બ્લેક એન્ડ વ્હાઈટ / બૉલીવુડમાં ‘સ્ટારવોર્સ’!

article by aashu patel

આશુ પટેલ

Feb 06, 2019, 12:20 PM IST

થોડા દિવસ અગાઉ ફિલ્મ અભિનેતા આમિર ખાને જાહેર કર્યું કે, ‘ઇશ્ક’ ફિલ્મના શૂટિંગ વખતે કોઈ મુદ્દે મારો અને જુહી ચાવલાનો ઝઘડો થઈ ગયો હતો અને અમે બંનેએ બોલવાનું બંધ કરી દીધું હતું. ફિલ્મના શૂટિંગ વખતે પણ હું સેટ પર જુહીથી દૂર બેસવાનું પસંદ કરતો હતો. એ ફિલ્મ અમે પૂરી કરી, પણ એ ફિલ્મના બાકીના શૂટિંગ દરમિયાન શોટ વખતેય અમારી વચ્ચે નાછૂટકે જરૂર પૂરતી જ વાત થતી હતી. અમે બન્ને છ-સાત વર્ષ સુધી બોલ્યાં નહોતાં, પરંતુ વર્ષો પછી મારા અને મારી પ્રથમ પત્ની રીનાના છૂટાછેડા થઈ રહ્યા છે એવી જુહીને ખબર પડી ત્યારે જુહીએ મારી સાથેનો ઝઘડો ભૂલીને મને કોલ કર્યો હતો અને મને કહ્યું હતું કે મારે તને મળવું છે. જુહીને અગાઉ મારી સાથે સારું બનતું હતું એવી રીતે રીના પણ તેની બહુ નજીક હતી. જુહી મારો અને રીનાનો લગ્નસંબંધ બચાવવા માગતી હતી. જુહીને લાગ્યું હતું કે હું કદાચ તેનો કોલ રિસીવ નહીં કરું, પણ એમ છતાં તેણે મને કોલ કર્યો હતો. તેની લાગણી મને સ્પર્શી ગઈ હતી અને અમે બન્ને ફરી વાર ફ્રેન્ડ બની ગયાં હતાં.’

  • હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટોચના સ્ટાર્સ વચ્ચે વિખવાદની ઘટનાઓ સમયાંતરે બનતી જ રહે છે

આમિર ખાને આ વાત જાહેર કરી એટલે બૉલિવૂડના એવા ઘણા કિસ્સાઓ યાદ આવી ગયા, જેમાં ટોચના ફિલ્મસ્ટાર્સ કે બૉલિવૂડની અન્ય પર્સનાલિટીઝ વચ્ચે ઝઘડો થયો હોય અને વર્ષો સુધી તેમની વચ્ચે અબોલા રહ્યા હોય. એવા કેટલાક કિસ્સાઓની રસપ્રદ વાતો કરીએ.
આમિર ખાનને 1995માં શાહરુખ ખાન સાથે પણ વાંકું પડ્યું હતું. એ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરુખનું ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મમાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે અને આમિર ખાનનું ‘રંગીલા’ ફિલ્મમાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે માટે નામાંકન થયું હતું, પરંતુ એ વર્ષે આમિરને અપેક્ષા પ્રમાણે તેને એવોર્ડ મળવાને બદલે શાહરુખને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માટે બેસ્ટ એક્ટર તરીકે એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક મિત્રો કહે છે કે એ વખતે આમિરને બદલે શાહરુખને એવોર્ડ મળ્યો એને કારણે જ આમિર ખાને આજ સુધી કોઈ એવોર્ડ ફંક્શનમાં હાજરી નથી આપી. એ પછી 2008માં આમિર ખાને ઉંબાડિયું કર્યું હતું. તેણે તેના બ્લોગ પર લખ્યું હતું કે ‘શાહરુખ ખાન મારા પગ ચાટી રહ્યો છે અને હું થોડી થોડી વારે તેના તરફ બિસ્કિટ ફેંકી રહ્યો છું. આનાથી વધુ શું જોઈએ!’ એ પછી આમિરે શાહરુખ ઉશ્કેરાય એવી વધુ એક કમેન્ટ કરી હતી કે, ‘હવે તમે કોઈ તારણ પર આવો એ પહેલાં મને કહી લેવા દો કે મારા કૂતરાનું નામ શાહરુખ છે અને તમે આગળ બીજા કોઈ તારણ પર આવો એ પહેલાં હું કહી દઉં કે મારા કૂતરાનું નામ પાડવા સાથે બીજી કોઈ વાતને લેવાદેવા નથી!’ આમ કરીને તેણે શાહરુખ ખાનને ઉતારી પાડ્યો. શાહરુખ અને આમિર વચ્ચેનો ખટરાગ એ વખતે પણ જાહેરમાં આવ્યો હતો જ્યારે આમિર ખાને એક ટોક શોમાં કહ્યું હતું કે શાહરુખ ખાન તેની જિંદગી સારી રીતે જીવી રહ્યો છે અને તેની લાઇફમાં તેને મારી જરૂર નથી!

આમિર અને શાહરુખ તો ક્યારેય મિત્રો નહોતા, પણ સલમાન ખાન અને શાહરુખ ખાન ગાઢ મિત્રો હતા છતાં તેમની વચ્ચે વર્ષો સુધી દુશ્મની રહી હતી. 17 જુલાઈ, 2008ના દિવસે સલમાનની એ વખતની ગર્લફ્રેન્ડ કેટરીના કૈફની બર્થ-ડે પાર્ટીમાં શાહરુખે સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય વિશે કોઈ એવી ટિપ્પણી કરી કે સલમાનના દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે પાર્ટીમાં બધાની સામે જ શાહરુખ સાથે ઝઘડો કર્યો હતો. એ પાર્ટીમાં હાજર કેટલીક વ્યક્તિઓએ મીડિયાને એવું પણ કહ્યું હતું કે બન્ને વચ્ચે મારામારી પણ થઈ ગઈ હતી. એ પછી પાંચ વર્ષ સુધી તે બંને વચ્ચે દુશ્મની રહી. જોકે, એ પછી 2013માં મુંબઈના કોંગ્રેસ વિધાનસભ્ય બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં શાહરુખ અને સલમાન બંને ભેગા થઈ ગયા હતા. ત્યાં બંને પાંચ વર્ષ જૂની દુશ્મની ભૂલીને એકબીજાને ગળે મળ્યા હતા અને ત્યારથી ફરી પાછા બંને મિત્રો બની ગયા હતા.

શાહરુખ અને સલમાનને કારણે ભૂતકાળમાં ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. ઐશ્વર્યા ‘ચલતે ચલતે’ ફિલ્મમાં શાહરુખની પત્નીનો રોલ કરી હતી, પરંતુ એકવાર સલમાન એ ફિલ્મના સેટ પર ગયો અને તેણે ઐશ્વર્યા સાથે મોટો ઝઘડો કર્યો. તેણે સેટ પર હંગામો કરી નાખ્યો હતો. એ વખતે સલમાન અને શાહરુખ ખાસ મિત્રો હતા. સલમાને સેટ પર આવીને જે હંગામો મચાવ્યો એ પછી શાહરુખે ઐશ્વર્યાને એ ફિલ્મમાંથી કઢાવીને રાની મુખર્જીને હિરોઇન તરીકે લેવડાવી હતી. ત્યારથી ઐશ્વર્યા અને રાની વચ્ચે દુશ્મનીનાં બીજ રોપાઈ ગયાં હતાં.
શાહરુખ ખાનનું નામ તો વિવાદ ખાન રાખી શકાય એમ છે એટલો વિવાદ એ સર્જતો રહ્યો છે. વર્ષો અગાઉ સંજય દત્તે યોજેલી એક પાર્ટીમાં શાહરુખ ખાન ગયો હતો. એ પાર્ટીમાં શાહરુખ ખાનની જૂની ફ્રેન્ડ ફરાહ ખાનના પતિ શિરીષ કુંદેરે શાહરુખની એ વખતે રિલીઝ થયેલી ફિલ્મ વિશે અત્યંત ખરાબ ટિપ્પણી કરી હતી. શિરીષ કુંદેર એ પાર્ટીમાં શાહરુખની પાછળ પાછળ ફરતો હતો અને બીજા આમંત્રિતોની હાજરીમાં તેની ફિલ્મ વિશે ઘસાતું બોલતો હતો. આથી એક તબક્કે શાહરુખે તેનો પિત્તો ગુમાવ્યો હતો અને શિરીષ કુંદેરને બધાની વચ્ચે ચાલુ પાર્ટીમાં ફટકાર્યો હતો. જોકે, પછી ફરાહ ખાન થોડા સમય પછી શાહરુખ ખાનના બંગલો ‘મન્નત’માં તેને મળવા પહોંચી ગઈ હતી અને તેણે શાહરુખ અને પોતાના પતિ વચ્ચે સમાધાન કરી લીધું હતું.

જયાપ્રદા અને શ્રીદેવી ટોચની હિરોઇન્સ હતી એ વખતે તે બન્ને વચ્ચે પણ દુશ્મની થઈ ગઈ હતી. 1984માં ‘મકસદ’ ફિલ્મના શૂટિંગ વખતે તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ત્યારથી તે બંનેએ બોલવાનું બંધ કરી દીધું હતું. તે બંને સેટ પર સહઅભિનેતાઓ રાજેશ ખન્ના અને જીતેન્દ્ર સાથે વાતો કરતી હતી, પણ એકબીજા સામે જોવાનું પણ ટાળતી હતી. તેમની વચ્ચે સમાધાન કરાવવા માટે રાજેશ ખન્ના અને જીતેન્દ્રે એક કીમિયો અજમાવવાનું નક્કી કર્યું. એક દિવસ તેમણે શ્રીદેવી અને જયાપ્રદાને એક જ મેકઅપ રૂમમાં પૂરીને દરવાજો બહારથી બંધ કરી દીધો. તેમને હતું કે શ્રીદેવી અને જયાપ્રદા એકાંતમાં ઘણા સમય સુધી રહેશે એટલે બંને વચ્ચે બોલવાનું શરૂ થઈ જશે, પરંતુ તેમણે એક કલાક પછી એ રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે શ્રીદેવી અને જયાપ્રદા બંને એ રૂમના અલગ અલગ ખૂણામાં બેઠાં હતાં! એ પછી તેમણે ક્યારેય સાથે કોઈ ફિલ્મ ન કરી અને તેમની વચ્ચે દાયકાઓ સુધી અબોલા રહ્યા. જોકે, 2015માં એક પાર્ટીમાં તે બન્નેની મુલાકાત થઈ હતી ત્યારે બંને હિરોઇન્સ લાંબી દુશ્મની ભૂલીને ભેટી પડી હતી. એ સાથે તેમની વચ્ચેની દુશ્મનીનો અંત આવ્યો હતો. બૉલિવૂડના સ્ટાર્સની વચ્ચેની દુશ્મનીના આવા તો ઘણા બધા કિસ્સાઓ છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી