બ્લેક એન્ડ વ્હાઈટ / બોલિવૂડના પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ ટકશે ખરો?

article by aashu patel

આશુ પટેલ

Mar 05, 2019, 03:51 PM IST

પાકિસ્તાની કલાકારોને કારણે બોલિવૂડમાં અનેક વાર વિવાદો સર્જાયા છે. બોલિવૂડના કેટલાક ફિલ્મમેકર્સને પાકિસ્તાની કલાકારો ખૂબ જ પ્રિય છે, તો બોલિવૂડનો એક નાનકડો વર્ગ એવો છે કે જે પાકિસ્તાની કલાકારોને હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની તક આપવા સામે કે પાકિસ્તાની ગાયકોને ભારતમાં એન્ટરટેઇન કરવા સામે વિરોધ નોંધાવતો રહે છે. પુલવામામાં સીઆરપીએફના જવાનો પર ઘાતકી આતંકવાદી હુમલા પછી બોલિવૂડનાં સંગઠનોએ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, બોલિવૂડના કેટલાય ફિલ્મમેકર્સનો પાકિસ્તાની કલાકારો અને પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જોતાં એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં કે આ પ્રતિબંધ કાયમ માટે ટકી રહેશે! આ વાત સમજવા માટે આપણે કેટલીક વાતો કરીએ.
2016માં કાશ્મીરના ઉરીસ્થિત આર્મી કેમ્પ પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો અને ઊંઘી રહેલા નિ:શસ્ત્ર આર્મી જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને મારી નાખ્યા એ પછી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. એ વખતે પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી ઊઠી હતી. એ વિવાદ દરમિયાન બોલિવૂડની કેટલીય પાવરફુલ વ્યક્તિઓ ઝનૂનપૂર્વક પાકિસ્તાની કલાકારોની પડખે ઊભી રહી હતી. રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અલ્ટિમેટમ આપ્યું હતું કે પાકિસ્તાની કલાકારો 48 કલાકમાં પાકિસ્તાનભેગા થઈ જાય નહીં તો અમે અમારી સ્ટાઇલમાં વિરોધ કરીશું. ત્યારે બોલિવૂડની ઘણી પર્સનાલિટીઝે રાજ ઠાકરેની ધમકી સામે અવાજ ઉઠાવ્યો હતો.

  • બોલિવૂડના કેટલાય ફિલ્મમેકર્સનો પાકિસ્તાની કલાકારો અને પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જોતાં એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં!

એ વખતે રાજ ઠાકરેના પક્ષે ‘અય દિલ હૈ મુશ્કિલ’ અને ‘રઈસ’ ફિલ્મની રિલીઝ અટકાવવાની ધમકી પણ આપી હતી. ‘અય દિલ હૈ મુશ્કિલ’માં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન હતો અને ‘રઈસ’માં શાહરુખની સામે પાકિસ્તાની હિરોઇન માહિરા ખાન હતી. એ વખતે વિવાદાસ્પદ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે ભારતીય મીડિયા સામે બળાપો ઠાલવ્યો હતો કે ભારતમાં જ્યારે પણ આવું કંઈ થાય ત્યારે પાકિસ્તાની કલાકારો પર જ નિશાન તાકવામાં આવે છે. કોઈ ક્યારેય એ વાત નથી કરતું કે પાકિસ્તાન સાથે વેપાર બંધ કરો કે ક્રિકેટ રમવાનું બંધ કરો. પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાતી ક્રિકેટ મેચ અટકાવવા માટે કેમ કોઈ અવાજ નથી ઊઠતો? વીણા મલિકે કહ્યું હતું કે,‘કોઈ પાકિસ્તાની કલાકારે ક્યારેય કોઈના પર હુમલો કર્યો હોય કે ભારતમાં કોઈને ધમકી આપી હોય એવું મને યાદ નથી આવતું. આતંકવાદીઓના કારણે અમને ખરાબ ચીતરવામાં આવી રહ્યા છે.’
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની પ્રેમિકા તરીકે પંકાયેલી પાકિસ્તાની અભિનેત્રી મીરાંને જાણીતા ફિલ્મસર્જક મહેશ ભટ્ટે પોતાની ફિલ્મથી બોલિવૂડમાં બ્રેક આપ્યો હતો. પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની દેશભરમાંથી માગણી ઊઠી હતી એ વખતે સલમાન ખાને કહ્યું હતું કે,‘આર્ટિસ્ટ્સ અને ટેરરિસ્ટ્સ જુદા છે. પાકિસ્તાની કલાકારો કંઈ આતંકવાદીઓ નથી.’ તો સૈફ અલી ખાને પાકિસ્તાન કલાકારોનો બચાવ કરતાં કહ્યું હતું કે,‘આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આખી દુનિયા ખુલ્લી છે અને બોલિવૂડ દુનિયાભરની પ્રતિભાઓ માટે ખુલ્લું છે. કોઈપણ દેશમાંથી આપણે ત્યાં કલાકારો આવી શકે છે. આપણે કલાકારો છીએ અને આપણે પ્રેમ અને શાંતિની વાતો કરવી જોઈએ.’
વરુણ ધવને કહ્યું હતું કે,‘પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દેવાથી આતંકવાદ અટકી જવાનો હોય તો ચોક્કસ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, પણ આપણી સરકારે નક્કી કરવું જોઈએ કે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દેવો છે કે નહીં.’
કરણ જોહરે એ વખતે કહ્યું હતું કે, ‘આતંકવાદી હુમલામાં આપણા જે જવાનો માર્યા ગયા એના માટે મારું હૃદય વ્યથિત છે, પણ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દેવો એ કંઈ આતંકવાદની સમસ્યાનો ઉકેલ નથી.’ કરણ જોહરે આગળ કહ્યું હતું કે, ‘જો ખરેખર આ ઉકેલ હોય તો ચોક્કસ આ કરવું જોઈએ, પરંતુ હું નથી માનતો કે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકી દેવાથી આપણા દેશમાં આતંકવાદ અટકી જશે.’ બાય ધ વે, એ સમય દરમિયાન રિલીઝ થયેલી કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને અભિનય કર્યો હતો.
અનુરાગ કશ્યપે પણ કરણ જોહરની તરફેણ કરતાં કહ્યું હતું કે, ‘હું પાકિસ્તાની કલાકારોને મુદ્દે કરણ જોહરના નિવેદનનું સમર્થન કરું છું. પાકિસ્તાની કલાકારોને પાકિસ્તાનભેગા કરી દેવાથી કંઈ આતંકવાદની સમસ્યાનો ઉકેલ આવી જવાનો નથી અને માની લો કે તેમને પાકિસ્તાનભેગા કરી દીધા. પછી શું? તેમને પાકિસ્તાન મોકલી દીધા પછીનાં પગલાં તમે શું લેશો એ અમને કહો. ચાલો અમને માત્ર એટલું કહો કે પાકિસ્તાની કલાકારોને પાકિસ્તાન મોકલી દીધા પછીનાં પાંચ પગલાં શું હશે?’
મોદી સરકારે જેને સેન્સર બોર્ડના ચેરમેન બનાવીને બદનામી વહોરી લીધી હતી એવા ફિલ્મનિર્માતા પહેલાજ નિહલાનીએ પણ ઉરીમાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની કલાકારોનો બચાવ કરતાં કહ્યું હતું કે,‘આપણે કલાકારો વિશે શા માટે વાત કરી રહ્યા છીએ? આપણે પાકિસ્તાની કલાકારો વિશે વાત કરવા કરતાં ભારત અને પાકિસ્તાનની વાત કરવી જોઈએ અને કોઈપણ પાકિસ્તાની નાગરિકને વિઝા આપવા કે નહીં એનો નિર્ણય ભારત સરકારના હાથમાં છે. પ્રોડ્યુસર-કલાકારો તરીકે અમે કહીએ છીએ કે પાકિસ્તાની કલાકારો આતંકવાદી નથી અને આર્ટ તથા કલ્ચરને અને આ મુદ્દે વચ્ચે ન લાવવા જોઈએ.’ બોલિવૂડના જાણીતા ગાયક કૈલાશ ખેરે પણ પાકિસ્તાની કલાકારોનો બચાવ કરતા કહ્યું હતું કે, ‘તેમના પર પ્રતિબંધ મૂકવાનો કોઈ જ અર્થ નથી. જ્યાં સુધી પાકિસ્તાની કલાકારો કોઈ ખરાબ પ્રવૃત્તિ ન કરે કે ખરાબ લાગણી ન ફેલાવે ત્યાં સુધી તેમને પાકિસ્તાન પાછા મોકલી દેવાનો સવાલ ન ઊઠવો જોઈએ. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ વ્યક્તિઓ નફરત ફેલાવતી નથી.’ 2016માં પાકિસ્તાની કલાકારો વિરુદ્ધ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો તે વખતે જાણીતા બ્લોગર અને પત્રકાર સૌમ્યદિપ્ત બેનર્જીએ ફવાદ ખાન વિરુદ્ધ એક ખુલ્લો પત્ર લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘તને ભારતે ખૂબ આપ્યું છે. તું જેટલું દસ વર્ષમાં પાકિસ્તાનમાં કમાઈ શકે એના કરતાં છેલ્લા વધુ બે વર્ષમાં ભારતમાં કમાયો છે. બોલિવૂડની ફિલ્મોમાં અભિનયની તક મળે એને કારણે તું પાકિસ્તાનમાં મેગા સુપરસ્ટાર બન્યો એ અમે જોઈ રહ્યા છીએ. તેં મને ‘કપૂર એન્ડ સન્સ’ ફિલ્મના ટ્રેલર લોંચ વખતે કહ્યું હતું કે ભારતમાં મને ખૂબ જ પ્રેમ મળ્યો છે, પણ ભારત પર થયેલા આતંકવાદી હુમલા વખતે તું ચૂપ રહ્યો છે. તું ભારત આવે, ભારતીય ફિલ્મોમાં કામ કરે એની સામે અમને કોઈ જ વાંધો નથી, પણ ઉરીમાં આતંકવાદી હુમલા પછી તું કશું પણ બોલ્યા વિના બેસી રહ્યો છે એનાથી અમને આઘાત લાગ્યો છે. તેં પેરીસમાં આતંકવાદી હુમલા વખતે ટ્વિટ કરીને આઘાત અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી અને એમાં તેં લખ્યું હતું કે પેરીસના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને માટે હું પ્રાર્થના કરું છું. તો ભારત પરના આતંકવાદી હુમલા વખતે એટલી લાગણી પણ વ્યક્ત કરવાની તને ઇચ્છા ન થઈ?’ એ ખુલ્લા પત્રમાં સૌમ્યદિપ્ત બેનર્જીએ અદનાન સામી, રાહત ફતેહ અલી ખાન અને માહિરા ખાન જેવાં કલાકારોને પણ આ સવાલ કર્યો હતો. સૌમ્યદિપ્ત બેનર્જીના એ પત્રને કારણે તેમના પર અંગ્રેજી મીડિયા અને બોલિવૂડ દ્વારા ભયંકર પસ્તાળ પડી હતી. અંગ્રેજી અખબારો, બોલિવૂડના કેટલાય લોકો અને બૌદ્ધિકો તેમના પર એ રીતે તૂટી પડ્યા હતા કે જાણે તેમણે કોઈ જઘન્ય અપરાધ કરી નાખ્યો હોય! જોકે, બોલિવૂડમાં એક વર્ગ એવો પણ છે, જે પાકિસ્તાન અને પાકિસ્તાની કલાકારો વિશે શબ્દો ચોર્યા વિના બોલે છે. એના વિશે પછી વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી