બ્લેક એન્ડ વ્હાઈટ / હિરોઈનો બોયફ્રેન્ડ્સના હાથનો માર કેમ સહન કરી લેતી હશે?

article by aashu patel

આશુ પટેલ

Jan 09, 2019, 06:52 PM IST

‘ઉતરન’ સિરિયલની હિરોઇન ટીના દત્તાએ ગયા અઠવાડિયે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કબૂલ્યું કે હું પાંચ વર્ષ એબ્યુઝિવ રિલેશનશિપમાં રહી હતી, જેમાં મેં શાબ્દિક, શારીરિક અને ઇમોશનલ એમ તમામ સ્તરે પીડાઓ ભોગવી હતી. મારો બોયફ્રેન્ડ મને મનફાવે ત્યારે ફટકારતો હતો. તે મને મારા ફ્રેન્ડ્સની હાજરીમાં પણ મારતો હતો. તેના શારીરિક અને માનસિક અત્યાચારોથી હું નરક જેવી યાતનાનો અનુભવ કરતી હતી.

ટીના દત્તાની જેમ કેટલીય અભિનેત્રીઓ બોયફ્રેન્ડ કે પતિ દ્વારા હિંસા સહન કરી ચૂકી છે. આવી કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવી છે.

બૉલિવૂડ-હૉલિવૂડની અનેક હિરોઇનો બોયફ્રેન્ડના કલ્પના ન કરી શકાય એવા અત્યાચારો સહન કરતી રહે છે!

‘ઉતરન’ સિરિયલની જ અન્ય અભિનેત્રી રશ્મિ દેસાઈએ બે વર્ષ અગાઉ તેના ભૂતપૂર્વ પતિ નંદીશ સંધુ વિરુદ્ધ મીડિયામાં બળાપો ઠાલવ્યો હતો કે મેં ત્રણ વર્ષ સુધી એબ્યુઝિવ રિલેશનશિપ સહન કરી હતી. મેં અમારો સંબંધ ટકાવવા બનતા પ્રયાસો કર્યા હતા, પરંતુ પછી સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે મેં તેનાથી છૂટા પડી જવાનું નક્કી કર્યું હતું. બોલિવૂડની કેટલીય હિરોઇનો પણ પતિ કે પ્રેમી દ્વારા થતી હિંસા સહન કરી ચૂકી છે.

એક સમયની ટોચની હિરોઇન ઝિનત અમાન હીરો સંજય ખાન સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેણે સંજય ખાનના હાથનો માર કેટલીય વાર ખાધો હતો. એક વાર તો સંજય ખાને તેને મુંબઈની પ્રખ્યાત ફાઇવસ્ટાર હોટેલ ‘તાજ’માં લોકોની વચ્ચે ફટકારી હતી. એ વખતે સંજય ખાને તેને એટલી મારી હતી કે ઝિનતની એક આંખમાં ગંભીર ઈજા થઈ હતી.

ઝિનતે પછી તેનાથી નાની ઉંમરના અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યાં હતાં. એ લગ્નજીવન પણ તેના માટે યાતનામય નીવડ્યું હતું. તેણે મઝહર ખાનના હાથનો માર પણ ખાવો પડ્યો હતો. મઝહર ખાન દ્વારા થતા અત્યાચારો હદ વળોટી ગયા ત્યારે ઝિનતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેર કર્યું હતું કે મઝહર સાથેનું લગ્નજીવન બહુ પીડાદાયી નીવડ્યું છે.


ઝિનતની જેમ સલમાન ખાનની એક સમયની પ્રેમિકા એવી ભૂતપૂર્વ અભિનેત્રી સોમી અલીએ ફાઇવસ્ટાર હોટેલમાં સલમાનના હાથનો માર ખાધો હતો. સોમી અલીએ મીડિયાને કહ્યું હતું કે સલમાન સાથે મારા બ્રેકઅપ પછી પણ સલમાન મને કોલ કરીને ગાળો આપતો હતો. ઐશ્વર્યા રાયે પણ કબૂલ્યું હતું કે સલમાને તેના પર હુમલો કર્યો હતો. સલમાન ઐશ્વર્યાના પ્રેમમાં હતો ત્યારે તેણે મધરાતે ઐશ્વર્યાના ઘરે જઈને તેના ઘરના દરવાજા પર લાતો મારી હતી અને ઐશ્વર્યાને ગાળો ભાંડી હતી. એ પછી ઐશ્વર્યાએ તેની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.


બોલિવૂડની ટોચની હિરોઇન રહી ચૂકેલી પ્રીટિ ઝિન્ટાએ પણ મીડિયા સામે જાહેર કર્યું હતું કે મારો બોયફ્રેન્ડ નેસ વાડિયા મને મારતો હતો. અત્યારે સફળતાની ટોચ પર પહોંચેલી હિરોઇન કંગના રનૌત કરિયર બનાવવા માટે મથી રહી હતી એ સમયે આદિત્ય પંચોલી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આદિત્ય પંચોલી તેને મારતો હતો તેને કારણે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. કંગનાએ પછી મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે આદિત્ય પંચોલી મને બેરહેમીથી મારતો હતો.


મિસ વર્લ્ડ બનેલી યુક્તા મુખીએ બોલિવૂડમાં કરિયર બનાવવાની કોશિશ કરી હતી, પણ પછી તે પ્રિન્સ તુલી નામના બિઝનેસમેનને પરણી ગઈ હતી. જોકે, થોડા સમય પછી તેના લગ્નજીવનનો અંત આવી ગયો હતો. યુક્તાએ ફરિયાદ કરી હતી કે તેને તેના પતિ પ્રિન્સ તુલીએ ખૂબ મારી હતી. યુક્તાએ પતિ સામે પોલીસ સમક્ષ પણ ફરિયાદ કરી હતી.

આવી જ રીતે ટોચની ટીવી હિરોઇન શ્વેતા તિવારી પણ તેના પતિ દ્વારા હિંસા સહન કર્યા પછી પોલીસ પાસે મદદ માગવા ગઈ હતી અને તેની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ રાજા તિવારીની ધરપકડ પણ કરી હતી. એક સમયની અત્યંત સફળ અભિનેત્રી રતિ અગ્નિહોત્રી પણ પતિના હાથનો માર ખાતી હતી. તેની સહનશક્તિ ખતમ થઈ ત્યારે તેણે તેના પતિ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી.


ઝિનત અમાન અને સોમી અલીની જેમ અન્ય હિરોઇનોએ પણ જાહેરમાં પ્રેમીના હાથનો માર ખાધો છે. એક્ટ્રેસ સોનલ ચૌહાણને તેના બોયફ્રેન્ડ સાહિલ ઝારૂએ એરપોર્ટ પર લોકોની હાજરીમાં ફટકારી હતી. એવું નથી કે માત્ર ભારતીય હિરોઇનો જ પ્રેમી કે પતિ દ્વારા હિંસા સહન કરે છે. હોલિવૂડની વિખ્યાત અભિનેત્રી અને બોન્ડ ગર્લ તરીકે જાણીતી હેલી બેરીએ પણ મીડિયા સામે કબૂલાત કરી હતી કે મેં બાળપણમાં મારા પિતાનો માર સહન કર્યો હતો અને યુવાન થયા પછી મારા એક બોયફ્રેન્ડના હાથે માર ખાધો હતો. તેણે કહ્યું હતું કે મારા એ બોયફ્રેન્ડે મને એક વાર એટલી મારી હતી કે હું મારા એક કાનની એંસી ટકા શ્રવણશક્તિ ગુમાવી બેઠી હતી.


જગમશહૂર પોપસિંગર-એક્ટ્રેસ મેડોનાને તેના ભૂતપૂર્વ પતિ સીન પેને સળંગ નવ કલાક સુધી મારી હતી. એ પછી મેડોનાએ તેની વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી અને તેની સાથેના સંબંધનો અંત આણ્યો હતો. વિખ્યાત સિંગર-એક્ટ્રેસ રિહાના એક્ટર-સિંગર ક્રિસ બ્રાઉન સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેણે તેના હાથનો ખૂબ માર ખાધો હતો.

એક વાર તો ક્રિસ બ્રાઉને તેને ઘરની બારી પાસે ઊભી રાખીને લોકો જોઈ શકે એ રીતે બેફામ મારી હતી. ક્રિસ બ્રાઉનના હિંસક સ્વભાવને કારણે રિહાના એક વાર તો તેને છોડીને જતી રહી હતી, પણ પછી વળી ક્રિસ બ્રાઉને ખાતરી આપી કે હવે હું તને નહીં મારું. એ પછી તે ફરીવાર તેની સાથે રહેવા લાગી હતી અને ફરી થોડા જ દિવસમાં ક્રિસ બ્રાઉને તેને બેરહેમીથી ફટકારી હતી. છેવટે રિહાનાએ તેની સાથેનો સંબંધ કાયમ માટે પૂરો કરી નાખ્યો હતો.

એ પછી રિહાનાએ મીડિયા સામે કબૂલ્યું હતું કે હું ફરી વાર ક્રિસ બ્રાઉન સાથે રહેવા ગઈ એ મારી મોટી ભૂલ હતી.
હોલિવૂડ એક્ટ્રેસ ટીના ટર્નરે તેના પહેલા પતિના ખૂબ અત્યાચારો સહન કર્યા હતા. તેનો પતિ તેને જંગલીની જેમ મારતો હતો. કેટલીક વાર તો તેને ટીનાને એટલી મારી હતી કે ટીના મરતાં-મરતાં બચી હતી. છેવટે એક વાર તેના પતિએ તેના પર કારમાં હુમલો કર્યો એ પછી ટીનાની સહનશક્તિ ખૂટી ગઈ અને તેને તેના પતિ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી તેમના લગ્નજીવનનો અંત આવ્યો હતો અને ટીનાની કરીઅર ફરી પાટે ચડી હતી.


ભારતીય અને વિદેશી અભિનેત્રીઓના આવા તો કેટલાય કિસ્સાઓ છે. આવી ભારતીય કે વિદેશી અભિનેત્રીઓએ માન્યામાં ન આવે એ હદ સુધી અત્યાચારો સહન કર્યા પછી અવાજ ઉઠાવવાની હિંમત કરી એવું લગભગ તમામ કિસ્સાઓમાં બન્યું છે. એ વાત આશ્ચર્યજનક અને આઘાતજનક છે કે સંબંધ ટકાવવા માટે આવી અભિનેત્રીઓ લાંબા સમય સુધી પતિ કે પ્રેમીના હાથનો માર ખાતી
રહે છે.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી