસ નકવી મારા ભાઈને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.’ બાય ધ વે, જાણીતા ફિલ્મસર્જક મહેશ ભટ્ટ પણ એ ડેલિગેશન સાથે પાકિસ્તાન ગયા હતા. તેમણે ભારત પાછા આવ્યા પછી મીડિયાને કહ્યું હતું કે, ‘ફિરોઝ ખાને પાકિસ્તાનના એ કાર્યક્રમમાં જે વર્તન કર્યું એ આઘાતજનક હતું. મને તેની પાસેથી એવી અપેક્ષા નહોતી. તેણે જે વર્તન કર્યું એ માટે મેં એ કાર્યક્રમના સંચાલકની તથા પાકિસ્તાનની પ્રજાની માફી માગી લીધી છે અને હું આશા રાખું છું કે તેઓ અમને માફ કરી દેશે.’

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી