બ્લેક એન્ડ વ્હાઈટ / જ્યાં પાણી ‘પાણી ફેરવી’ શકે!

article by aashu patel

આશુ પટેલ

Feb 14, 2019, 01:07 PM IST

ગયા સપ્તાહે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ટોઇલેટ સિસ્ટમની પ્રાઇવસીમાં વધારો કરવા માટે અવકાશયાત્રીઓ એક એન્ક્લોઝર ફિટ કરી રહ્યા હતા, ઇન્સ્ટોલ કરી રહ્યા હતા ત્યારે વોટર ટેન્કમાંથી 9.5 લિટર પાણી સ્પ્રેડ થઈ ગયું હતું. સ્પેસ સ્ટેશનમાં પાણી ઢોળાઈ ગયું એમ ન કહી શકાય, પણ સ્પ્રેડ થઈ ગયું એમ કહેવું પડે, કેમ કે ત્યાં પાણી લિક થાય તો નીચેની તરફ ન પડે, પણ સ્પેસ સ્ટેશનમાં ફરતું રહે. સ્પેસ સ્ટેશનના ટ્રાન્ક્વિલિટી મોડ્યુલમાં એટલું બધું પાણી સ્પ્રેડ થઈ ગયું એટલે અવકાશયાત્રીઓએ બીજાં બધાં કામ પડતાં મૂકીને તેમની આજુબાજુ ફરી રહેલું એ પાણી એકઠું કરવા માટે યુદ્ધના ધોરણે કામ હાથ ધરવું પડ્યું હતું. તેમની આજુબાજુ ફરી રહેલા પાણીને તેમણે ટોવેલ્સની મદદથી એકઠું કરવું પડ્યું હતું.

  • થોડા દિવસ અગાઉ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પાણી લીક થવાને કારણે ઇમરજન્સી સર્જાઈ ગઈ!

આ વાતની ગંભીરતા સામાન્ય લોકો માટે સમજવી મુશ્કેલ છે. સ્પેસ સ્ટેશનમાં પાણી ઢોળાય તો એમાં ઇમરજન્સી જેવી સ્થિતિ કેમ ઊભી થઈ શકે એ વાત વાચકોને સરળતાથી સમજાવી શકાય એ માટે અમે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના ચેરમેન અને વિખ્યાત ખગોળશાસ્ત્રી ડોક્ટર જે. જે. રાવલ સાથે વાત કરી (જે વાચકોને ખબર ન હોય તેમને કહી દઉં કે ડૉક્ટર જે. જે. રાવલનું નામ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે બહુ મોટું છે અને તેઓ અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ની અનેક વાર મુલાકાત લઈ આવ્યા છે અને ત્યાં સ્પીચ પણ આપી આવ્યા છે). ડૉક્ટર રાવલે કહ્યું કે, ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પાણીનું એક ટીપું પણ સ્પ્રેડ થાય તો તે ફરતું રહે અને તે પાણીનું ફરતું ટીપું અવકાશયાત્રીઓની આંખમાં કે તેમના કાન યા નાકમાં જાય તો તેને નુકસાન કરી શકે. જો પાણીનું ટીપું કોઈ મશીન સાથે ટકરાય તો એનાથી પણ વધુ ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે. સ્પેસ સ્ટેશનમાં મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ શકે.’
આ વાત વધુ સરળતાથી સમજાવતાં ડોક્ટર રાવલે કહ્યું કે, ‘અવકાશયાત્રીઓએ સ્પેસ સ્ટેશનમાં પાણીનું એક-એક ટીપું વિચારીને વાપરવું પડે છે અને પાણીનું એક પણ ટીપું સ્પ્રેડ ન થાય એની ગજબની તકેદારી રાખવી પડે છે. અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં ગયા હોય ત્યારે છ-છ મહિનાના મિશન દરમિયાન તેઓ એક પણ વાર સ્નાન ન કરી શકે. તેમણે ટુવાલ ભીનો કરીને પોતાનું શરીર લૂછવું પડે છે. તેમણે પાણી પીવું હોય ત્યારે પણ ખૂબ જ તકેદારી રાખવી પડે છે કે ક્યાંય ભૂલમાં પણ પાણીનું ટીપું ઊડી ન જાય. સ્પેસ સ્ટેશનમાં પાણીની વેલ્યૂ અકલ્પ્ય છે. એટલે સ્પેસ સ્ટેશનમાં પાણી રિસાયકલ થાય એવી સિસ્ટમ હોય છે. અવકાશયાત્રીઓના પેશાબને રિસાઇકલ કરીને ફરી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાય છે. અવકાશયાત્રીઓએ ડાઇપર પહેરી રાખવા પડે છે. તેનું મુખ્ય કારણ એ છે અવકાશયાત્રીઓ પૃથ્વી પર કરતા હોય એ રીતે પેશાબ કરે તો તેમનો પેશાબ પણ તેમની આજુબાજુ ફરતો થઈ જાય એટલે સામાન્ય રીતે પેશાબ કરવાનું એમના માટે શક્ય જ નથી. બીજું કારણ એ કે આપણને પૃથ્વી પર જે રીતે પેશાબ માટે પ્રેશર આવે એવી રીતે ત્યાં ઝીરો ગ્રેવિટીને કારણે પ્રેશર નથી આવતું અને તેમને ખ્યાલ ન હોય એ રીતે તેમનાથી પેશાબ થઈ જતો હોય છે એટલે તેમણે ડાઇપર પહેરી જ રાખવું પડે. તેઓ અમુક-અમુક સમયે ડાઇપર ચેઇન્જ કરતા હોય છે. એ ડાઇપર પછી રિસાઇકલ સિસ્ટમમાં નખાય એટલે એમાં જમા થયેલા પેશાબમાંથી ફરી પાણી બની જાય.’
ડૉક્ટર રાવલ આગળ કહે છે કે, ‘સ્પેસ સ્ટેશનમાં પાણી તો જવા દો, કોઈ સંજોગોમાં અવકાશયાત્રીને પરસેવો થાય અને તેમના પરસેવાનું એક ટીપું પણ ફરતું રહે તો ઘણી બધી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે. (અવકાશયાત્રીઓએ દરરોજ નિશ્ચિત સમય દરમિયાન એક્સરસાઇઝ કરવી પડે છે. એવા સમયમાં તેમને પરસેવો થઈ શકે). અવકાશયાત્રીઓએ તેમની લાગણીઓ પર પણ કાબૂ રાખવો પડે. તેમની આંખમાંથી આંસુનું ટીપું પણ બહાર આવે તો એ તેમની આજુબાજુ ફરતું રહે. તેમની આંખમાં કોઈ વસ્તુ અડી જાય કે જેને કારણે તેમની આંખમાં આંસુ આવી જાય એવી સ્થિતિથી પણ તેમણે બચવું પડે. ટૂંકમાં, પાણીનું, પરસેવાનું કે આંસુનું એક ટીપું પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ખતરો ઊભો કરી શકે. તો કલ્પના કરો કે એકસામટું સાડા નવ લિટર પાણી સ્પેડ થયું હશે ત્યારે કેટલી ગંભીર સ્થિતિ સર્જાઈ હશે. (ડૉક્ટર રાવલ કહે છે કે અવકાશયાત્રીઓએ એવી પણ સખત તકેદારી રાખવી પડે છે કે તેમના હાથમાંથી કોઈ વસ્તુ છૂટી ન જાય, કારણ કે તેમના હાથમાંથી કોઈ વસ્તુ છૂટી જાય તો તે તેમની આજુબાજુ ફરતી થઈ જાય છે અને એ વસ્તુના કારણે તેમને ઈજા થવાનો ભય ઝળૂંબતો રહે છે.) જોકે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વર્તમાન સમયમાં કાર્યરત છ અવકાશયાત્રીએ તેમની આજુબાજુ તરતા થયેલાં પાણીને ટોવેલ્સની મદદથી પાછું એકઠું કરી લીધું હતું.’
સ્પેસ સ્ટેશનના ટ્રાન્ક્વિલિટી મોડ્યુલમાં પાણી સ્પ્રેડ થયું એ વખતે અવકાશયાત્રીઓએ તરત જ પોર્ટેબલ વોટર સિસ્ટમ સાથેનો કનેક્શન પોઇન્ટ કાઢી નાખ્યો હતો. જોકે, એટલી વારમાં સાડા નવ લિટર પાણી સ્પ્રેડ થઈ ચૂક્યું હતું. એ પાણી ફરી એકઠું કરી લીધું એ પછી અવકાશયાત્રીઓએ ટ્રાન્ક્વિલિટી મોડ્યુલની બધી જ સિસ્ટમ્સ અને મશીનરી ચેક કરી હતી કે પાણી સ્પ્રેડ થવાને કારણે કશું નુકસાન થયું છે કે કેમ. જોકે, સદ્્ભાગ્યે સ્પેસ સ્ટેશનના એ મોડ્યુલમાં કશું નુકસાન થયું નહોતું. આ દુર્ઘટના બની એ વખતે અવકાશયાત્રીઓ ટ્રાન્ક્વિલિટી મોડ્યુલની લાઇફ સપોર્ટ સિસ્ટમ્સમાં એક એન્ક્લોઝર ઇન્સ્ટોલ કરી રહ્યા હતા. આવતા વર્ષની શરૂઆતમાં આ મોડ્યુલમાં નવી ટોઇલેટ સિસ્ટમ ઇન્સ્ટોલ થવાની છે એની પૂર્વતૈયારી રૂપે તેઓ એ એન્ક્લોઝર ઇન્સ્ટોલ કરી રહ્યા હતા. પાણી સ્પ્રેડ થવાને કારણે તેમનું એ મિશન બાજુ પર રહી ગયું હતું. જોકે, પાણી એકઠું કરી લીધા પછી તેમણે સફળ રીતે એ એન્ક્લોઝર ઇન્સ્ટોલ કર્યું હતું
લેખના અંતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના આ ટ્રાન્ક્વિલિટી મોડ્યુલ વિશે થોડું જાણી લઈએ. આ મોડ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે પાછળથી જોડવામાં આવ્યું હતું. એને 2010માં સ્પેસ સ્ટેશન સાથે જોડવામાં આવ્યું હતું. એ મોડ્યુલમાં એન્વાયર્નમેન્ટલ કંટ્રોલ સિસ્ટમ્સ, લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ અને એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે. એમાંની લાઇફ સપોર્ટ સિસ્ટમ અવકાશયાત્રીઓ માટે વેસ્ટ વોટર રિસાયકલ કરે છે અને અવકાશયાત્રીઓ શ્વાસ લઈ શકે એ માટે ઓક્સિજન પેદા કરે છે. આ ઉપરાંત સિસ્ટમ છે જે મોડ્યુલમાં વેસ્ટ એન્ડ હાઇજિન કમ્પાર્ટમેન્ટ પણ છે (જેને આપણે સરળ ભાષામાં કહીએ તો ટોઇલેટ) છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફરજ બજાવતા અવકાશયાત્રીઓએ કેટલી બધી તકેદારી રાખવી પડે છે અને કેવી સ્થિતિમાં મહિનાઓ વિતાવવા પડે છે એ વાતો બહુ રોમાંચક છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી